ડૉ.લક્ષ્મી સહગલ
૧૪-૧૦-૧૯૧૪ થી ૨૩-૦૭-૨૦૧૨
ઈતિહાસ લખવો, ઈતિહાસ વાંચવો, ઈતિહાસ રચવો આ ત્રણેય બાબતો એકબીજાથી અલગ છે
અને પોતપોતાની સૂઝ તેમજ સમજણ પર તે આધાર રાખે છે. આ ત્રણ સિવાય ચોથી પણ શ્રેણી છે.
એ છે ઈતિહાસને મળવાની. ઈતિહાસને મળવું એટલે શું?
આજે મોડી સવારે ૯૭ વરસની ઉંમરે જેમનું અવસાન
થયું એ કેપ્ટન લક્ષ્મી સહગલ/ Captain
Lakshmi Sehgal ને મળવાની તક અમને ૧૯૯૭માં મળી હતી. સતત ચાર
દિવસની દીર્ઘ બેઠકો દરમ્યાન થયેલી કેટલીય અંતરંગ વાતો દરમ્યાન એક જ લાગણી અમારા મનમાં
થતી રહી- ઈતિહાસને રૂબરૂ મળ્યાની. સતત સક્રિય (ત્યારે એમની ઉંમર ૮૩ વરસની હતી), પ્રેરણાના જીવંત સ્રોત જેવાં, સંપૂર્ણ હકારાત્મક અને જરાય કડવાશ વિનાનાં (એમ
બનવાનાં પૂરતાં કારણો હતાં તેમની પાસે) આ ગરવાં સન્નારીને મળવાનું બન્યું, તેમની કાર્યશૈલીને નજીકથી નિહાળવાની તક મળી, થોડીઘણી આત્મીયતા પામવાનો મોકો મળ્યો, તેમની નિખાલસતા માણવા મળી એ ક્ષણો મનમાં એ હદે
ફ્રીઝ થઈને પડેલી છે કે એને ઈચ્છીએ ત્યારે જીવંત કરીને ફરી સ્મૃતિમાં જીવી શકાય.
નેતાજી વિષે તેમણે લખેલા પુસ્તક પર તેમના હસ્તાક્ષર |
આવા ‘રીયલ લાઈફ હીરો’ જેવાં પાત્રો દિનબદિન ઘટતાં જાય છે એનો ખેદ
નથી. એ તો કાળના વહેવા સાથે થતું જ રહેવાનું. પણ આવાં પાત્રોને આપણે તેમના
જીવતેજીવ વિસારી દઈએ છીએ અને સાવ ઠાલા લોકોને ‘આઈકન’ બનાવી દઈએ છીએ, એ પ્રજા તરીકેની
આપણી ગતિ દર્શાવે છે. અહીં આપેલી કેપ્ટન લક્ષ્મી સહગલના જીવનની ઝલક ખરેખર તો તેમના
જીવનનું ટ્રેલર માત્ર છે, જેમાં મુખ્ય ઘટનાઓનો
ઉલ્લેખ કરીને તેને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. તેમના જીવન વિષે પાંચસાત હપ્તાની
આખી લેખમાળા થઈ શકે.
**** **** ****
દેશભક્તિના રંગે રંગાયેલા એસ. સ્વામિનાથન અને
અમ્મુ સ્વામિનાથનની બે દીકરીઓ લક્ષ્મી અને મૃણાલિની. મોટી દીકરી લક્ષ્મીનો જન્મ ૧૪
ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે
થયેલો. પિતાજી જાણીતા વકીલ હતા અને માતા મદ્રાસનાં અગ્રણી મહિલા સમાજસેવિકા. પરિવારમાં
ભણતરનું માહાત્મ્ય ઘણું હતું, પણ સ્વામિનાથન
પરિવાર ગાંધીરંગે રંગાયેલો હતો. નાનકડી લક્ષ્મી પણ શી રીતે આમાંથી બાકાત હોય! પણ
આગળ જતાં સરોજિની નાયડુ/ Sarojini Naidu નાં બહેન
સુહાસિની ચટ્ટોપાધ્યાયની સોબતમાં લક્ષ્મીને સામ્યવાદના સંસ્કાર મળ્યા, જે ઉત્તરોત્તર દૃઢ થતા ગયા. લક્ષ્મીની ઈચ્છા
નાનપણથી જ સેવા કરવાની હતી. ડૉક્ટર બનવાનું તેણે નક્કી કરી લીધેલું. એ મુજબ
૧૯૩૮માં એમ.બી.બી.એસ. પાસ થયાં અને આગળ અભ્યાસ કરીને ગાયનેકોલોજીસ્ટ પણ બન્યાં. ટાટા
એરલાઈન્સના એક પાઈલટ પી.કે.એન.રાવ સાથે લક્ષ્મીનાં લગ્ન થયાં, પણ છ જ મહિનામાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું.
