સુશીલા રાણી પટેલ/ Sushila Rani Patel ની ઓળખ આપવી આમ સહેલી અને આમ
અઘરી છે. તેમની સૌ પ્રથમ ઓળખ એ કે તેજતર્રાર પત્રકાર બાબુરાવ પટેલ/Baburao Patel નાં એ પત્ની
હતાં. બીજી ઓળખ એ કે ‘દ્રૌપદી’ (૧૯૪૪) અને ‘ગ્વાલન’ (૧૯૪૬) ફિલ્મોનાં તે નાયિકા હતાં, અને આ બન્ને ફિલ્મો બાબુરાવ પટેલે દિગ્દર્શીત
કરી હતી. ત્રીજી ઓળખ એ કે તે ઉત્તમ શાસ્ત્રીય ગાયિકા હતાં. ચોથી ઓળખ એ કે તે લેખન પણ કરતાં હતાં. ૨૦ ઓક્ટોબર, ૧૯૧૮ના રોજ જન્મેલાં સુશીલા રાણી પટેલે આજે ૨૪
જુલાઈ, ૨૦૧૪ના રોજ ૯૬ વર્ષની
પાકટ વયે વિદાય લીધી ત્યારે તે કેવું સભર જીવન જીવીને ગયાં એનો ઉલ્લેખ બાયોડેટામાં
શી રીતે આવે?
બાબુરાવ પટેલનાં પ્રથમ પત્ની હતાં શિરીન મોતીરામ
ધુરંધર, જેમની સાથે તેમનાં
લગ્ન થયાં હતાં ૪ એપ્રિલ, ૧૯૨૨ના રોજ. સુશીલા
રાણીએ બાબુરાવ સાથે લગ્ન કર્યાં ૨૭ ડિસેમ્બર, ૧૯૪૫માં. ૭ એપ્રિલ, ૧૯૭૨ના રોજ શિરીનનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી, એટલે કે પૂરાં ૨૭ વરસ સુધી બન્ને સુમેળપૂર્વક રહ્યાં.
બાબુરાવે પોતે સુશીલા રાણી સાથેના પોતાના પરિચય વિષે લખ્યું છે:
‘મારા જીવન સાથેનું
શિરીનનું જોડાણ સૌથી શ્રેષ્ઠ રીતે મને જોવા મળ્યું ૧૯૪૨માં, જ્યારે મેં તેનો પરિચય સુશીલા સાથે કરાવ્યો અને
જણાવ્યું કે સુશીલા રાજી થાય તો હું તેને પરણવા ઈચ્છું છું. શિરીને કહ્યું, ‘તું એને નહીં પરણે.
એને તું બગાડી મૂકીશ. તારી (ઑફિસની) એન્ગ્લો-ઈન્ડીયન છોકરીઓની જેમ એની સાથે પેશ
ન આવીશ. સુશીલા ખરેખર સારી છોકરી જણાય છે. મેં તેને કહ્યું કે સુશીલા કંઈ પીકનીક મોડેલ
નથી, બલકે ઉચ્ચ શિક્ષીત બ્રાહ્મણ
કન્યા છે. મારા લખાણ માટે તેમજ મારી બૌદ્ધિકતા વહેંચી શકું એ માટે મારે એક બૌદ્ધિક
સાથીદારની સખત જરૂર છે. મારી એક જ ફરિયાદ હતી કે સુશીલા દુબળી ખૂબ છે. શિરીને તરત
જ કહ્યું, ‘એની ફિકર ન કરીશ. હું એને ખવડાવી પીવડાવીને તગડી
કરી દઈશ.’ અને શિરીને એ કરી
બતાવ્યું. તેણે સુશીલાને સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભોજન આજીવન જમાડ્યું.’
