Tuesday, August 8, 2017

ટાઈટલ મ્યુઝીક (4) : પ્રેરણા નહીં, સીધેસીધી નકલ


મૌલિકતા એટલે ન પકડાયેલી ચોરી. હળવાશમાં આવું કહેવાય છે, જેમાં તથ્ય પણ છે. ચોરી કરવી, ઉઠાંતરી કરવી, નકલ કરવી જેવા શબ્દો કરતાં 'પ્રેરિત થવું' શબ્દ જરા સન્માનજનક છે. સંગીતનું માધ્યમ સર્જનાત્મક છે, પણ તેની સાથે સંકળાયેલા બધા જ સર્જક હોય એ જરૂરી નથી. એવું જ અન્ય કળાઓ બાબતે કહી શકાય. ફિલ્મસંગીતમાં સર્જનાત્મકતાની સાથે સાથે વ્યાવસાયિકતા પણ ભળેલી હોય છે. ગમે એવી પ્રચંડ કાબેલિયત ધરાવતા સંગીતકાર વ્યાવસાયિક અભિગમ ન રાખે તો તે નિષ્ફળ જાય એવી તમામ સંભાવના છે. અને ઘણા તો એ હદનો વ્યાવસાયિક અભિગમ રાખે છે કે સર્જનાત્મકતાને પણ તેઓ ગૌણ ગણે છે.
હિન્દી ફિલ્મસંગીતમાં આવી 'પ્રેરણા' વરસોથી વહેતી રહી છે. પચાસ કે સાઠના દાયકામાં કેટલાય ગીતોની ધૂન સીધેસીધી અન્ય પ્રદેશની ધૂનોમાંથી લેવામાં આવી હતી. ભાગ્યે જ કોઈ સંગીતકાર આમાંથી બાકાત હશે. હવે તો એવાં પ્રેરીત ગીતો અને મૂળ ગીતો સંભળાવતી આખેઆખી વેબસાઈટ પણ છે. પણ એનો અર્થ એમ નહી કે એમ કરનાર સંગીતકારોમાં કાબેલિયત નહોતી. તેમની બીજી સ્વરરચનાઓ સાંભળતાં આ હકીકતનો અહેસાસ થાય છે.
પચાસના, સાઠના અને સીત્તેરના દશકમાં 'બીનાકા ગીતમાલા'ની લોકપ્રિયતા ટોચ પર હતી. અમીન સયાની દ્વારા રજૂ કરાતા આ કાર્યક્રમમાં ગીતોના ક્રમ માટે વપરાતો 'પાયદાન' શબ્દ આજે પણ ઉદઘોષકો 'બાદાન' તરીકે વાપરે છે. આ કાર્યક્રમમાં અમીન સયાની બિનાકામાં પહેલી વાર વાગતું ગીત, સરતાજ ગીત, અમુક વખત વાગ્યા પછી નિવૃત્ત થતું ગીત, પહેલી જ વાર 'ચોટી'એ પહોંચતું ગીત - એ રીતે ગીતોની રજૂઆત કરતા અને આવી દરેક શ્રેણી માટે અલગ અલગ સિગ્નેચર ટ્યૂન પણ તેમણે નક્કી કરેલી, જે તેઓ વગાડતા. પણ આ બધામાં સૌથી મસ્ત, અને લાંબી સિગ્નેચર ટ્યૂન ખુદ 'બિનાકા ગીતમાલા'ની પોતાની હતી. ચાહકો પોણા આઠથી રેડિયો સિલોન ચાલુ કરી દેતા અને નવ ને પાંચ સુધી એ સ્ટેશન રાખતા, જેથી કાર્યક્રમના આરંભે અને અંતે વાગતી આ ધૂન આખેઆખી સાંભળી શકાય.
ધૂનનો આટલો ટુકડો હકીકતમાં એક લાંબી અને અદભૂત ધૂનનો આકર્ષક હિસ્સો છે. Edmundo Ruso ના 'સ્પેનિશ જિપ્સી ડાન્સ'ની એ ધૂન હવે તો યૂ ટ્યૂબ પર આખેઆખી ઉપલબ્ધ છે અને તેના જુદાજુદા વર્ઝન પણ સાંભળી શકાય છે. એવી એક લીન્ક આ રહી. 

