-
ઉત્પલ ભટ્ટ
(અમદાવાદના ઉત્પલ ભટ્ટ દ્વારા પ્રોજેક્ટ યુનિફોર્મનો
અત્યંત સંવેદનાપૂર્ણ અહેવાલ)
“સાહેબ, એવું છે
ને....”
“શું ‘એવું છે’? અલ્યા,એકાદ
બે દહાડા સુધી હોય તો બરાબર છે. પણ આખો મહિનો સ્વીચ ઓફ્ફ?”
“સાહેબ....”
“શું ‘સાહેબ’?
દર વખતે સંદેશો બોલે કે યહ નંબર બંદ હૈ. તેં મારા મીસ્ડ કોલ તો જોયા હશે ને?”
“અરે સાહેબ, મારી વાત તો સાંભળો. અમારા
ગામમાં છેલ્લા એક મહિનાથી લાઈટ જ હતી નહીં. હવે તમે જ કહો કે લાઈટ ન હોય તો હું
મોબાઈલનું ચાર્જિંગ કેમનું કરું? આ આજે લાઈટ આવી તે ચાર્જિંગ
કરીને પહેલો ફોન તમને જોડ્યો. ”
**** **** ****
આ સંવાદ તદ્દન વાસ્તવિક છે. કંઈ દસ-બાર વરસ
જૂનો નથી. જ્યોતિગ્રામ યોજનાના સફળ અમલની જાહેરાત પછીનો અને માંડ એકાદ મહિના
પહેલાંનો છે આ સંવાદ. એક છેડે હતો મોગરા ગામનો કાનજી અને બીજે છેડે હતો હું.
કાનજીનો જવાબ સાંભળીને મને બે ઘડી તમ્મર ચડી ગઈ. કળ વળતાં થોડી મિનીટો લાગી. અગાઉ
મોગરા ગામે અમે યુનિફોર્મ માટે ગયા ત્યારનો અહેવાલ તમે અહીં http://birenkothari.blogspot.in/2012/04/blog-post_21.html પર
વાંચેલો જ છે. એ પછી આ કાનજી સાથે મિત્રતા બંધાઈ હતી. અઠવાડિયે એકાદ-બે વાર તેનો
ફોન આવે તો ચાર-છ દિવસે હું ફોન કરું. પણ એમાં એક વાર આ લાંબો ઝોલ પડી ગયો. પૂછતાં
આ કારણ જાણવા મળ્યું.
ખબર નહીં કેમ, જ્યારથી આ યુનિફોર્મ પ્રોજેક્ટ
શરૂ કર્યો છે ત્યારથી દરેક મુલાકાત પછી નવાં નવાં સત્યોનો ઉઘાડ થતો રહ્યો છે. આ
સત્યો બહુ વાસ્તવિક, આકરાં અને ઝટ ગળે ઉતરે એવાં નથી.
ક્યારેક થાય છે કે આપણે આપણા કામ સાથે મતલબ રાખવો. ચૂપચાપ યુનિફોર્મ આપીને સીધેસીધું
પાછા આવતું રહેવું. ત્યાંના લોકો સાથે ઝાઝી વાતો કરવી નહીં. કેમ કે, મોટે ભાગે દર વખતે એવું થતું હોય છે કે આ રીતે કોઈ ગામમાં જઈને આવીએ એ
પછી દિવસો સુધી મનમાં સતત એની એ જ વાત રમ્યા કરતી હોય. સરખેસરખા મિત્રો સાથે પણ
ફોન પર આ જ વાત ચાલે. પછી થાય કે એમ જોવા જઈએ તો આ યુનિફોર્મ આપવાનું કામ પણ ક્યાં
આપણું છે? આની પછવાડે જ વિચાર આવે કે તો પછી એ કામ કોનું છે? કોઈનું છીનવીને ખાવું એ વિકૃતિ છે, ભૂખ્યાને
જમાડવું એ પ્રકૃતિ છે, અને આપણી પાસે જે કંઈ, જેટલું પણ હોય એમાંથી ભાગ પાડીનેય જરૂરતમંદને આપવું એ સંસ્કૃતિ છે. આપણે આમાંથી
કયા ખાનામાં આવીએ છીએ એનો સાચો જવાબ સૂઝતો નથી અને સૂઝે તો ગળે ઉતરતો નથી.