૩ વરસ અને ૧૧ મહિના પછી બાબુરાવ અને સુશીલા રાણીએ
લગ્ન કર્યાં. બાબુરાવ લખે છે: ‘શિરીન જેમ જેમ સુશીલાને
ઓળખતી ગઈ, તેની બૌદ્ધિકતાનો
અંદાજ એને આવવા માંડ્યો, તેનું સંગીત એ સાંભળવા
માંડી એમ એ પોતે જ સુશીલાના પ્રેમમાં પડી ગઈ.’ સુશીલાના વાળમાં
તે ફૂલ ખોસી આપતી, તેને તૈયાર કરતી, અને તેની તમામ દેખભાળ કરતી. શરૂઆતમાં શિરીનને વાની તકલીફ થઈ અને તેમને ચાલવામાં મુશ્કેલી પડતી. એ જોઈને એક મિત્રે તેમને સૂચવ્યું, 'તમે લાકડી કેમ નથી રાખતાં?' ત્યારે શિરીને પ્રેમપૂર્વક સુશીલા તરફ આંગળી ચીંધીને કહેલું, 'આ શું રહી મારી લાકડી!'
આ તરફ શિરીન થકી થયેલાં
સંતાનોની ફિકર શિરીન જેટલી જ સુશીલાને થતી. સુશીલા રાણી શિરીનને મા સમાન ગણતાં.
ભેગાં મળીને પૂજા કરતાં સુશીલા રાણી અને શિરીન બાબુરાવ પટેલ (ચશ્મા પહેરેલાં) |
બાબુરાવ અને શિરીનના લગ્નની સુવર્ણ જયંતિએ શિરીનને ફૂલહારથી સન્માનતાં સુશીલા રાણી. |
બાબુરાવ અને શિરીનનાં લગ્નની સુવર્ણજયંતિના દિવસે શિરીનને પોંખતાં સુશીલા રાણી. |
બાબુરાવના 'મધર ઈન્ડીયા'માં સુશીલા રાણી દ્વારા લખાતો નિયમીત વિભાગ |
સુશીલા રાણીની કારકિર્દીનો વિસ્તૃત આલેખ
મુંબઈસ્થિત પત્રકારમિત્ર શિશિરકૃષ્ણ શર્માએ પોતાના બ્લોગ ‘બીતે હુએ દિન’ પર મૂકેલો છે, જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. તેમાં
લખેલી વિગતોનું અહીં પુનરાવર્તન કરતો નથી.
સુશીલા રાણી વિષે વાંચેલી એક વાત અવશ્ય અને અનાયાસે
યાદ આવે છે. બાબુરાવ પોતાની તીખી કલમ માટે કુખ્યાતિની હદ સુધી ખ્યાતનામ હતા. ફિલ્મોના
રીવ્યૂ લખવામાં તે ભલભલાને છોડતા નહીં. એમાંય વી. શાંતારામ /V. Shantaram પ્રત્યે તેમને વિશેષ ‘ભાવ’ હતો. શાંતારામની
ફિલ્મ આવે એટલે બાબુરાવ તેની પર રીતસર તૂટી જ પડતા. ૧૯૪૩માં આવેલી શાંતારામની ‘શકુંતલા’/Shakuntala ની સમીક્ષા પાછળ તેમણે ‘ફિલ્મ ઈન્ડીયા’નાં પાંચ પાનાં ફાળવ્યાં હતાં.
તેમના લેખનું શીર્ષક હતું: ‘શકુંતલા: એન ઈમોશનલ ડીસઅપોઈન્ટમેન્ટ’. પછીના વરસે બાબુરાવે પોતે ૧૯૪૪માં ‘દ્રૌપદી’/Draupadi નું દિગ્દર્શન કર્યું અને તેમાં સુશીલા રાણીને જ દ્રૌપદીની મુખ્ય ભૂમિકા આપી.
ફિલ્મ ખાસ સફળ ન થઈ ત્યારે શાંતારામે વળતો ફટકો મારતાં લખેલું, ‘અમે અમારી પત્નીનાં કપડાં પરાયા મર્દો પાસે તો ખેંચાવતા
નથી ને!’
‘દ્રૌપદી’ (૧૯૪૪)માં સુશીલા રાણીના હીરો હતા મઝહર ખાન/Mazhar Khan. હનુમાન પ્રસાદના સંગીત નિર્દેશનમાં
તૈયાર કરાયેલાં કુલ ૯ ગીતોમાંથી ૮ ગીતો સુશીલા રાણીએ ગાયાં હતાં.
