Monday, September 5, 2022

વાચક તરીકે મળ્યાં, વિશેષ બની રહ્યાં

(આલેખન: બીરેન કોઠારી) 

આજે રંજનબહેન શાહનો જન્મદિવસ છે. 

તેમની સાથેનો પરિચય પ્રમાણમાં ઘણો નવો- સાત-આઠ વરસ જેટલો, પણ એવો સઘન છે કે તેઓ મને બાળપણથી ઓળખતાં હોય એમ લાગે. અલબત્ત, એમ લાગવાનું ચોક્કસ કારણ છે, જેની વાત આગળ ઉપર. એ પરિચય શી રીતે થયો અને પછી કેટલી ઝડપથી આત્મીયતામાં પરિણમ્યો એ યાદ કરવાનો અમને બન્નેને હજી રોમાંચ થાય છે. 

રંજનમાસી 

આઠેક વરસ અગાઉ મારા પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ 'રંજનબહેન શાહ' તરીકે આપી. તેમણે મારા પુસ્તક 'સાગર મુવીટોન' વિશે પૂછપરછ કરી અને એ મંગાવવાની ઈચ્છા વ્યક્ત કરી. રજનીકુમાર પંડ્યાએ 'જન્મભૂમિ- પ્રવાસી'ની તેમની કટાર 'શબ્દવેધ'માં અને એ પછી 'ચિત્રલેખા'માં આ પુસ્તક વિશે લખ્યું હતું, જેમાં ચીમનલાલ દેસાઈ વિશેની જરૂર પૂરતી માહિતી પણ હતી. ચીમનલાલ દેસાઈ આમોદના હતા એમ તેમાં જણાવાયું હતું. લેખના અંતે પોતાની શૈલી મુજબ રજનીભાઈએ પ્રકાશકનો અને લેખક તરીકે મારો સંપર્ક નમ્બર લખ્યો હતો. ઘરેડ વાંચનપ્રેમી રંજનબહેન નવાં નવાં પુસ્તકો ખરીદવાની તક શોધતાં જ હોય એટલે એમના ધ્યાનમાં આ પુસ્તક વિશેના બબ્બે લેખ આવ્યા. પછી એ બેઠા રહે? એમણે તરત જ મને ફોન લગાવ્યો. મેં પુસ્તક મંગાવવા વિશેની જરૂરી વિગતો આપી અને તેમનો વધુ પરિચય પૂછ્યો. એટલી ખબર પડી કે તેઓ પણ વડોદરામાં જ રહે છે, અને મારા ઘરથી નજીકમાં જ છે. એ અગાઉ તેઓ મુમ્બઈ હતાં અને ઘણા વખતથી વડોદરામાં સ્થાયી છે. 'ક્યારેક મળીએ' કહીને અમે વાત પૂરી કરી. 

એ પછી તેમણે પુસ્તક મંગાવ્યું હશે અને આવી ગયું હશે એટલે એની જાણ કરવા મને ફોન કર્યો ત્યારે પણ 'ક્યારેક મળીએ'ની વાત દોહરાવાઈ. એ પછી પણ તેમનો ફોન ક્યારેક આવતો, અને અમે વાત કરતાં, પણ મળવાનો યોગ ગોઠવાતો નહોતો. 

એક વખત અમે મહેમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા. રસ્તામાં હતાં અને તેમનો ફોન આવ્યો. આ વખતે તેમણે સીધું જ પૂછ્યું, 'ક્યારે મળવું છે?' મેં તરત જ કહી દીધું, 'આજે સાંજે. હું આવું છું તમારે ઘેર.' આમ, ખાસ કશા આયોજન વિના એ સાંજે એમને ઘેર જવાનું ગોઠવાઈ ગયું. 