૧૯૪૦માં તેમણે મદ્રાસ છોડીને સીંગાપોરની વાટ પકડી.
બીજાં બહેન મૃણાલિની આગળ જતાં ભારતના ખ્યાતનામ
વિજ્ઞાની ડૉ.વિક્રમ સારાભાઈ/ Dr. Vikram
Sarabhai ને પરણ્યાં અને મૃણાલિની સારાભાઈ/Mrinalini Sarabhai બન્યાં.
સીંગાપોર/Singapore ત્યારે બ્રિટીશ
શાસન હેઠળ હતું. અહીં આવીને ડૉક્ટર લક્ષ્મીએ પ્રેકટીસ શરૂ કરી, પણ મનમાં રહેલી દેશસેવાની ભાવના પ્રચંડ હતી.
બીજા વિશ્વયુદ્ધની તબાહી તેમણે નજરે નિહાળી. બોમ્બવર્ષા અને તેનાથી થતી તારાજીનો
જાતઅનુભવ કર્યો. અનેક ઘાયલ સૈનિકોની સારવાર કરી.
૨૧ ઓક્ટોબર, ૧૯૪૩નો દિવસ
સીંગાપોરમાં રહેતા ભારતીયો માટે જ નહીં, સમગ્ર ભારતની
તવારીખમાં અતિ મહત્વનો બની રહ્યો. સીંગાપોરના ખીચોખીચ ભરેલા કેથે ચાઈના હૉલમાં
નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘આરઝી હકૂમત’ (કામચલાઉ સરકાર)ની ઘોષણા કરી હતી. અને આ
સમારંભમાં આઝાદ હિંદ સરકારનાં મહિલા સંગઠનમંત્રી તરીકે ઉપસ્થિત હતાં ડૉ. લક્ષ્મી
સ્વામિનાથન. પણ ડૉ. લક્ષ્મી કંઈ સીધેસીધાં જ આ હોદ્દે પહોંચી ગયાં હતાં?
**** **** ****
હકીકતમાં ૧૯૪૩ના વરસમાં આ સ્થળે આ જ હૉલમાં ૪
જુલાઈએ એક કાર્યક્રમ યોજાયો હતો. ‘ઈન્ડીયા
ઈન્ડીપેન્ડન્સ લીગ’/ India Independence
League ના સ્થાપક અને વીસ-પચીસ વર્ષથી જાપાનમાં રહીને ભારતની આઝાદી
માટે કાર્યરત એવા રાસબિહારી બોઝે સુભાષબાબુને સીંગાપોરમાં આવકાર્યા હતા. આ
સમારંભમાં ડૉ.લક્ષ્મી પણ હાજર હતાં. આ સમારંભમાં જ રાસબિહારી બોઝે ‘ઈન્ડીયા ઈન્ડીપેન્ડન્સ લીગ’ના
અધ્યક્ષ તેમજ ‘આઝાદ
હિંદ ફોજ’ના સુપ્રિમ કમાન્ડર તરીકે સુભાષચંદ્ર બોઝ/Subhash
Chandra Bose ની વરણી કરી હતી.
