Saturday, May 16, 2026

હૈયે હેમાળો (2): આઈયે, પધારીયે...

તૂટ્યાફૂટ્યા રસ્તે આગળ વધ્યા પછી કાર આગળ જઈ જ ન શકે એ હદે તૂટેલો રોડ આવ્યો અને અમે નીચે ઊતર્યા. સામે ખીણ દેખાતી હતી, બીજી તરફ પહાડ હતો. સહેજ ઊંચે નજર કરતાં છૂટાંછવાયાં મકાન દેખાયાં. ‘જાયેંગે કહાં, સૂઝતા નહીં, ચલ પડે મગર, રાસ્તા નહીં’ જેવી સ્થિતિમાં અમારે જવું ક્યાં? પણ અમારી એ મૂંઝવણ તરત જ ટળી ગઈ. પહાડના રસ્તે અમારા યજમાન કનુ નેગી અને તેમના ત્રણ-ચાર સાથીદારો 'નમસ્કાર, સર!', 'આઈયે, સર!', 'વેલકમ, સર!' કહેતાં કહેતાં આવી પહોંચ્યાં. ટેક્સીના ડ્રાઈવરે પૂછેલું કે 'આપ યહાં રિશ્તેદારી મેં આયે હૈ?'. કનુભાઈ અને સાથીદારો જે રીતે અમને લેવા આવી પહોંચ્યા અને અમને આવકાર્યા એ જોતાં એમ જ લાગ્યું કે એમને ઘેર કોઈક પ્રસંગે અમે આવ્યા હોઈએ.

અહીંથી દૃશ્ય સુંદર દેખાતું હતું, પણ અત્યારે અમારે અમારા આવાસે પહોંચવાનું હતું, અને એ ક્યાંય દેખાતો નહોતો. કનુભાઈ અને એમના સાથીદારોએ આગ્રહપૂર્વક અમારી પાસેથી અમારો સામાન લઈ લીધો, અને તેઓ ચાલવા માંડ્યા, એટલે કે ચડવા માંડ્યા. વરસાદ થોડા કલાક પહેલાં જ પડી ગયો હોય એમ લાગતું હતું, કેમ કે, વાતાવરણમાં ભેજ જણાતો હતો, અને ભીની માટી તેમજ વનસ્પતિની મસ્ત સુગંધ આવી રહી હતી. ઊપર ચડવાની કેડી હતી. પાકો રસ્તો નહોતો. એક તો રાતની ટ્રેન મુસાફરી, અને એ પછી સવારથી સાંજની રોડ મુસાફરી. અમે થાકેલા હતા, પણ ધીમે ધીમે ચડવા લાગ્યા. રસ્તે સફરજનનાં ઝાડ દેખાયાં. ક્યાંક ડુંગળી, ધાણા, પાલક, બટાકાનું વાવેતર નજરે પડ્યું. પણ અમારો ઊતારો ક્યાં? એક તરફ ખીણના ઢોળાવે વીસ-પચીસ ઘરો જણાતાં હતાં. બસ, એ જ હતો અમારો મુકામ એટલે કે લાયડા ગામ.
પર્વતની ગોદમાં વસેલું લાયડા ગામ
બનજાર ખીણપ્રદેશમાં આવેલી બૂંગા ખીણમાં વસેલું નાનકડું ગામ. 'નાનકડું' શબ્દ પણ મોટો લાગે એટલું નાનું. પણ અમે લોકો ગામની દિશામાં નહોતા જઈ રહ્યા. આખું ગામ જ્યાંથી નજરે પડે એવા બીજી તરફના એક છેડા તરફ અમે ચડી રહ્યા હતા. નાનામોટા ચઢાણ પછી થોડો સિમેન્ટનો રસ્તો આવ્યો. પણ હજી અમારો આવાસ નજરે નહોતો પડતો. છેવટે સહેજ આગળ વધીને ઊંચે નજર કરતાં એક ટેકરે ઊભેલું એકલુંઅટૂલું મકાન દેખાયું. એ હતું 'ખુશ્મિતા હોમ સ્ટે' એટલે કે આગામી ચાર દિવસ માટેનું અમારું રોકાણ.
આડાતેડા રસ્તે ચડતા, હાંફતા, રોકાતા અમે આગળ વધ્યા. છેલ્લા ઢોળાવ પરથી હવે મકાન આખું દેખાયું. પણ એ છેલ્લો ઢોળાવ અત્યારે અમને બહુ ભારે લાગ્યો. માંડ અમે પહોંચ્યા અને તેના ઓટલે બેસી પડ્યા. હાશ! આખરે અમે આવી પહોંચ્યા હતા.
અહીંથી પહેલી નજરે જે દેખાયું એ દૃશ્ય કંઈક આવું હતું.
લાકડાની લાંબી પરસાળ ધરાવતી બેમજલી આ ઈમારત ગામથી સહેજ દૂર એક ઊંચે ટેકરે બનાવાયેલી. બિલકુલ સામે એક મોટો પહાડ. ડાબે પણ એવું. જમણે દેખાતા પહાડ સહેજ દૂર હતા. આ ઈમારત આટલે ઊંચે હોવા છતાં, તેની આસપાસ ઊભેલા પહાડોની સરખામણીએ નીચી જણાતી હતી. સહેજ નીચે નજર કરતાં સફરજનનાં ઝાડ, ગુલાબથી લચી પડતા છોડ, જે વધીને વેલ જેવા થઈ ગયેલા. અને આ બધાથી ઊપર ખુશનુમા, ના, ઠંડું વાતાવરણ.
આ બધું જોઈને હાશકારો પ્રગટ્યો અને થયું કે વાહ! અહીં આપણે ચાર દિવસ ગાળવાના છે!
પહેલાં તો અમે નીચેના મજલે પરસાળમાં મૂકેલી ખુરશીઓ પર ગોઠવાયા. એવામાં એક નાનકડી, ચારેક વર્ષની છોકરી આવી અને બે હાથ જોડીને લહેકાથી કહ્યું, 'નમસ્તે જી!' એ સાંભળીને અમને સૌને મજા આવી ગઈ.
હવે કશી ઉતાવળ નહોતી. એટલે સામેના અને આસપાસના દૃશ્યોને બરાબર માણ્યા. એ પછી અમારો જ્યાં ઊતારો હતો ત્યાં ઊપલા મજલે ગયા.