મોગરા ગામે અમે છઠ્ઠી એપ્રિલ, ૨૦૧૨ના
રોજ ગયા. ત્યાર પછી આ જ વિસ્તારની મોટી ચીખલી ગામની શાળા
અમારા લીસ્ટમાં હતી. ૧ મે, ૨૦૧૨ના રોજ અમે ચાર જણા (હું, ગિરીરાજ ચાવડા, જયેશ પરમાર અને
કિરીટ બુધાલાલ પટેલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિર્મલ પટેલ) ક્વાંટ જવા ઉપડ્યા. સવારના સાડા નવ વાગે ત્યાં પહોંચ્યા ત્યારે અમારી રાહ જોવાઈ રહી હતી. ઢોલનૃત્યથી અમારું શાનદાર સ્વાગત કરવામાં
આવ્યું. અમને થયું કે આંગણે ટપાલ આપવા આવેલા કુરિયર કંપનીના માણસને આપણે પાણીના
પ્યાલાનો ભાવ પણ માંડ પૂછીએ છીએ. એનું કદી ઢોલ વગાડીને સ્વાગત કરીએ છીએ? તો અહીં અમારી ભૂમિકા કુરિયરથી વિશેષ નથી જ નથી. છતાંય આવું શાનદાર
સ્વાગત? શું આપણે એને લાયક છીએ ખરા?
અમારી આસપાસ નાચીકૂદી રહેલા લોકો અને ઉભો
થયેલો ઉત્સવમય માહોલ જોઈને ઘડીભર ચૂંટી ખણીને જોવાનું મન થઈ આવે કે આ સત્ય છે કે
સ્વપ્ન? અહીંની પ્રજા કઈ હદે અભાવમાં જીવી રહી છે કે ‘મદદ’રૂપી આવી વાછટ એને અષાઢી વરસાદનું ઝાપટું લાગે છે અને એ હરખઘેલી થઈ જાય
છે. જો કે, હવે અમને ખબર પડી ગઈ છે કે અહીં તો આવી વાછટ પણ
આવતી નથી. એમને શી રીતે સમજાવવા કે ભાઈઓ, અમારા શહેરવાળાઓની
જેમ તમેય બીજે ક્યાંક પડી રહેલા વરસાદનાં ઝાપટાં જોઈને આનંદ માણતાં શીખી જાવ. એક
વાર આનંદ માણવાનું ફાવી જશે એ પછી ધીમે ધીમે ગર્વ લેવાનું પણ આવડી જશે. બસ, પછી તમારાં તમામ દુ:ખદર્દ દૂર થઈ જશે.
ખેર, આવા આવા વિચારો મનમાં આવતા
હતા અને શમી જતા હતા. મોટી ચીખલી ગામની શાળાનાં કુલ ૧૯૯ વિદ્યાર્થીઓને (૧૦૦ છોકરા + ૯૯ છોકરીઓ) અને જલ્લી ફળિયાની શાળાનાં કુલ ૩૪ વિદ્યાર્થીઓને (૧૯ છોકરીઓ + ૧૫
છોકરા) યુનિફોર્મ વિતરણ કર્યો. ભાવભીનું આતિથ્ય માણીને પાછા ફર્યા. આ
વિસ્તારની, આ શાળાની બીજી પણ કેટલીક વાતો લખવી છે, પણ એ ફરી ક્યારેક. હાલ પૂરતું તો ત્યાર પછીની લીંબોદરાની શાળાની વાત
કરું.
**** **** ****
અગાઉ ત્રણ ત્રણ મહીનાના અંતરે લખાયેલા બે
પત્રો પછી અનાયાસે એવો ક્રમ થઈ ગયો છે કે આટલો સમયગાળો વીતે એટલે અમારા ‘પ્રોજેક્ટ
યુનિફોર્મ’ની પ્રગતિની વાતો સૌની સાથે વહેંચું. કેમ કે, દર વખતે કોઈ
ગામની મુલાકાત લેવાની થાય ત્યારે કામ પૂરું કરીને પાછા ફરીએ એ ઘડીથી જ કોની સાથે ત્યાંના
અનુભવો વહેંચીએ એની ચટપટી થતી રહે છે. દર વખતે બને છે એવું કે ગયા હોઈએ કંઈક પહોંચાડવા-
આપવા, પણ આવીએ કંઈક લઈને, કશુંક પામીને.