‘આઝાદ
હિંદ ફોજ’/Indian National Army ની સ્થાપના પણ વિશિષ્ટ
સંજોગોમાં થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાની સૈન્યે બ્રિટીશ શાસનવાળા
સીંગાપોરને કબજે કર્યું. જાપાનીઓને શરણે થયેલા અંગ્રેજી લશ્કરમાં અનેક હિંદી
સૈનિકો હતા. આ હિંદી સૈનિકોને લઈને કેપ્ટન મોહનસિંહે ‘આઝાદ
હિંદ ફોજ’ની રચના કરી હતી. જાપાને તેમાં સહકાર એ કારણે આપ્યો
હતો કે આ સૈન્ય પણ તેની જેમ જ અંગ્રેજી સૈન્ય સામે લડવા માંગતું હતું. કેપ્ટન
મોહનસિંહ બઢતી પામીને ‘જનરલ’ બનાવાયા, પણ તેમની રાજકીય પહોંચ ઝાઝી નહોતી. આથી જાપાનીઓએ તેમની અવગણના કરવા
માંડી. આ અવગણના એ હદે પહોંચી કે મોહનસિંહ ‘આઝાદ હિંદ ફોજ’ સમેટી લેવા સુધી આવી ગયા. પણ તેમના સાથીઓને આ મંજૂર નહોતું. છેવટે પોતાના
કેટલાક વિશ્વાસુ સાથીઓ સમેત મોહનસિંહ ‘આઝાદ હિંદ ફોજ’ છોડી ગયા. જો કે, આ ફોજમાં ત્રીસેક હજાર સૈનિકો
હતા. જનરલ ભોંસલેના અધ્યક્ષપણા હેઠળ ‘આઝાદ હિંદ ફોજ’ રાસબિહારી બોઝ/ Rasbihari Bose ના ‘ઈન્ડીયા ઈન્ડીપેન્ડન્સ લીગ’ સાથે ભળી ગઈ. અને લીગ તેમજ ફોજ બન્નેનું
અધ્યક્ષપદ રાસબિહારી બોઝે સુભાષબાબુને સોંપી દીધું.
સુભાષબાબુની બાજુમાં કેપ્ટન લક્ષ્મી |
**** **** ****
સીંગાપોરમાં રહેતી ભારતીય મહિલાઓની સ્થિતિ
ત્યારે કેવી હતી? મોટા ભાગની
સ્ત્રીઓ શિક્ષકની, કારકુનની નોકરી
કરતી કે રબરના બગીચાઓમાં મજૂરી કરતી. સ્ત્રી સ્વાતંત્ર્ય જેવો શબ્દ તેમણે કદાચ
સાંભળ્યો પણ નહીં હોય. આથી જ નેતાજીએ ‘આઝાદ હિંદ ફોજ’ની મહિલા રેજીમેન્ટ રચવાનો વિચાર રજૂ કર્યો
ત્યારે ડો.લક્ષ્મીના ચહેરા પર મૂંઝવણ છવાઈ ગઈ હતી. નેતાજીએ વધુમાં કહેલું, “આ રેજિમેન્ટનું નામ ઝાંસીની રાણી પરથી રાખીએ
અને તેમાં ઓછામાં ઓછી એક હજાર સ્ત્રીઓ હોવી
જય હિંદ! |
જોઈએ.” ડૉ.લક્ષ્મીએ કહ્યું, “એક હજાર સ્ત્રીઓ સીંગાપોરમાંથી તો ઠીક, આખા પૂર્વ એશિયામાંથી પણ ભેગી થવી મુશ્કેલ
છે.” ખરું પૂછો તો ભારતમાં હતી એના કરતાંય બદતર સ્થિતિ સીંગાપોરની ભારતીય
સ્ત્રીઓની હતી. પણ એક હજાર સ્ત્રીઓ જ શા માટે? બસો, પાંચસો કે સાતસો કેમ નહીં? આના જવાબમાં નેતાજી કહેતા, “ઝાંસીની રાણીને હરાવનાર અંગ્રેજ અફસરે યુદ્ધ
પછી એકરાર કર્યો હતો કે એ બહુ બહાદુર સ્ત્રી હતી. એના જેવી ફક્ત એક હજાર સ્ત્રીઓ
ભારતમાં હોત તો અમારું રાજ સ્થપાયું ન હોત.” આટલું જણાવીને નેતાજી ઉમેરતા, “આપણે ઓછામાં ઓછી એક હજાર સ્ત્રીઓને તૈયાર
કરવી જોઈએ.” સ્ત્રીઓની સ્થિતિ અંગે ડૉ.લક્ષ્મીએ વાત કરતાં નેતાજીએ કહ્યું, “અત્યારે છે એના કરતાં ખરાબ સ્થિતિ આ સ્ત્રીઓ
માટે શક્ય નથી. એ આપણી સાથે જોડાય અને આપણે સફળ થઈએ તો એ સ્ત્રીઓને નવું જીવન
બનશે.” ડૉ. લક્ષ્મી માટે હવે વધુ દલીલને અવકાશ નહોતો. હવે પછી નેતાજી મહિલાઓને
સંબોધવાના હતા. આ દિવસે ડૉ. લક્ષ્મીએ
નેતાજીને એક અનોખી અને આશ્ચર્યજનક ભેટ આપવાનું નક્કી કર્યું.
