Tuesday, June 27, 2017

પીછા કરો....(૨)


વરસો અગાઉ એક કાર્યક્રમમાં બે મીમીક્રી કલાકાર અતુલ અને ભુપેન્દ્રને સાંભળવાનું બન્યું હતું. તેઓ બે વિશેષ આઈટમને કારણે યાદ રહી ગયા છે. તેમણે ફક્ત મોંએથી પશ્ચિમી સંગીતની સાઉન્ડટ્રેક વગાડી હતી અને એ જ રીતે મોંએથી અંગ્રેજી ફિલ્મનું ટ્રેલર સંભળાવ્યું હતું. તેમાં કારની બ્રેકની ચીચીયારીઓ, ગનશૉટ, ચુંબનના અવાજ વગેરે સાથે વિવિધ પશ્ચિમી વાદ્યોની જોરદાર અસર ઊભી કરી હતી. (એવું એ વખતે, અને ખાસ તો સ્ટેજ પરથી સાંભળતાં એમ લાગ્યું હતું.)
મોટે ભાગે કારચેઝ સાથે અંગ્રેજી ફિલ્મો સંકળાયેલી હતી અને તેની સાથે બ્રેકની ચીચીયારીઓના અવાજ પણ. જો કે, મારે જેમાં ભાગ લેવાનો આવ્યો એ બેમાંથી એકે ચેઝમાં એવું કશું સંભળાયું નહોતું. આ પહેલાંની પોસ્ટમાં જણાવ્યું એમ મારે કાર ચલાવવાની નહોતી કે નહોતો મારે કોઈ કારનો પીછો કરવાનો. બંને કિસ્સામાં મારે ટ્રેન જ પકડવાની હતી. પહેલો કિસ્સો 1986 નો છે, જ્યારે બીજો કિસ્સો 2005ના જાન્યુઆરીનો છે.
**** **** ****
રાજા નામ મેરા, જો ના ભૂલ કરે...

મારાં બંને સંતાનો હવે એટલાં મોટાં થઈ ગયાં હતાં કે તેમને લઈને ફરવા માટે જઈ શકાય. શચિ લગભગ દસ-અગિયાર વરસની, અને ઈશાન છ-સાતનો હતો. અમે એવી કંપની શોધી રહ્યા હતા, જે અમારી સાથે હળીભળી જાય. મને એમ હતું કે કોઈ સહકાર્યકરની સાથે નથી જવું. કેમ કે, ગમે એટલું ઈચ્છીએ તો પણ છેવટે ફરવાના સ્થળે ઓફિસની વાતો નીકળે જ નીકળે. એ સ્થિતિ હું ટાળવા માંગતો હતો. એમ તો મારું મહેમદાવાદનું મિત્રવર્તુળ ખરું, પણ એમાંથી કોને ફાવે અને કોને નહીં એ ખ્યાલ નહોતો. કારણ એ કે અમે લોકો ઉત્તરાયણના અરસામાં ફરવા જવા માંગતા હતા. એ વખતે મને યાદ આવ્યો પરેશ પ્રજાપતિ. તે આમ તો ઉર્વીશનો સહાધ્યાયી અને મિત્ર, પણ વડોદરામાં રહેતો હોવાને કારણે અમે નિયમિત સંપર્કમાં હતા. મને લાગ્યું કે તે જોડાય તો તેની સાથે ઠીક રહેશે. તેને મેં પૂછ્યું અને તેણે તરત હા પાડી દીધી. જો કે, અમે એક બહુ પેટછૂટી વાત કરી. મારો અનુભવ હતો કે કોઈ વ્યક્તિની સાથે લાંબા પ્રવાસે જવાનું થાય ત્યારે તેની પ્રકૃતિનો ખરો પરિચય થાય છે. એ બાબતો એટલી નાની નાની હોય કે સામાન્ય સંજોગોમાં બહાર ન આવે, પણ બહાર જઈએ ત્યારે તરત જ દેખાય. મોટે ભાગે એ સ્વીકારવી ન ગમે એવી હોય. આ વાસ્તવિકતા મેં પરેશને જણાવી. તે પણ આ સમજ્યો. પરિણામે અમે નક્કી કર્યું કે ફરવા જવાની કંપની મળે એ કરતાં આપણી મૈત્રી વધુ અગત્યની છે. આથી ફરીને આવ્યા પછી આપણને લાગે કે મજા ન આવી, તો આપણે ફરી સાથે નહીં જઈએ.
