કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી એ દિવસ આખરે આવ્યો 30 માર્ચ, 2025ના રોજ. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું સાંજના સાડા પાંચે વડોદરાની સર્જન આર્ટ ગેલરી ખાતે યોજાયેલું વિમોચન.
2016થી આરંભાયેલા આ પ્રકલ્પમાં અનેક પડાવો આવ્યા. આશા, નિરાશા, આશાભંગથી લઈને છેવટે આ આખરી પડાવ. પુસ્તક મુદ્રણ માટે ગયું, પણ એ પહેલાં એના વિમોચનની તારીખ નક્કી થઈ ગયેલી. એને કારણે સહેજ દબાણ પણ ઊભું થયું. છેવટે સૌ સમૂસૂતરું પાર ઊતર્યું.
સર્જન આર્ટ ગેલરી, વડોદરાના હીતેશ રાણાએ આખા કાર્યક્રમનું યજમાનપદ સામે ચાલીને માગી લીધેલું. તેમના શબ્દો: 'તમારે કરવાનું હતું એ તમે કરી દીધું. હવે મને કરવા દો.' ભૂપેન માટે રાણાબંધુઓ (બીજા ભાઈ કમલ રાણા)નો પ્રેમ આ રીતે જોવા મળ્યો.
કાર્યક્રમ અતિશય આત્મીય, અંતરંગ અને અનૌપચારિક બની રહ્યો. કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા પ્રમોદભાઈ શાહ, જે ભૂપેન સાથે 'જ્યોતિ લિ.'માં કામ કરી ચૂકેલા. બન્ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પણ બન્નેનાં રસરુચિ સાવ અલગ. પ્રમોદભાઈએ ભૂપેન માટેના સ્નેહવશ કાર્યક્રમનું મુખ્ય અતિથિપદ સ્વીકારીને પોતે ગૌરવાન્વિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી.
આમ, કાર્યક્રમમાં મંચ પર કુલ ચાર વ્યક્તિઓ- હીતેશ રાણા, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, પ્રમોદભાઈ શાહ અને મારી- બીરેન કોઠારી-ની હાજરી હતી. જો કે, મંચ નહીં, પણ બેઠક હોવાથી કાર્યક્રમની અનૌપચારિકતા ત્યાંંથી સ્થાપિત થઈ જતી હતી.
કાર્યક્રમનું સંચાલન એશિતા પરીખ કરવાનાં હતાં. તેમણે ઘણી તૈયારી કરીને કાર્યક્રમની અનૌપચારિકતા જળવાઈ રહે એનું ધ્યાન રાખ્યું.
કાર્યક્રમ અગાઉ 'ગોળની ચા'ની વ્યવસ્થા હતી, જેનો સ્વાદ માણીને સૌએ પોતાની બેઠક લેવાની હતી.
કાર્યક્રમનો આરંભ વસંતભાઈ દવેના પ્રાર્થનાગાનથી થયો. એ પછી મોહનભાઈ બારોટે પોતાના તરફથી સૌનું સ્વાગત કર્યું. હીતેશ રાણાના પરિવારે એ પછી પુષ્પગુચ્છ અને ભૂપેનના બસ્ટની રેપ્લિકાથી પ્રમોદભાઈ, અમરીશભાઈ અને મારું સન્માન કર્યું. હીતેશ રાણાના સ્વાગતવચનથી આરંભાયેલા કાર્યક્રમમાં તેમણે ભૂપેન સાથેના થોડા કિસ્સા જણાવ્યા, જેમાં સલમાન રશ્દીવાળો કિસ્સો પણ હતો. સર્જન આર્ટ ગેલરીને આગળ લાવવામાં ભૂપેનનું કેવું પ્રદાન હતું એની તેમણે વાત કરી. એ પછી વક્તવ્ય હતું પ્રમોદભાઈનું. 89 વર્ષના પ્રમોદભાઈએ ભૂપેન સાથેના પોતાના કાર્યકાળને યાદ કર્યો. ભૂપેન કઈ હદે પોતાના ધ્યેય બાબતે સ્પષ્ટ હતા, તેમજ પોતાનાં ચિત્રો બાબતે તેઓ કેટલા હેતુલક્ષી હતા એની તેમણે વાત કરી.
ત્યાર પછી પુસ્તકનું વિમોચન યોજાયું. એ વખતે ઉપસ્થિત આમંત્રિતોમાંથી વરિષ્ઠ ચિત્રકાર વલ્લભભાઈ શાહ, કમલ રાણા, ભૂપેનના ભાઈ નરેશભાઈના પૌત્ર ધવલ ખખ્ખર તેમજ સાર્થક પ્રકાશનના ઉર્વીશ કોઠારી પણ જોડાયા.
વિમોચન દરમિયાન (ડાબેથી) એશિતા પરીખ, કમલ રાણા, ઉર્વીશ કોઠારી, હીતેશ રાણા, બીરેન કોઠારી, પ્રમોદભાઈ શાહ, ધવલ ખખ્ખર, અમરીશ કોન્ટ્રાક્ટર અને વલ્લભભાઈ શાહ |
પુસ્તકનું મુખપૃષ્ઠ |
વિમોચન પછી મારે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કહેવાની હતી. આ પુસ્તકને પૂર્ણ થતાં નવ વર્ષ કેમ લાગ્યાં, એમાં કેવી કેવી મદદ મળી રહી અને આ પુસ્તકમાં શું છે તેમજ શું નથી એ બધાની વિગતે વાત થઈ.
બીરેન કોઠારી દ્વારા સર્જનપ્રક્રિયાની વાત |
છેલ્લે વારો હતો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરનો. પોતાના પિતાજી અને ભૂપેનકાકાની દોસ્તીના તર્પણરૂપે આ પુસ્તક તૈયાર કરાવવાનો તેમને વિચાર આવ્યો અને તેનો અમલ શી રીતે કર્યો એની તેમણે સંવેદનાત્મક રીતે વાત કરી.
મુખ્ય વક્તવ્યો પછી શ્રોતાઓમાંથી કોઈને ભૂપેન સાથેનાં સંભારણાં હોય તો કહેવા માટે આમંત્રણ અપાયું. એમાં કમલ રાણાએ પોતાને ભૂપેન શી રીતે મદદરૂપ થયા એની બહુ લાગણીસભર વાત કરી. એ પછી બિપીનભાઈ ત્રિવેદીએ જમ્બુસરની કૉલેજના પોતાના કાર્યકાળ દરમિયાન ભૂપેન સાથેની પોતાની એક મુલાકાત યાદ કરી. હીરાભાઈ પટેલના દીકરા હર્ષદભાઈએ પણ ભૂપેન અને હીરાભાઈની દોસ્તીને યાદ કરી.
કાર્યક્રમ પછી હાઈ ટીની વ્યવસ્થા હતી, તેમજ પુસ્તક પણ વેચાણ માટે ખુલ્લું મૂકાયું હતું. આવા કાર્યક્રમ પછી ચાની ચુસકીઓ લેતાં લેતાં, સમોસાનાં બટકાં ભરતાં અને વેફરના ભચડ ભચડ અવાજ વચ્ચે સ્નેહીઓ-મિત્રો, જાણીતા- અજાણ્યા સૌને મળવાની મજા જ ઓર હોય છે.
પુસ્તકના વેચાણ વિશે:
ગુજરાતીમાં લખાયેલા આ પુસ્તકની મૂળ કિંમત 450/ રૂ. છે, પણ આરંભિક વળતર તરીકે પંદર દિવસ સુધી તે 350/માં ઉપલબ્ધ રહેશે. પાંચ નકલ અથવા એથી વધુ નકલ માટેની કિંમત 300/ છે.
પુસ્તક ઘરબેઠે મંગાવવા માટે વોટ્સેપ યા ફોન: કાર્તિકભાઈ શાહ 98252 90796
No comments:
Post a Comment