પંદર-વીસ યુવતીઓને તેમણે પસંદ કરી. આઝાદ હિંદ
ફોજના કોઈ અફસર દ્વારા આ સૌને નિયમીત તાલિમ આપવાનું નક્કી થયું. લશ્કરી વરદી પહેરીને
હાથમાં રાયફલ લઈને આ મહિલાઓએ તાલિમ લેવા માંડી. સભાનો નિયત દિવસ આવી પહોંચ્યો.
નેતાજીનું આગમન થયું એ સાથે જ આ તાલિમ પામેલી યુવતીઓએ લશ્કરી ઢબે કૂચ કરીને
નેતાજીને ‘ગાર્ડ ઑફ ઓનર’ આપ્યું. આ જોઈને નેતાજી રાજીરાજી થઈ ગયા.
લશ્કરના નિયમ મુજબ, ડૉક્ટર હોવાને
કારણે લક્ષ્મીને ‘કેપ્ટન’નું પદ આપવામાં આવ્યું. જો કે, પછી એ લેફ્ટનન્ટ કર્નલના વધુ ઉંચા હોદ્દે પણ
પહોંચ્યાં, પણ છેક સુધી
તેમનો ઉલ્લેખ ‘કેપ્ટન લક્ષ્મી’ તરીકે જ થતો રહ્યો. કેપ્ટનનું સામાન્ય કામ
પોતાની રેજિમેન્ટને દોરવણી આપવાનું હોય છે. પણ અહીં કેપ્ટનનું કામ પોતાની
રેજિમેન્ટ- રાણી ઑફ ઝાંસી રેજિમેન્ટ/ Rani Of
Jhansi Regiment ઉભી કરવાનું હતું. કેપ્ટન લક્ષ્મીએ નેતાજીની
દોરવણીથી આ કામનો આરંભ કર્યો.
મહોલ્લે મહોલ્લે ફરવાનું શરૂ થયું. જાહેર સભાઓ
ભરવા સામે જાપાનીઓ લાલ આંખ કરતા હતા. તેથી મીટીંગો મોટે ભાગે કોઈકના ઘરમાં જ
ભરાતી. નેતાજીએ સામાન્ય લોકોને પણ ફોજમાં જોડાવાનું એલાન કર્યું. અકલ્પ્ય પ્રતિસાદ
મળવા માંડ્યો. પુરુષો ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા લાગ્યા, તો મહિલાઓ ‘રાણી ઝાંસી
રેજિમેન્ટ’માં.
