Saturday, July 4, 2015

સો સિનેમાની સુહાની સફર




- રોહિત મારફતિઆ
(જીવનના ચાર-સાડા ચાર દાયકા સુધી સુરત મારા માટે ફક્ત મુંબઈ જતાં કે ત્યાંથી પાછા આવતાં મોડી રાત્રે આવતું સ્ટેશન માત્ર હતું. પણ છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ શહેર સાથે એવો નાતો જોડાયો છે કે જાણે અહીંના અમુક મિત્રોને વરસોથી ઓળખતા હોઈએ એમ લાગે છે. રૂબરૂ મળવાનું ઓછું, પણ ફોન, મેઈલ દ્વારા સતત સંપર્ક અને કોઈ એક સાથે પણ વાત થાય તો બીજા મિત્રોની પરોક્ષ હાજરી અનુભવાય. 'સુરતીયત'નો અચ્છો-ખાસો પરિચય આ મિત્રો થકી થતો રહ્યો છે. સુરતની આવી જ એક વિશિષ્ટ સંસ્થા છે 'વિન્‍ટેજ વેટરન્‍સ'. દર મહિનાના પહેલા રવિવારે નિયમીતપણે જૂની ફિલ્મ સાથે બેસીને જોવાનો મૂળભૂત હેતુ. પણ માત્ર ફિલ્મ જોઈને છૂટા પડે તો સુરતી શાના? એટલે અસલ સુરતી વાનગીઓની લિજ્જત સહુ ભેગા મળીને માણે. ફિલ્મના સરક્યુલરમાં ફિલ્મની વિગતની સાથે મેનુ પણ લખેલું હોય. નિયમિતપણે મોકલવામાં આવતા આ સરક્યુલર વાંચીને એ મોકલનાર મિત્ર રોહિત મારફતિઆને મેં એક વાર કહ્યું, 'આ સરક્યુલરની સાથે વાનગીઓ પણ મળે એવું ગોઠવો ને! નકામું અમારા મોંમાં પાણી લાવો છો!' અસલ સુરતી મિજાજ ધરાવતા રોહીતભાઈ માટે આ કંઈ અઘરું નથી. પણ તેમણે 'બ્રહ્મજ્ઞાન' આપતાં કહ્યું, 'સુરતની ગાળ અને સુરતની વાનગીઓની મજા લેવી હોય તો સુરતમાં આવીને જ લઈ શકાય.' 
દર મહિનાના પહેલા રવિવારની સાંજે રોહીતભાઈ ફોન પર વાનગીઓનું વિવરણ સંભળાવે એ સાંભળીને મનથી હું સુરતમાં પહોંચી જાઉં છું. 
આ અનોખી પ્રવૃત્તિ એના આઠ વરસ પૂરા કરી રહી છે અને આ રવિવાર, ૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ સોમી ફિલ્મ બતાવાઈ રહી છે. આ વિશિષ્ટ પ્રસંગે તેમણે સોએ સો ફિલ્મોની વિગતો ધરાવતી પુસ્તિકા તો પ્રકાશિત કરી જ, પણ માત્ર ફિલ્મની વિગતોનો જ સમાવેશ હોય તો એમનું સુરતીપણું લાજે. એટલે તેમણે દરેક ફિલ્મો વખતે જે મેનુ રાખવામાં આવ્યું હતું, તેની વિગતો પણ જે તે ફિલ્મની સાથે મૂકી. હર્ષવદન ભગતજી જેવા ફિલ્મરસિયાએ ચીવટપૂર્વક આ વિગતોની નોંધ રાખી હતી. 
માત્ર આટલેથી અટકવાને બદલે સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશીનું તેઓ સન્માન કરવાના છે. નિ:સ્વાર્થ અને નિરપેક્ષભાવે કામ કરતા હરીશભાઈના કામની કદર અને તેમના પ્રદાનનો જાહેર સ્વીકાર આ રીતે થાય એ બહુ આનંદની વાત છે. 
આ પુસ્તિકાના આરંભે કે.કે.સાહેબનાં આશીર્વચન, ભગવતીકુમાર શર્માની શુભેચ્છાઓ, બકુલ ટેલર અને હરીશ રઘુવંશીનું પ્રસંગોચિત લખાણ સામેલ છે. પણ રોહીતભાઈએ લખેલી પ્રસ્તાવનામાં આ સંસ્થાનો ઉદય શી રીતે થયો અને તે આગળ શી રીતે વધી તેની વાત રસપૂર્વક જણાવાયેલી છે. કોઈ મિત્રો પોતાના શહેરમાં આ પ્રવૃત્તિ કરવા ધારે અને કશા માર્ગદર્શનની જરૂર હોય તો રોહીતભાઈનો સંપર્ક કરી શકે છે. ) 