ત્યારથી આજ સુધી અમે સાતેક પ્રવાસો સાથે કર્યા છે અને દરેક પ્રવાસ પછી અમે નવેસરથી બેસીને પૂછી લઈએ છીએ કે હવે પછી સાથે જવું છે કે નહી. હજી મે, 2017માં અમે સાથે ગ્રહણનો પ્રવાસ કર્યો. પણ આ શ્રેણીનો આરંભ થયો અમારા પચમઢીના પ્રવાસથી.
ઉત્તરાયણનો સમયગાળો પસંદ કરવાનું કારણ એ હતું કે અમને બંનેને પતંગોનો ખાસ શોખ નહોતો. આ ગાળામાં બાળકો સ્કૂલમાં એક-બે રજા પાડે તો સળંગ સાત-આઠ દિવસની રજા મળી જાય. ફરવા જઈએ ત્યાં ઓફ સીઝન હોય. પરિણામે ટ્રેનની ટિકિટોથી લઈને હોટેલનાં ભાડાં સુધી આર્થિક રીતે ઘણો ફેર પડે. અને સૌથી અગત્યનું એ કે ભીડમાંથી મહામુક્તિ મળે. પછી તો અમે એટલા નિશ્ચિંત રહેવા લાગ્યા કે ફરવા જવાનું સ્થળ પણ અમે ચાર-પાંચ દિવસ અગાઉ જ નક્કી કરતા અને પછી ટિકિટ લેવા જતા. અમે નક્કી કર્યું કે મધ્ય પ્રદેશના હીલ સ્ટેશન પચમઢી જવું. કોઈ કારણસર ગુજરાતીઓ તેને પંચમઢી તરીકે ઓળખે છે. આ સ્થળે મારા અમુક સહકાર્યકરો જઈ આવ્યા હતા. તેમણે મને એકાદ-બે હોટેલના નામ આપ્યા હતા. જો કે, અમે અમારી રીતે જ રહેવા-ફરવાનું નક્કી કરેલું.
એ રીતે અમે કુલ સાત જણા ઉપડ્યા. મારા પરિવારમાં કામિની, શચિ, ઈશાન અને હું. પરેશના પરિવારમાં પરેશ, પ્રતીક્ષા અને દીકરો સુજાત. (દીકરી મલકનું આગમન ત્યારે થયું નહોતું.) વડોદરાથી સીધી પીપરીયાની ટ્રેન હતી. પીપરીયાથી પચમઢી જીપમાં જઈ શકાતું, જે લગભગ 55 કી.મી. હતું. પચમઢીની ઊંચાઈ 1100 મીટર જેટલી છે અને તે સાતપૂડાનું મહત્ત્વનું હીલ સ્ટેશન ગણાય છે.
પચમઢીમાં અમે પાંચેક દિવસ બહુ મજા કરી. ઘણી અજાણી જગાઓએ ફર્યા. પચમઢીમાં મોટે ભાગે મારુતિ જિપ્સી જીપોનું ચલણ હતું, જેની ગતિ બહુ લાગતી. અમને જાણવા મળ્યું કે આ વાહનો મોટે ભાગે મુંબઈથી સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવે છે. અહીં અમે અકીલ મહમ્મદ નામના એક જિપ્સીધારી સાથે પહેલા દિવસથી જ ગોઠવણ કરી દીધેલી. તેને અમારાં સ્થળોની પસંદગીનો ખ્યાલ આવી ગયો હતો, એટલે બહુ ઉત્સાહથી તે અમને ફેરવતો. રોજ સાંજે અમે પાછા ફરીએ એ વખતે પછીના દિવસનો કાર્યક્રમ નક્કી કરી દેતા.
પચમઢીમાં રાત્રે બહાર નીકળવાપણું ખાસ ન હતું. અમે જે હોટેલમાં ઉતરેલા તેનાથી નજીકમાં જ શરાબની એક દુકાન હતી. રાત્રે ત્યાંનું વાતાવરણ જોઈને એ તરફ જવાનું મન ન થતું. પણ રોજ સવારે અમે નજીકના એક ઢાબામાં ચા-નાસ્તા માટે જતાં. એક જાડી યુવતી હોંશે હોંશે અમારા માટે આલુ પરાઠા બનાવતી. રોજ જતા હોવાથી તેની સાથે બીજી વાતચીત પણ થતી. એ વાતમાં જાણવા મળ્યું કે એક દિવસ નજીકના કોઈ ગામે મેળો હોય છે. તપાસ કરતાં ખબર પડી કે પચમઢીથી આશરે 45 કી.મી.ના અંતરે, એટલે કે તળેટી તરફ અન્હોની નામે ગામ છે, ત્યાં મેળો ભરાય છે. આ મેળામાં મહારાષ્ટ્રથી પણ લોકો આવે છે. અમે નક્કી કરી લીધું કે જે હોય એ, મેળામાં જવું.
