Sunday, March 18, 2012

વીસમો વિશ્વ પુસ્તક મેળો: જુઓ, વાંચો, ખરીદો, ફરો


-     અમિત જોશી



(દિલ્હીમાં ગયે મહિને વીસમો વિશ્વ પુસ્તકમેળો યોજાઈ ગયો. દિલ્હીમાં રહેતો મિત્ર અમિત જોશી ભારે વાંચેડુ અને પુસ્તકોનો જબરો રસિયો છે. પુસ્તકમેળાના નિયમિત મુલાકાતી અમિતે લખેલા આ અહેવાલમાં તેનાં આગવાં નિરીક્ષણો અને તારણો ઝળકે છે.)


નેવુંના દાયકા પહેલાંનું દિલ્હી એટલે ઑલ ઈન્ડીયા’. અહીં સ્થાનિક ધોરણે જે કંઈ થાય એ બધું જ ઑલ ઈન્ડીયા લેવલનું ગણાતું. માંડ માંડ ભેગા થઈ શકેલા ચાર ગુજરાતી બ્રાહ્મણ પરિવારો છત્તરપુર ફાર્મહાઉસમાં પીકનીક કરે તો પણ ફાર્મહાઉસના ઝાંપે બેનર લટકતું હોય “અખિલ ભારતીય ગુજરાતી બ્રહ્મસમાજ (રજિ.)” ત્યાર પછી યુગ આવ્યો વૈશ્વિકીકરણનો. એને કારણે નેવુંના દાયકા પછી હવે દિલ્હીની ઓળખ ઑલ ઈન્ડીયાથી આગળ વધીને ગ્લોબલ (વર્લ્ડ કે ઈન્ટરનેશનલ) બની છે.

પ્રગતિ મેદાન/ Pragati Maidanમાં યોજાતા મેળાઓ પર કંઈક આવો જ ગ્લોબલીયો તાવ સવાર હોય છે. કરોલ બાગ/ Karol Bagh, ચાંદની ચોક/ Chandni Chowk નાં બજાર પ્રગતિ મેદાનમાં આવી જાય એટલે કહેવાય વિશ્વ વેપાર મેળો. એ જ રીતે અંસારી રોડ, ચાવડી બજાર/ Chawri Bazarના પુસ્તકવિક્રેતાઓ પ્રગતિ મેદાનમાં આવી જાય એટલે બની જાય વિશ્વ પુસ્તક મેળો/ World Book Fair. 


અલબત્ત, આફ્રિકા અને એશિયાના સૌથી મોટા ગણાવાતા આ મેળામાં છેલ્લા દિવસોમાં તો દરિયાગંજમાં ભરાતા ફુટપાથિયા પુસ્તકબજાર જેવું ઘોંઘાટિયું બાર્ગેનીંગ પણ ઠેરઠેર જોવા મળે. આ વખતે ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમ્યાન વિશ્વ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૯૯૪માં ગુજરાત વિદ્યાપીઠ/ Gujarat Vidyapeeth ની શિષ્યવૃત્તિના સૌજન્યથી પહેલવહેલી વાર મુગ્ધભાવે જોયેલો આ મેળો હજી અઢાર વરસ પછી પણ હું એટલી જ મુગ્ધતાથી જોઉં છું. જો કે, પુસ્તકોના ભાવ હવે આસમાને પહોંચ્યા હોય એમ લાગે છે. છતાંય આ વખતે માનનીય માનવસંપદા મંત્રીસાહેબે દર બે વરસે કરવામાં આવતા આ આયોજનને હવે દર વરસે યોજવાની નેમ વ્યક્ત કરી છે. આમ થાય તો, કમ સે કમ પુસ્તકપ્રેમીઓ માટે કશી ખોટ તો નથી જ.

નેશનલ બુક ટ્રસ્ટનો સ્ટોલ 

પુસ્તક મેળામાં મોક્ષ પણ વેચાતો મળે. 

