Monday, June 15, 2015

ઘંટમાહાત્મ્ય

- ઉત્પલ ભટ્ટ 

('પ્રોજેક્ટ યુનિફોર્મ' અંગે વિવિધ શાળાઓની મુલાકાત લેતા ઉત્પલ ભટ્ટ પોતાના એ પ્રવાસોની ફલશ્રુતિરૂપે પ્રોજેક્ટનાં લખાણો ઉપરાંત ભેંસ, વૃક્ષ, કુંભાર જેવા વિષયો પર અહીં લખી ચૂક્યા છે. આ વખતે વધુ એક અનોખો વિષય.) 
ઘંટ.
આ શબ્દ બોલતાં જ ઘંટ એટલે શું?’ જેવો સવાલ થતો નથી, કેમ કે સહુ એનો જવાબ જાણે છે. ભગવદ્‍ગોમંડળમાં,જો કે, તેના નવેક અર્થ બતાવ્યા છે. પણ ઘંટ બોલતાં તમારા-મારા મનમાં ટન્ ટન્'નો રણકાર સંભળાવા માંડે છે એ સૌથી પ્રચલિત ઘંટની જ આપણે વાત કરવાની છે. માનવજીવનમાં ઘંટનું માહાત્મ્ય: એક તુલનાત્મક અધ્યયન એવો કોઈ શોધનિબંધ લખવાની કે આ વિષય પર વક્તવ્ય આપવાની પૂર્વતૈયારીરૂપે આ લેખ નથી, એટલી સ્પષ્ટતા. 
સૌ પ્રથમ વાતની સ્પષ્ટતા કરી  લઈએ કે લેખ જરાય ધાર્મિક પ્રકારનો નથી એટલે વાંચન શરૂ કરતાં પહેલાં ફક્ત હેડિંગ વાંચીને ખોટેખોટા ભક્તિભાવમાં આવી જવાની જરૂર નથી!
આમ જોવા જઈએ તો ઘંટનું તે શું માહાત્મ્ય હોય? અને આમ જોઈએ તો ઘંટનું માહાત્મ્ય એટલું બધું છે કે એ વિષે વિચારતાં નવાઈ લાગે.
સાવ બાળવયે સમજણ પડવાની શરૂઆત થાય એટલે એટલો પ્રાથમિક ખ્યાલ આવવા માંડ્યો કે ઘંટ મુખ્યત્વે બે પ્રકારના હોય છે - મંદિરનો ઘંટ અને શાળાનો ઘંટ. એક ભક્તિભાવ જગાડે અને બીજો શિસ્તપાલન શીખવે. એ સિવાય સીંગચણાની લારી, માટલા કુલ્ફીની લારી કે બુઢ્ઢીના બાલ લઈને આવતા ફેરીયાઓ જે વગાડે એ ઘંટ નહીં, પણ ઘંટડી કહેવાય. એ વળી આખી અલગ સૃષ્ટિ છે, એટલે તેને હમણાં જવા દઈએ અને ફક્ત ઘંટની જ વાત કરીએ. 
ઘંટના પણ કેટલા બધા પેટાપ્રકારો હોય છે!
શિસ્તપાલનની યાદ અપાવતો શાળાનો ઘંટ
શાળાનો ઘંટ ભલે શિસ્તપાલન કરાવતો, પરંતુ એકંદરે તે નિર્દોષ પ્રકારનો હતો. એનો રણકાર સમયપાલનની યાદ અપાવતો. તાસ પત્યા પછીના ડબલ ટકોરા, રીસેસ વખતના અને નિશાળ છૂટ્યા પછીના લાંબા ટકોરા અનેરી રાહતની લાગણી આપતા. શાળા છૂટવાના સમયે લાંબા સમય સુધી વાગતા ઘંટના રણકારનું આકર્ષણ એટલું બધું હતું કે ઘંટ વગાડવા માટે તલસી જવાતું. પકડાઇ જવાના અને મુખ્ય શિક્ષક દ્વારા સજા પામવાના પૂરેપૂરા ભય છતાં શાળાનો ઘંટ છાનોછપનો ઘણી વખત વગાડી લીધો છે. હવે નિશાળ છૂટી ગઈ છે, છતાં પ્રોજેક્ટ યુનિફોર્મ ના પ્રવાસો દરમ્યાન ગામડાની ઘણી બધી શાળાઓમાં જવાનું બને છે ત્યારે વખતે-કવખતે, વિના મંજૂરીએ જાતે ઘંટ વગાડીને એના રણકારનો ભરપૂર નિર્દોષ આનંદ લઉં છું! જો કે, શાળાજીવન પૂરું થયું સાથે ઘંટની નિર્દોષતા પણ પૂરી થઇ હોય એમ લાગ્યું.

