Friday, November 25, 2011

રુકના તેરા કામ નહીં, થૂકના તેરી શાન



‘પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં પાયાનો ભેદ કયો?’ આ પ્રશ્ન ભારતીયોને પૂછવામાં આવે તો તેનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ એ હદે જુદો હોઇ શકે કે પૂર્વ અને પશ્ચિમનો ભેદ તો બાજુએ રહી જાય, અને પૂર્વની સંસ્કૃતિમાં જ કેટકેટલા ભેદ કે મતભેદ છે એ નક્કી ન થઇ શકે. પણ એક સર્વસામાન્ય ભેદ જે મોટા ભાગના સ્વીકારે છે અથવા તો સ્વીકારવો ગમે છે તે એ કે પૂર્વની સંસ્કૃતિ પશ્ચિમમાં જાય તો એ ઘટના ‘ગૌરવ’ તરીકે લેખાય છે. જેમ કે – યોગા, આયુર્વેદા, પંચકર્મા, મોક્ષા ઈટીસી,ઈટીસી...
જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ પૂર્વમાં આવે તો તે ‘આક્રમણ’ કહેવાય છે. જેમ કે- કોલા,એમ ટી.વી; ડેટીંગ,પીત્ઝા વગેરે. આ યાદી દરેક જણ પોતપોતાના રસરુચિ મુજબ લંબાવી શકે. પરંતુ પૂર્વની એટલે કે આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય અને સહિષ્ણુ હોવાની સાથોસાથ સમરસતાની છે, એટલે આપણે ઉદાર અને ઉદાત્ત હૃદયે આ તમામ ચીજોને આપણામાં સમાવી લઇએ છીએ, એટલું જ નહીં, એનું દેશીકરણ કરી નાંખીએ છીએ.
પૂર્વના લોકોના વ્યાપક અને સામાન્ય મત મુજબ પશ્ચિમની સંસ્કૃતિમાં અપનાવવા જેવું કંઈ જ હોતું નથી. તેને તો ફક્ત જોઇને જ સંતોષ પામવો યોગ્ય છે. કેમ કે સ્વચ્છંદતાની કક્ષામાં આવે એ હદની સ્વતંત્રતા તેમાં જોવા મળે છે. જેનો ખ્યાલ મુખ્યત્વે ત્યાંના લોકો દ્વારા પહેરાતાં ( કે ન પહેરાતાં) વસ્ત્રો જોઇને આવી શકે છે. વિચારોની સ્વતંત્રતા હશે એની ના નહીં, પણ તેનો ખ્યાલ વસ્ત્રો પરથી શી રીતે આવી શકે?
અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ? 
આની સામે પૂર્વમાં એટલે કે ભારતમાં તો તમામ પ્રકારની અંગત અભિવ્યક્તિ જાહેરમાં ગૌરવભેર કરી શકાય છે. જેમ કે- નાક ખંખેરવું, ઓડકાર ખાવો, ઉત્સર્ગક્રિયાઓ કરવી, થૂંકવું વગેરે.. માનવસહજ કહી શકાય એવી અને જેના પર નિયંત્રણ રાખવું શક્ય નથી એવી આ તમામ ક્રિયાપ્રક્રિયાઓ પૂર્વમાં મુક્ત અભિવ્યક્તિના પ્રકાર તરીકે સ્વીકૃત છે, જ્યારે આ જ બાબતો પશ્ચિમમાં દંડનીય અપરાધ છે. તમે તમારા વિચાર મનફાવે એમ જાહેરમાં રજૂ કરી શકો, પણ જાહેરમાં થૂંકો તો એ અસભ્યતા જ નહીં, પણ અપરાધ ગણાય. એને બદલે વિચારોની અભિવ્યક્તિ કરવા ન મળે તો કંઇ નહીં, કુદરતી ક્રિયાઓ મુક્તપણે કરવા મળે એ આઝાદી જેવીતેવી ન કહેવાય.
આથી જ આપણા દેશમાં થૂંકવા જેવી અમુક ક્રિયાઓએ આગવી પરંપરાનું સ્વરૂપ ધારણ કર્યું છે. અલબત્ત, જાહેરમાં ઉત્સર્ગ કરવા જેવી જ સહજ આ ક્રિયા હોવાથી એક કળા લેખે તેની પર કોઇનું ધ્યાન પડ્યું નથી. પણ આજકાલ શ્વાસોચ્છવાસની પ્રક્રિયાનું જે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ થઇ રહ્યું છે તે જોતાં કોઇક ગુરુજી ‘આર્ટ ઑફ સ્પિટીંગ’ નો અભ્યાસક્રમ શીખવે અને તેને વેચવા માંડે એ શક્યતા નકારી શકાય એમ નથી. પશ્ચિમના દેશોમાં ભારતીયોને થતા દંડથી બચાવવા માટેય થૂંકવાની કળાને અધ્યાત્મનું સ્વરૂપ આપવું જોઇએ. તો તેનો પ્રવેશ દબદબાભેર પશ્ચિમમાં થશે અને ગૌરવભેર તેનો સ્વીકાર થશે. અને તો પછી ભારતમાં તેને ગૌરવ પ્રાપ્ત થશે.
એ તો થાય ત્યારની વાત ત્યારે, પણ નવાઇ લાગે એવી હકીકત એ છે કે શાસ્ત્રોમાં દર્શાવાયેલી ચોસઠ કળાઓમાં ચોરી કરવા જેવી કળાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ થૂંકવાની કળાને બાકાત રાખવામાં આવી છે. આનો અર્થ એ કે આ પાંસઠમી કળા છે. થૂંકવાના વિવિધ પ્રકારો અને પદ્ધતિઓનું રસદર્શન કરતાં જણાશે કે સંગીત, નૃત્ય, ચિત્ર કે બીજી કોઇ પણ કળાથી તે જરાય ઉતરતી નથી, બલ્કે તેની સમકક્ષ છે. અહીં માત્ર તેની ઝલક દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અભ્યાસુઓ કે જિજ્ઞાસુઓ માટે તેની શાસ્ત્રીયતામાં ઊંડા ઉતરવાની તક છે એટલું જ દર્શાવવાનો આ પ્રયાસ છે.
થૂંકવાની વિવિધ પદ્ધતિઓ મુજબ તેના પણ વિવિધ ઘરાના છે.
ગળફા ઘરાના: થૂંકવાનો આ પ્રકાર સૌથી પ્રાચીન પ્રકાર છે. આ કારણથી આ ઘરાનાના ઉસ્તાદો હવે લુપ્ત થવાને આરે છે. આ પદ્ધતિમાં આરંભે મોંમાંથી જાતજાતના અવાજો કાઢવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છાતીમાં એકઠા થયેલા કફને ઉપરની તરફ ખેંચીને ગળા સુધી લાવવાનો હોય છે. એક વાર કફ ગળા સુધી આવી જાય પછી તેને મોંમાંની લાળ સાથે ભેળવીને મોટા અવાજ સાથે ગળફા સ્વરૂપે બહાર થૂંકવાનો હોય છે. શાસ્ત્રીય સંગીતમાં જેમ ગીતના શબ્દો કરતાં વિવિધ આલાપોનું મહત્વ વધુ હોય છે, તેમ આ પદ્ધતિમાં ગળફાની સાઇઝ કરતાં તેને બહાર કાઢવા માટે કરાતા અવાજોનું મહત્વ વધુ હોય છે. આને માટે રિયાઝ જોઇએ. નવી પેઢીને રિયાઝ કરવાનું કામ ‘મજૂરી’ લાગે છે, તેથી જ આ પરંપરાના ઉસ્તાદોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
પિચકારી ઘરાના: આ પ્રકારમાં મહેનત ઓછી અને ટેકનીકનું તત્વ વધુ હોય છે. આને કારણે તે ‘આમ’ કરતાં ‘ખાસ’ પ્રકાર ગણાય છે અને પોતાને ‘સમથિંગ’ ગણતા લોકોમાં વધુ લોકપ્રિય છે. આ કળાના ઉસ્તાદો હેરતઅંગેજ કરતબ દેખાડી શકતા હોય છે. જેમાં સૌથી અઘરો કરતબ છે બંધ દાંતની વચ્ચેથી પિચકારી મારવી. બન્ને હોઠ પહોળા કર્યા વગર તેઓ થૂંકની પાતળી અને લાંબી સેર છોડે છે. આ ક્રિયામાં એટલી ઝડપ હોય છે કે ઘણી વખત બાજુમાં ઉભેલાને ખ્યાલ પણ ન આવે કે કોણ થૂંક્યું. આ ઘરાનાના કલાકારો એટલા સ્વાવલંબી હોય છે કે તેઓ થૂંકવા માટે પાનનો આશરો પણ લેતા નથી.   