પુસ્તકમેળો એટલે સાહિત્યમેળો એવી ગેરસમજ કરવા જેવી નથી. પુસ્તકમેળામાં હવે સાહિત્યની સાથે કશુંક ભળતુંસળતું દેખાય એ સાર્વત્રિક દૂષણ બની રહ્યું છે. સાધુબાવાઓની બ્રહ્મસ્વરૂપે પ્રગટ ઉપસ્થિતિની સાથોસાથ ધાર્મિક, બલ્કે સાંપ્રદાયિક સંસ્થાઓના ઉઘાડેછોગ એજન્ડા, ચળવળિયું સાહિત્ય, ગુજરાતનું ઓલટાઈમ ફેવરીટ ગણાતું ચિંતન સાહિત્ય વગેરે આપણને રીતસર હાથ પકડી પકડીને વળગાડવામાં આવે ત્યારે જ લાગે કે કમ સે કમ વાંચનક્ષેત્રે હળાહળ કળિયુગ આવી ગયો છે.

ચિલ્ડ્રન્સ પેવિલિયનમાં અમર ચિત્ર કથાનો સ્ટોલ 

ચિલ્ડ્રન્સ પેવિલિયનમાં વાચક તરીકે નહીં, પણ એક પિતા તરીકે જતી વખતે કારકિર્દીની સોમી સદી માટે બેટીંગમાં આવતા સચીન જેવી હાલત થઈ જાય છે. ભણાવવાની નવી નવી રીતો, જાતભાતના અખતરા, અઢળક ચાર્ટ્સ, શૈક્ષણિક રમકડાં, વારતાની વધુ પડતી આકર્ષક અને મોંઘીદાટ ચોપડીઓમાં સંકોચાતી જતી ટેક્સ્ટ અને મોટું ને મોટું થતું જતું અપ્રસ્તુત ચિતરામણ જોઈને મગજ ચકરાઈ જાય. બાળકોને ગોદા મારી મારીને પરાણે સ્માર્ટ બનાવવાના બજારનું એટલું બધું આક્રમણ છે અને તેને લઈને ઉભું થતું જબરદસ્ત દબાણ છે કે માબાપ અનિચ્છાએ પણ આ ઘોડાદોડમાં ન જોડાય તો દુન્યવી દૃષ્ટિએ માત્ર ને માત્ર ડફર ઠરે. બાળકોના ખુલ્લા વિશ્વને ભમરડા, લખોટીઓ કે ગીલ્લીદંડામાંથી સીધા સ્માર્ટ ક્લાસરૂમ કે સ્ટડીરૂમમાં સિમીત કરી દઈને આપણે પરસ્પરને અટપટો કોયડો બનાવી મૂક્યો છે. આનું પરિણામ? બાળકો માટેના પેવિલિયનમાંથી તરલા દલાલની રેસિપી બુક્સ અને પતિપત્નીના જોક્સનાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે. બાળક કશાયથી અજાણ ન રહી જવો જોઈએ.
ચિલ્ડ્રન્સ પેવિલિયનની બહાર નીકળ્યો ત્યારે જોયું તો એશ આરામના ખાનગી (આમ તો જાહેર) નામે ઓળખાતા એક જાણીતા દાઢીધારી બાપુના ચેલાઓ હોળીના રંગોનાં પંદર પંદર રૂપિયાનાં પેકેટોની સાથે સાથે બાપુનું સાહિત્ય પણ હાથમાં થમાવી રહ્યા હતા. પંદર રૂપિયાવાળું રંગનું પેકેટ ખરીદો તો કદાચ બાપુની ભક્તિનો રંગ જલ્દી ચડતો હશે કે ઉતરતો હશે. 

બાળકો માટેનાં પુસ્તકો: વાંચો નહીં, જુઓ  

વિશ્વ પુસ્તકમેળો શરૂ થયો એ દિવસે પ્રગતિ મેદાનમાં પર્યટનને લગતો તેમજ દોરાધાગાને લગતો નક્ષત્ર મેળો પણ લાગેલાં હતાં. સામાન્ય રીતે મોકાની એન્ટ્રી ગણાતા આઠ નંબરના ગેટ પાસેના હૉલમાં આ બન્ને પ્રદર્શનો અડખેપડખે લાગેલાં હતાં. જરા વિચારો! નક્ષત્રમાંથી તમે બહાર નીકળો પછી પુસ્તક ખરીદવા માટે કશું બાકી રહ્યું હોય ખરું? નોકરીયાત માણસને મહિનાની પચીસમી તારીખે દૂધના પૈસા ગલ્લામાંથી કાઢવા પડે એવી સ્થિતિ હોય અને ખાનગી નોકરી કરનારના હાથમાં સાતમી તારીખ પહેલાં પગાર ન આવે.એમાંય માર્ચ મહિનો એટલે માબાપ સહિત નિશાળીયાઓની પરીક્ષાનો સમયગાળો. આ ગાળામાં પુસ્તકમેળાનું આયોજન કરવાની આયોજકોની સૂઝની ચોક્કસ ફેરમાપણી કરવી પડે.