અમારા કાયમી વાહનધારક અકીલને અમે અન્હોની જવા અંગે વાત કરી. તેણે ઉધર કુછ દેખને કા નહીં એમ કહીને આવવાની સ્પષ્ટ ના ભણી દીધી. આ સાંભળીને અમારું ઝનૂન બેવડાયું અને નક્કી કર્યું કે તૂ નહી, તો ઓર સહી, પણ આપણે જવું તો ખરું જ. નિર્ધારીત દિવસે અને સમયે મેળામાં જવા માટે અમે નીકળ્યા. ખાનગી વાહન મળે એવી શક્યતા નહોતી. છેવટે એક જીપમાં અમને જગ્યા મળી અને બીજા અનેક મુસાફરોની સાથે અમે પણ સાંકડમાંકડ ગોઠવાયા. એ જીપ ડ્રાઈવરનું નામ હતું મહેશ.
મેળા જેટલો જ યાદગાર અનુભવ મહેશની જીપમાં મુસાફરીનો રહ્યો. અમારા પ્રવાસનો એ દિવસ અનેક રીતે યાદગાર બની રહ્યો. આખરે અમારે પચમઢી છોડવાનો દિવસ આવી પહોંચ્યો. પછીના દિવસે અમારે પચમઢીથી નીકળવાનું હતું અને પીપરીયા પહોંચવાનું હતું. પીપરીયાથી અમારે ભોપાલ-રાજકોટ એક્સપ્રેસ પકડવાની હતી. આ ટ્રેન સપ્તાહમાં અમુક દિવસ ભોપાલ સુધી જતી, અને અમુક દિવસ આગળ લંબાઈને જબલપુર સુધી જતી હતી. એ વખતે પીપરીયા વચમાં આવતું. પચમઢીમાં આ ટ્રેનનો ઉલ્લેખ ફક્ત રાજકોટ તરીકે થતો. જેમ કે, રાજકોટ સે આયે?’ પીપરીયા સ્ટેશને ટ્રેનના આવવાનો સમય આશરે અઢી વાગ્યાનો હતો. અંતરની રીતે જોઈએ તો માત્ર પંચાવન કી.મી., અને એ પણ ઉતરવાના કાપતાં એકાદ કલાક વધુમાં વધુ થાય. અમે પ્રવાસીસહજ સાવચેતી વાપરીને નક્કી કર્યું કે સાડા અગિયાર-બારની વચ્ચે પચમઢી છોડી દેવું. દોઢ-બેની આસપાસ પીપરીયા પહોંચી જવું. ત્યાં પહોંચી ગયા પછી અડધો-પોણો કલાક બેસી રહેવાનું થાય એનો વાંધો નહીં.
અમારા રોજિંદા ડ્રાઈવર અકીલને જ અમે અમને છોડી જવા કહ્યું. પણ તેને ફાવે એમ નહોતું. તેણે કહ્યું કે એ બીજા કોઈની વ્યવસ્થા કરી આપશે અને સાડા આગિયારે અમારી હોટેલ પર તેને મોકલી આપશે. અમે નિરાંત અનુભવી અને અકીલ સાથે હાથ મિલાવીને વિદાય લીધી.
