Friday, February 3, 2017

શરીફ


(જાન્યુઆરી, 2017ના છેલ્લા સપ્તાહમાં રજનીકુમાર પંડ્યા સાથે કરેલા મુંબઈ પ્રવાસ દરમિયાન અમારા યજમાન હતા બદરૂદ્દીન હબીબ બોઘાણી. તેમના પિતાજી હબીબ ખાંભાવાળાના નામે સૌરાષ્ટ્રના અનેક કિસ્સાઓ લખતા હતા. નાનાભાઈ જેબલિયાની વાર્તાઓના અંતે ઘણી વખત કથાસૂત્ર: હબીબ ખાંભાવાળા લખેલું આવતું એ ઘણાને યાદ હશે. બદરૂદ્દીનભાઈ ખૂબ વાતરસિયા છે. એક વાર રાત્રે અમે બેઠા અને તેમણે એક પછી એક કિસ્સાઓ કહેવાના શરૂ કર્યા. તેમાંના અમુક કિસ્સાની ફરમાઈશ તો રજનીભાઈએ ખાસ કરી હતી. જીવનમાં પોતાને થયેલા અનુભવો, પોતાના જીવનઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે જવાબદાર હોય એવી વ્યક્તિઓની રસપ્રદ વાતો તેમણે એકદમ રસાળ શૈલીમાં કરી. તેમણે કહેલા અનેક કિસ્સાઓમાંના કેટલાક હજી મનમાં રમ્યા કરે છે. આવો એક કિસ્સો અહીં પ્રસ્તુત છે. ભારોભાર વાર્તાતત્ત્વ ધરાવતા આ કિસ્સાઓમાંનો એક અહીં મેં તેમની જુબાનમાં જ મૂક્યો છે, અને તેમની કથનશૈલીમાં લેખનની સળંગસૂત્રતા માટે જરૂરી હોય એટલા જ ફેરફાર કર્યા છે. કશું વધારાનું ઉમેર્યું નથી. આ કિસ્સો ગમે તો માનજો કે એ કમાલ તેમની કથનશૈલીની છે.)

દસ- બાર વર્ષનો હતો ત્યારથી મુંબઈમાં હું આવી ગયેલો. ત્યારે ઘણા બધા દોસ્તો થયેલા. અમે ભેગા રમતા અને મઝા કરતા. એ રીતે સત્તાર પણ અમારી સાથે ભળ્યો. અન્ય મિત્રો કરતાં સત્તારનું કુટુંબ જુદું કહી શકાય એવું હતું. તેની માનો એ એકનો એક દીકરો હતો. તેનો પરિવાર સાવ ગરીબ. એ નાનો હતો ત્યારે જ તેના પિતાજીનું અવસાન થઈ ગયેલું. શાળામાં ભણવા આવી શકે એવી તેની સ્થિતિ નહોતી. તેથી સત્તાર નાનપણથી જ આડાઅવળા ધંધા કરતો થઈ ગયેલો. રૂપિયા કમાઈને માને આપવાની તેની પ્રાથમિકતા હતી. આમ છતાં, અમારી સાથે તે રમવા આવતો એ તેની માને ગમતું. અમે શરીફ ઘરના છોકરાઓ કહેવાતા એ કારણ હશે કદાચ. જો કે, અમને એવો કશો અહેસાસ નહોતો.
મોટા થતા ગયા એમ સાથે રમવાનું ઘટતું ગયું. અમારો સંપર્ક પણ એ રીતે ઓછો થતો ગયો. સત્તારના આગળ ભણવાનો સવાલ નહોતો. એ શું કરતો હશે એ ખબર નહોતી. ઠીક ઠીક વરસો વીત્યાં. મેં ભણવાનું પૂરું કર્યું. વચ્ચેના ગાળામાં સત્તાર સાથે અલપઝલપ મુલાકાત થઈ હશે. પણ ખાસ મળવાનું બન્યું નહોતું. ત્યાર પછી હું નોકરીએ લાગ્યો. વચમાં મને જાણવા મળ્યું કે સત્તારે ગુલશન સાથે લગ્ન કર્યાં છે.

નોકરીએથી સાંજના સમયે મારા પાછા આવવાનો નિશ્ચિત રુટ હતો. હું રોજ સાંજે ચાલતો આવતો. એક દિવસ મેં સત્તારને રસ્તાની કોરે ઉભેલો જોયો. તેની પીઠ મારા તરફ હતી. પણ હું તેને ઓળખી ગયો. મને થયું કે તેને બોલાવું અને ખબરઅંતર પૂછું. પણ હું ઉતાવળમાં હતો. મુંબઈમાં રહેનાર આ પરિસ્થિતિને સારી પેઠે સમજી શકશે.
Image result for man in shadow in street