પૂર્વ વિસ્તારનાં મોગરા અને મોટી ચીખલી
ગામોની શાળાનું કામ ચાલતું હતું એ દરમ્યાન જ અમારી પાસે લીંબોદરા ગામની શાળાની
વિગત આવી હતી. આ શાળામાં કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ હતા. એ હિસાબે સંખ્યાની દૃષ્ટિએ આ અત્યાર
સુધીની કદાચ સૌથી મોટી શાળા હતી. દરેક વિદ્યાર્થીને બે જોડ યુનિફોર્મ માટે માથાદીઠ
સાતસો રૂપિયા ગણીએ તો પણ રૂ. ૧,૩૩,૦૦૦/- થાય. મતલબ
કે રકમ મોટી અને એકઠી થતાં થોડી વાર લાગે એવી કહી શકાય. આ કારણે જ આ શાળા ક્યારની
અમારી યાદીમાં હોવા છતાં તેનો ઝટ વારો આવતો ન હતો. સદભાગ્યે રાહ જોયેલી ફળી અને અમદાવાદનું
જ એક ટ્રસ્ટ એકલપંડે આ શાળા સ્પોન્સર કરવા તૈયાર થઈ ગયું. પહેલી મે, ૨૦૧૨ના દિવસે
અમે મોટી ચીખલીમાં હતા, તો તેના બરાબર બે મહિના પછી પહેલી જુલાઈ, ૨૦૧૨ના
રવિવારની વહેલી સવારે અમે ઉપડ્યા લીંબોદરા જવા. લીંબોદરા જતાં રસ્તે આવતા એક
નાનકડા ગામ હજુરવાડની એક શાળાની પણ અમારે મુલાકાત લેવાની હતી.
લીમ્બોદરાની આ શાળામાં કુલ ૩૨૧ વિદ્યાર્થીઓ (૧૯૦ છોકરાઓ + ૧૩૧ છોકરીઓ) છે. અગાઉથી જાણ કરીને મિત્ર જયેશ આ શાળામાં માપ લેવા ગયો ત્યારે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આવ અડધી હતી. પૂછતાં ખબર પડી કે લગનગાળો ચાલતો હોવાથી અમુક બાળકો મા-બાપ
સાથે બહારગામ ગયા હતા. આને કારણે ૧૩૧ બાળકો બાકી રહી ગયા. આ બાબતની જાણ અમને મોડેથી થઈ. આની સામે તારાબહેનનું
ઉદાહરણ યાદ આવી ગયું. આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે શરૂપુર ટીમ્બીની શાળામાં માપ લેવા પ્રથમ વખત જયેશ ત્યાં ગયો ત્યારે ત્યાંના શિક્ષિકા તારાબહેને ગામમાં ઘેર-ઘેર ફરીને બધા બાળકોને ભેગા કર્યા હતા. (આ જ તારાબેન પાસેથી જાણવા મળ્યું કે તેમની શાળામાં નવા દસેક એડમિશન થયા છે. આ બાળકોનું માપ લઈને તેમને પણ નવો યુનિફોર્મ મોકલી આપવામાં આવશે, જેથી એ દસ બાળકોને એમ ન થાય કે પોતે રહી ગયા.)
જો કે, થોડા દિવસ પછી જયેશ ફરીથી લીમ્બોદરા જઈને બાકી રહેલાં વિદ્યાર્થીઓનાં માપ લેતો આવ્યો.
હવે એ બાકીના યુનિફોર્મ પણ સિવાઇ રહ્યા છે. આ મહિનામાં એ ૧૩૧ બાળકોના કુલ ૨૬૨ જોડ અને હજુરવાડના ૩૧ બાળકોના ૬૨ જોડ યુનિફોર્મનું વિતરણ કરાશે.
આ વખતે નોટબૂક પણ આપવાની હતી. |
એક વાતનો ઉલ્લેખ જરૂરી સમજું છું કે ઘણા
મિત્રો અમને વખતોવખત અવનવાં સૂચન કરતાં રહે છે અને એક યા બીજી ચીજોની અથવા તો એકને
બદલે બીજી વસ્તુની સહાય પૂરી પાડવા અંગે સલાહ આપે છે. આના માટે એ સૌનો આ પ્રવૃત્તિ
માટેનો સદભાવ અને નિસ્બત જ જવાબદાર છે. પણ અમે એક વાત
નક્કી રાખી છે. અમારું ધ્યેય દરેક વિદ્યાર્થીને વરસના બે જોડ યુનિફોર્મ પૂરી
પાડવાનું છે. આ સિવાય બીજું કોઈ તેમના માટે કંઈક કરવા ઈચ્છે તો એ આવકાર્ય છે. પણ
અમારું લક્ષ્ય અમે હાલપૂરતું બદલવા માંગતા નથી. કેન્દ્રિત રહીને આ જ ક્ષેત્રે
સરખું કામ કરવું છે.