**** **** ****
સવારે અમે રાબેતા મુજબ પેલી જાડી છોકરીના ઢાબે ચા-નાસ્તા માટે ગયા. તેને પણ અમે જણાવ્યું કે આજે અમે નીકળવાના છીએ. હવે ફરી આવીએ ત્યારે મળીશું. સામાનનું પેકિંગ થઈ ગયેલું હતું. ગમે એમ કરીને સાડા અગિયાર સુધીનો સમય પસાર કરવાનો હતો. જમવાની ઝંઝટમાં પડવાનું હતું નહીં. ક્યાંય બહાર પણ જવાનું નહોતું. હોટેલનું બીલ પણ ચૂકવાઈ ગયું હતું. આવા સમયે એમ લાગે કે ઘડીયાળ જાણે કે આગળ જ વધતી નથી. સમય કા યે પલ થમ-સા ગયા હૈ જેવું થઈ ગયું હતું. વાતો પણ કરી કરીને શું કરીએ? ક્યા કહના હૈ, ક્યા સૂનના હૈની સ્થિતિમાં અમે આવી ગયા હતા. વળીવળીને નજર ઘડીયાળ પર જ જાય અને મનોમન થાય, બસ, હવે કલાક રહ્યો. આમ ને આમ, સવા અગિયાર થયા. સહેજ વાર નીચે ઊભા રહીશું એમ વિચારીને બંને પરિવારોએ વધુ એક વાર પોતપોતાના સામાનના દાગીના ગણી લીધા અને નીચે ઉતરવાની તૈયારી કરી. પાંચ-દસ મિનીટમાં ડ્રાઈવર જીપ લઈને આવે કે અમે ઉપડીએ એ રીતે જાણે કે આક્રમણ માટે તૈયાર ઊભાં રહ્યાં. સાડા અગિયાર પર કાંટો આવ્યો. પણ એ હદે સમયસર તો કોઈ ભાગ્યે જ આવે એ ખબર હતી. તેથી પાંચ-દસ મિનીટમાં એ આવી પહોંચશે એવી વાત અમારી વચ્ચે 'આંખો આંખો મેં' થઈ ગઈ. મનોમન તેને પંદર મિનીટની છૂટ આપી દીધી. જોતજોતાંમાં પોણા બાર થયા. તેની 'આને કી આહટ' સાંભળવા અમે તત્પર બની ગયેલા, અને 'ગરીબખાના સજાયા હમને'ને બદલે 'ગરીબખાના છૂડાયા હમને'ની સ્થિતિમાં અમે હતા. પણ 'નસીબ નપના જગાયા હમને'ની સ્થિતિ હજી આવી નહોતી. અમે હોટેલની ગલીમાંથી સહેજ બહાર આવીને મુખ્ય માર્ગ પર આવ્યા અને સામાન સાથે ત્યાં ઉભા રહ્યા. દૂરથી અનેક જીપો એક પછી એક આવતી દેખાતી હતી અને દરેક જીપને અમે કહીં યે વો તો નહીંના ભાવે નીરખતા હતા. આમ ને આમ, બાર વાગ્યા. હવે અમને ચિંતા પેઠી. કેમ કે, આ સમયે જો તે ન આવે તો અમારે નાછૂટકે કોઈ બીજી જીપની વ્યવસ્થા કરવી પડે. અમે જોયું કે એ દિવસે અનેક લોકો જાણે કે બહાર જવાનું હોય એમ ઊભા હતા. જીપ આવતી એમાં તેઓ ગોઠવાઈ જતા અને તેમને ભરીને જીપ ઊપડતી. એ દિવસે કદાચ શનિવાર હતો, અને કદાચ પચમઢીમાં રહેતા નોકરીયાતો પીપરીયા જતા હશે. એક વાત હવે નક્કી થઈ ગઈ કે અમારો જીપવાળો આવે એમ નહોતું લાગતું. અમારી પાસે તેનો કોઈ સંપર્ક પણ નહોતો. દરમ્યાન અમે જે હોટેલમાં ઉતરેલા તેના માલિક પણ ક્યાંક જવા માટે નીકળ્યા. તેમણે અમને જોયા. અમે તેમને બધી વાત કરી અને જીપની વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી કરી. તેમણે એક વાર તો કહી દીધું, આજ તો મુશ્કિલ હૈ, લેકિન મૈં ટ્રાય કરતા હૂઁ’. આમ કહીને તેઓ થોડા આગળ ગયા. દસ-પંદર મિનીટ પછી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે વ્યવસ્થા થઈ શકી નથી. હવે?