સન ૨૦૦૭ની રવિવારની એક સવારે અમે કેટલાક મિત્રો સેવ ખમણ અને પેટીસનો નાસ્તો કરવા ભેગા થયા. વાતમાંથી વાત નીકળી કે સુરતમાં લગ્નોના જમણવારમાં હવે સુરતી વ્યંજનો અદૃશ્ય થઈ ગયા છે. ફિલ્મના રસિયા એવા  મિત્રો કહે, હવે પહેલાંની  ફિલ્મો પણ સાથે બેસીને જોવાતી નથી. બીજા કહે, પહેલાં શહેરમાં એકબીજાની નજીક રહેતા મિત્રો હવે સોસાયટીઓમાં રહેવા જતાં એકબીજાને મળવાનું પણ ઓછું થઈ ગયું છે.  
આ બધી ચર્ચામાંથી એક વિચાર સ્ફુર્યો કે આપણે એવી કોઈ પ્રવૃત્તિ કરીએ કે આપણે જૂના મિત્રો સાથે બેસીને જૂની ક્લાસિક ફિલ્મો જોઈએ અને સુરતી ભોજનનો આસ્વાદ પણ માણીએ.
ઈન્દ્રજીત શેઠ, રાજેશ શાહ, ગૌતમ કાજી, રાજેન ખાનસાહેબ, સુરેશ દેસાઈ, રોહિત મારફતિઆ - અમે બધાએ ભેગા મળીને આ વિચારને નક્કર સ્વરૂપ આપ્યું અને ઉદ્‍ભવ થયો એક અનોખી પ્રવૃત્તિનો. એને નામ આપ્યું વિન્ટેજ વેટરન્સ. એવું નક્કી કર્યું કે મહિનામાં એક ફિલ્મ સાથે જોઈએ, ફિલ્મની ચર્ચા કરીએ અને સાથે સુરતી સ્ટાઈલનું ભોજન જમીએ. બીજા મિત્રોને વાત કરતાં તેઓને પણ આ વિચાર ગમી ગયો એટલે આવા મિત્રોને પણ સાથે રાખીને કોઈ થિયેટરની શોધ ચલાવી. ફિલ્મો અને સ્વાદિષ્ટ ભોજનના શોખીન મિત્ર પંકજ કાપડિયાને વાત કરી તો એણે ઉત્સાહભેર આ વાતને વધાવી લીધી અને કાપડીયા હેલ્થ ક્લબનો વિન્ડો હોલ ફિલ્મ માટે અને જમવા માટે ક્લબની પુલ ડેક પરની જગ્યા આપવાની ઓફર કરી. જમણવારની જવાબદારી ક્લબના કેટરર અનુપ ઝવેરીએ સહર્ષ સ્વીકારી લીધી.
એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે વિન્ટેજ વેટરન્સની પ્રવૃત્તિ ચલાવવાનું નક્કી કર્યું. દર મહિનાના પહેલા રવિવારે સવારે દસ વાગે કાપડિયા હેલ્થ ક્લબમાં ફિલ્મ જોવી, ઈન્ટરવલમાં ચા-કૉફી અને ફિલ્મપછી જમવાનું. સભ્યોને એક સપ્તાહ પહેલાં ફિલ્મની માહિતી આપતો સરક્યુલર મોકલવો, ફિલ્મની શરૂઆતમાં અવારનવાર જાણીતા વિવેચકો દ્વારા પણ ફિલ્મો અંગે ચર્ચા કરવી.  
...અને સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ પહેલી ફિલ્મ અંદાઝ બતાવી. વિતેલા જમાનાના મશહૂર ચરિત્ર અભિનેતા અને સુરતના જ વતની કે.કે. સાહેબે(કૃષ્ણકાંત ભૂખણવાળા) દીપ પ્રાગટ્ય કરીને શુભ પ્રારંભ કરાવ્યો.
'અંદાઝ'થી થયો અનોખી સફરનો આરંભ 
વિન્ટેજ વેટરન્સની પ્રવૃત્તિને સુરતીઓનો અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો અને એક વર્ષ માટે પ્રાયોગીક ધોરણે કરવા ધારેલી પ્રવૃત્તિ આઠ આઠ વર્ષથી અવિરત ચાલે છે. 
સુરતી શ્રેષ્ઠીઓ આપણા સભ્યો બન્યા, આપણા બધા સભ્યો સાઠની ઉપરના છે.  આપણા સદા યુવાન વયસ્ક સભ્ય કે. કે. સાહેબ માત્ર બાણું વર્ષના છે. આપણા સભ્યોમાં પોતાની યુવાનીના સોનેરી રોમાંચક વર્ષોમાં જોયેલી ફિલ્મો જોવાની ઉત્કટ અભિલાષા છે.  નવયુવાનીનું જોમ છે – જીવનની સંધ્યાને રંગભરી બનાવવાની તમન્ના છે. અસલ સુરતી વાનગીઓ માણવાનો શોખ છે. બકુલ ટેલરે કહ્યું તેમ આપણે માત્ર ફિલ્મો નથી જોતા -  આપણા એ સોનેરી ભૂતકાળની અનુભૂતિને માણીએ  છીએ.  આને કારણે જ આપણે વિન્ટેજ વેટરન્સના ઉપક્રમે જોયેલી અને માણેલી સિનેમાઓની સુહાની સફરની સદી જુલાઈ ૨૦૧૫માં ઉજવીશું. 
સોમો મુકામ 