પણ આ વખતે એક-બે બાબતોનો સુખદ ઉમેરો થયો.
અમને જાણ થઈ કે અમદાવાદના પાલડી ખાતે આવેલા જલારામ મંદિરમાં સાવ કિફાયત દરે (પાંચ
રૂપિયાની એક નોટબુક) બાળકો માટે નોટબુક આપવામાં આવે છે. વિદ્યાર્થીદીઠ છ નોટબુક લેખે એ રીતે કુલ ૧૧૪૦ નોટબુકો થાય. તપાસ
કરતાં ખબર પડી કે મંદિર પાસે કુલ ૧૫૦ ડઝન નોટબુક્સ હતી અને એ બધી જ તેમણે
વાજબી દરે આપવાની તૈયારી દેખાડી. એટલે અમે નક્કી કર્યું કે બધી જ નોટબુક્સ લઈ
લેવી. આ નિમિત્તે જલારામ મંદિરના પબ્લિક ચેરીટેબલ
ટ્રસ્ટના હોદ્દેદારો સાથે વાત નીકળતાં તેમણે હોંશભેર તમામ વિદ્યાર્થીઓ માટે ગાંઠીયા અને ગળી
બુંદી અમારા દ્વારા પહોંચાડવાની તૈયારી બતાવી. નિયત દિવસે અમે એ પણ લઈ જવાનું નક્કી
કર્યું.
**** **** ****
૧ જુલાઈ, ૨૦૧૨ને
રવિવારની વહેલી સવારે સાડા પાંચે જ મુસાફરીનો આરંભ થઈ ગયો. પણ એ તો ઘેરથી. હજી
મિત્ર જયેશ પરમારની દુકાનેથી યુનિફોર્મનાં ખોખાં ચડાવવાનાં હતાં, જલારામ
મંદિરેથી ગાંઠીયા અને બુંદી તેમજ દોઢસો ડઝન નોટબુક્સ પણ લેવાની હતી. આમ, ભાડે કરેલી ‘ટવેરા’ ગાડીની માલવહન
ક્ષમતાનો પૂરેપૂરો કસ કાઢવાનો હતો.
અમારી સાથે આ વખતે પ્રેમપૂર્વક યુનિફોર્મ
સીવનાર મિત્ર જયેશ પરમાર જોડાવાના હતા. તો ‘કિરીટ બુધાલાલ
ફાઉન્ડેશન’ના ટ્રસ્ટી નિર્મલ પટેલ પણ આવવાના હતા.
ઉપરાંત મારા બે સહકાર્યકરો ગિરીરાજ ચાવડા, નીરવ પટેલ અને ખાસ મિત્ર નીરવ પુરોહિત મદદકર્તા તરીકે સાથે જ હતા. આમ, ડ્રાઈવર સહિત
કુલ સાત જણા અને સાથે ભરપૂર સામાન! ‘ટવેરા’ને અમે મીની
ટ્રકમાં ફેરવી દીધી હતી એમ કહો તોય ચાલે! અલબત્ત, બીરેન કોઠારી કદાચ ‘ટવેરા’ને ‘ટ્રક’માં રૂપાંતરીત કરવામાં પોતાનું પ્રદાન આપવા નહીં માગતા હોય, તેથી તે આ વખતે જોડાયા નહોતા.
અમારે પહોંચવાનું હતું ગુજરાતની ઉત્તરે આવેલા
સાબરકાંઠા જીલ્લાના મેઘરજ
તાલુકાના લીંબોદરા ગામે. મેઘરજ તાલુકો એટલે ‘ડાર્ક ઝોન’. અને ‘ડાર્ક ઝોન’ એટલે સરકાર
દ્વારા ઘોષિત કુદરતી કે કૃત્રિમ અભિશાપયુક્ત અંધાર મુલક. વચ્ચે એકાદ સ્ટેશન કરીને
અમે ચીલોડા, મોડાસા થઈને માલપુર વટાવ્યું. માલપુર પછી મોરડુંગરીના
રસ્તે વળીએ એટલે આગળ જતાં લીંબોદરા આવે. જો કે, લીંબોદરા
પહેલાં હજુરવાડ ગામની શાળાએ અમારે થોભવાનું હતું.