પચમઢીથી કોઈ બસ હતી નહીં. બસ હોય તો પણ તે વચ્ચે થોભતી થોભતી આગળ વધે. અમને તે સમયસર પહોંચાડે એવી શક્યતા જ નહોતી. પણ એથી આગળની વાત એ હતી કે બસ હતી જ નહીં. હું અને પરેશ ખરેખરા ગભરાયા. અમે બંને કશી વ્યવસ્થા થઈ શકે એમ છે કે કેમ એ જોવા નીકળ્યા. અમારાં કુટુંબીજનો પણ પરિસ્થિતિ પામી ગયાં હતાં. શું કરવું એ સૂઝતું નહોતું. સુજાત નાનો હતો ત્યારથી જ મોટો છે. એટલે એ સ્થિતિની ગંભીરતા પારખીને આપણને ટ્રેન નહીં મળે... એમ કહીને રડવા માંડ્યો. તેના રુદનથી પરિસ્થિતિ ઓર ગંભીર જણાઈ. જો કે, એ જોવા માટે હું અને પરેશ ત્યાં નહોતા. (આ વાત તેણે આ લખતાં અગાઉ કશું પૂછવા માટે મેં ફોન કર્યો ત્યારે જણાવી.)
અમે એક પછી એક જણને પૂછતા હતા અને જવાબમાં ના સાંભળીને નિરાશ થતા હતા. એ ચોક્કસ દિવસે આ રીતે જીપ મળવી મુશ્કેલ હોય છે એમ અમને કહેવામાં આવ્યું. અમારી સ્થિતિ ‘Jeep Jeep everywhere, not a one to sit’ જેવી થઈ ગઈ હતી. ગુસ્સે થવું, નિરાશ થવું, ગભરાવું કે આગળનું આયોજન કરવું એ જ સમજાતું નહોતું. પચમઢીમાં ગાળેલા પાંચેક દિવસની મજા સાવ હવા બનીને ઊડી ગઈ હતી. ઘડીયાળનો જે કાંટો સવારે સમય તૂ જલ્દી જલ્દી ચલ ગાતો લાગતો હતો તે હવે અચાનક સમય તૂ ધીરે ધીરે ચલ ગાવા લાગ્યો હતો. એક-સવા થયો હતો. હવે આ ઘડીએ અમને જીપ મળે અને ડ્રાઈવર કશી અડચણ વિના અમને પહોંચાડી ડે તો સ્ટેશને પહોંચીને અમને પાંચ-દસ મિનીટ માંડ મળતી હતી.
આખરે અમારા પ્રયત્નોને સફળતા મળી. એક જિપ્સીધારક અમને મૂકવા આવવા માટે તૈયાર થયો. અમારા માટે તો એ ફરિશ્તા સમાન હતો. હવે સવાલ એ હતો કે આ ફરીશ્તો પોતાની પાંખો પર બેસાડીને પણ અમને ઉડાડે અને મૂકવા આવે તો સીધા ટ્રેનમાં જ નાખવા પડે એ હાલત હતી. માંડ કલાક બચ્યો હતો. અને પંચાવન કી.મી. કાપવાના હતા. અમે તેને વાત કરી એટલે તેણે કહ્યું, રાજકોટ પકડવા દેંગે. અમને લાગ્યું કે તેની વાતમાં આત્મવિશ્વાસ છે. પણ અમારો ઉત્સાહ ઓસરવા લાગ્યો હતો. અમે સૌ ફટાફટ જિપ્સીમાં ગોઠવાયા.
હું અને પરેશ ડ્રાઈવરની બાજુમાં અને પરિવારજનો પાછળ ગોઠવાયા અને શરૂ થઈ દિલધડક ચેઝ.