ભયમિશ્રિત કુતૂહલ જન્માવતો લાયબંબાનો ઘંટ (*) 
બીજો એક ઘંટ હતો આગબંબા (લાયબંબા)નો ઘંટ. બાળપણમાં તે સહેજ ભયની લાગણી જન્માવતો. હજુ એક દસકા પહેલાંની વાત છે. શહેરમાં ક્યાંય આગ લાગે એટલે અત્યારની સરખામણીમાં ત્યારના સાવ ખાલી રસ્તા પર 'ટન્ ટન્ ટન્' કરતો આગબંબો દોડતો જતો હોત, પછવાડે સાયરન વગાડતી એમ્બ્યુલન્‍સ જતી હોય ત્યારે એ અવાજ સાંભળીને મારા જેવા અનેક લોકો એ દૃશ્ય જોવા બધાં કામ પડતાં મૂકીને છેક સોસાયટીના નાકે દોડી જતા. હવે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે આગબંબાના ઘંટનું સ્થાન અદ્યતન ટેકનોલોજિવાળી ઇલેક્ટ્રોનિક સાયરને લીધું છે. આગબંબા કે લાયબંબાને હવે તો 'ફાયર એન્જિન'ના શુદ્ધ અંગ્રેજી નામે ઓળખવામાં આવે છે.
ટીનએજની શરૂઆતમાં અને ત્યાર પછી પણ ઘણા વર્ષો સુધી મંદિરનો ધાર્મિક ઘંટ તેના વિવિધ કદ અને રણકારથી મનને આનંદ આપતો, ધાર્મિકતાના પ્રતીક સમાન લાગતો. ચર્ચના ઘંટના ડંકા પણ બહુ વિશિષ્ટ અસર ઉભી કરતા. 