એમને ઘેર હું અને કામિની પહોંચ્યાં. પંચોતેર-એંસીની આસપાસનાં રંજનબહેન અને તેમના પતિ ઘેર હતા. નાનકડા ફ્લેટના દીવાનખાનામાં પુસ્તકનાં ત્રણેક કબાટ અને તેમાં સુઘડ રીતે ગોઠવાયેલાં ગમતાં પુસ્તકો તેમના વાંચનપ્રેમની સાખ પૂરતા હતા. થોડી આડીઅવળી વાત થયા પછી અચાનક મેં પૂછ્યું, 'મુમ્બઈથી તમે આવ્યાં એ તો બરાબર, પણ એ પહેલાં ક્યાં હતાં? એટલે કે તમે મૂળ ક્યાંના?' એમના વતનનું નામ કદાચ મને ખબર ન પણ હોય એમ ધારીને તેમણે હળવેકથી કહ્યું, 'ડેરોલ.' મેં આગળ પૂછતાં કહ્યું, 'સ્ટેશન કે ગામ?' જાણનારા જાણતા હશે કે ડેરોલ ગામ અને સ્ટેશન વચ્ચે ખાસ્સું અંતર છે અને એ બન્ને વિસ્તાર અલગ અલગ છે. આથી તેમને લાગ્યું કે મને ડેરોલ વિશે ખબર છે. તેમણે કહ્યું, 'ડેરોલ સ્ટેશન.' સામાન્ય રીતે મને સગાંવહાલાંની વગર કામની ઓળખાણ કાઢવી ગમે નહીં, પણ આટલી પરિચીતતા જાણ્યા પછી મેં કહ્યું, 'તમે ફલાણાને ઓળખો?' બસ! એ સંવાદ પછી અમારો સંબંધ વાચક-લેખકનો મટી ગયો અને અંતરંગ સ્નેહીનો થઈ ગયો. કારણ મારા કિસ્સામાં બંધ ન બેસે એવું છે. મારું મોસાળ સાંઢાસાલ, અને મારા નાના ચંદુલાલ કેશવલાલ દેસાઈ તેમજ તેમના ભાઈઓનો  એક સમયે સાંઢાસાલમાં જ કાપડનો વ્યાપાર હતો. ડેરોલ સાથે પણ રોજિંદો કહી શકાય એવો વ્યવહાર, અને એ વ્યવહારે નાનપણમાં- કિશોરાવસ્થામાં હું પણ કદીક ડેરોલ ગયેલો. રંજનબહેન મારાં માતૃપક્ષનાં લગભગ તમામ વડીલોને ઓળખતાં હતાં. અમારી એ મુલાકાત આમ તો પહેલી હતી, છતાં અમે જાણે કે વરસોથી એકમેકના પરિચયમાં હોઈએ એમ લાગ્યું. એ પછી સંપર્કમાં રહેવાનું જણાવી અમે વિદાય લીધી. 

એ પહેલી મુલાકાત પછી અમારો મળવાનો સિલસિલો એવો આરંભાયો કે હવે તેની ગણતરી જ છોડી દીધી છે. સામાન્ય રીતે વડીલમિત્રોને નામથી જ બોલાવવાનું મને ગમે, પણ સહજપણે જ રંજનબહેનમાંથી હું ક્યારે એમને 'રંજનમાસી' તરીકે સંબોધતો થઈ ગયો એ સરત જ ન રહી. રંજનમાસીનો પરિચય વધતો ગયો એમ તેમની પ્રકૃતિની પિછાણ પણ થતી ગઈ. 