**** **** ****
પંદરેક સ્ત્રીઓથી શરૂ થયેલી રાણી ઝાંસી
રેજિમેન્ટમાં સંખ્યા ધીમે ધીમે વધવા લાગી અને દોઢસો-બસોએ પહોંચી. કેટલીક પ્રૌઢ
સ્ત્રીઓ પણ આમાં એ હિસાબે જોડાઈ કે ભલે લશ્કરી મોરચે કામ ન આવીએ, પણ લશ્કરી મોરચે જે સ્ત્રીઓ જાય છે એમના
કામમાં તો આવીશું. રસોઈની અને બીજી નાનીમોટી જવાબદારીઓ તેમણે સંભાળી લીધી. સૌનો
જુસ્સો બુલંદ હતો, પણ કેવળ
જુસ્સાથી વાત આગળ વધે એમ નહોતી. ઘણા બધા વિપરીત પરિબળો ‘આઝાદ હિંદ ફોજ’ને અને ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’ને નડયાં. ઈતિહાસની આ વિગતોમાં હાલ ઊંડા
ઉતરવાને બદલે તેનો ઉલ્લેખમાત્ર કરીને કેપ્ટન લક્ષ્મીની વાતને આગળ વધારીએ.
આ ગાળામાં કેપ્ટન લક્ષ્મી નેતાજીના લશ્કરી સલાહકાર પ્રેમકુમાર સહગલ/ Premkumar Sehgal ના સંપર્કમાં આવ્યાં.
બન્ને વચ્ચેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો.
વખત જતાં રેજિમેન્ટ વિખરાઈ ગઈ. એ પછી માર્ચ, ૧૯૪૬માં લક્ષ્મી
અને પ્રેમકુમાર લગ્નથી જોડાયાં.
‘આઝાદ હિંદ ફોજ’ના ટોચના ત્રણ અફસરો પ્રેમકુમાર સહગલ, શાહનવાઝ ખાન/Shah
Nawaz Khan અને જી.એસ. ધિલ્લોન/ G.S. Dhillon ને અંગ્રેજ સરકારે પકડ્યા
અને તેમની સામે લાલ કિલ્લા પર મુકદ્દમો ચલાવવાની ઘોષણા કરી ત્યારે દેશભરમાં
રાષ્ટ્રપ્રેમની જબરદસ્ત લહેર ઉઠી હતી. પ્રચંડ લોકલાગણી સામે ઝૂકી જઈને અંગ્રેજ
સરકારે ત્રણેયને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા. સાચુકલા લોકનાયક જેવા આ ત્રણેય
જવાંમર્દોનો દેશભરમાં ઠેરઠેર આદરસત્કાર થયો. પણ કપરી વાસ્તવિકતા મોં ફાડીને સામે
ઉભી હતી!
આજીવિકા માટે સ્થાયી ક્યાં થવું એ મોટો પ્રશ્ન
હતો. અને પ્રેમકુમાર સહગલને એક માત્ર ઓફર કાનપુરની ‘વિકટોરીયા મિલ’માંથી મળી હતી. એટલે બીજા વિકલ્પો વિષે
વિચારવાનો સવાલ હતો જ નહીં. અરે, ‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકોને
આઝાદી મળ્યાના ત્રીસ-પાંત્રીસ વરસ સુધી સરકાર સ્વાતંત્ર્યસેનાની ગણવા રાજી નહોતી.
કશા વિકલ્પના અભાવે કાનપુર/ Kanpur માં સ્થાયી થયેલા
સહગલ દંપતિનો ખરો મોરચો હવે શરૂ થતો હતો, જે રણમેદાનના
મોરચા કરતાં અનેકગણો પડકારજનક હતો. આ મોરચે શત્રુની ઓળખ જ નહોતી. હા, ઝઝૂમવાનું નક્કી હતું.
**** **** ****
સેવામાં ખડેપગે |
આવી સ્થિતિમાં સૈનિકોને ભારતની ફોજમાં કશી
નોકરી મળે એવી શક્યતા જ નહોતી. ‘આઝાદ હિંદ ફોજ
સહાયતા સમિતિ’ની રચના કરવામાં
આવી હતી, જેનું કામકાજ
સહગલ સંભાળતા હતા. પણ તેના ખજાનચી હતા સરદાર પટેલ/Sardar
Patel, જેમની રાજકીય વિચારસરણી પ્રગટપણે નેતાજીથી વિરુદ્ધની હતી.
મોટે ભાગે એવું બનતું કે સરદારસાહેબ પાસે ફોજના નાણાના હિસાબ માટે જવાનું બને
ત્યારે તે ‘કેટલા રૂપિયા છે’ એ કહેવાને બદલે પૂછતા, “તમારે કેટલા રૂપિયા જોઈએ છે?” એમ તો આઝાદી પછી નહેરુ જાપાન ગયા ત્યારે જાપાન
સરકારે ફોજના ખજાનાનું સોનું અને રોકડ રકમ તેમને પરત કર્યાં હતાં. પણ એ રકમ કેટલી
હતી અને એનું શું થયું એ પ્રશ્નનો સંતોષકારક જવાબ ક્યારેય ન મળ્યો.
છેક ઈન્દીરા ગાંધી/Indira Gandhi ના શાસનકાળમાં સ્વાતંત્ર્યસેનાનીઓની
બહાર પડેલી બીજી યાદીમાં ‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો. એ અગાઉ
ફોજના ઘણા ભૂતપૂર્વ સૈનિકો બેહાલી અને ગુમનામીમાં જ મૃત્યુ પામ્યા હતા. પ્રેમકુમાર
સહગલ પંચોતેર વર્ષની ઉંમરે ૧૯૯૨માં અવસાન પામ્યા.
**** **** ****
ડૉ.લક્ષ્મી સહગલે કાનપુરના આર્યનગર વિસ્તારમાં
ગાયનેકોલોજીસ્ટ તરીકે પોતાની પ્રેકટીસ શરૂ કરી. કાનપુરનાં તે સૌથી ખ્યાતનામ
ગાયનેકોલોજીસ્ટ હતાં એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ૧૯૯૭માં અમારે-મારે અને
ઉર્વીશે- તેમને સતત ચારેક દિવસ સુધી મળીને વાતચીત કરવાનું બન્યું એ દિવસો જીવનના અતિ
યાદગાર દિવસો બનીને સ્મૃતિઆલ્બમમાં અંકાઈ ગયાં છે. (તેની તસવીરી યાદગીરી ઉર્વીશે
પોતાના બ્લોગ પર મૂકી છે,
જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.) ઉપર લખેલી વિગતો એ વાતોની જ ફલશ્રુતિ છે.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html
જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.) ઉપર લખેલી વિગતો એ વાતોની જ ફલશ્રુતિ છે.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html
લક્ષ્મી સહગલ સાથે બીરેન કોઠારી |
તેમની કન્સલ્ટીંગ ફી ત્યારે માત્ર વીસ રૂપિયા
હતી, અને એ પણ જેને પોષાય એવા
લોકો માટે. ઘણી એવી સ્ત્રી દરદીઓ હતી કે જેને ફીનું પોષાણ ન હોય. એ પોતાના કે
પેટમાંના બાળકના આરોગ્ય માટે જરૂરી ખોરાક કે દવા ક્યાંથી લાવી શકે? આવા સંજોગોમાં ડૉ. લક્ષ્મી પોતાના પર્સમાં ચૂપચાપ હાથ નાંખીને થોડા રૂપિયા પેલી
દરદીના હાથમાં પકડાવી દેતાં. દરદીને સામેથી ડૉક્ટર પૈસા આપે એવો વિરલ કિસ્સો તો
ડૉ.લક્ષ્મીનો જ હશે. ‘મમ્મીજી’નાં લાડકાં નામે જાણીતાં ડૉ.લક્ષ્મીથી તેમની સ્ત્રી દરદીઓ ડરતી પણ ખરી, કેમ કે સૂચવેલી દવાઓ ન લે કે જરૂરી ચરી ન પાળે એવી દરદીઓને તે ઝાટકી
નાંખતા. પણ આ ગુસ્સો ક્ષણજીવી હોય. પછી એ જ પ્રેમ અને વાત્સલ્ય.
માતાઓની 'ખબર' લેતાં 'મમ્મીજી' |
ક્લિનિકમાં પણ
મોટેભાગે જરૂરતમંદ મહિલાઓને નર્સ તરીકેની તાલિમ આપીને તેમને એ તૈયાર કરતાં. તેમની મુખ્ય
સહાયક હતી ડૉ.શોભા વીજ. ‘નાચવું નહીં તેને આંગણું વાંકું’ કહેવત કોઈ પણ કામ ન
કરવા માટે બહાનાં શોધનાર માટે વપરાય છે, પણ ડૉ.લક્ષ્મીનું
જીવન જોઈએ ત્યારે લાગે કે નાચવા ઈચ્છતું જ હોય એ ભલભલા વાંકા આંગણાને સીધું કરી દે
છે.
રાજકીય રીતે
ડૉ.લક્ષ્મી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી/ Communist Party of India (Marxist) નાં સભ્ય હતાં. ૨૦૦૨માં
થયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમણે ડૉ.અબ્દુલ કલામ સામે ઉમેદવારી નોંધાવી
ત્યારે આ પદ માટેનાં તે પ્રથમ ઉમેદવાર હતાં. જો કે, ઉમેદવારી
નોંધવવાની સાથે જ તેમનો પરાજય નિશ્ચિત હતો. પણ પરાજયથી એ ક્યારેય ડર્યાં હતાં ખરાં! અવિરત લડત એ જ તેમના જીવનનો મુદ્રાલેખ બની રહ્યો હતો.
તેમની બે
પુત્રીઓમાંની મોટી દીકરીનું નામ સુભાષબાબુની યાદગીરીમાં ‘સુભાષિની’ રાખવામાં
આવેલું,જે પછી ‘ઉમરાવજાન’/Umraojaan
ફેઈમ નિર્દેશક મુઝફ્ફર અલી/Muzaffar
Ali ને પરણ્યાં હતાં. તેમનો દીકરો શાદ અલી/Shaad Ali, જેણે ‘સાથિયા’/Sathiya ફિલ્મ
નિર્દેશીત કરી હતી. બીજી દીકરી અનિસા દિલ્હીમાં છે.
ખરા અર્થમાં
પ્રેરણાદાયી જીવન જીવી જનાર કેપ્ટન લક્ષ્મી સહગલને ભાવભીની સલામ.
(રંગીન તસવીરો: બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી)
(રંગીન તસવીરો: બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી)
સરસ માહિતી. ગમી.
ReplyDeleteસ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ, ઉર્વીશભાઈ,
ReplyDeleteબરાબર સાચવીને રાખેલી આ સ્મૃતિ કેપ્ટનની વિદાય પ્રસંગે અંજલિથી પણ કંઈક વિશેષ
જ લેખાય.સુંદર,અતિ સુંદર લેખ. મૃણાલીની દેવી ને પણ આજે ઓળખનારા કેટલા ??કદાચ દીકરી તરીકે મલ્લિકા સારાભાઈ નો પણ ઉલ્લેખ કર્યો હોત તો એમને ઓળખનારની ટકાવારી વધત.
દાદુ શિકાગો
Very nice and informative. We wouldn't have know about Capt. Lakshmi Sehgal if both of you had not written about it.
ReplyDelete- Rutul
મજાનો ને માહિતીસભર લેખ. ધન્યવાદ.
ReplyDeleteDear Birenbhai,
ReplyDeleteThanks for sharing this wonderful interview and congratulations for getting it. What a woman, what a leader and what accomplishments!!!
They don't make leaders like this anymore.
Thanks again-
ખરેખર ઇતિહાસ સર્જકને ઇતિહાસનાં સર્જન થઇ ગયા પછી મળવાનો મોકો મળે તે જ એક ઐતિહાસિક પ્રસંગ કહેવાય.
ReplyDelete'ઇતિહાસ' સર્જાઇ ચૂક્યો છે તે સ્થિતિમાં આપણે તે ઇતિહાસના લેખકની દ્ર્ષ્ટિની સાથે આપણા અભિપ્રાયનો રંગ ચદાવી ચૂક્યાં હોઇએ છીએ.એટલે,આવા સમયે આપણી વસ્તુલક્ષીતાને ખરા અર્થમાં કામે લગાડવી, તે પણ ઘણું કપરૂં નીવડી શકે.