**** **** ****
મારા પેટમાં પતંગિયાં ઊડતાં હતાં. વારેવારે ઘડીયાળના કાંટા તરફ નજર જતી હતી અને ટ્રેન મળવાની શક્યતા વધુ ને વધુ પાતળી થતી જતી હતી. આમ છતાં ડ્રાઈવર તેજ ગતિથી, સ્વસ્થતાપૂર્વક જીપ ભગાવી રહ્યો હતો. એક વાર ડ્રાઈવરની સ્વસ્થતા જોયા પછી મારી દેખીતી અસ્વસ્થતા છુપાવવા માટે મેં ધીમે ધીમે ડ્રાઈવર સાથે વાતો શરૂ કરી. એક વાર વાતો શરૂ થઈ એ સાથે જ મારામાં રહેલો પત્રકાર જાગ્રત થઈ ઉઠ્યો હતો. જાણવા મળ્યું કે તેનું નામ રાજાબાબુ હતું. સ્પષ્ટ હતું કે ગોવિંદાનો એ આશિક હશે. પહાડી મેં ચલાને કે લિયે કોઈ અલગ લાયસન્સ લેના પડતા હૈ?’ જેવા સવાલથી મેં વાત શરૂ કરી. તે રસ્તાની સામે જોતાં જોતાં મારા સવાલના ધીરજથી જવાબ આપવા લાગ્યો. વધુ એક વાર અમને જાણવા મળ્યું કે પચમઢીમાં તરકીબ અને અશોક ફિલ્મનાં શૂટીંગ થયાં હતાં. રાજાબાબુએ વધારાની માહિતી આપતાં કહ્યું, વો સબ હમારી ગાડી મેં હી ઘૂમે થે. પરેશ હજી ડઘાયેલો હતો. તે કશું બોલી શકતો નહોતો. મને ડ્રાઈવર સાથે વાતો કરતો જોઈને તેને કદાચ એમ પણ થયું હશે કે વાતોવાતોમાં રાજાબાબુ ક્યાંક ગાડી ઠોકી ન દે. મારી અસ્વસ્થતા તેના જેટલી જ હતી, પણ આ રીતે હું તેને ઘટાડવાની કોશિશ કરી રહ્યો હતો. એ આખા જૂથમાં હું સૌથી મોટો હતો એટલે અસ્વસ્થતા બને ત્યાં સુધી ન દેખાડવી એવું કદાચ મનમાં હશે કે કેમ એ ખબર નથી. પાછલી સીટ પર એકદમ સન્નાટો છવાયેલો હતો. મારા અને રાજાબાબુની વાતચીત સિવાય જીપના એન્જિનનો જે થોડોઘણો અવાજ આવતો હોય એ. મેં અમારી પચમઢીની સફર વિષે રાજાબાબુને જણાવ્યું અને કહયું કે અમને ફરવાની બહુ મજા આવી. આ સાંભળીને રાજાબાબુએ પોતાની પહોંચ દેખાડતાં કહ્યું, જી હાં. હમેં માલૂમ હૈ કિ આપ અકીલભાઈ કી ગાડી મેં ઘૂમે થે. ઔર એક દિન મહેશભાઈ કી ગાડી મેં અન્હોની ભી ગયે થે. આ સાંભળીને જીપમાં બેઠેલાં સહુ કોઈ નવાઈ પામી ગયાં. મને પણ બહુ નવાઈ લાગી. છતાં મેં એ સાવ સામાન્ય બાબત હોય એમ કહ્યું, હાં. યે છોટા સેન્ટર હૈ, ઔર ફિર આપ સબ કી યુનીટી ભી બહોત હૈ. તો આપકો તો સબ માલૂમ રહતા હૈ. એ રીતે અન્હોની પરથી વાત મહેશની જીપ પર આવી. મેં કહ્યું, યાર, વો મહેશભાઈ કી ગાડી ભી ક્યા ગાડી હૈ? હમ તો પૂરે રાસ્તે મેં ડર રહે થે કિ કહીં ઉસકે દો ટુકડે ન હો જાય. ઔર ફિર હમ સબ તો પીછે બૈઠે થે, તો મહેશભાઈ કો માલૂમ હી ન હો કિ હમ પીછે છૂટ ગયે હૈ. આ સાંભળીને રાજાબાબુ હસી પડ્યા. મેં કહયું એમાં અતિશયોક્તિ જરાય નહોતી. મહેશની જીપમાં કીચૂડ કીચૂડ અવાજ આવતો હતો, જીપ વચ્ચેથી હાલતી, બલ્કે ડોલતી હતી. મહેશ વારેવારે જીપને ઊભી રાખતો, પાનું લઈને નીચે ઊતરતો, નટ ટાઈટ કરતો અને પાછી જીપ ચલાવવા લાગતો. આ જોઈને અમારા જીવ ઊંચા થઈ જતાં. અમને એમ જ લાગતું કે રસ્તામાં ક્યાંક જીપ વચ્ચેથી છૂટી પડી ગઈ તો સ્ટીયરીંગવાળો ભાગ લઈને મહેશ આગળ નીકળી જશે.
મહેશની જીપ પરથી વાતો મહેશના ટ્રેક પર ફંટાઈ. એ દિવસે મહેશે બરાબર દારૂ પીધેલો હતો. તેને તેના સાથીદારોએ લીંબુ નીચોવીને પીવડાવીને નશો ઉતારવા કેવા પ્રયત્નો કર્યા હતા એ કથની રાજાબાબુએ રમૂજપૂર્વક, છતાં મહેશ માટેના કોઈ દુર્ભાવ વિના વર્ણવી. 'ઉસકો તો નીમ્બૂ ચૂસા ચૂસા કે ઉલ્ટીયાં કરવાઈ તબ જાકે કુછ હોશ આયા...' એ સાંભળીને ખરેખર હસવું આવતું હતું, પણ પરિસ્થિતિની ગંભીરતા જોઈને મોટેથી હસાતું નહોતું. ક્યાંક આપણે વધુ પડતું હસી દઈએ અને આપણી સામું જોવામાં રાજાબાબુનો  હાથ સ્ટીયરીંગ પર સહેજ વધુ ફરી જાય તો? આવા વિચાર ત્યારે આવતા હશે કે નહી એ આજે યાદ નથી, પણ ખૂલીને હસવું નહોતું આવતું એ હકીકત હતી.
આમ ને આમ વાતો ચાલતી રહી. રાજાબાબુ પૂરી સ્વસ્થતાથી, અને પૂરપાટ વેગે જીપ દોડાવતા હતા. શરૂઆતમાં ઉતરતા ઢાળ, તીવ્ર વળાંકો છતાં અમને ડર ન લાગ્યો કે તે બેફામ ચલાવે છે. તેમના હાથમાં અમારું ભાવિ સલામત છે એમ લાગ્યું. એ સમય પૂરતું તો અમને એમ જ થયું કે રાજાબાબુ વડાપ્રધાનપદ માટે ઉમેદવારી નોંધાવે તો આપણે આંખ મીંચીને એમને જ મત આપી દઈએ. જો કે, રાજાબાબુનો એવો કોઈ ઈરાદો હતો નહીં. મારી અસ્વસ્થતાનો લાભ એ થયો કે તેને છુપાવવા માટે મને જાતજાતના સવાલો સ્ફુરવા લાગ્યા, જેમાં મને પચમઢી વિષે ઠીક ઠીક જાણકારી મળી.

ઘડીયાળમાં જોયું તો બે અને પચીસ મિનીટ થવા આવી હતી. હવે પીપરીયા સ્ટેશન પણ નજીક જણાતું હતું. જો કે, આ પાંચ મિનીટ જ ખરેખરી કટોકટીભરી હતી. ઊતરતાં અગાઉ પૈસા આપી દીધા હોય તો ઉતરીને સીધા ભાગવા થાય એમ વિચારીને મેં ખિસ્સામાંથી રાજાબાબુને આપવા માટે રૂપિયા તૈયાર કરી દીધા. કોને ખબર, સ્ટેશને પહોંચીએ ત્યાં સુધી ટ્રેન આવીને ઉપડી જાય છે કે કેમ. અચાનક રાજાબાબુએ પૂછ્યું, આપને ફોન કિયા થા?’ મને સમજાયું નહીં કે તે શું પૂછવા માંગે છે. મેં પૂછ્યું, કિસ કે બારે મેં?’ તેમણે કહ્યું, ટ્રેન કે બારે મેં. વો રાઈટ ટાઈમ હૈ યા લેટ હૈ યહ પૂછને કે લિયે.. મેં કહ્યું, નહીં. હમ તો વો હી સમઝ કે નીકલે હૈ કિ વો રાઈટ ટાઈમ હી હોગી. વાત સાચી પણ હતી. ટ્રેન લેટ હોય તો પણ આટલે દૂરથી આવવાનું હોય ત્યારે તેને સમયસર માનીને જ નીકળવું પડે. અમે કેવા સંજોગોમાં આવ્યા હતા એ રાજાબાબુ જાણતા હતા. તેમણે કહ્યું, યે ટ્રેન જ્યાદાતર લેટ હોતી હૈ. આ સાંભળીને અમને અચાનક રાહતનો અનુભવ થયો. મારાથી પૂછાઈ ગયું, આજ ભી લેટ હોગી?’ આવા સવાલનો શું જવાબ હોય? આ એક શક્યતા પણ છે, અને એ સાચી પડે તો સારું એમ સૌ અનુભવવા માંડ્યા.