તે જે રીતે ઉભો હતો એ જોતાં મને ખ્યાલ આવ્યો કે તે આટલામાં જ ક્યાંક રહેતો હશે અને કામ કરતો હશે. પછી તો લગભગ અઠવાડિયામાં બે-ચાર સાંજે તે ઉભેલો દેખાતો. તે આટલામાં રહેતો હોવાની મારી ધારણા સાચી પડી. પણ હું સરેરાશ મુંબઈગરાની જેમ ઉતાવળમાં જ રહેતો. અને સત્તારની પીઠ મારી તરફ રહેતી. મને થયું કે સત્તાર મને જોઈને પીઠ ફેરવી જતો હશે? કે પછી અનાયાસે તેની પીઠ મારા તરફ રહેતી હશે? હું સમજી શકતો નહોતો. મને ઘણી વાર થતું કે અમારી નજર મળે તો હું તેને બોલાવું અને તેની સાથે વાત કરું. પણ સાંજે ઘેર જવાની ઉતાવળમાં એનો મેળ પડતો નહીં.
મને જાણવા મળ્યું કે ગુલશન સામાજિક પરિભાષામાં કહીએ તો બદનામ સ્ત્રી હતી. તેના હાથ નીચે અનેક યુવતીઓ હતી. ગ્રાહકો તેને ત્યાં આવતા. એ જે હોય એ, મને થતું કે એકાદ વાર ઉભા રહીને સત્તારના ખબરઅંતર પૂછવા જોઈએ. ગમે એમ તોય મારો એ બાળગોઠિયો હતો. પણ એ શક્ય ન બની શક્યું. થોડા સમય પછી મને જાણવા મળ્યું કે ગુલશનનું અવસાન થયું છે. આ બધા સમાચાર કોઈ ને કોઈ દ્વારા મળતા. એક વાર મેં નક્કી કર્યું કે હવે સત્તાર મળે તો સહેજ સમય કાઢીને પણ વાત કરું.
એક સાંજે તે જોવા મળ્યો. હું નક્કી કરીને તેની તરફ આગળ વધ્યો. તેની પીઠ મારી તરફ હતી. મને લાગ્યું કે તેણે જાણીબુઝીને એમ કર્યું હતું. હું તેની નજીક ગયો. અને પાછળથી ખભે હાથ મૂક્યો. તેણે ચમકીને પાછળ જોયું. મેં કહ્યું, “કૈસા હૈ, સત્તાર? તૂ મિલતા જ નહી! યાદ હૈ કિ ભૂલ ગયા?’ મારાથી પીછો છોડાવવા માંગતો હોય એમ એણે ઝટપટ કહ્યું, દેખ બદરૂ, મેરે સે બાત મત કર. મને આશ્ચર્ય થયું કે આટલા વખત પછી મળ્યા એનો આનંદ પામવાને બદલે તે આમ કેમ કહે છે? તેણે ઝડપથી કહ્યું, દેખ ભાઈ, તૂ ઈજ્જતદાર ઔર શરીફ આદમી હૈ ઔર મંઈ રહા બદનામ આદમી. મંઈ દલાલી કા કામ કરતા હૈ. સમઝા? તુઝકો મંઈ કઈ બાર દેખતા હૂં, મગર બુલાતા નહીં. તૂઝકો મુઝ સે બાત કરતે હુએ કોઈ દેખ લેગા તો તેરી બદનામી હોગી. સમઝ ગયા ને? અબ તૂ જા ઔર કભી મેરેકુ મિલને કી કોશિશ મત કરના.
સત્તારની પીઠ હંમેશાં મારી તરફ કેમ રહેતી હતી એ મને હવે સમજાઈ ગયું. ત્યારે હું ઝાઝી વાત કર્યા વિના નીકળી ગયો. હવે હું તેને મળવાની કોશિશ નહોતો કરતો, પણ દૂરથી જોઈને તેને મળ્યાનો સંતોષ માનતો.
**** **** ****