આ વખતના પુસ્તકમેળામાં ઉડીને આંખે વળગે એવી બાબત હતી ઈસ્લામીક સાહિત્યના સ્ટોલ્સ અને ખાસ્સી એવી સંખ્યામાં તેની મુલાકાત લેતા મુસ્લિમ બિરાદરો. એક જમાનામાં બાઈબલ જેમ મફતમાં આપવામાં આવતું, એમ આ વખતે બેંગ્લોરના એક પ્રકાશક કુરાનની મફત વહેંચણી કરતા હતા. કુરાન સાથે બે ટોપ-અપ ચોપડીઓ મુહમ્મદ-એ-વફા અને ઈસ્લામ ધર્મ પણ ખરી. એ લેવું કે ન લેવું એની શરૂઆતની અવઢવ પછી મારી અંદરનો ગુજરાતી આત્મા જાગી ઉઠ્યો અને આ મફતિયો પ્રસાદ ગ્રહણ કર્યો. વિચાર આવ્યો કે ઘરમાં કદી ગીતા પ્રેસના રામાયણ કે મહાભારત નથી ખરીદ્યા, વેદની તો વાત જ બાજુએ રહી. કોઈના બેસણામાં જઈએ ત્યારે ગીતાનાં દર્શન થાય તો થાય. આની સાથે જ એ વિચાર પણ આવ્યો કે હિંદુઓએ જો કોઈ એક ધર્મગ્રંથ આ રીતે વહેંચવાનો હોય તો એક સર્વમાન્ય પુસ્તક બાબતે એકમતી સાધી શકાય ખરી?

કુરાન ફ્રી મેં હૈ 

વિદેશી પેવિલિયનમાં ખાસ કરીને પાકિસ્તાન, નેપાળ સહિત ઈસ્લામિક દેશોનું સાહિત્ય ઉપલબ્ધ હતું, તો અંગ્રેજીના જે થોડાઘણા સ્ટોલ્સ હતા એમાંના મોટા ભાગના એમ્બેસી સ્પોન્સર્ડ હોવાથી શો કેસ કક્ષાના વધુ હતા અને પુસ્તકના નામે વધ્યાઘટ્યા થોથાં. આ જોઈને વિદેશી પ્રકાશકોની ભાગીદારી ઘટતી જાય છે એમ લાગ્યું. 


બે સ્ટોલ કરાંચીના જોયા એટલે થયું કે ત્યાં જવું જોઈએ. ગ્લોબલ ગુજરાતે માંડવીના માછીમારોની જેમ જળસીમા ઓળંગી છે કે કેમ એ જાણવાનું મને કૂતુહલ હતું. એટલે ત્યાં જઈને ઉત્સાહભેર પૂછ્યું, “કરાંચીમાં ગુજરાતી પ્રકાશન થાય છે ખરું?” સ્ટોલવાળા ભાઈ હસીને કહે, “સા, હમ દિલ્લી કે હી હૈ.” આ તો અપણેવાલા નીકળ્યા!

સંસ્કૃતસ્ય સ્ટોલમ 

મેળાની આખી માર્ગદર્શિકામાં ગુજરાતનું નામોનિશાન જોવા ન મળ્યું. ગુજરાતમાં ન રહેતો હોવા છતાં મને આ જોઈને પહેલો વિચાર એ જ આવ્યો કે કેન્દ્ર દરેક બાબતમાં ગુજરાતને અન્યાય જ કરે છે. અલબત્ત, ગુજરાતી સાહિત્ય અકાદમી/ Gujarati Sahitya Akademi નો એક સ્ટોલ હતો ખરો. પૂછતાં ખબર પડી કે નવ દિવસમાં તેનું વેચાણ પણ દસેક હજારનો આંકડો વટાવી ગયેલું. આ સાંભળીને મારી છાતી ગજગજ ફૂલી. પણ મૂળ તો આપણે વેપારી પ્રજા (અહીં આપણે કેટલા વરસોથી દરિયો ખૂંદતા હતા એ ઉલ્લેખ પણ કરી શકાય.) એટલે ગણતરી કરવાની ટેવ છૂટે નહીં. આ આંકડાની દિલ્હીમાં વસતા ગુજરાતીઓની વસ્તી સાથે ત્રિરાશી માંડી જોઈ. આ ગણતરીએ માઈનસમાં જે જવાબ આવે તેને અહીંના ગુજરાતીઓનો બુદ્ધિઆંક ગણી શકાય? આ જવાબ મેળવવો અઘરો લાગ્યો એટલે પછી ગણતરી તો કરી, પણ એને ક્યાંય લાગુ પાડવાનો પ્રયત્ન પડતો મૂક્યો.