વાંચનમાં તેઓ જેટલાં ખૂંપેલાં, એટલાં જ સર્જનાત્મક પણ ખરાં. સિવણ અને ભરતગૂંથણમાં તેઓ નિષ્ણાત. બહુ પ્રેમપૂર્વક તેમણે મારી દીકરી શચિ, દીકરા ઈશાન અને પત્ની કામિની માટે સ્વેટર, થર્મલ વગેરે ગૂંથીને ભેટ આપ્યાં. આ ભેટ એકદમ વ્યક્તિગત અને ખાસ એ વ્યક્તિ માટે જ તૈયાર કરાયેલી હોવાથી તેનું મૂલ્ય અનોખું છે. તેઓ ગૂંથવાનું શરૂ કરતાં પહેલાં જણાવે કે હવે પોતે કોના માટે સ્વેટર શરૂ કરી રહ્યાં છે. તેમના ગૂંથણમાં રંગ અને ફેશનનો સમન્‍વય જોવા મળે અને માપમાં પણ ચોકસાઈ. આથી એ વારેવારે પહેરવું ગમે. અમારા પરિવારનાં ત્રણ લોકો માટે કંઈક ને કંઈક ગૂંથીને ભેટ આપ્યા પછી તેમણે મને કહ્યું, 'બધાને હું આપું અને મારા દીકરાને (મને) કશું ન આપું એ કેમ ચાલે?' તેમણે કાપડના વિવિધ રંગના ટુકડાને સુંદર રીતે જોડીને રજાઈનું કવર તૈયાર કર્યું અને ખાસ મને ભેટ આપ્યું. ખરેખરી ઠંડીમાં એ રજાઈ ઘરનું કોઈ સભ્ય ઓઢે તો હું એ વ્યક્તિને જણાવું છું કે ભલે, તમે એનો ઉપયોગ કરો, પણ આ રજાઈ 'મારી' છે. 

મારા ઘરની એક મુલાકાત દરમિયાન કામિની સાથે 
મારાં મમ્મી સાથે એમની મુલાકાત થઈ અને એમના પરિચયનું પણ અનુસંધાન નીકળ્યું. આમ, અનાયાસે અમને વાચકમાંથી એક આત્મીય જનની પ્રાપ્તિ થઈ. રંજનમાસીનો મિજાજ કામની બાબતે એવો કે કામમાં ઢીલાશ ચલાવી ન લે, અને જે હાથમાં લે એને યોગ્ય રીતે જ પૂરું કરે. નાની નાની ચીજવસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ શી રીતે કરવો એ તેઓ બરાબર જાણે. વયને કારણે હરવાફરવા પર મર્યાદા આવે, તો પણ આનુષંગિક વ્યવસ્થા તેમણે યોગ્ય રીતે રાખેલી હોય. તેમના પતિ કેસરીકાકા એટલા જ પ્રેમાળ, પણ તેમની પ્રકૃતિ સાવ વિપરીત. તેઓ સહેલાઈથી કોઈ પર ભરોસો મૂકી દે, જ્યારે રંજનમાસીમાં સહજપણે જ સારુંનરસું પામી લેવાની વૃત્તિ. 

મારી દીકરી શચિ અને કામિની સાથે રંજનમાસી 
થોડો સમય થાય એટલે તેઓ એવી અનુકૂળતા ગોઠવીને આવે કે મારે ત્યાં ત્રણ-ચાર કલાક રોકાઈ શકાય. સામાન્ય રીતે તેઓ બપોરે આવે ત્યારે હું સૂઈ ગયો હોઉં કે સૂવાનો હોઉં એટલે તેઓ કામિની સાથે વિવિધ કામ વિશે વાતો કરે અને બે-ચાર વસ્તુ શીખવે પણ ખરાં. હું જાગું એટલે અમે વાતો કરીએ. વાતોમાં હસીમજાક તો ખરી જ, અને એ ઉપરાંત પણ નવાં પુસ્તકોની કે કોઈક વાંચનને લગતી વાત હોય. 'સાર્થક જલસો'ના તેઓ નિયમીત વાચક અને એ વાંચી લીધા પછી તેના લેખો વિશે ચર્ચા પણ કરે. 