ઘણો સમય વીતી ગયો. ઘણા વખતથી સત્તાર નજરે પડ્યો નહોતો. મને વળી કુતૂહલ સળવળ્યું કે એ કેમ દેખાતો નહીં હોય? તેની ખબર કાઢવી જોઈએ. ક્યાં છે, શું કરે છે એ ખબર પડે અને તેને કશી મુશ્કેલી હોય તો મદદરૂપ થઈ શકાય. આથી એક દિવસ સહેજ સમય કાઢીને હું એ વિસ્તારમાં ગયો. પૂછવું તો કોને પૂછવું? ત્યાં અનેક સત્તારો ઉભેલા હતા. તેઓ ગ્રાહકોને બોલાવતા હતા તેમજ તેમની સાથે ભાવતાલ કરતા હતા. ત્યાં આવેલી એક પાનની દુકાન પર મારી નજર પડી. મને થયું કે ત્યાં જઈને પૂછું. હું પાનની દુકાને ગયો. દુકાનદારને સલામ વલયકુમ કર્યા. દુકાનદારે પૂછ્યું, બોલિયે શેટ, કૌન સા પાન બનાઉં?’ મેં કહ્યું, ભાઈ, મુઝે પાન નહીં ચાહિયે. મુઝે જરા પૂછના થા. યહાં એક સત્તાર હુઆ કરતા થા....... દુકાનદાર સહેજ થોભ્યો. પછી મને પૂછ્યું, હાં. શેટ. વો તો અલ્લાહ કો પ્યારા હો ગયા. આ સાંભળીને મને આંચકો લાગ્યો. મને નિ:શબ્દ બની ગયેલો જોઈને દુકાનદારે કહ્યું, વૈસે શેટ, સત્તાર ગયા તો ક્યા હુઆ? મંય હૈ ના...! આપકો જો ચાહિયે વો મંઈ ભી દિલવા સકતા હૈ. બોલીએ..... મેં તરત તેને અટકાવ્યો અને પૂછ્યું, યે કબ હુઆ?’ દુકાનદારે કહ્યું, કુછ મહિના હો ગયા. મને સહેજ કળ વળી. મેં દુકાનદારને કહ્યું, ભાઈ, ઐસાવૈસા કુછ નહીં હૈ. વો તો મેરા..... .......કોઈ સગા હોગા. પાનવાળાએ અનુમાન કર્યું. મેં કહ્યું, નહીં ભાઈ, સગા તો નહીં, મગર દોસ્ત થા. હમ સાથ ખેલતે થે, ઈસલિયે.....
Image result for paan shop muslim
અમારી આ વાતચીત ચાલતી હતી એ દરમ્યાન પાનની દુકાને એક બે ગ્રાહકો આવ્યા હશે. તેમને કાને અમારો સંવાદ પડ્યો હશે. એમાંના એક જણે દુકાનદારને કહ્યું, ક્યા બાત હૈ, ભાઈ! સત્તાર કે મરને કે બાદ ભી ઉસકે ગિરાક ઉસકો ઢૂંઢ રયેલે હૈ....
દુકાનદાર હવે મારી પૂછપરછનો હેતુ સમજી ગયો હતો. તેણે પેલાને અટકાવીને કહ્યું, અરે નહીં, યાર! યે વૈસે આદમી નહીં હૈ. યે તો શરીફ આદમી હૈ.
દુકાનદારની આ વાત સાંભળીને પેલાના હોઠ મલક્યા. કહે, હાં ભઈ. દિન કે ઉજાલે મેં તો સબ શરીફ હી હોતે હૈ. આ સાંભળીને ઘડીભર મને ઝટકો લાગ્યો. પણ એને કશું કહેવાય એવું હતું નહીં.
મારા કુતૂહલનું શમન થઈ ગયું હતું. મેં દુકાનદારને કહ્યું, અચ્છા, ભઈ. શુક્રિયા. ચલતા હૂં, ખુદા હાફિઝ. એમ કહીને મેં પીઠ ફેરવી.

દુકાનદારે પણ ખુદા હાફિઝ કહ્યા. પછી મારા કાનમાં કહેતો હોય એમ બોલ્યો, વૈસે શેટ, સત્તાર નહીં તો હમ ઈધર હી ચ હૈ. કબી બી કુછ કામ હૈ તો બોલ દેના. અપુન કી ભી બોત પહેચાન હૈ. આપકો જો ચાહિયે મિલ જાયેગા.

દુકાનદારે મને આમ કહ્યા પછી શરીફની વ્યાખ્યા હું આજે પણ વિચાર્યા કરું છું. 


(images are symbolic and are taken from net./ તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)  

6 comments:

  1. Fantastic STORY. and I liked your style.

    ReplyDelete
  2. દરેક 'ખોટું કામ' કરનારની પણ એક દાસ્તાન હોય છે. આવું વાંચવામાં આવે ત્યારે થોડી તો થોડી વાર માટે પણ એવી વ્યક્તિ માટે સહાનુભૂતિની લાગણી થાય.

    ReplyDelete
  3. મન્ટોની વાર્તાઓ યાદ આવી ગઈ. અને મન્ટોની તટસ્થતાથી બદરુદ્દીનભાઈએ કહી છે અને તમે લખી છે.

    ReplyDelete
  4. Very well depicted. Pl keep it up.Write other episodes also which we have been told by him

    ReplyDelete
  5. We can not judge any one is Shareef or Ashareef from his job.. The open sharafat may be only a window dressing.On debate Ashareef man can prove his sharafat easily.
    The system of narrating on any subject,which forces us to reach up the end of the story, is the best part of Rajbibhai. Congratulations Rajnibhai.

    ReplyDelete
  6. કોઈ ફિલ્મીકથાથી કમ નથી આ ‘શરીફ’કથા. બીજી વાતો ચોક્કસ લખજો.

    ReplyDelete