દમિયલ ઘરાના: આ પ્રકાર જરા વિશિષ્ટ છે. આમાં નથી ગળફો કાઢવાનો હોતો કે નથી પિચકારી મારવાની હોતી. આ ઘરાનાના કલાકારો પોતાના ગળામાં એકઠા થયેલા ધૂળના રજકણોને એકત્ર કરવા માટે ગળામાંથી જાતજાતના અવાજ કાઢે છે, જેને કારણે ઘણી વાર પાણી આવતાં અગાઉ નળમાંથી આવતા અવાજ જેવી સાઉન્ડઇફેક્ટ ઉભી થાય છે. લાંબા સમય સુધી અવાજો કર્યા પછી અંતે તેઓ ધૂળના રજકણોને ધરતીને હવાલે કરે છે. આ પદ્ધતિ જરા કઠિન છે, કેમ કે તેમાં અવાજ કાઢતાં બરાબર ન ફાવે તો ઉબકા અને ક્યારેક ઉલટી થવા સુધી પણ વાત પહોંચી શકે છે. આધુનીકતાનું આંધળું અનુકરણ કરનારા આને ‘ડસ્ટની એલર્જિ ’ કહીને ઉતારી પાડે છે.
ગુટખા ઘરાના: મૂળ ગીતોને બદલે તેનાં રિમીક્સ ઝડપભેર લોકપ્રિય થઇ રહ્યાં છે, તેમ આ પદ્ધતિ પણ ગુટખાઓના સતત વધી રહેલા વ્યાપને કારણે આગળ જણાવેલી તમામ પદ્ધતિઓની લોકપ્રિયતાને અતિક્રમી ગઇ છે. એ હદ સુધી કે અન્ય તમામ પદ્ધતિઓનો એકડો નીકળી જશે એવો ભય નિષ્ણાતો દ્વારા સેવાઇ રહ્યો છે. ગુટખા ખાવાને કારણે મોંમાંથી નીકળતું થૂંક લાલ રંગ ધારણ કરે છે અને મોંમાંથી લોહી ટપકતું હોય એવો આભાસ થાય છે. ફિલ્મ ‘યહૂદી’માં સોહરાબ મોદીના મુખે બોલાતા ‘તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’ જેવા ચોટદાર સંવાદની કલ્પના ગુટખા ખાઇને થૂંકનારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એવી શક્યતા પૂરેપૂરી છે.  
થૂંકવાનો આ પ્રકાર તમામ પ્રકારના લોકોને માફક આવે એવો છે. અંતર્મુખી, સંકોચશીલ અને શરમાળ સ્વભાવ ધરાવતા લોકો જાહેરમાં થૂંકવાને બદલે મકાનના ખૂણા, દાદરના રમણાના ખૂણા, લીફ્ટની આસપાસની જગા વગેરે સ્થળોએ પોતાની કળાનો પરચો બતાવે છે, જ્યારે બહિર્મુખી અને બોલકા સ્વભાવના લોકો માટે તો ‘સારા જહાં હમારા’ હોય છે.
ભગવાન ! તમે વચ્ચે ન આવતા. નહીંતર .. 
કેટલીક ઇમારતોના દાદરની પડખેની દિવાલે વિવિધ દેવીદેવતાઓનાં ચિત્ર ધરાવતી ટાઇલ્સ લગાડવામાં આવે છે, જેથી લોકો કમ સે કમ તેમની શરમ ભરે. પણ ગમે ત્યાં થૂંકવાની બાબતમાં કલાકારો કોઇની દરમિયાનગીરી સાંખી શકતા નથી. ચાહે દેવ હોય કે દાનવ.  
‘સિટી ઑફ જૉય’ નવલકથામાં માનવરીક્ષા ખેંચનાર એક રીક્ષાવાળો બીજા રીક્ષાવાળાને પાન ખાવાની આદત પાડવાની સલાહ આપે છે, જેથી રીક્ષા ખેંચતી વખતે મોંમાં ધસી આવતું લોહી થૂંકીએ ત્યારે પાનનો લાલ રસો થૂંકતા હોઇએ એવું લાગે અને બેને જુદા તારવી ન શકાય. સરકારે આ વિચારને બૃહદ સ્વરૂપ આપીને સરકારી ઇમારતો લાલ રંગે રંગવાનો પ્રયાસ કર્યો છે, જેથી લાલ રંગ અને ગુટખાની લાલ પિચકારીને જુદા ન તારવી શકાય.