જી.પી.સીપ્પી નિર્મિત, પ્રમોદ ચક્રવર્તી નિર્દેશીત ફિલ્મ 12 ઑ'ક્લોક (1958) ના ટાઈટલ મ્યુઝીકમાં પ્રિય સંગીતકાર ઑ.પી.નય્યરે આ ધૂનને કશા ફેરફાર વિના, એમની એમ લીધી. એ જ ટેમ્પો, અને એ જ વાદ્યો.
'12 ઑ'ક્લોક' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.25 સુધી છે.

આ જ ધૂન સંગીતકાર રોબીન બેનર્જીએ 'રૂસ્તમ કૌન' (1966) ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં પણ એ જ રીતે વાપરી છે. 'રૂસ્તમ કૌન' ફિલ્મની આ લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 2.24 સુધી છે.

**** **** ***** 

આવી બીજી અતિ પ્રચલિત ધૂન છે 'કમ સપ્ટેમ્બર'ની. 1961માં રજૂઆત પામેલી આ અંગ્રેજી ફિલ્મનું થીમ મ્યુઝિક અતિશય લોકપ્રિય બની રહ્યું છે. પહેલાં તેની મૂળ ધૂન સાંભળીએ. 


આ મૂળ ધૂનને સહેજ પણ ફેરફાર વિના 1963 માં રજૂઆત પામેલી મહેમૂદની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'કહીં પ્યાર ન હો જાયે'ના ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી. આ ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. અહીં આપેલી આ ફિલ્મની લીન્‍કમાં 1.40 સુધી ટાઈટલ મ્યુઝિક છે, જેમાં તે સાંભળી શકાશે. 


અલબત્ત, આટલી જાણીતી ધૂન પર કોઈ શબ્દો ન લખાય એમ બને ખરું? સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલા એક બિનફિલ્મી ગીત 'રિમઝીમ રિમઝીમ રિમઝીમ બરસે યે મોતી કે દાને' સીધું આ જ તર્જ અને સંગીત પર લખાયું. અહીં ટાઈટલ મ્યુઝીકની મુખ્ય વાત કરવાની હોવા છતાં આ ગીત સાંભળી લઈએ. 



પાકિસ્તાની સંગીતકાર પણ તેનાથી પ્રેરિત થયા. 1962માં આવેલી 'દાલ મેં કાલા' નામની પાકિસ્તાની ફિલ્મમાં 'સમઝ ન આયે, દિલ કો કહાં લે જાઉં' ગીત આ તર્જ પર લખાયું. એ ગીત આ રહ્યું. નાહીદ નિયાઝીએ ગાયેલા આ ગીતને મુસ્લેહુદ્દીન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું. તેના ગીતકારની માહિતી ઉપલબ્ધ નથી. 

                                           


1995માં આવેલી ફિલ્મ 'બાઝી' માં અનુ મલિકે આ ધૂન પર ગીત રચ્યું, જેના શબ્દો હતા 'ડોલે ડોલે દિલ મેરા ડોલે'.



1995માં જ આવેલી 'રાજા' ફિલ્મમાં ગીતકાર સમીરે 'નઝરેં મિલી, દિલ ધડકા' ગીત આ જ ધૂન પર લખ્યું, જેમાં સંગીત નદીમ-શ્રવણે આપ્યું. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં ફિલ્મનાં અન્ય ગીતની સાથે સાથે આ ધૂનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. 'રાજા' ફિલ્મની આ લીન્‍કમાં 2.45 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જેમાં 2.04 થી 'કમ સપ્ટેમ્બર'ની એટલે કે 'નઝરેં મિલી'ની ધૂન શરૂ થાય છે.  




કોઈ વિદેશી સંગીત પરથી 'પ્રેરિત' થયા હોય એવા ઉદાહરણો અનેક છે, પણ સીધેસીધી નકલ થઈ હોય એવાં ટાઈટલ મ્યુઝીક આ પોસ્ટમાં કેન્‍દ્રસ્થાને છે.

(નોંધ: તમામ લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી) 

No comments:

Post a Comment