‘ગ્વાલન’/Gwalan (૧૯૪૬)માં તેમના હીરો હતા ત્રિલોક કપૂર/Trilok Kapoor. આ ફિલ્મમાં
હંસરાજ બહલ/Hansraj Behl નું સંગીત હતું. કુલ ૧૦ ગીતો હતાં, જેમાંના બે ગીતો
જોહરાબાઈ/Joharabai એ અને બાકીનાં આઠ ગીતો સુશીલા રાણીએ ગાયાં હતાં.
'ગ્વાલન'માં સુશીલા રાણી |
'ગ્વાલન'માં સુશીલા રાણી, ત્રિલોક કપૂર અને રૂપા નામની ગાય |
મુકેશ/Mukesh સાથે તેમણે ગાયેલું
યુગલગીત ‘લગત નજર તોરી છલૈયાં’ ઘણું જાણીતું
છે. (બાકીનાં નવ દુર્લભ ગીતો ‘સાગર મુવીટોન’ પુસ્તક સાથેની સી.ડી.માં મૂકેલા છે.)
**** **** ****
સુશીલા રાણી પટેલને સૌ પ્રથમ દૂરથી જોવાનું
બન્યું હતું ૨૦૦૮માં અંધેરી (મુંબઈ) ખાતે આયોજિત જુથિકા રોય /Juthika Roy ની આત્મકથા ‘ચુપકે ચુપકે બોલ મૈના’ના વિમોચન સમારંભમાં. જો કે, ત્યારે તેમને મળવાનો યોગ થયો ન હતો. પણ તેમનો
ઠસ્સો યાદ રહી જાય એવો હતો. એક જ મંચ પર ઘેરા લીલા રંગની સીલ્કની ભારે સાડી અને
ઘરેણાં તેમજ પૂરેપૂરા મેક અપ સાથે આવેલાં સુશીલા રાણી અને શ્વેત વસ્ત્રોમાં સજ્જ
સાદગીના મૂર્તિમંત સ્વરૂપ જેવાં જુથિકા રૉય જબરો વિરોધાભાસ સર્જતાં હતાં. પણ
સુશીલા રાણીએ બહુ ભાવપૂર્વક કહ્યું હતું, “હું નાની હતી
ત્યારથી જુથિકા રાયનાં ભજનો સાંભળતી હતી. એટલે મને એમ કે જુથિકા રાય તો કેવડાં
મોટી ઉંમરનાં હશે? અને અત્યારે
જીવિત પણ હશે કે કેમ? પણ આજે એ જુથિકા
રાય મારી સામે બેઠાં છે, તેમને હું જોઈ
શકું છું, એટલું જ નહીં, તેમને સ્પર્શી પણ શકું છું, એ માનવામાં ન આવે એવી વાત છે.” આમ કહીને તેમણે
જુથિકા રાય દ્વારા ગવાયેલું એકાદ ભજન પણ ગાઈ સંભળાવ્યું હતું.
**** **** ****
એ પહેલાં તેમનો પત્રવ્યવહાર ઉર્વીશ સાથે થયો
હતો. ઉર્વીશે ‘ગુજરાત સમાચાર’માં બાબુરાવ પટેલ વિષે વિસ્તૃત લેખ લખ્યો હતો
અને તેની નકલ તેણે સુશીલા રાણીને મોકલી હતી. એ પછી તેમનો જવાબ આવ્યો હતો, જેમાં તેમણે ‘બાબુરાવ પટેલ ફેન
એસોસીએશન’ બનાવવાનો, અને તેના પ્રમુખ તરીકે ઉર્વીશના નામનો
પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાત નહીં નહીં તોય દસેક વરસ જૂની હશે, એટલે કે સુશીલા રાણીની ત્યારે ઉંમર ૮૫-૮૬ની હશે.
બીજું તો ઠીક, તેમનો ‘જોસ્સો’ જોઈને અમને નવાઈ લાગી હતી. ઉર્વીશ તેમને એ
દરમિયાન મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યો પણ હતો. જો કે, બીજા
અનેક લોકોની જેમ અમે પણ બાબુરાવના પ્રેમી હોવા છતાં અમારા મનમાં આવું કોઈ સંગઠન
બનાવવાનો જરા સરખો વિચાર હતો નહીં,એટલે એ વાત આગળ વધારવાનો
સવાલ ન હતો.