રાજાબાબુ છેક સ્ટેશનના પાછલા પ્લેટફોર્મ સુધી જીપ લઈ ગયા ત્યારે ઘડીયાળમાં બે ને પાંત્રીસ થઈ હતી. અમે પાંચેક મિનીટ મોડા પડ્યા હતાં. પણ પ્લેટફોર્મ પર ભીડ દેખાતી હતી, જે સૂચવતી હતી કે ટ્રેન હજી આવી નથી. અમને હાશકારો થયો. રાજાબાબુને અમે રૂપિયા તો સ્ટેશન આવતાં પહેલાં જ આપી દીધા હતા. ઉતર્યા પછી એટલો સમય હવે રહ્યો હતો કે અમે તેની સાથે હાથ મિલાવીને તેનો આભાર માની શકીએ. અમને ટ્રેન મળશે એ વાતે તેઓ પણ રાજી હતા. અમે ઔપચારિકતાપૂર્વક કહ્યું, રાજાબાબુ, આપને હમેં ટ્રેન પકડવા દી. સાથ મેં આપ સે બાતેં કરને કા ભી મઝા આયા. ફિર સે આના હુઆ તો આપ સે જરૂર મુલાકાત કરેંગે. રાજાબાબુએ હસતાં હસતાં સાહજિકતાથી કહ્યું, જરૂર મિલેંગે. આપ કિસી કો ભી પૂછ લેના કિ રાજાબાબુ કહાં મિલેંગે, તો કોઈ ભી આપ કો બતા દેગા.
અમે પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા અને રાજાબાબુએ જીપ વાળી એટલે તેમને આવજો કહ્યું. હવે બધામાં કશું બોલવાના હોશકોશ આવ્યા. અમે અમારો ડબ્બો ક્યાં આવશે તેની પૂછપરછ કરી અને પ્લેટફોર્મ પર એ સ્થળે ગોઠવાયા. નસીબજોગે ટ્રેન એ દિવસે અડધો કલાક મોડી હતી. સ્ટેશન પર વીસેક મિનીટ કાઢવી પણ હવે અઘરી લાગતી હતી. રાજાબાબુના પરાક્રમને યાદ કરતાં કરતાં અમે એ સમય પસાર કર્યો. પરેશે કરકસરયુક્ત હસીને કહ્યું, તું ખરી વાતો કરતો હતો! હું આવું ન કરી શકું. તે મને ઠપકો આપતો હતો (કે આ રીતે કોઈને ચાલુ ગાડીએ વાતો ન કરાવાય!) યા પ્રશંસા કરતો હતો (કે કહેવું પડે યાર, તું ગજબ ઠંડક ધરાવે છે!) એ હું નક્કી ન કરી શક્યો. ચીઈઈલ’, ચિલેક્સ’, કૂઉઉલ જેવા શબ્દો હજી ચલણી નહોતા બન્યા તેથી મેં ફક્ત હસીને કામ ચલાવ્યું.
આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાઈ ગયા.

આ પહેલા પ્રવાસ પછી પરેશ અને હું પ્રવાસ કરતા રહ્યા છીએ, અલબત્ત, દરેક પ્રવાસનો રીવ્યૂ કરીને. તેથી માની લઉં છું કે તેણે મારી પ્રશંસા જ કરી હશે. આવી બાબતમાં તેને શું પૂછવાનું?
(સમાપ્ત) 
(પેપર કોલાજ: બીરેન કોઠારી) 

4 comments:

  1. બહુ સરસ બીરેન, લગે રહો... આવાં રસપ્રદ પ્રવાસ વર્ણનો લખતાં રહો.

    ReplyDelete
  2. પંચમઢી નહીં, પણ પચમઢી એ અત્યારે જ ખબર પડી. ત્યાં પાંચેક દિવસો વિતાવ્યા છે તો પણ આ 'પંચ'મઢી મગજનાં (હોય એટલાં, અલબત્ત!) ઊંડાણ સુધી પહોંચી બેઠું છે. તમને ત્રણ અલગ ડ્રાઈવરોએ કરાવ્યા, લગભગ એવા જ અનુભવો અમને ગોપાલ નામના એક જ ઓલ રાઉન્ડરે કરાવ્યા હતા, એ બધું તાજું થયું. હવે કમસે કમ તમારા સાત પ્રવાસોના વિવિધ અનુભવો બાબતે લખાણની રાહમાં રહેશું.

    ReplyDelete
  3. ટેન મળશે કે નહિં તે કરતા જીવ બચશે કે નહિં તેની ચિંતા તમારા આ દિલધડક વર્ણનને લીધે થતી હતી. વાહ !

    ReplyDelete
  4. Your ability to add humor to the emergency situation in the story is commendable. Narration of dhaba(fat) girl, Mahesh and Rajababu made me laugh. Also came to know about a hill station in M.P. Carry on with your stories....

    ReplyDelete