હેમાળો એટલે કે હિમાલયનાં દર્શન એક વાર કર્યાં કે બસ! એનું આકર્ષણ એવું ઘર કરી બેસે કે એ તમને સતત આકર્ષ્યા કરે. ત્યાં જવાનું નક્કી થાય એટલે સપનામાં તેનાં હિમશીખરો બોલાવતાં હોય એમ લાગે, અને ત્યાં જઈને આવ્યા પછી પણ સપનામાં એ હિમશીખરો પીછો ન છોડે. 'ડુંગરા દૂરથી રળિયામણા' ઊક્તિ હિમાલય બાબતે સદંતર ખોટી પડતી લાગે. એનું કારણ? મુખ્ય કારણ તો જાણે કે અહીં પ્રકૃતિએ વેરેલું અઢળક સૌંદર્ય, અને એની સાથોસાથ અહીં વસતા સરળહૃદયી લોકો. કોઈ એક પ્રદેશના લોકોની પ્રકૃતિ વિશે આવું સામાન્યીકરણ કરી ન શકાય, પણ હિમાચલ પ્રદેશના લોકો માટે આવું ચોક્કસપણે કહી શકાય. કદાચ પહાડોમાં વસતા અન્ય પ્રદેશના લોકો માટે પણ આમ કહી શકાતું હશે, કેમ કે, તેઓ પ્રકૃતિના સાન્નિધ્યમાં સતત રહેતા હોય છે, અને પ્રકૃતિના રુદ્રરમ્ય રંગ બહુ નજદીકથી જોતા હોય છે.
આ વર્ષે પણ અમે હેમાળે જવાનું વિચાર્યું ત્યારે નક્કી નહોતું કે ચોક્કસ કયા સ્થળે જવું. પણ ઊનાળે રેલવેની ટિકિટો માટે ભારે ધસારો રહેતો હોવાથી જતાંઆવતાંની ચંડીગઢની ટિકિટો વેળાસર કરાવી લીધેલી. પરેશ પ્રજાપતિ પરિવારનાં કુલ પાંચ સભ્યો (પરેશ-પ્રતિક્ષા, સુજાત- શૈલી અને મલક) તેમજ મારા પરિવારનાં ત્રણ સભ્યો (કામિની-બીરેન અને ઈશાન) એમ કુલ આઠ જણ હતાં.
એ પછી શરૂ થઈ સ્થળની શોધ. પરેશે જાતજાતનાં ઠેકાણાં તપાસ્યાં, એના વિશે વાંચ્યું, વિડીયો જોયા, જે તે સ્થળના માલિકો સાથે વાત કરી અને આખરે બે ઠેકાણાં નક્કી કર્યાં. અગાઉ બે વખત અમે જે પ્રવાસ કરેલો એ લદાખ અને સ્પિતિ ખીણનો હતો, જેમાં આ સ્થળોની જરૂરિયાત અનુસાર અમારે સતત પ્રવાસ કરતા રહેવાનું હતું. અલબત્ત, મૂળભૂત રીતે અમારા સૌની પસંદગી એકાદ બે સ્થળે જઈને ત્યાં જ સમય ગાળવાની. આથી આ વખતે એ રીતની ગોઠવણ થઈ એનો આનંદ હતો.
હિમાચલ પ્રદેશના પ્રવાસે જતાં એ ખ્યાલ આવે છે કે હવે ત્યાં વરસોવરસ સુવિધાઓ ઊમેરાઈ રહી છે, વધી રહી છે. આ એક રીતે ધીમા ખતરાનો સંકેત કહી શકાય. અલબત્ત, આ ખતરામાં આપણો પણ ભાગ છે એ શી રીતે અવગણી શકાય?
ચંડીગઢ સવારે સાડા સાત આસપાસ પહોંચીએ એના કલાક પછી અમે બુક કરાવી રાખેલી બે કાર આવી પહોંચવાની હતી. તેઓ સમયસર આવી ગયા અને અમે ચાર ચારના જૂથમાં વહેંચાઈને મુસાફરી આરંભી. સવારના સાડા નવ આસપાસ શરૂ કરેલી આ મુસાફરી આશરે 230 કિ.મી.ની હોવાથી પહોંચતાં સાંજના પાંચ- સાડા પાંચ થવાના હતા એ અંદાજ હતો. ચંડીગઢથી સહેજ બહાર નીકળતાં જ પહાડ શરૂ થઈ ગયા. ડ્રાઈવરે પોતાની બાજુની બારી ખુલ્લી રાખી હોવાથી ઠંડો પવન સૌને લાગતો હતો. બન્ને કારના ડ્રાઈવર એકમેકથી પરિચીત હશે, એટલે તેઓ ચાલુ કારે ફોન પર (ઈઅરફોન વડે) ધીમા અવાજે, સતત વાત કરતા રહેતા હતા. આથી તેમની સાથે સંવાદ સાધવાની તક અમને મળી નહીં.
કાર ચંડીગઢ-મનાલી હાઈવે પર સરકતી જતી હતી. વચ્ચે ટનલ આવતી હતી. આખી રાતની ટ્રેન મુસાફરીનો થાક હતો, પણ અહીંની તાજગીભરી હવામાં એ વરતાતો નહોતો. એક વાગ્યાની આસપાસ એક હોટેલ પર ભોજન માટે થોભ્યા. ખપ પૂરતું જમીને વળી પાછી મુસાફરી આગળ વધારી. આખે રસ્તે બિયાસ નદીનું વહેણ સાથે હતું. અમારે આ હાઈવે પરની અતિ જાણીતી ઓટ ટનલ પહેલાં વળી જવાનું હતું, અને એ રીતે મનાલીના રસ્તેથી ફંટાવાનું હતું. પંડોહ બંધ અને એ પછી લારજી ડેમ વટાવ્યા પછી ઓટ ટનલ આવી. અમારે એ ટનલમાં પ્રવેશવાનું નહોતું.
અહીંથી અમારો રસ્તો ફંટાયો અને અમે તીર્થન તેમજ સૈંજ ખીણ તરફ વળ્યા. હવે પેલો ફોર લેન હાઈવે નહોતો. ભૂગોળ ધીમે ધીમે બદલાતી જતી હતી. વચ્ચે નાનાં નાનાં ગામ આવતાં જતાં હતાં. એ વટાવતાં વટાવતાં અમે આગળ વધતા જતા હતા.
ગૂગલ મેપમાં હવે કેટલું અંતર બાકી છે એ પણ જોતા રહેતા હતા. આખરે બંજાર નગર આવ્યું. ઘણું મોટું અને ગીચ આ નગર વટાવીને અમે બંજાર ખીણપ્રદેશ તરફ આગળ વધતા ચાલ્યા. અહીં વચ્ચે આવતાં ગામના રસ્તે કીચડ હતો. રસ્તા સાંકડા હતા. આથી સામે મળતી ઘણી કાર કાદવથી ખરડાયેલી જોવા મળતી હતી.
બંજાર વટાવતાં અમને લાગ્યું કે હવે અમે નજીક આવી પહોંચ્યાં છીએ, પણ હજી ગીચતા ઘણી છે. અમારું સ્થળ કેટલુંક દૂર હશે? ગૂગલ જવાબ આપતું હતું, અને એ સાચોય હતો, પણ એ માત્ર માહિતી હતી. અનુભૂતિ નહોતી.
ધીમે ધીમે આગળ વધતા ગયા એમ રસ્તા તૂટેલા આવવા લાગ્યા. તીવ્ર વળાંક અને ચઢાણની સાથોસાથ રસ્તા તૂટેલા. ડ્રાઈવરે પહેલવહેલી વાર અમને પૂછ્યું, 'અભી કિતના દૂર દિખાતા હૈ?' ચઢાણ જે રીતનાં સીધા હતાં અને રસ્તા તૂટેલા, એટલે એવે સ્થળે અમે એમને પૂછતા, 'અમે ઊતરી જઈએ?' કેમ કે, એકાદ ચઢાણે કાર રેતીમાં એવી ફસાઈ કે પૈડું ત્યાં જ ગોળગોળ ફરતું હતું. ડ્રાઈવરે મોટે ભાગે અમારી ઓફરનો અસ્વીકાર કર્યો. એકાદ સ્થળે અમારે ઊતરવું પડ્યું, પણ એ સિવાય તેમણે કાર ચઢાવી દીધી. ધીમે ધીમે અમારું સ્થળ નજીક આવવા લાગ્યું. આસપાસ સુંદર પહાડો દેખાવા લાગ્યા. વસતિ ઘટવા લાગી. છેલ્લા બે-પાંચ કિલોમીટર બહુ આકરા ચઢાણવાળા હતા. એ ચડાવ્યા પછી ડ્રાઈવરથી પૂછ્યા વિના રહેવાયું નહીં. કહે, 'વૈસે આપ યહાં આયે કિસલીયે હો? કોઈ રિશ્તેદારી મેં...યા...?' તેની બાજુમાં ઈશાન બેઠો હતો. એટલે તેણે જવાબ આપવાનો પ્રયત્ન કરતાં કહ્યું, 'યહાં યે સીન અચ્છા હૈ. પહાડ હૈ. તો રહેંગે.' આ સાંભળીને ડ્રાઈવરે કશું કહેવાને બદલે આશ્ચર્યસૂચક ઉદગાર જ કાઢ્યો, જેનો અર્થ થતો હતો, 'બસ, ફક્ત આટલા માટે તમે અહીં સુધી ખેતી કરી (અને મને કરાવી)?'
આખરે અમે એવા સ્થળે આવી પહોંચ્યાં, જ્યાં રોડ સાવ તૂટી ગયેલો હતો. કેમે કરીને અહીંથી આગળ વાહન જઈ શકે એમ નહોતું. બાજુની સહેજ ખાલી જગ્યામાં કાળા રંગની એક કાર એ રીતે ઊભી રહી હતી જાણે કે ફસાઈ ગઈ ન હોય! બસ, અમારું ઠેકાણું આવી ગયું હતું.
No comments:
Post a Comment