હરીશભાઈ રઘુવંશીએ હંમેશા અધિકૃત માહિતી આપી અને ફિલ્મોના ગીત - સંગીત અંગે હરમંદિરસિંઘ હમરાઝના  ફિલ્મ ગીતકોશનો આધાર લેવાનુ સૂચવ્યું. ફિલ્મો અંગે પણ એમણે એમ સૂચવ્યું કે સુપરહિટ ગયેલી અને જેના ગીત સંગીત લોકપ્રિય થયા હોય એવી ફિલ્મની ઓરીજીનલ ડીવીડી મેળવીને બતાવવી. હરીશભાઇના સૂચનને કારણે સભ્યોને હંમેશા સુંદર ફિલ્મો જોવા મળી. એમની મદદથી આપણને  ફિલ્મો અંગે અધિકૃત માહિતી મળતી રહી.
ત્રણ વર્ષ પછી આપણા સભ્ય હર્ષવદન ભગતજી અને એમના પુત્ર ધવલે કેટરીંગની જવાબદારી સંભાળી લીધી અને સભ્યોને એક એકથી ચડિયાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવ્યો. શરૂઆતમાં આપણે ઈન્ટરવલમાં માત્ર ચા કોફી જ આપતા હતા.  પણ જીતુભાઈ મારફતિઆ જેવા શોખીન સભ્યોના સૂચનથી આપણે ઇન્ટરવલમાં સ્વાદિષ્ટ નાસ્તો પણ આપવા માંડ્યો. શરૂઆતમાં આપણે મેનુ જણાવતા નહોતા, પરંતુ સભ્યોના સૂચનથી સરક્યુલરમાં મેનુ પણ જણાવવા માંડ્યુ. આજે સભ્યો સરક્યુલરમાં પહેલા મેનુ વાંચે છે અને પછી બીજી વિગતો વાંચે છે!!!  
આંખ અને મનની સાથે જીભ અને પેટને પણ સંતોષ 
વિન્ટેજ વેટરન્સની પ્રવૃત્તિઓ અંગે બકુલ ટેલરે ગુજરાતમિત્રમાં અને ફયસલ બકીલીએ ચિત્રલેખામાં વિસ્તૃત માહિતી આપતા સુંદર લેખ લખ્યા અને આને કારણે આપણી પ્રવૃત્તિને ઘણી પ્રસિદ્ધિ મળી. આને પગલે વડોદરામાં નિતીન માંકડ અને નરેન્દ્ર શાહે ગોલ્ડન  મેમરીઝ  અને સુરતમાં નરેશ કાપડિયા, યોગેશ પટેલ અને કાંતી બોડાવાળાએ કાપડિયા હેલ્થ ક્લબમાં જ ઓલ્ડ મુવી લવર્સ ક્લબ શરૂ કરી અને તેમાં પણ હોલની કેપેસીટી કરતાં વધુ સભ્યો થઈ ગયા.
આપણે ત્યાં જે ફિલ્મો બતાવીએ તે અંગે માહિતીસભર વાતો કરવા આપણે ત્યાં કે.કે.સાહેબ, હરીશ રઘુવંશી, બકુલ ટેલર, કપિલદેવ શુક્લ, પ્રો. કાસલીવાલા, બીરેન કોઠારી, ઉર્વીશ કોઠારી, રશ્મિકાંત શેઠ, યઝદી કરંજીયા, બેલા શાહ,  ડો. તૃપ્તિ  જૈન જેવા તજજ્ઞો આપણે ત્યાં આવ્યા અને આપણા કાર્યક્ર્મોની શોભા વધારી. ડો. પદ્મનાભ જોષી જેવા સંશોધકે પણ આપણને  અમદાવાદથી ઘણી માહિતી આપી.
એક વખત પંકજકુમાર મલ્લિકની સ્મૃતિમાં આપણે સુરતના સંગીતપ્રેમીઓ માટે જીવનભારતી રંગભવનમાં કાર્યક્રમ રાખ્યો તેમાં અમદાવાદના ધીરૂભાઈ દેસાઇએ પંકજ મલ્લિકના ગીતોની રસલ્હાણ કરાવી. ચિક્કાર હાજરીવાળા હોલમાં સુરતીઓએ આ ગીતો મન ભરીને માણ્યા. સુરતના સપૂત -સાહિત્યકાર ભગવતીકુમાર શાર્માએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સુંદર પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું હતું.
દર વર્ષે આપણે વર્ષ  દરમ્યાન બતાવેલ ફિલ્મોના ગીતોની ડીવીડી બનાવીને સભ્યોને આપીએ છીએ. યુવાન તરજ શાહ ખુબ જહેમત લઇને આપણને ડીવીડી બનાવી આપે છે. કાપડિયા હેલ્થ ક્લબના સ્ટાફના સભ્યો તો હવે આપણા કુટુંબીજનો થઈ ગયા છે.
સો  સિનેમાની સુહાની સફરની વિગતો આપને માટે તૈયાર કરી છે જેમાં દરેક ફિલ્મ વખતના મેનુની વિગતો પણ આપી છે. હર્ષવદન ભગતજી પાસે મેનુની સંપુર્ણ વિગતો હતી જેને કારણે આ શક્ય બન્યુ છે. સંજય ચોકસીએ ખુબજ સુંદર રીતે આનો નયનરમ્ય લેઆઉટ તૈયાર કરીને કલ્પનાશીલતાથી આ વિગતોની ડીઝાઇન કરી આપી છે.  
સો ફિલ્મો અને એ દરેક ફિલ્મો વખતે
આરોગેલી વાનગીઓ સ્મરણિકારૂપે 
આપણને પ્રોત્સાહન આપનાર, મદદ કરનાર -  કોઈનો પણ આભાર માનવાની ઔપચારિકતા વગર આપણે એ જ અભ્યર્થના કરીએ કે  આપણી વચ્ચે પ્રેમનો જે સેતુ રચાયો છે,  એ વધારે સુદૃઢ બને અને જીવનસંધ્યાના વર્ષોમાં આપણે નિતાંત આનંદ માણીએ.