"લખો, લંબાઈ...": હજૂરવાડમાં માપ લેતો જયેશ |
જયેશ સાથે હતો જ. વગર કહ્યે તેણે
સૌ બાળકોનાં યુનિફોર્મનાં માપ લઈને નોંધવા માંડ્યા. અમે ગાંઠીયા અને બુંદી અહીં
આપ્યાં, જે સૌએ તરત જ હોંશે હોંશે ખાધાં. ગાંઠીયા
અને બુંદી જેવો નાસ્તો જે લિજ્જતથી સૌ આરોગતાં હતાં એ જોઈને મનમાં અનેક
લાગણીઓ પેદા થઈ ગઈ. આ શાળાનાં બાળકોનું માપ લઈને અમારે હજી વીસેક કિલોમીટર છેટે
રહેલી લીંબોદરાની જૂથ શાળામાં જવાનું હતું.
બહુ ઝડપથી અહીં યુનિફોર્મ તૈયાર કરીને
પહોંચાડવાનું વચન આપીને અમે નીકળ્યા અને લીંબોદરા પહોંચ્યા. ફોનથી સતત સંપર્કમાં
હોવાને કારણે તેમને ખબર હતી કે હવે અમે પહોંચવામાં જ છીએ. અમે જોતજોતામાં ત્યાં
પહોંચ્યા.
વહેંચાયેલી જવાબદારી |
દરેક વિદ્યાર્થીના નામોનું ચેકલીસ્ટ બધા પાસે
રહે છે. ગિરીરાજભાઈ અને નીરવ વિતરણનું આયોજન કરવામાં લાગી ગયા. જયેશ દરેક
વિદ્યાર્થીના નામથી વાકેફ હતો એટલે એ મદદમાં જોડાયો. આ શાળા નીરવ પટેલે 'લોકેટ' કરી હતી એટલે તેના પરિચિત શિક્ષિકા રાધાબેન પટેલે વિતરણ માટેની જરૂરી વ્યવસ્થા
કરી રાખી હતી. ધોરણ મુજબ યુનિફોર્મનું વિતરણ શરૂ થયું. યાદી ઘણી લાંબી હોવાથી
કાર્યક્રમ લાંબો ચાલવાનો હતો. એટલે હું બાળકો સાથે વાતોએ વળગ્યો.
આ વાતચીત દરમ્યાન મને અહીંના બાળકોમાં જે વલણ
જોવાં મળ્યાં એમાંનાં કેટલાંક અહીં ઉલ્લેખું છું.
એક સર્વસામાન્ય લક્ષણ એ જોવા મળ્યું કે ‘શહેરી’ લોકોને જોઇને
શાળાના મોટા ભાગના બાળકો મૂરઝાઈ જાય છે. ખૂલીને વાત કરવાનું તેઓ ટાળે છે. શહેરી
લોકો આવીને ફોટા પાડી-પડાવીને, વાયદા કરીને
ઉપડી જાય છે, એવી સર્વસામાન્ય માન્યતા જવાબદાર હશે? કે પછી તેમનું વ્યક્તિત્વ ખીલી શકે એવું કોઇ
પણ પ્રકારનું 'એક્સપોઝર' તેમને નથી મળતું એ કારણ હશે? પોતાના
મા-બાપને તેમણે હંમેશા દાડિયા મજૂર તરીકે જ જોયા છે. આ કામ એવું છે કે તેમની ગણતરી
માણસમાં કરીનેય જાણે કે તેમની પર ઉપકાર કરતા હોય એવું લોકો માને છે. એક બાજુ ‘હ્યુમન રાઈટ્સ
કમિશન’ જેવી માનવોને તેમના મૂળભૂત અધિકારો અપાવવા
માટે મથતી સંસ્થા છે. બીજી બાજુ આવા અસંખ્ય લોકો છે જેમને પોતાના અધિકાર મેળવવાની
વાત તો ઠીક, પોતાનો કોઈ અધિકાર હોઈ શકે એની સુદ્ધાં ખબર
નથી. એકવીસમી સદીના પહેલા દાયકાની સમાપ્તિ પછી પણ હજી તેમના માટે મજૂરી કરવા સિવાય
કશું ભવિષ્ય જણાતું નથી.