અબ્દુલ કલામ પણ અહીં આવે...

 ચેતન ભગતઓટોગ્રાફ આપતા જોવા મળે.. 

ફારૂક શેખની હાજરી પણ ધ્યાન ખેંચે 

જો કે, એટલું કહેવું રહ્યું કે લુપ્ત થવાને આરે આવેલી ગણાતી સીંધી, મણિપુરી, ખાસી, ભીલી, ગોંડી, સંતાલી, આઓ, મીઝો જેવી ભાષાઓનું સાહિત્ય આ વખતે નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળ્યું. બીજી દેખીતી બાબત એ જોવા મળી કે હિંદી સાહિત્યે હવે લાજશરમનો ઘુમટો હટાવ્યો છે અને કમ સે કમ આવરણ પૂરતું તો આકર્ષક દેહસૌષ્ઠવ ધારણ કર્યું છે. (કોણે વિદ્યા બાલન કહીને બૂમ પાડી?) ઝીરો ફીગરની સાથે પ્રાઈસ ટેગ પણ એટલી જ આકર્ષક! અન્ય ભારતીય ભાષાઓના સ્ટોલમાં પણ ઘણી ભીડ જોવા મળી. 
નવી ટેકનોલોજી મુજબ લીસન ટુ યોર બુક (flikpart.com) કહે છે કે ચોપડીઓ પાનાં ફેરવીને વાંચવાના દિવસો ગયા, હવે દિવસો આવ્યા છે ચોપડી સાંભળવાના. મતલબ કે આખું ચક્ર પૂરેપૂરું ફરીને પાચા શ્રુતિ-સ્મૃતિના દિવસો આવી રહ્યા છે, એમ જ માનવું ને!આની સામે બેંગ્લોરની એક કંપનીએ અનેક શાસ્ત્રીય ગ્રંથો તાડપત્ર પર રજૂ કરેલા જોવા મળ્યા, જેમાં ગીતા, અષ્ટકો, સ્તોત્રો વગેરે ઢગલાબંધ વેચાયાં.આમ, બબ્બે સદીઓ એક જ છત નીચે એક સાથે જોવા મળી.

લૌટ આયે બીતે દિન 

જેમની દોઢસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે એવા રવીન્દ્રનાથ ટાગોરનું તેમજ પાટનગર બન્યાના સો વરસ પૂરાં કરી ચૂકેલા દિલ્હીનું પણ અલાયદું પેવિલિયન હતું. 


પુસ્તક મેળામાં દર વખતે એક કેન્દ્રીય થીમ હોય છે. આ વખતની થીમ હતી હિંદી સિનેમાનાં સો વરસ. થીમ પેવિલિયનમાં તમામ ભાષાઓમાં ઉપલબ્ધ સિનેમાનાં પુસ્તકો પ્રદર્શિત કરાયા હતા. પી.સી.બરૂઆ/ P.C.Barua ની દેવદાસ’, શ્યામ બેનેગલ/ Shyam Benegal દિગ્દર્શીત સૂરજ કા સાતવાં ઘોડા’, મણિ કૌલ/ Mani Kaul ની ઉસ કી રોટી ઉપરાંત અન્ય ભાષાની સુંદર ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. સત્યજીત રાય/ Satyajit Ray દ્વારા ઉપયોગમાં લેવાયેલો ટુ સી મોડેલનો એરીફ્લેક્સ’/ Arriflex કેમેરા પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એમ તો રોજેરોજ જાતજાતના પરિસંવાદ પણ યોજાતા, જેમાં નામી હસ્તીઓ હાજરી આપતી. જો કે, એમ અવશ્ય લાગે કે સિનેમા જેવા વિષયને હજી વધુ ઈસ્ટમેનકલર બનાવી શકાયો હોત. 

અહીં પરિસંવાદ.. 