ચર્ચનો ઘંટ 
મંદીરનો ઘંટ (*) 
 વર્ષો વીતતાં ગયાં અને નાના અને મોટા એમ બંને મગજોએ સ્વતંત્રતાથી વિચારવાનું શરૂ કર્યું એટલે સત્યનો ઉઘાડ થવા લાગ્યો કે મંદિરમાં પણ બે પ્રકારના ઘંટ હોય છે - નિર્જીવ ઘંટ અને સજીવ ઘંટ! સજીવ પ્રકારના ઘંટ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા અને તમારા નબળા આત્મવિશ્વાસને તોડી પાડવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. એનો રણકાર ન હોય, પણ તમને સંભળાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. તેઓ તમને વિવિધ પ્રકારના ડર બતાવીને તમારી પાસે વિવિધ પ્રકારની તદ્દન બિનજરૂરી પૂજાઓ કરાવે, તમારી શ્રધ્ધા-અંધશ્રધ્ધાનો ભરપૂર ગેરલાભ ઉઠાવે અને જરા પણ ગાફેલ રહો તો તમને ધાર્મિક ખર્ચના (ખર્ચનો નવો પેટાપ્રકાર છે અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં થોડા સમય પહેલા ઉમેરાયો છે!) ઊંડા ખાડામાં ઉતારી શકે. ટૂંકમાં તમને ધર્મના લાભ (ઓછા) અને ગેરલાભ (વધુ) અષ્ટમ-પષ્ટમ રીતે સમજાવીને આર્થિક-શારીરિક એમ તમામ પ્રકારે લૂંટી શકે. આવા સફેદ ઠગ પ્રકારના સજીવ ઘંટોની સંખ્યા ભારતમાં ભયજનક ઝડપે લાખોની સંખ્યામાં વધી રહી છે અને ફક્ત મંદિરો પૂરતી સીમિત રહેતાં ભારતના ખૂણે-ખૂણે અને ઉકરડે-ઉકરડે પથરાયેલા આશ્રમોમાં પણ જોવા મળે છેએમણે સજીવ ઘંટ બનવું છે કે નિર્જીવ ઘંટને તમારા પર હાવી થવા દેવો છે તે નક્કી કરવાનો તેઓનો અબાધિત અધિકાર હોય છે. રીતે આટલા વર્ષોમાં 'પ્રાપ્ત થયેલી સમજણ'ને આધારે આપણે સજીવ ઘંટને ચરણે-શરણે જવું છે કે પોતાની જાતને નિર્જીવ ઘંટ સુધી સીમિત રાખવી છે તે નક્કી કરવાનો આપણો અબાધિત અધિકાર છે. અમુક વખત તો એમ લાગે છે કે મહત્તમ ભારતીયોને મન આશ્રમોમાં જવું તે અનિવાર્ય 'શ્રમ' છે
ટકોરાસંકેત (*) 
રેલ્વે સ્ટેશનના પિત્તળના ઘંટના સંકેતો પણ અજબગજબના હોય છે. 'ત્રણે ત્રીજું, પાંચે બીજું, એકે દીઠું, બેએ નાઠું'નો સંકેત સમજનારા સમજી જાય. ટ્રેન ત્રીજા સ્ટેશનથી છૂટે ત્યારે ત્રણ ટકોરા વાગે, બીજા સ્ટેશનેથી છૂટે ત્યારે પાંચ ટકોરા વાગે, ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે એક ટકોરો અને ઉપડે ત્યારે બે ટકોરા. પણ 'અપ' ટ્રેન આવવાની હોય ત્યારે આ ટકોરા ટુકડે ટુકડે પડે. ત્રણ ટકોરા 'ટન ટન......ટન' પડે, 'ડાઉન' ટ્રેન માટે આ ટકોરા સળંગ પડે. એટલે કે ત્રણ ટકોરા હોય તો 'ટન, ટન, ટન' એમ પડે. આ બધા સંકેતો કદાચ રેલ્વેની નિયમપોથીમાં હશે, પણ એક સંકેત એવો હતો, જે સગવડીયા ધોરણે બનાવવામાં આવેલો. કોઈ પણ ટ્રેનનો સમય ન હોય અને બે ટકોરા પડે તો? રેલ્વેના પ્લેટફોર્મ પર આવેલી પરબમાંથી પાણી મંગાવવા માટે નાનાં સ્ટેશનના સ્ટેશન માસ્ટર આ રીતે ટકોરા મરાવતા. પીત્તળનો ઘંટ લટકતો કોઈક કોઈક સ્ટેશને ક્યારેક જોવા મળી જાય છે, પણ તે વગાડવામાં આવતો નથી. 
સમયપાલનનો રણકાર:
ગુજ.યુનિ.નો ટાવર 
શાળાજીવન પૂરું થતાં રાબેતા મુજબ કોલેજકાળ શરૂ થયો અને પત્યા પછી પહેલાના વખતમાં માસ્ટર ડિગ્રી માટે ખાસ જાણીતા અને સ્ટેટસ ધરાવતા યુનિવર્સિટીકાળનું પણ આગમન થયું. સમયગાળા દરમ્યાન ઘંટના પ્રકાર-પેટાપ્રકાર પણ બદલાતા ગયા. જીવનમાં ડગલે ને પગલે માનવઘંટોનો ભેટો થવા માંડ્યો. નિર્જીવ ઘંટ તરફથી મળતી આવેલી વિશ્વાસ, રાહત અને આનંદની લાગણીઓનું સ્થાન દુઃખદ આશ્વર્ય સાથે સજીવ ઘંટો તરફથી મળતા ડર અને એને કારણે રાખવી પડતી સતત સાવધાનીએ લીધું. ત્યારે એમ થતું (અને હજુ પણ થાય છે) કે ઘંટનું તે કયા પ્રકારનું રૂપાંતરણ
માનવઘંટોમાં પણ અનેકવિધ પેટાપ્રકારો જોવા-સમજવા મળ્યા જેમ કે સામાન્ય નુકસાન પહોંચાડતો ઘંટ, પાર્ટટાઇમ પ્રકારનો ઘંટ, ફુલટાઇમ પ્રકારનો ગુરૂઘંટાલ ઘંટ!! સમસ્ત માનવજીવનની અત્યાર સુધીની તવારીખમાં નામ પ્રમાણે 'ગુરૂઘંટાલ અસહ્ય તાડનવૃત્તિ ધરાવતો અને સહુથી ચડિયાતો સાબિત થયેલો સજીવ ઘંટ છે કે જેના દ્વારા આજ દિન સુધીમાં અનેક વાર ઠગાઇ ચૂક્યો છું, મૂરખ બની ચૂક્યો છું, ભરાઇ ચૂક્યો છું અને જીવન હરામ થઇ જાય ત્યાં સુધી દુઃખી થઇ ચૂક્યો છું. રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ગુરૂઘંટાલોનો ભેટો થતો રહે છે. આટલા વર્ષો દરમ્યાન 'પ્રાપ્ત થયેલી સમજણ'ને આધારે  જ્યારે જ્યારે તેઓનો ભેટો થવાનું પરમ સુખ પ્રાપ્ત થાય છે (અને કમનસીબે પરમ સુખનો યોગ ઘણો છે)  ત્યારે ત્યારે સ્વબચાવ માટે જાતની આસપાસ એક અદ્રશ્ય કવચ ચડાવી લેવું પડે છે કે જેથી સજીવ ઘંટના પ્રહારોને કારણે આપણા ભૂક્કા બોલી જાય! કેવો વિરોધાભાસ છે કે ધાતુનો બનેલો નિર્જીવ ઘંટ સજીવ લાગણીઓને શાતા આપે છે જ્યારે સજીવ લાગણીઓવાળા ઘંટથી બચવા નિર્જીવ બની જવું પડે છે!