અમુક ઇતિહાસકારો એમ પણ માને છે કે ગુટખાની પ્રથા કંઇ આજકાલની નથી. શીખ મહારાજા રણજિતસિંહે અંગ્રેજો માટે નહીં, પણ ગુટખા ખાઇને ગમે ત્યાં થૂંકતા નાગરિકોને જોઇને કહેલું, સબ લાલ હો જાયેગા. (જો કે, તેઓ આ વાક્ય કઇ ભાષામાં બોલ્યા હતા એ અંગે વિવિધ અટકળો છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલા અમુક સંશોધકો માને છે કે મહારાજાએ આ ક્વોટ ઇંગ્લીશમાં કહ્યું હશે.તો કેટલાક શીખ લોકો માને છે કે મહારાજા પંજાબીમાં બોલ્યા હશે. અમુક ગુજરાતીઓ માને છે કે ગુજરાત બહારની કોઈ પણ વ્યક્તિ હિંદીમાં જ બોલે.)
પાપા કહતે હૈ બડા નામ કરેગા... 
થૂંકવાના આટલા ઘરાનાની વિગતે સમજણ આપ્યા પછી વાંચનારને એટલું સમજાશે કે જેમ આપણા જીવનને ઑક્સિજનથી અલગ કરી શકાય એમ નથી, તેમ આપણી જીવનશૈલીમાંથી થૂંકવાની ક્રિયાને પણ દૂર કરી શકાય એમ નથી. આનું યોગ્ય બ્રાન્ડિંગ કરવામાં આવે, 
અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર કે શાહરૂખ ખાન જેવા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા તેને પ્રમોટ કરીને વિશ્વમંચ પર મૂકવામાં આવે તો શક્ય છે કે ઓલિમ્પીક્સ જેવા રમતોત્સવમાં થૂંકવાની સ્પર્ધાને પ્રવેશ મળે અને દુનિયા આખીના સ્પર્ધકો આપણને થૂંકતા જોવા મળી શકે. અને આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે મૂળ તો આ ભારતની શોધ છે. જો કે, આમ થાય તોય સદીઓ અગાઉ ભારતમાં શોધાયેલી અન્ય ચીજોના થયા છે એવા જ હાલ આના પણ થાય અને રોમાનિયા, કોસ્ટા રીકા, પેરુ જેવા ટચૂકડા દેશોના ખેલાડીઓ તેમાં સુવર્ણચંદ્રક લઇ જાય. ભલે લઇ જતા બિચારા. આમેય એમને સોનાની જરૂર આપણા કરતાં વધુ છે.
        આને લઇને એક ફાયદો થાય ખરો. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો ભેદ કમ સે કમ થૂંકવાની કળા પૂરતો નાબૂદ થઇ જાય અને ભારતીયો માટે દુનિયા આખી સાચા અર્થમાં ‘વસુધૈવ કુટુમ્બકમ ‘ બની રહે. 