5 comments:

  1. Suratma shakya bane......Ahmedabadma na bane........Ichchha to evi thai avi ke hu pan Member thai jav......Saras Mahiti.....

    ReplyDelete
  2. સલામ આ 'રસ'ભર્યા સુરતીઓને - ભૂતકાળની યાદોને આટલી સ્વાદિષ્ટ બનાવી શકાય તેવા વિચાર માટે અને એ વિચારને એક શતકની મંઝિલ સુધી સફળતાથી પહોંછાડવા માટે.
    હજૂ બીજાં પણ શતકોનાં સીમાચિહ્ન પાર કરીને આવતી પેઢીઓ સાથે તે વિસ્તરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

    ReplyDelete
  3. ઘણું (ઘન્ન્નું ,ઘન્ન્નું) ગમ્યું। હુરત ની મુરત જ કઈ ઓર છે. લેખ અને માહિતી વાંચવામાં જ મઝ્ઝા પડી તો સામેલ થવામાં તો કાઈ ઓર જ રંગ આવે. ભલે, બિરેનભાઈ thanks , આવતી કાલે થનારી(5મી જુલાઈ) "શતાબ્દી"ની ભવ્ય ઉજવણી અને ઉજાણીની વાતો નો આમજ રસ થાળ , તમારી કલમે જલ્દીથી માણીશું.

    ReplyDelete
  4. સૌ વેટરન્સને અભિનંદન. આ વખતે તો આવી ન શકાયું, પણ હવે એકાદ અનુકૂળતાએ જરૂર ગોઠવીશ.

    ReplyDelete
  5. સિનેમાની આ શતાયુ સફરના એક પડાવમાં સામેલ થવાનો લહાવો મળ્યો છે તેનો આનંદ છે. સુરતની મહેમાનગતિની તો શી વાત કરવી? મને અમદાવાદથી આવેલો જાણીને રોહિતભાઈએ પહેલા જ પૂછ્યું હતું...‘તમારી રહેવાની વ્યવસ્થા ક્યાં ગોઠવું? કાર્યક્રમના સ્થળે જ કે બીજે ક્યાંય?’

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete