Wednesday, March 11, 2015

ડોન્‍ટ રેસ્ટ ઈન પીસ, કાકા વિનોદ!


પ્રિય લેખક, સંપાદક અને તંત્રી વિનોદ મહેતાના ઓચિંતા અવસાનના સમાચાર રવિવાર ૮ માર્ચ, ૨૦૧૫ના દિવસે મળ્યા ત્યારે ઘણા બધાને આઘાત લાગ્યો. રમૂજ, નિખાલસતા, અવળચંડાઈ ધરાવતી તેમની સરળ અને તાજગીસભર શૈલીના ચાહકો ઘણા બધા હતા. આઉટલૂક શરૂ થયું ત્યારથી તેની સાથે એ સંકળાયેલા રહ્યા હતા અને આ મેગેઝીન પર તેમની આગવી મુદ્રા સ્પષ્ટપણે જણાઈ આવતી. બીજા અનેક વિભાગો ઉપરાંત બે વિભાગો મારી જેમ અનેકોના અતિ પ્રિય વિભાગ હશે. એક તો મેગેઝીનના છેલ્લે પાને દીલ્હી ડાયરી અંતર્ગત અવારનવાર લખાતાં તેમનાં લખાણો અને બીજો વાચકોના પત્રોનો વિભાગ. પોતાની આકરામાં આકરી ઝાટકણી કાઢતા પત્રો પણ તે યથાતથ પ્રકાશિત કરતા, એટલું જ નહીં, અમુક ખાસ પત્રો માટે તે ખાસ ચિત્રાંકન તૈયાર કરાવતા.
તેમને મળીને વાતચીત કરવાનો મોકો નથી મળ્યો, પણ કાર્ટૂનીસ્ટ મારીઓ મીરાન્‍ડાની શોકસભામાં અમે હાજર રહ્યા ત્યારે તેમને નજીકથી સાંભળવાનો મોકો મળ્યો હતો. ( એ પ્રસંગનો અહેવાલ અને મારીઓ વિષે વિનોદ મહેતાની રમતીયાળ શ્રધ્ધાંજલિ ઉર્વીશના બ્લોગ પર અહીં વાંચી શકાશે. ) તેમનાં લખાણો વાંચીને જ તેમની સાથે એવી આત્મીયતા અનુભવાતી કે દીપક સોલીયા, હેતલ દેસાઈ, ઉર્વીશ સાથેની વાતચીતમાં તેમનો ઉલ્લેખ 'કાકા વિનોદ' એટલે કે વિનોદકાકા તરીકે જ થતો. કાકા વિનોદ દ્વારા કરાતી અનેક સળીઓ અમારી વાતચીતનો વિષય રહેતી.
તેમને અપાયેલી અનેક શ્રધ્ધાંજલિઓમાં વધુ એકનો ઉમેરો કરવાની જરૂર નથી. પણ પ્રિય કાકા વિનોદ આમ અચાનક જતા રહે અને આપણે કશુંય ન કહીએ એ યોગ્ય ન કહેવાય.
અહીં આઉટલૂકના જૂના અંકોમાંથી પસંદ કરેલાં તેમનાં કેરીકેચર મૂકેલાં છે. અમુક કેરીકેચર વાચકોના કોઈ ને કોઈ પત્રોની સાથે મૂકાયેલાં છે, તો અમુક બીજા કોઈ લખાણ સાથે. અલગ અલગ કલાકારોએ એ બનાવેલાં છે.

સામાન્ય રીતે કોઈને શ્રધ્ધાંજલિ આપતાં આર.આઈ.પી. (રેસ્ટ ઈન પીસ) કહેવાનો રિવાજ છે, પણ વિનોદકાકાનો સ્વભાવ જોતાં કહેવાનું મન થાય, ડોન્‍ટ રેસ્ટ ઈન પીસ, કાકા વિનોદ! ઉપર જઈને પણ તમારી મસ્તી ચાલુ જ રાખજો.'  

**** **** **** 

ફિલ્મ સમીક્ષક તરીકેની પોતાની ટૂંકી કારકિર્દી વિષેના એક લેખમાં તેમનું આ કેરીકેચર મૂકાયું હતું, જે જયચંદ્રને દોર્યું છે. આ લેખમાં તેમણે લખેલું: " I can't remember if I wrote anything memorable ornoteworthy or interesting. No one quoted me. No one asked me after the show what I thought of the film. No one sought me out. My witticisms and insights fell on deaf ears." 


'આઉટલૂક'ના એક અંકમાં તેમણે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમની મેચફીક્સીંગમાં સંડોવણી વિષે લખ્યું હતું. આ લેખનો વિરોધ કરતો પત્ર પછીના અંકમાં પ્રકાશિત થયો અને વિનોદ મહેતાના લખાણ સામે વાંધો વ્યક્ત કરતાં વી.એસ.ચૌહાણ નામના જબલપુરના વાચકે લખ્યું, "I'll bet Indian cricketers evade taxes too. What about the money that was found in the locker of a (rightly) revered figure like Sunil Gavaskar? Does it mean he was a match-fixer too? And who knows about Mr. Mehta's tax returns?" 
આ પત્રને બોક્સ બનાવડાવીને પ્રકાશિત કરવાની સાથે સાથે તેમાં પત્રના લખાણને અનુરૂપ  વિનોદ મહેતાનું આ કેરીકેચર મૂકાયું હતું. 


'આઉટલૂક'ના દસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે પ્રકાશિત વિશેષાંકમાં અનેક બાબતો વિશિષ્ટ હતી, જેમાંની એક હતી મેગેઝીનના ઑફિસ સ્ટાફનો કેરીકેચર દ્વારા પરિચય. સ્ટાફના લોકોનો હળવી શૈલીમાં એક દોઢ લીટીનો પરિચય, જેમાં ઑફિસે ચા લઈને આવતા જસવંતસીંઘ (સૌથી જમણે, હાથમાં ચાના કપ સાથે)નો પણ સમાવેશ થાય છે. બારણા પછવાડે હાથમાં હંટર પકડીને વિનોદ મહેતા ડોકાઈ રહ્યા છે. આ ચિત્રાંકન સંદીપ અધ્વર્યુનું છે. 

હાહાહીહી કરતા સ્ટાફની પાછળ હંટર લઈને બારણે ડોકાતા વિનોદ મહેતા 
આ જ અંકમાં પત્રકારોનો પણ એ જ શૈલીમાં પરિચય આપવામાં આવ્યો હતો. હાથમાં હંટર પકડીને ઉભેલા વિનોદ મહેતા અજિત પિલ્લાઈનું મેટર જોઈ રહ્યા છે. આ ચિત્રાંકન પણ સંદીપ અધ્વર્યુનું છે.


દસમા વર્ષના વિશેષાંકમાં 'દસ'ની થીમ હતી, પણ તેમાં અનેકવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 'ટેક ઑફ' નામના અજિત નિનાન દ્વારા બનાવાયેલા આ કાર્ટૂનમાં 'આઉટલૂક'ની સંપાદકીય ટીમ વિમાનમાંથી દિલ્હીમાં મેગેઝીનરૂપી બોમ્બવર્ષા કરી રહેલી બતાવાઈ છે, જેમાં સૌથી પહેલી હરોળમાં ડાબી બાજુ વિનોદ મહેતા છે. નીચે ભાગતા બતાવાયેલા અસરગ્રસ્તોમાં 'ઈન્‍ડીયા ટુડે'ના પ્રભુ ચાવલા અને (કદાચ) અરુણ પુરી બતાવાયા છે. 


'અમારી પર દાવો માંડ્યો હોય એવા દસ લોકો'નાં નામો અને દાવો માંડવાનાં કારણોની સાથે જયચંદ્રને બનાવેલા આ કેરીકેચરમાં વિનોદ મહેતાને આરોપીના પિંજરામાં ઉભા રહેલા બતાવાયા હતા. 


'આઉટલૂક'ના અનેક વિશેષાંકો પૈકીના એકની થીમ હતી 'What if'? (આમ હોત તો?) વિવિધ તુક્કાઓ વાસ્તવિકતા હોય તો શી સ્થિતિ હોત તેનું નિરૂપણ આ અંકમાં કરવામાં આવ્યું હતું. આ અંક પછી તેના પ્રતિભાવરૂપે અનાઝ બારી નામના તિરુવનંતપુરમના એક વાચકે એ જ શૈલીમાં લખેલું: "What if readers stopped subscribing to outlook?' બેંગ્લોરના રઘુ કૃષ્ણ નામના વાચકે લખેલું: " What if I had not bought the Outlook issue of August 23? I'd have saved myself 15 Rupees." જસબીર સીંઘ નામના બેંગ્લોરના જ વાચકે લખેલું: "Though the concept was nice, but subjecting readers to page after page of conjecture gets tiresome. Which brings me to the question, what if Vinod Mehta had joined India Today?
આવા ચાર-પાંચ પત્રોને એક બોક્સમાં સાથે મૂકીને એ બોક્સનું હેડીંગ 'what if, Mr. Mehta?' આપીને તેમાં આ કેરીકેચર મૂકાયું હતું, જેમાં એ અંકમાંથી વિનોદ મહેતા પર ઈંટ અને પથરો ફેંકાતો બતાવાયો હતો.


 *
૨૦૦૮માં 'આઉટલૂક' મેગેઝીને તેર વર્ષ પૂરાં કર્યાં ત્યારે 'Terrific 13' શીર્ષકથી પ્રકાશિત વિશેષાંકના છેલ્લે પાને વિનોદ મહેતાએ તેમની બ્રાન્‍ડ શૈલીમાં આ સાપ્તાહીક શરૂ થયું તેની વાત લખી હતી. આ લખાણની સાથે મૂકાયેલું કેરીકેચર સંદીપ અધ્વર્યુએ બનાવ્યું હતું. 


દસમા વાર્ષિક વિશેષાંકમાં પત્રવિભાગ માટે ખાસ ચાર પાનાં ફાળવવામાં આવ્યાં હતાં. 'આઉટલૂક'ને મળતા પ્રશંસાના, આકરી ટીકાના, દેશવિદેશથી આવતા તેમજ વિવિધ મહાનુભાવોએ એક યા બીજા કારણે લખેલા અનેક પ્રકારના પત્રો તેમાં સમાવાયા હતા. આ ચારેય પાનાંઓમાં ટપાલપેટી તરીકે ચીતરાયેલા વિનોદ મહેતાના ચહેરા પર પત્રના પ્રકાર મુજબના હાવભાવ બતાવાયા હતા. અહીં બોમ્બ જેવા પત્રો મળવાથી ડરેલો તેમનો ચહેરો બતાવાયો છે. 


'સ્વતંત્રતા દિન વિશેષાંક' પ્રકાશિત કરવાની 'આઉટલૂક'ની પરંપરા મુજબ ૨૦૧૦ના વિશેષાંકનું શીર્ષક હતું 'The Mobile Republic'. આ અંકના છેલ્લા પાને અજિત પિલ્લાઈએ લખેલા 'The Interstellar Samosas' શીર્ષક ધરાવતા લેખમાં ૨૦૨૦માં ભારતની શી સ્થિતિ હશે તેની હળવાશપૂર્વકની કલ્પના કરવામાં આવી હતી. આ લેખના અંતે તેમણે લખેલું: " And, finally what about Outlook's last page in the Independence Day Special of 2020? Well, I guess some poor sod will be giving his non-gyan: his take on India at 83..." આ લેખમાંના 'poor sod' અને 'non-gyan' શબ્દોને અનુરૂપ મોબાઈલ ફોનના હાથમાં જકડાયેલા, ચોરસાકારની 'ગ્રેજ્યુએશન કેપ' પહેરેલા, હાથમાં 'આઉટલૂક' પકડેલા વિનોદ મહેતાને બતાવાયા હતા. મોબાઈલના સ્ક્રીન પર લેટીન લિપિનું લખાણ બતાવાયું હતું.  આ ચિત્રાંકન સોરીતે કર્યું હતું. 



પણ અફસોસ, આ કલ્પના સાચી ન પડી. વિનોદ મહેતાએ ૨૦૧૫માં જ ચીરવિદાય લઈ લીધી. 
તેમના મિત્ર મારીઓ મીરાન્‍ડાએ બનાવેલું વિનોદ મહેતાને નેપોલીયન તરીકે દર્શાવતું આ કેરીકેચર બન્ને  પ્રિય વ્યક્તિઓને શ્રધ્ધાંજલિરૂપે અહીં મૂક્યું છે.  





(નોંધ: મારીઓનું ચિત્ર નેટ પરથી લીધું છે. એ સિવાયનાં તમામ ચિત્રો અંગત સંગ્રહમાંથી) 

10 comments:

  1. Ekse badhkar ek cartoon aur sabse badhkar Kaka.! Positive attitude ko salaam. Thanks.

    ReplyDelete
  2. Wonderful compilation Biren. Plus you managed to put it together so quickly. Well done.
    Still can't believe Vinodkaka is no more :-(

    ReplyDelete
  3. Supremely enjoyable and very creative tribute to a unique journo.

    ReplyDelete
  4. Superb compilation, dear Biren.
    This reminds me of a personal instance.
    When Vinod Mehta was editor of Sunday Observer, one of my letters was Boxed with a cartoon. After its publication, Ashok Dave our popular humorist had congratulated me on that achievement with a letter, I vividly remember.
    -Salil

    ReplyDelete
  5. 'આઉટલૂક' શરૂ થયું ત્યારથી વિનોદ મહેતાની 'દિલ્હી ડાયરી' અને 'વાંચકોના પત્રો'ની પસંદ તો હતી જ, પણ બીરેનભાઇએ તેમાં કેરીકેચર્સની યાદને ગ્રંથસ્થ કરીને ચાર ચાંદ લગાવી આપ્યા.'લખનઉ બૉય' પણ મલકાતો હશે!
    'ઈન્ડિયા ટુડે'ને વેચાણ સંખ્યામાં પાછળ પાડ્યું કે નહીં તેની ચર્ચા તો છેક સુધી ગરમાતી જ રહી, પણ પોતાની આગવી સંપાદન શૈલીથી તારવી રાખેલ તેમના વાચક વર્ગને તેમણે કદી નિરાશ ન કર્યા - તેમની સાથેની અસહમતિઓએ તેમની સર્જનાત્મક પત્રકારિતાને સદૈવ પ્રજ્વળિત રાખી. સંપાદનનાં સક્રિય કામમાંથી ઉચિત સમયે બહાર નીકળી જવું અને મળેલ સમયમાં પોતાની આત્મકથા લખવી અને સફળતાથી માર્કૅટીંગ પર કરી બતાડીને તેમને પોતાને પોતાનાં અને તેમના આલોચકોના માપદંડે ખરા ઉતાર્યા.
    છેલ્લે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પછીના તેમના પ્રણવ રૉય સાથેનાં ટીવી પરનાં તારણોમાં નમોના વિજયને કારણે થયેલી તેમની નિરાશાની સાથે સ્પષ્ટ દૃષ્ટા/વક્તા નેતૃત્વની દેશનાં રાજકારણને આજના સમયમાં જરૂર છે તે વાત પોતે ન સમજ્યા પણ મતદારો સમજી શક્યા તે વાત પણ તેમણે ખેલદિલીથી જાહેરમાં સ્વીકારી હતી. તેમની આ ખૂબીને કારણે જ તેમના વિચારોને વાંચવા/ સાંભળવાનું ગમતું.

    ReplyDelete
  6. મસ્ત અંજલિ.
    ફક્ત શબ્દો કરતાં શબ્દો વત્તા ઠઠ્ઠાચિત્રોનું આ કોમ્બિનેશન કાકાની યાદ ઘણી વધારે અસરકારક રીતે તાજી કરાવે છે.

    ReplyDelete
  7. બીરેન : અનન્ય અંજલી. આપનો વિનોદ પ્રેમ [ શ્લેષ અભિપ્રેત ] + આપનો પત્રકારત્વ પ્રેમ [ વાચન અને નિરીક્ષણ ] + આપનો પત્રકારત્વ પ્રેમ [ જે વિના આવો ટુકડો ન સર્જી શકાય. અભિનંદન અને આભાર.