બારીમાંથી બરાબર સામે દેખાતું દૃશ્ય

ઊપર કુલ ચાર રૂમ હતા. અમે પહેલાં તો સામાન રૂમમાં ખડક્યો. દરમિયાન કનુભાઈનાં પત્ની રીનૂ નેગી આવી પહોંચ્યાં. પેલી નાનકડી છોકરી જે અમને નીચે મળેલી એનું નામ 'ખુશ્મિતા'. આ હોમસ્ટેનું નામ તેના નામ પરથી રખાયેલું. બીજી દીકરી એક-સવા વરસની હતી. એનું નામ વામિકા.
બારીની બીજી બાજુથી દેખાતું દૃશ્ય
પરસ્પર પરિચય થયા પછી કનુભાઈ કહે, 'તમે બધું ગોઠવી લો, એડજસ્ટ થઈ જાવ. પછી મને ફક્ત પાંચ મિનીટ આપજો.' અમને કંઈ સમજાયું નહીં કે એમને શા માટે પાંચ મિનીટ જોઈએ છે. પણ અમે સૌ સામાન મૂકીને 'સેટ' થઈ ગયા એટલે શ્રીમતી અને શ્રી નેગી આવ્યાં. તેમના હાથમાં એક થાળ હતો, જેમાં 'કુલ્લુ કેપ' તરીકે ઓળખાતી ટોપીઓ હતી. આ ટોપી પહેરાવીને તેઓ અમારું સ્વાગત કરવાના હતા. સૌ પુરુષ સભ્યોને કનુભાઈએ ટોપી પહેરાવીને ઔપચારિક સ્વાગત કર્યું, તો મહિલા સભ્યોને રીનૂએ ટોપી પહેરાવીને આવકાર્યા. ખરેખર, જાણે કે કોઈક પ્રસંગે આવ્યાં હોઈએ એવો જ માહોલ બની ગયો.
કનુ અને રીનૂ બન્નેએ અમને સૌને પ્રેમથી આવકાર્યા અને કહ્યું, 'આજથી તમે અમારા મહેમાન છો. અમારી પહાડી સંસ્કૃતિનો પરિચય મેળવવા તમે અમારા લાયડા ગામમાં આવ્યાં એના માટે આભાર. અમે તમને બધે ફેરવીશું અને અમારી સંસ્કૃતિથી પરિચીત કરાવીશું.'
એમણે અમને જણાવ્યું કે પહેલાં સૌ મધની ચા પીવો, જેથી શક્તિનો સંચાર થઈ જાય અને તાજગી આવી જાય. થોડી જ વારમાં તે મધની ચા લઈ આવ્યા. એ પીધા પછી ખરેખર તાજગી આવી ગઈ. દરમિયાન પરેશે કનુભાઈ સમક્ષ એક અગત્યની ચોખવટ કરી દીધી હતી. તે એ કે, અમારા સ્વાદ મુજબ કશું ન બનાવતા. તમે તમારી જ વાનગીઓ, તમારા સ્વાદ અનુસાર બનાવજો. અમે કહીશું પણ નહીં કે મીઠું આપો કે મરચું નાખો. આ જાણીને કનુભાઈ બહુ રાજી થઈ ગયા.
સાંજે તેમને રસોડે જ જમવાનું હતું. અંદર રસોડું હતું. અને બહાર જે નાનકડો ખંડ હતો તેની વચ્ચોવચ્ચ એક સગડી (તંદૂર) હતી, જે સળગાવતાં આખા ખંડમાં ગરમાવો લાગતો હતો. કાંસાની થાળીવાટકીમાં ભોજન પીરસાયું. ઘેરે ઊગાડેલાં શાકભાજીનું બનાવેલું મિક્સ વેજ,દાળ ભાત, સાબુદાણાની ખીર અને સલાડ. અમારી ભૂખ બરાબર ઊઘડી હતી. ગરમાગરમ ભોજન પીરસાતું હતું અને વાતો પણ થતી રહેતી હતી.
કનુભાઈ ઈલેક્ટ્રિશ્યનનું ભણેલા, પણ હવે નોકરી છોડીને પૂર્ણ સમય માટે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા. સાથોસાથ હોમસ્ટેનો વ્યવસાય શરૂ કરેલો. બધું પોતાને ત્યાં જ તૈયાર થતું. વાતવાતમાં તેમનાં પત્નીએ કહ્યું કે તમે બુક કરાવેલું, પણ મને લાગતું નહોતું કે તમે આવશો. એટલે કનુએ કહ્યું, ‘હું ઊભો ઊભો દૂરથી તમારી કાર જોઈ રહ્યો હતો અને મને ખ્યાલ આવી ગયો કે એ તમે જ છો.’ જમીને રૂમની બહાર નીકળ્યા એટલે સખત ઠંડી લાગવા માંડી. આજે રાત્રે આરામ જ કરવાનો હતો.
કાલ સવારથી અમારે આ વિસ્તારમાં રખડવાનું શરૂ કરવાનું હતું.

No comments:

Post a Comment