9 comments:

  1. મારો દિકરો અમેરિકામા હતો.એના એક મિત્રના બાપા એને મળવા યુ.એસ.એ આવ્યા.થોડા દિ'મા કંટાળી ગ્યા. "તમારો તે કાંઇ દેશ છે.કોઇ જાતની સ્વતંત્રતા નહી. મુતરવુ હોય ત્યાં મુતરાય નહી,થુંકવું હોય ત્યા થુંકાય નહી.

    હું તો હાલ્યો પાછો ઇંડીયા"

    ReplyDelete
  2. બિરેન તેરી નેનો નજરકો સલામ !!!
    - સતિષ

    ReplyDelete
  3. થૂંકી નાખવા જેવી વાતને તમે કલાનો દરજજો આપીને મજાનો ભાષાવૈભવ પ્રગટ કર્યો છે. આપણે ત્યાં બ્લોગજગતમાં જોક્સવાળી બહુ ભાય છે પણ આ મજાનો ને તંદુરસ્ત, કટાક્ષનો મારગ બહુ ઓછા લ્યે છે.

    થૂંકનો સ–રસ લેખ !

    ReplyDelete
  4. પ્રિય બિરેનભાઇ,થુંકવા જેવી તુચ્છ ને કૈંક અંશે સુગ ચડે એવી ક્રિયા વિશે લખીને આ લેખને તમે તમારા વિનોદી તર્કોથી યાદગાર કરી દીધો.પુર્વના દેશો એટલે કે આપણે ત્યાં ચોખલિયાપણાના પ્રમાણ કરતા ચોખ્ખાઇનુ પ્રમાણ ઘણુ ઓછુ છે.આપણે ત્યા બધી જગ્યાએ જોવા મળતી સર્વસામાન્ય બાબત કઇ? તો એ છે-દંભ.આપણી સ્વતંત્રતાનો ખ્યાલ પણ સાલો બહુઆયામી છે.અરે હા,થુંકવા વિશે ટાઇટેનિક ફિલ્મમાં લિયોનાર્દો દ કેપ્રિઓ એની પ્રિયતમાં કેટ વિંસલેંટ ને થુંકતા શિખવતો હોય છે,એ યાદ આવી ગયુ.અલબત્ત એ પ્રણયી ભાવ આપણે ત્યાં કેમ જાળવવો એ તકલીફ તો છે જ.

    ReplyDelete
  5. બહુ સુંદર લેખ બન્યો છે.તેમાં પણ બધા ઘરાના ઊભા કર્યા તે ગમ્યું.

    ReplyDelete
  6. બિરેન ભાઈ,હવે તો પશ્ચિમના દેશોમાં પણ નવા આવતા વસાહતીઓ પોતાના દેશના રીતરીવાજો સાથે લાવીને બેધડક ઘરમાં ને જાહેરમાં તેનો ઉપયોગ કરતા રહેતા હોય છે,થુન્કવાનું તો હવે સામાન્ય થઇ પડ્યું છે!!
    છેલ્લા દોઢેક દાયકાથી પણ વધુ સમયમાં યુરોપના જુદાજુદા દેશોમાં
    આફ્રિકા એશિયાના લોકો આવીને વસતા તેમણે પોતાના દેશમાં જાણે કોઈ રહેતા હોય તેમ જાહેરમાં જોરજોરથી ઉચાં સાદે વાતકરવી,ગીર્દીઓમાં
    જલ્દી જગા આપીને ચાલવું નહિ,ભટકાય જાય તો 'માફી' ના માગવી,
    રસ્તે ચાલતાં ચાલતાં ખાવું,બસો,ટ્રેનોમાં મુસાફરી કરતી વેળાએ બાળકો, વૃધ્ધો કે સ્ત્રીઓને સીટ ના આપવી,એક રાહત છે કે હવે જાહેરમાં બસો,ટ્રેનોમાં સિગરેટ પીવાની મનાઈ છે.
    પોતાના ધાર્મિક ઉત્સવો ને રીતરીવાજો જાહેરમાં શોરબકોર કરીને
    ઉજવવા હવે પણ પશ્ચિમમાં બહુ વખાણવા જેવું નથી મારા ભાઈ.
    હજુ એટલું સારું છે ઓફીસો,બેન્કોમાં,સરકારી ખાતાઓમાં નોકરીકરતાને કે અહીંની પાર્લામેંટોમાં જે તે દેશના પાયજામાં કુર્તા પહેરવાની રજા નથી પણ બજાર,માર્કેટ કે શોપિંગ મોલોમાંતો કુર્તા પાયજામાં ને ચપલ્લોમાં તો ઘણાંય ફરતા રખડતા માલુમ પડે છે. સાથે સાથે થુન્કવાનું પણ ચાલુ હોયજ છે.
    ઉજળું(ચકચકતું) એટલું સોનું પશ્ચિમમાં નથી,ઘેર ઘેર માટીના
    ચૂલાની કહેવત સાચી ઠરે છે.