**** **** ****
૨૦૧૨માં ‘સાગર મુવીટોન’/Sagar Movietone વિષે
સંશોધન શરૂ કર્યું એ વખતે સૌથી પહેલાં એવી વ્યક્તિઓને યાદ કરી કે જેમનું ‘સાગર મુવીટોન’ સાથે જોડાણ હોય અને એ વ્યક્તિ હજી
જીવિત હોય. આવાં બે જ નામ હતાં. એક હતાં સિતારા દેવી, અને
બીજાં સુશીલા રાણી પટેલ.
ગયા જુલાઈમાં
મુંબઈની મુલાકાત ગોઠવાઈ,
અને મિત્ર શિશિરકૃષ્ણ શર્મા પાસેથી બન્નેના સંપર્કો મેળવીને વારાફરતી બન્નેનો
સંપર્ક સુકેતુભાઈ દેસાઈએ(ચીમનલાલ દેસાઈના પૌત્ર) કર્યો. સિતારા દેવી તરફથી મુલાકાત
પર ઠંડું પાણી રેડાયું, પણ સુશીલા રાણીએ ઉમળકાભેર મળવા
બોલાવ્યા.
૨૯ જુલાઈ, ૨૦૧૪ના દિવસે સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર
વૈદ્યની સાથે અમે બાંદરાના પાલી હીલ સ્થિત ‘ગિરનાર’ બંગલે પહોંચ્યા. નેમપ્લેટ પર ‘ગિરનાર’/Girnar વાંચતાં જ એક અનોખો રોમાંચ થઈ રહ્યો હતો. ખરા અર્થમાં આ સ્થાન હૃદયધામ
હતું. સુરક્ષાપ્રબંધ ઘણો ચુસ્ત હતો, પણ અમારા આવવાની જાણ
હોવાથી અમને વિવેકપૂર્વક અંદર મોકલવામાં આવ્યા.
ગિરનાર બંગલો: હૃદયધામ |
લીફ્ટમાં બીજા માળે
પહોંચ્યા પછી અમે બાબુરાવ પટેલના ઘરમાં હતા. સુશીલા રાણી અમારી રાહ જોઈ રહ્યાં
હતાં. ચમકતા રંગનો પંજાબી ડ્રેસ તેમણે પહેર્યો હતો, તેમજ ભારેખમ મેકઅપ કરેલો હતો. હોઠ તેમજ
નખ સુદ્ધાં કાળજીપૂર્વક રંગેલાં હતાં. વાળમાં વેણી પણ શોભતી હતી. પણ તેમના આખા
ચહેરામાં સૌથી ખૂંચે એવી બાબત હતી તેમની મોટી આંખો. કાજળને કારણે તે વધુ મોટી
લાગતી હતી, પણ તે સહેજ ત્રાંસી થઈ ગઈ હોવાને કારણે ચહેરો
વિચિત્ર લાગતો હતો. ખાસ કરીને સામેથી ફોટા પાડતાં.
અમે ગયાં ત્યારે તે
અંદર બેડરૂમમાં બેઠેલાં હતાં. તેમની સેવિકા મારીઆએ અંદર જઈને જાણ કરી એટલે તે બહાર
આવ્યાં અને અમને આવકાર્યા. બહારના રૂમના ડાઈનીંગ ટેબલ પર અમે ગોઠવાયાં. તેમણે
બાબુરાવ અને ચીમનલાલ દેસાઈની મૈત્રીને યાદ કરી અને બાબુરાવને ચીમનલાલ માટે કેવો
ભાવ હતો એ જણાવ્યું. ‘સાગર
મુવીટોન’ વિષે પુસ્તક થઈ રહ્યું હોવાનું જાણીને તેમણે આનંદ
વ્યક્ત કર્યો. સુકેતુભાઈને તેમણે અમુક કુટુંબીજનો વિષે પૂછપરછ કરી. આટલાં વરસ પછી
પણ તેમને સૌનાં નામ યાદ હતાં એ જાણીને નવાઈ લાગી. તેમણે ઉદારતાપૂર્વક બાબુરાવની
વિશાળ લાયબ્રેરીનો ઉપયોગ પણ કરવાની અમને ઑફર કરી. વચ્ચે વચ્ચે હું અમુક સવાલ પૂછતો