આવી લાગણીઓ સાથે હું વાતોએ વળગ્યો. ધીમે ધીમે
થોડી વિદ્યાર્થીનીઓ વાતો કરવા માંડી અને ખીલવા માંડી. મેં સહજભાવે જ પૂછ્યું કે
ઘડિયા ક્યાં સુધીના આવડે છે. મને જાણવા મળ્યું કે શાળાનાં મોટા ભાગનાં બાળકોને એકથી
વીસ સુધીના ઘડિયા મોઢે આવડતા હતા. થોડા ઘડિયા સૌ સમૂહમાં બોલ્યા પણ ખરા. અત્યાર
સુધીની શાળાઓમાંથી એક આ જ શાળા એવી જોવા મળી કે જેમાં બાળકોને એકથી વીસના ઘડિયા
આવડતા હોય.
ક્લોઝ અપ સ્માઈલ |
મેરી ગાડી સબસે નિરાલી |
ઘણા બાળકો એવા હતા જે સજ્જનપુરા કંપા અને
ગોવિંદપુરા કંપા જેવા દૂરનાં ગામોથી ચાર-પાંચ કિ.મી. ચાલીને રોજ ભણવા માટે શાળાએ આવે
છે. તકલીફો વેઠીને પણ ભણવા માટેનો તેમનો આ ઉત્સાહ જોઇને ખૂબ આનંદ થયો. દરમ્યાન અહીં
દુનિયાનું શ્રેષ્ઠ રમકડું પણ જોવા મળ્યું. શાળાનો એક છોકરો સવારે અમે પહોંચ્યા
ત્યારથી બપોરે નીકળ્યા ત્યાં સુધી એ ગાડી ચલાવવામાં તલ્લીન હતો. વચ્ચે વચ્ચે એના
ફોટા પાડીએ ત્યારે 'પોઝ' આપે ને ફરી પાછો રમવામાં તલ્લીન થઈ જાય.
મોંઘા રમકડાં/વીડીયો ગેમ્સ જ બાળકોને આનંદ આપી શકે અને તેમનો વિકાસ કરી શકે એવી
માન્યતાથી પીડાતા માવતરો આ રમકડું તસવીરમાં જોઈ લે.
યુનિફોર્મ વિતરીત કરાયો. નોટબુક અને નાસ્તો
પણ સૌને અપાયાં. યુનિફોર્મ સીવવાની જવાબદારી સંભાળતા ‘પરમાર ટેલર્સ’વાળા મિત્ર જયેશ
પરમારે હવે યુનિફોર્મ મૂકવા માટે ખાસ શણની થેલીઓ તૈયાર કરાવડાવી છે. આમ કરવા
પાછળનો હેતુ એ કે આ થેલીઓ ‘સ્કૂલબેગ’ તરીકે વાપરી
શકાય.
બાળકોએ ટેસથી ગાંઠિયા-બુંદી ખાધાં અને હાથમાં
યુનિફોર્મની બેગ લઈને પોતપોતાને ઘેર જવા ઉપડ્યાં ત્યારે સૌના ચહેરા પરનું સ્મિત
જોઈને અમને બધાને આ કામ હજી આગળ વધારતા જવાની પ્રેરણા મળી. બપોરે એકાદ વાગ્યે અમે
પાછા આવવા નીકળ્યા. પાછા વળતાં અમારા સાથીદાર નીરવ પટેલના મોરડુંગરી ગામે થોભ્યા.
ત્યાં જોયેલા-અનુભવેલા ‘ભેંસપુરાણ’ની રસપ્રદ વાતો
બહુ જલદી અહીં લખવાની ઈચ્છા છે.