    ReplyDelete
  7. એક ખાન સા’બ ટ્રેનમાં સફર કરતા હતા.તેમની સામેની સીટમાં બારી પાસે એક બાનુ બેઠાં હતાં.ખાન સા’બે બારીમાંથી બહાર પાનની પિચકારી મારી.પવન વિરુદ્ધ દિશામાં હોય પિચકારીના થોડા છાંટાનો રંગ સીધો બાનુના ગાલને ચોંટી ગયો.બાનું ખાન પર ઘણાં ગુસ્સે થયાં. ખાન સા’બે ઘણી સ્વસ્થતાથી કહ્યું: અજી નારાજ ક્યોં હોતે હૈ? ચલો હમને થૂંકા હૈ તો હમ હી ચાટ લેતે હૈં.

    ReplyDelete
  8. બઠ્ઠા પડી ગ્યા :D !

    ReplyDelete
  9. આજ કાલ તો આ થુંકવાની કળા માં સ્ટંટ નો પણ ઉમેરો થયો છે ...મોંઘી ડાટ ગાડી રોડ પર પુરપાટ ઝડપે જતી હોય આગળ પાછળ બીજા વાહનો પોતાની કુદરતી ઝડપે જતા હોય ત્યારે આ થુંક સમ્રાટ ગાડી ને સરસ પોઝીસન કરી, દરવાજો ખોલી ને રસ્તા પર પોતાના અમી ની છાપ છોડે ...આ સ્ટંટ જોનારા ને તાળી પડવાની પણ તેવડ ના રહે ....!!

    એમાય જો થુંક સમ્રાટ , ડ્રાઈવર ની બાજુ માં બેઠા હોઈ અને કળા નો ઉમળકો આવે , ડ્રાઈવર ને સ્લો કરવાનું કહે ને એમાં જો

    બંને નું ટયુનીંગ વિખાય તો જુવો મજા ....પિચકારી નો રંગ એનું કામ તો કરવાનોજ છે ... !!
    મારી સાથે બનેલો કિસ્સો છે ...
    અમે અમારા વિદેશી મહેમાન ને એરપોર્ટ થી લઇ ને આવતા હતા, થુંક સમ્રાટે રસ્તા માં ત્રણ ચાર વખત સ્ટંટ કર્યું એટલે પેલા વિદેશી થી ના રહેવાયું અને ડરતા ડરતા પૂછ્યું " Is there anything wrong with Car ?"

    આ ઉપરાંત આ થુંકસમ્રાટો ની સાચી મજા જયારે મોઢા માં થુંક ભરેલું હોય ને કોઈ વડીલ અથવા તો બોસ આવી જાય અને બધુજ પોતાના પેટ માં ઉતારી જવું પડે ત્યારે આવે ...અને જણ પછી , લાલ પીળો થઇ ને જે હેડકી એ ચડે ....

    ReplyDelete