જતો હતો. બધી વાત કર્યા પછી તેમણે કહ્યું, “મારી તમને એક વિનંતી છે.” મને થયું કે એ શું કહેશે? પુસ્તક તૈયાર થાય ત્યારે તેમને નકલ મોકલવા કહેશે? એ
તો આપણે મોકલવાના જ છીએ. તેને બદલે તે બોલ્યાં, “મારી પાસે ‘ગ્વાલન’ કે ‘દ્રૌપદી’ની એક પણ પ્રિન્ટ નથી. પ્લીઝ, તમે ગમે એમ કરીને મને
એક રીલ મળે તો એક રીલ, લાવી ન આપો?’ આ
સાંભળીને અમે સૌ મૂંઝાયા. તેમને શું કહેવું? ‘ગ્વાલન’ તો ‘અમર પિક્ચર્સ’ના બેનર હેઠળ જ બન્યું હતું. એટલે તેમણે ભારપૂર્વક અને આજીજીપૂર્વક કહ્યું, ‘તમે કહો એટલા પૈસા આપવા હું તૈયાર છું. પણ ગમે એમ
કરીને છેવટે એક રીલ પણ મને મેળવી આપો.’ આ માંગણી સંતોષવી
અઘરી જ નહીં, લગભગ અશક્ય હતી. છતાંય અમે ‘પ્રયત્ન કરીશું’ જેવું ઠાલું આશ્વાસન આપ્યું.
સુશીલા રાણી સાથે સવાલ-જવાબ: બીરેન કોઠારી અને સુકેતુ દેસાઈ (તસવીર:ચંદ્રશેખર વૈદ્ય) |
એ પછી તેમણે અમને
અંદર પોતાનો સંગીતખંડ બતાવ્યો. અંદરના રૂમમાં તેમના ‘દ્રૌપદી’ના બે-ત્રણ
ફોટા લેમીનેટ કરીને મૂક્યા હતા. પછી તે એવાં ખૂલ્યાં કે પોતાની અંગત વાત કહેવાં લાગ્યાં.
‘બાબુરાવ ૧૯૮૨માં અવસાન પામ્યા. અને આ વિશાળ પ્રોપર્ટી મૂકતા
ગયા. પણ રોકડ ખાસ ન હતી. આ પ્રોપર્ટીને વેચું નહીં તો તેનો અર્થ ન રહે. છેવટે થોડા
સમય પહેલાં ‘ગિરનાર’નો એક હિસ્સો મેં વેચી
દીધો. પણ એમાંય ઝંઝટ છે. અમુક પાડોશીઓ સમજતા નથી, અને નાની નાની વાતે ઝઘડવા આવે છે.’
સુશીલા રાણીનો સંગીતકક્ષ અને તેમાં બાબુરાવની તસવીર |
શયનખંડમાં 'દ્રૌપદી'ની કેટલીક તસવીરો |
આ બધી વાતો એવી હતી
કે સાંભળવી ગમે નહીં. બાબુરાવ અને ‘ગિરનાર’ બન્ને વિષે મનમાં એક ખૂણો અલાયદો છે. છતાંય વાસ્તવિકતા
આ જ હતી. મારે પુસ્તક વિષે પૂછવાનું લગભગ પૂરું થયું હતું, પણ
વાતો ફક્ત પુસ્તક પૂરતી મર્યાદિત શી રીતે રહે? એટલે આ બધી વાતો
ચાલતી રહી. તે હજીય સંગીત સમારંભોમાં હાજરી આપતાં હતાં, ગાયન
કરતાં હતાં. તેમણે નિદર્શનરૂપે ગાયનનો એકાદ નમૂનો પણ અમને સંભળાવ્યો.
તેમનો ૯૩મો જન્મદિન 'સ્વરઆલાપ' /Swar aalap દ્વારા ઉજવવામાં આવ્યો એ પ્રસંગે તેમના ગાયનની એક ઝલક.
તેમની બન્ને સેવિકાઓ
મારીઆ અને શોભા તેમની સંભાળ સારી રીતે લેતી હતી. સુશીલા રાણીએ પુસ્તકના વિમોચન વિષે
પૂછપરછ કરી. ત્યારે તો હજી કશુંય નક્કી ન હતું. છતાં તેમણે પુસ્તકના વિમોચનમાં પોતે
હાજર રહેવાની ખાતરી આપી.