...વિમોચન
....સાંસ્કૃતિક કાર્યક્રમ

....નિદર્શન  વગેરે બધું જ યોજાય 

આ મેળો આખેઆખો તો રોજેરોજ ત્યાં જઈએ ત્યારે જ ફરી શકાય. બે-ત્રણ વખત મુલાકાત લીધી ત્યારે માંડ આટલું ફરી શકાયું.
પુસ્તક મેળામાં ફરતાં, કાગળિયાં ઉથલાવતાં લોકોની ભીડ જોઈને એટલું આશ્વાસન જરૂર લેવા જેવું લાગ્યું કે ભલે પીકનીકના નામે, પણ એ બહાનેય લોકો પુસ્તકમેળામાં આવીને હાજરી પુરાવે એટલે ભયોભયો. 

(My hearty thanks to Mr. Bhagyendra Patel, National Book Trust, New Delhi & Ms. P.S.Aprna, St.Thomas School, Ghaziabad for providing several appropriate images of this event.-Biren)

6 comments:

  1. ભરતકુમારMarch 19, 2012 at 12:57 AM

    અમિતભાઇ , દિલ્હીના વિશ્વ પુસ્તક મેળામાં શબ્દ દેહે સફર કરાવવા બદલ ધન્યવાદ . ત્યાં લીધેલા વિવિધ ફોટોગ્રાફ્સ જાણે એ માહોલને જીવંત કરી દેતા હોય , એવું લાગ્યું. નિરિક્ષણો પણ મૌલિક છે જ , પણ જો નકારાત્મકતાનું પ્રમાણ થોડું ઘટાડીને લેખ વધુ સંતુલિત કર્યો હોત તો ઓર મજા આવી હોત .

    ReplyDelete
  2. adbhoot!! sadehe melama farwano lahaavo lidho

    ReplyDelete
  3. Solid Satire !
    હજી પણ હસવું રોકાતું નથી ! આ મહાનુભાવને અભિનંદન પાઠવજો.. શું લખાણ છે.. ! પુસ્તકમેળાનું પણ આટલું કટાક્ષમય વર્ણન આ પ્રકારે થઈ શકે એ આજે જ વાંચ્યું.. ! જોરદાર..એમનું ફેસબૂક આઈ-ડી હોય તો આપવા વિનંતી (ખાનગીમાં પણ ચાલશે) મેં સર્ચ કર્યું પણ મળતાં નથી... અને એમને અહીંયા સુધી ખેંચી લાવવા માટે તમને પણ many thanks :)

    ReplyDelete
  4. વાહ ! વાહ !! પુસ્તકમેળાની યાત્રા કરાવી !!!
    તમારો ‘વાંચેડુ’ શબ્દ બહુ બહુ જ ગમ્યો..
    ધન્યવાદ.

    ReplyDelete
  5. thanx a lot big B.rajuat bahu thath math thi kari chhe.lakhan haju vadu saru thai shkyu hot.

    ReplyDelete
  6. પુસ્તકનાં વંચાણ અને વિચાણમાટે પુસ્તક્મેળાની એક પ્રચાર માધ્યમ તરીકેની ઉપયોગીતા જોઇને આનંદ તો થાય, પણ સાથે સાથે એક વિચાર હંમેશ આવતો રહ્યો છે કે આ સિવાય કોઇ અન્ય વિકલ્પ હિ શકે ખરો જે વધારે કાર્યક્ષમરીતે હજૂ વધારે લોકોસુધી પુસ્તકોને પહોંચાડી શકે?
    તેમાં પણ હવે જ્યારે ડીજીટલ ટૅક્નૉલૉજીના જમાનામાં વાચનમાટે જ્યારે મુદ્રિત પુસ્તકો પોતે જ બીજા ઘણા વિકલ્પો પૈકી એક બની રહેલ હોય ત્યારે તે વૈકલ્પિક માધ્યમનો પણ પ્રચાર તો કરવામાં આવી રહ્યો જ હોય ત્યારે આ બધા વિકલ્પોનો કોઇ નવો જ પ્ર્યોગ થાય તો કેવું સારૂં!
    અહીં ટીવી પર ઘરે બેસીને મૅચ જોવી અને મેદાનમાં જઇને જાતે જોવી એ બન્નેની જેમ પોતાની આગવી મજા છે તેમ ડીજીટલ પ્રચાર માધ્યમ અને પુસ્તકમેળાની પોતાની આગવી લાક્ષણીકતાઓ છે તે પણ ધ્યાનમાં લેવું રહ્યું.

    ReplyDelete