બન્ને કોઠારી બંધુઓ ઇતિહાસ સર્જકની આટલી નજ્દીક ગયા પછી પણ [ઘટનાના] આલેખક્ની વસ્તુલક્ષીતા જાળવવાની સાથે સાથે એક અહોભાવ-ઉપયુકત વ્યક્તિત્વમાટેની જાગતી સ્વાભાવિક લાગણીને આ લેખોમાં બહુ અસરકારક રીતે સંતુલિત કરી શકેલ છે.
આમ, આપણને, વાચકને તો આજે બત્રીસથાળનાં ભોજનમાં બન્ને હાથમાં લાડુનો લહાવો મળ્યો.
આજે શરદ પવાર, રાજા ને કરૂણાનિધી જેવા ભ્રષ્ટ નેતાઓને જોવાના થાય છે, ત્યારે દેશહિત માટે પોતાના સુખ-ચૈનનો ત્યાગ કરનાર કેપ્ટન લક્ષ્મી સહેગલ જેવા નેતાઓ વિશે વાંચવાનું થાય, ત્યારે થાય કે એક યુગ વીતી ગયો. કેપ્ટન લક્ષ્મી સહેગલ છેલ્લે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે તેમનું નામ સંભળાયું હતું. ને આપણા દેશની નઘરોળ પ્રજાને તો રહી રહીને સવાલ થશે કે- અચ્છા, તો હજી એ જીવતા હતા.!
ReplyDeleteઆવા નેતાઓ મરે ત્યારે જ યાદ આવે- આવો ક્રમ ક્યાં સુધી જળવાતો રહેશે?
ડો. લક્ષ્મી સહગલ નામના ઇતિહાસને સલામ. એમના વિશે આટલો સર્વગ્રાહી લેખ આજનાં અખબારોમાં પણ નથી. આ બેસ્ટ અંજલી છે.
ReplyDeleteનેતાજી સુભાષચન્દ્ર બોઝના કર્તૃત્વનો જનમાનસ પર જબ્બર પ્રભાવ હતો અને કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામને પણ એનો લાભ મળ્યો. પણ આઝાદી પછી સત્તાસ્થાને આવેલી કૉંગ્રેસ તો કઈંક બીજું જ હતી. નેતાજીને જો આઝાદીની લડતનો થોડો ઘણો યશ પણ મળે તો કૉંગ્રેસ જ એકમાત્ર હતી એમ સાબીત ન થાય અને સત્તામાં રહેવા માટે " હમને દેશ કો આઝાદી દિલવાઈ" એમ કહી ન શકાય! ખરેખર તો આઝાદીની વારસદાર એકમાત્ર કૉંગ્રેસ નથી એમ સમજીને જ ગાંધીજીએ એના વિસર્જનની સલાહ આપી હતી.
કૅપ્ટન લક્ષ્મી જેવી વીરાંગનાઓ પણ એ જ કારણસર ભુલાઈ ગઈ. અને આજે આપણા આઇકન પણ બદલાઈ ગયા છે. છેલ્લા થોડા મહિના દરમિયાન થયેલાં મૃત્યુ યાદ કરો અને અખબારોનાં પાનાં યાદ કરો.
તમને આ જીવતા ઇતિહાસને મળવાની તક મળી, તેના માટે તમે મારી ઈર્ષ્યાનું પાત્ર બન્યા છો.
Capt.Lakshmi Sehgal Was the lady for whom every indian should take pride.
ReplyDeleteBirenbhai & Urvishbhai both deserve hearty congrats .
Really interesting information..
ReplyDeleteBiren, Urvish: Fabulously heartfelt tribute from the two of you. Loved the pictures and both the pieces. It's one thing to say you guys were lucky to meet up with her, but what I truly admire is the single-mindedness of purpose and the imagination you both displayed back then as cub reporters to out together a pen portrait of one of the most significant personas of our time.
ReplyDeleteશ્રીબિરેનભાઈ,
ReplyDeleteકેપ્ટન લક્ષ્મી સહેગલ " આઝાદ હિન્દ ફોજ " નો
આપનો લેખ ખુબ અદભૂત છે.
આપનો ખુબ ખુબ આભાર.