**** **** ****
હવે પછી અમારી યાદીમાં આ જ વિસ્તારની હજુરવાડ પ્રાથમિક શાળા છે, જેનાં તમામ ૩૧
બાળકોનાં માપ લેવાઈ ગયાં છે. આ ઉપરાંત લીમ્બોદરાના જ હરિજનવાસમાં આવેલી જૂથશાળા
નંબર ૪ પણ ધ્યાનમાં છે, જેમાં કુલ વિદ્યાર્થીસંખ્યા ૬૪ (૨૯ છોકરા + ૩૫ છોકરીઓ) છે. દ્વારકાના રૂપેણ બંદરની કુલ ૧૧૦
વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ધરાવતી શાંતિનગર શાળા પણ યાદીમાં છે.
આનંદના સમાચાર એ છે કે જે છ શાળાઓમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યાં છે એ
તમામ શાળાઓમાં આ વરસે પ્રવેશસંખ્યામાં વધારો નોંધાયો છે. આ કેવળ યોગાનુયોગ પણ હોઈ
શકે કે એમ ન પણ હોય. કોને ખબર? આપણે કરેલી
પ્રાર્થનાથી જ વરસાદ પડ્યો છે એમ માનવું ગમે છે, એવું જ અહીં
માનવાનું મન થાય છે.
ફરી એક વાર સૌને યાદ કરાવી દઉં કે કશી સંસ્થા કે સંગઠનના બેનર વિના શાળાના
બાળકોને વરસની બે જોડ યુનિફોર્મ મળે એ હેતુથી આ કામ અમે હાથમાં ઉપાડેલું છે. એક
જોડીના ૩૫૦/- રૂ. લેખે બે જોડીના ૭૦૦/- રૂ. થાય. શરૂઆતમાં એવો વિચાર કરેલો કે અતિશય
વધારે ફી ઉઘરાવતી ધનાઢ્ય શાળાઓમાં આ ‘પ્રોજેક્ટ
યુનિફોર્મ’ અંગે વાત કરવી અને દરેક વિદ્યાર્થી એક જોડના
રૂપિયા ૩૫૦/- આપે એવી વિનંતી કરવી. આમ થાય
તો ઘણું ફંડ એકઠું થઈ શકે. બે-ચાર શાળાઓમાં આવી વાત કરી જોઈ, પણ તદ્દન ઠંડો
પ્રતિભાવ મળ્યો. એમ લાગ્યું કે ‘એક્ટીવીટી બુક’માં નોંધ થાય
એટલા પૂરતી ‘એક્ટીવીટી’થી આગળ વધીને
ખરેખર કશું કરવાની ઈચ્છાશક્તિ ત્યાં નથી. એટલે હાલ પૂરતી એ વાત પડતી મૂકાઈ છે. કોલેજમાં
ભણતાં છોકરા છોકરીઓ પણ આવું વિચારી શકે. મહિને પોકેટમની તરીકે તેઓ આનાથી ઘણા વધુ રૂપિયા વાપરી કાઢતા હોય છે. મુંબઈ
જેવા શહેરમાં તો મલ્ટીપ્લેક્સમાં એક ફિલ્મનો બે જણનો ટિકિટનો ખર્ચ અને બહાર જમવાનો
ખર્ચ આનાથી વધુ થાય છે. એમાં કાપ મૂકવાની જરૂર નથી, પણ આવા બાળકો
માટે એક વરસ ચાલનારી બે જોડીનાં નાણાં ફાળવી જ શકાય,એ
વિચારવાની જરૂર છે.
આપ મારો સંપર્ક ફોન + 91 97129 07779 પર કે
ઈ-મેઈલ bhatt.utpal@gmail.com પર કરી શકો છો. કોઈને ઠીક લાગે તો એ પોતાના વિસ્તારમાં પોતાની રીતે પણ કામ
કરી શકે છે. દરેક જણ દીવો પેટાવશે તો જ આ અંધકાર દૂર થઈ શકશે.
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)
Go ahead Utpalbhai,
ReplyDeleteOur well wishes are with your activity.
આ લેખમાં સૌથી વધારે વેધક વાત મને આ લાગીઃ અહીંની પ્રજા કઈ હદે અભાવમાં જીવી રહી છે કે ‘મદદ’રૂપી આવી વાછટ એને અષાઢી વરસાદનું ઝાપટું લાગે છે અને એ હરખઘેલી થઈ જાય છે.
ReplyDeleteઆવી પ્રવૃત્તિઓ વધારે ને વધારે થાય - એવી આશા અને પ્રાર્થના.
ReplyDeleteReal initiative ! Kudos to Team Uniform led by Utpal Bhatt.Keep the goodwork going !
ReplyDelete