    ReplyDelete
  8. એક પત્રકારની બીજા પત્રકાર માટેની નિસ્બત હ્રદયસ્પર્શી રહી.

    ReplyDelete
  9. શ્રી બીરેન ભાઈ કોઠારી,

    તમારો જાણીતા પત્રકાર,લેખક શ્રી વિનોદ મહેતાને અંજલી આપતો લેખ વાંચીને તેમના વિવિધ પાસાના વ્યક્તિત્વ વિષે જાણ્યું, શ્રી વિનોદ મહેતા હિન્દુસ્તાનમાં અંગ્રેજી માધ્યમના સમાચાર પત્રો/માસિકો વાંચતા વાંચકોને આ પત્રકાર વિષે જાણ હોયજ,વિદેશમાં પણ સાપ્તાહિક ‘ઓઉટલુક’ પણ વંચાય છે અને વિનોદ મહેતાની પહેચાન પણ છે.
    અત્રે એક વાત કરવી છે કે શ્રી વિનોદ મહેતાને હજી સુધી (આજે બે અઠવાડીયા થયા) લંડનના કોઈજ જાણીતા દૈનિકે તેમની “ઓબીટ્યુરી કોલમ' માં તેમની નોધ નથી લેવાય,મારા છેલ્લા ૪૦ વર્ષના લંડનના રહેવાસ દરમ્યાન હું લંડનના અમુક જાણીતા દૈનિકો વાંચતો રહ્યો છું અને સહેજે “ઓબીટ્યુરી કોલમ' પર પણ નજર કરું અને જયારે
    કોઈ ‘જાણીતી ઇન્ડિયન’ વ્યક્તિની માહિતી હોય તો જરૂર વાંચું પણ ખરો, અત્રે એમ પણ ઉમેરવું પડે કે અહીના દૈનિકો કોઈ પણ દ્વેષભાવ વિના ગમે તે દેશના રાજકારણી,સામાજિક,વૈજ્ઞાનિક જાણીતા અને અરે કુખ્યાત લોકોને પણ
    આ કોલમમાં સ્થાન આપતા રહ્યા છે! અને આ લખાણમાં ખાસ્સી એવી વ્યક્તિના જીવન વિષેની માહિતી આવરી લેતા હોય છે.તેની સરખામણીમાં હિન્દુસ્તાનના દૈનિકો,સપતાહિકો કે માસિકો કોઈપણ ક્ષેત્રના જાણીતા વ્યક્તિની એટલી બધી નોંધ
    નથી લેવાતી,શ્રી વિનોદ મહેતાનું પણ એવુજ થયું છે અંગ્રેજી પત્રોએ કદાચને કોઈ ખૂણામાં થોડી જગ્યા આપી હશે અને જે દૈનિકોને તેમની સાથે સારા સંબધો હશે તેમને કદાચને બે લીટીઓ વધુ લખી હશે,આપણા દૈનિકોને હજુ આવી બાબતોમાં સર(જીતવામાં) કરવામાં સમય લાગી જશે! તમે એક પત્રકાર,લેખક છો એટલે તમે પણ આવી બાબતની જરૂરથી નોંધ લીધી હશે.

    જયારે શ્રી વિનોદ મહેતાની અંજલી યુ.કે.ના જાણીતા દૈનિકોમાં નોંધ લેવાશે તેની હું તમને જાણ કરીશ,મારું અનુમાન છે કે જરૂર એકાદ અઠવાડિયામાં તો આવશે તેવી મારી ગણતરી છે.
    છેલ્લે જેમ ઉપર લખ્યું તેમ ગુજરાતી દૈનિકોએ પણ હમણાજ ગુજરીગયેલા જાણીતા રેશનાલીસ્ટ શ્રી રમણલાલ પાઠકને પણ અંજલી આપવામાં જાણે કે લોભ કર્યો હોય તેમ બહુ માહિતી મેં એક સુરતના ‘ગુજરાત મિત્ર' સિવાય કોઈએ બહુ લખ્યું નથી.

    લી.પ્રભુલાલ ભારદિઆ

    ક્રોયડન,લંડન



    ReplyDelete