એ જ મુલાકાત દરમિયાન મારી અને કામિની સાથે 
ઉપરાંત પંદરવીસ દિવસે રંજનમાસીનો ફોન હોય જ. ફોનમાં પણ વિવિધ વાતો થતી રહે, જેમાં વાંચનની વાત અવશ્ય હોય. હજી પણ તેઓ પુસ્તક ખરીદતાં રહે, અમદાવાદના વિક્રેતાઓ પાસેથી ફોન દ્વારા એ મંગાવતાં રહે. આ વાંચનપ્રેમ તેમને પોતાના પિતાજી (હીરાકાકા) પાસેથી મળ્યો. હીરાકાકા કેરોસીનના દીવાને અજવાળે વાંચતા. ઘરમાં પુસ્તકો ખરીદાતા અને બાળકોને એ વાંચવા માટે પ્રોત્સાહિત કરાતા. વિવિધ સામયિકો પણ આવતાં. આ રીતે સહજપણે વિકસતો રહેલો વાંચનરસ કોઈ વ્યક્તિના જીવનને કેટલું સભર કરી શકે છે એ રંજનમાસીને મળીને અનુભવાય. તેમણે જીવનમાં અનેક સંઘર્ષ વેઠ્યા છે, કેટલીક વિપરીતતાઓનો સામનો હજી કરી રહ્યાં છે, છતાં તેમનો લડાયક મિજાજ અને એ બધા વચ્ચે રહેલી જીવંતતા તેમને બીજા અનેકથી અલગ શ્રેણીમાં મૂકે છે. જીવનના આઠમા દાયકામાં આવું રહી શકવું એ કોઈ સિદ્ધિથી કમ નથી. 

તેમના ઘેર ઉર્વીશ સાથે લીધેલી મુલાકાત 
તેમને મળીને છૂટા પડતાં જાણે કે પોતાના કોઈ મોસાળિયાને મળ્યા હોઈએ એવો આત્મીયભાવ અનુભવાય. વડોદરા રહેતાં તેમનાં દીકરી ભાવનાબહેન જેલવાલા પણ અમારાં મિલનથી વાકેફ હોય. તેમને મળવાનું ઓછું બને, છતાં ફોન કે વૉટ્સેપ દ્વારા સતત સંપર્ક હોવાને કારણે આત્મીયતા અનુભવાય. તેઓ પણ પુસ્તકાલયનું સંચાલન કરી રહ્યાં છે. 

પુસ્તકોને ખરીદીને વાંચનાર પ્રજાતિ આમેય જોખમગ્રસ્ત હતી, પણ હવે તો વાંચનાર પ્રજાતિ જ સમૂળગી લુપ્ત થવાને આરે છે. આવા સમયમાં રંજનમાસી નિ:શંકપણે મિસાલરૂપ કહી શકાય. તેઓ મળ્યા વાચક તરીકે, પણ હવે તો અમારા સૌનાં પ્રિય સ્નેહીજન બની રહ્યાં છે. મને ઘણી વાર થાય છે કે લેખનના ક્ષેત્રમાં ન આવ્યો હોત તો આવા પરિચય કદી થાત ખરા? સાચેસાચા વાંચનપ્રેમી અને અમારા સૌના સ્નેહીજન એવાં રંજનમાસીને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ. 

3 comments:

  1. Beautiful!Feeling 'gadgad' overwhemed! THANK you Birenbhai.Fortunate to know Ranjan Ba via you!
    જન્મદિવસ ના ખૂબ ખૂબ અભિનંદન રંજન બા!-નયના દાસગુપ્તa-Nayana Dasgupta

    ReplyDelete
  2. "મા" જન્મદિન ની અનેકાનેક શુભકામનાઓ રંજન મા ને વ્યક્તિગત રીતે શ્રી સનત નાણાવટી નાં માધ્યમ થી પરિચય થયો અને એ મુલાકાત બાદ આજીવન જોડાયા . અવારનવાર ખબર અંતર પૂછવા, દરેક બાબતમાં ચીવટ પૂર્વક કામ કરવાની પધ્ધતિ અને અન્ય પાસાઓ થી પણ "મા" એ દીકરી ની સાથે જ વાર હોય કે તહેવાર અચૂક અથાણું હોય કે મીઠાઈ 🍩 યાદ રાખીને પહોંચતું કર્યું જ હોય.
    Love you maa ❤️💕❤️

    આપનો પણ આભાર વ્યક્તિત્વને અસ્તિત્વમાં ઓપ આપવા બદલ
    ❤️

    ReplyDelete
  3. જન્મ દિન ની હાર્દિક શુભકામના 🙏🙏🙏

    ReplyDelete