આવું અટપટા પ્રકારનું ઘંટમાહાત્મ્ય લખવા પાછળનો આશય કે તેના વાંચન પછી વાચકો નીચેના વિચારો પર મુક્તપણે મનન-ચિંતન-દોષારોપણ કરે! (એના સિવાય બીજું થઇ પણ શું શકે?!)
() માનવમાત્રે ઘંટ બનવું જોઇએ કે નહિ?
() જો બનવું હોય તો સજીવ ઘંટનો કયો પેટાપ્રકાર પસંદ કરવો?
() ધર્મિષ્ઠ મનુષ્યે સજીવ ઘંટને શરણે જવું કે નિર્જીવ ઘંટ સુધી મર્યાદા રાખવી?
() કે પછી મનફાવે ત્યારે નિર્દોષ ઘંટારવને સાંભળીને અનંતનો આનંદ લેવો?

(તસવીરો: (*) નિશાનીવાળી નેટ પરથી, અન્ય તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

1 comment:

  1. મને પણ બાળપણથી ઘંટ ખુબ ગમે આંજે પણ તક મળે તો સંતોષ થાય ત્યાં સુધી વગાડ્યા કરું !
    આ ઘંટ પ્રેમ મને ચેક ફિલાડેલ્ફીયાના લીબર્ટી ઘંટ સુધી લઇ ગયો,આઝાદીના બ્યુગલ ફૂક્યા હતા ચાલો આજે લીબર્ટીનો ઘંટ વગાડીએ એમ માનતો હું છેક પહોચ્યો ત્યારે ખબર પડી કે આ ઘંટ વાગતો નથી તેને ફક્ત જોવાનો અને તેના પ્રતિક રૂપે નાની ઘંટડી ખરીદ કરીને યાદગીરી માટે ઘરે લઇ જવાની બસ તે દિવસથી ઘંટની ભાઈબંધી તોડી નાખી,હવે કોઈ ઘંટ વગાડે તો ગુસ્સો આવે છે !

    ReplyDelete