થોડા સમય પછી અમે તેમની
વિદાય લીધી ત્યારે તેમણે પોતે પુસ્તકના વિમોચનમાં અવશ્ય હાજર રહેશે એમ જણાવ્યું.
**** **** ****
૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૪ના દિવસે ખાર જીમખાના/Khar Gymkhana (મુંબઈ)માં ‘સાગર મુવીટોન’નું વિમોચન અનેક સિતારાઓની હાજરીમાં થયું.
જોવાની મઝા એ હતી કે મુખ્ય અતિથિ આમીર ખાન/Aamir Khan ઉપરાંત અનિલ કપૂર/Anil Kapoor,
રાજકુમાર હીરાણી/Rajkumar Hirani, વિધુ વિનોદ ચોપરા/Vidhu Vinod Chopra, પ્રસૂન
જોશી/Prasoon Joshi, વિકટર આચાર્ય/Victor Acharya જેવા સિનેજગતના વર્તમાન સિતારાઓ તદ્દન સાદા
અને રોજિંદા સામાન્ય પહેરવેશમાં ઉપસ્થિત હતા. પણ ૯૬ વર્ષીય સુશીલા રાણી પટેલ લાલભડક
સાડીમાં, પૂરા મેકઅપ સહિત, આભૂષણથી શોભતાં
હાજર હતાં.
'સાગર મુવીટોન'ના વિમોચન પ્રસંગે સુશીલા રાણી, આમીર ખાન અને દક્ષા સુકેતુ દેસાઈ |
બસ, એ તેમની સાથેની છેલ્લી મુલાકાત, અને મનમાં અંકાઈ રહેલી આખરી છબિ. જ્યારે પણ એ યાદ આવશે ત્યારે એ જ સ્વરૂપે
યાદ આવશે.
સુશીલા રાણી પટેલના
અંતિમ સંસ્કાર આવતી કાલે શુક્રવારે શિવાજી પાર્ક/Shivaji Park ખાતે કરવામાં આવશે.
(supporting material provided by: Harish Raghuwanshi, Rajnikumar Pandya, Shishir Krishna Sharma, Isuru Kariyawasam)
ફિલ્મ તવારીખનાં એક મહત્ત્વનાં પ્રકરણનો અંત થયો.
ReplyDeleteસમય પોતાનું કામ તો કર્યે જાય છે, પણ સમયની યાદોનાં પગલાં ભાવિની ભરતીઓટ ભુંસાઇ ન જાય તે માટે આ પ્રકારના લેખોનં યોગદાનનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
થોડા સમય પહેલાં ‘Lagat Najar Tori Chhalaiyaan’ – Sushila Rani Patel પણ વાંચ્યો હતો,
તેની લિંક [http://beetehuedin.blogspot.in/2014/05/lagat-najar-tori-chhalaiyaan-sushila.html]પણ અહીં મૂકીને સુશીલા રાણીજીની યાદનાં પુષ્પોને એક સ્થાને એકત્ર કરીએ.
अत्यंत दु:खद, कि एक शालीन और सुसंस्कृत व्यक्तित्व, उत्कृष्ट गायिका और गुणी अभिंनेत्री नहीं रहीं। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे!!!
ReplyDeleteઆજની નકલી ચમકદમકમાં પણ આવા હીરાઓ જરાય ઝાંખા નથી પડ્યા. સરસ લેખ.
ReplyDeleteસુશીલારાણી વિષે આટ્લું અદભુત વાંચીને તારી કલમથી અહોભાવિત થઇ ગયો, અતિશય સમતોલ. અહોભાવ કે અણગમાના લેશમાત્ર પાસ વગરનું આ લખાણ તારી લેખિનીની પ્રૌઢી બતાવે છે, વાતો પણ રોમાંચકારી (ઉર્વીશને પ્રમુખપદની ઓફર જેવી) બિલ્કુલ ડોળ વગર સહજપણે આવી છે, બે પત્નીઓના સુમેળ વિષે વાંચીને અભિભુત થઇ જવાયું.
ReplyDeleteતમને બન્ને ભાઇઓને મારા દિલી અભિનંદન !