Thursday, February 27, 2014

'સાગર'સંહિતા aka The Saga of the Sagar यानि दास्तान-ए-सागर (૨)

(ગઈ વખતે વાંચ્યું કે અમેરિકાના ગુજરાતીઓમાં દાદાજીના લાડકા નામે ઓળખાતા હરીકૃષ્ણ મજમુદારના અમદાવાદનાં યજમાન દક્ષાબેન દેસાઈ બન્યાં હતાં, પણ દક્ષાબેનને પોતાને અમેરિકાથી અમદાવાદમાં સ્થાયી થયે માંડ બે મહિના જ થયા હતા. દક્ષાબેન દેસાઈના મનમાં સાગર મુવીટોન વિષે પુસ્તક લખાવવાનું શી રીતે રોપાયું તે જોયું. હવે આગળ..)

મજમુદારદાદાએ આંગળી ચીંધ્યા મુજબ તેમને મળવા આવનારા પત્રકાર-લેખક-ઈતિહાસકારોએ દક્ષાબેનને પોતાની કથા લખવા માટે જણાવ્યું. પણ દક્ષાબેને તેમને સૌ પહેલાં ચાચાજી અને તેમની સાગર ફિલ્મ કંપની વિષે લખાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને એ પણ અંદાજ નહોતો કે એ કથા લખવાનું કોને કહી શકાય, અને કોના વિષયક્ષેત્રમાં એ આવે. ચાચાજીની કથા લખી આપવાના પ્રસ્તાવ પણ તેને પગલે તેમને મળ્યા. જો કે, દક્ષાબેનને ત્યારે ખ્યાલ નહોતો, પણ પછી ખબર પડી કે ગુજરાતી લેખનજગતનાં એ બહુ મોટાં માથાં ગણાતાં હતાં. એવા એકાદ સજ્જન સાથે એ બાબતે તેમની મુલાકાત પણ ગોઠવાઈ, જેમાં એ સજ્જને દક્ષાબેનને પોતાનું પુસ્તક બતાવ્યું. આ પુસ્તકમાં વિશિષ્ટ ગુજરાતીઓ વિષેના લેખો હતા. ગમે તે કારણ હોય, પણ તેમને એમાં મઝા ન આવી. તેમણે તપાસ ચાલુ રાખી.
**** **** ****

અમદાવાદની ગ્રામોફોન ક્લબ હવે તો અતિ જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાય છે. આ ક્લબના મોટા ભાગના હોદ્દેદારો અમારા વડીલ મિત્રો છે. તેના સ્થાપક પ્રમુખ સ્વ. અરવિંદ દેસાઈ હતા ત્યારે પણ અમારા પર ઘણો સ્નેહભાવ રાખતા. તેમની વિદાય પછી પણ ગ્રામોફોન ક્લબ સાથેનું અમારું જોડાણ ચાલુ છે, જેમાં વર્તમાન હોદ્દેદારોનો પ્રેમભાવ કારણભૂત છે. આ ક્લબમાં જૂના ફિલ્મસંગીતના અનેક પ્રેમીઓ સભ્ય છે. આવા એક સજ્જન છે અશોક ઈશ્વરલાલ દેસાઈ. કોલકાતામાં સક્રિયપણે ફિલ્મવિતરણમાં કાર્યરત રહ્યા પછી અશોકભાઈ ૨૦૦૪થી કોલકાતા છોડીને અમદાવાદમાં સ્થાયી થયા છે.
ગ્રામોફોન ક્લબના એક હોદ્દેદાર અને અમારા સંગીતપ્રેમી મિત્ર ચંદ્રશેખર વૈદ્ય સ્વાભાવિકપણે અશોકભાઈને જાણે, અને તેમનું ફિલ્મજગત સાથેનું કંઈક જોડાણ હતું એય તેમને ખબર. આ અંગે તેમણે ઉર્વીશને વાત કરી હતી, અને અશોકભાઈ તેમજ ઉર્વીશની મુલાકાત ગોઠવાય તેવો પ્રયત્ન ચંદ્રશેખરભાઈ કરી રહ્યા હતા, પણ કોઈ ને કોઈ કારણોસર એ શક્ય બન્યું ન હતું.

**** **** ****

અમદાવાદ આવ્યા પછી જૂના પરિચિતો સાથે દક્ષાબેનનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો નહોતો, એટલે જૂના મિત્રો કે સ્નેહીઓમાંથી બહુ ઓછા લોકોને ખબર હતી કે તે પાછાં અમદાવાદ આવ્યાં છે. દરમ્યાન તેમને એક કામ અંગે બહાર નીકળવાનું બન્યું.  અમદાવાદની એક રેસ્ટોરાંમાં બેસીને તે નાસ્તો કરી રહ્યાં હતાં. એ વખતે હોટેલના વેઈટરે આવીને તેમને ટીશ્યૂ નેપકીન ધર્યો અને દૂરના ટેબલ પર બેઠેલા એક દાઢીધારી ભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું કે એમણે આ સંદેશો મોકલ્યો છે. દક્ષાબેનને થયું કે પોતાને સંદેશો મોકલનાર અહીં કોણ ફૂટી નીકળ્યું? પેપર નેપકીન પર લખેલું, “હું તમને ઓળખું છું. તમે દક્ષા ભગવતલાલ પટેલ ને? તમને મળીને વાત કરી શકું?” આ વાંચીને તેમને બહુ આશ્ચર્ય થયું. આ તો તેમનું લગ્ન પહેલાંનું નામ! આ નામે ઓળખનાર આ મહાશય કોણ હશે? યાદ નહોતું આવતું, પણ એટલું નક્કી હતું કે હશે કોઈ જૂના પરિચીત. એમાંય આવા આખા નામથી ઓળખતા હોય તો તો કદાચ કોઈ સહાધ્યાયી હોઈ શકે! જે હોય તે, તેમણે ઈશારો કર્યો એટલે દૂર રહેલા એ મહાશય નજીક આવ્યા. સામેના ટેબલ પર ગોઠવાયા. દક્ષાબેનની મૂંઝવણ કળી જઈને પોતાની ઓળખાણ આપતાં તેમણે કહ્યું, “હું ચંદ્રશેખર વૈદ્ય.” ઓહોહો! આ ચંદ્રશેખર તો મારો શાળાનો સહાધ્યાયી. અમે ગોમતીપુરના પાડોશી. કેટલાં વરસો વીતી ગયાં હતાં. તમે? તું?’ પછી તું ક્યાં છે? શું કરે છે? કેટલાં છૈયાંછોકરાં છે? એમાંનાં કેટલાં પરણી ગયાં?’ એવી અનેક વાતો થઈ. સરનામાં, ફોનનંબરની આપ- લે થઈ અને તેમણે સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું. આમ, અમદાવાદમાં કેવળ દક્ષાબેનને જ નહીં, તેમના આખા પરિવારને એક મજબૂત દોસ્તીની પ્રાપ્તિ થઈ.
અવારનવાર ચંદ્રશેખરભાઈ અને પરિવાર સાથે મળવાનું ગોઠવાતું, અને અનેક વાતો થતી. જેમાં જાણવા મળ્યું કે લાઈબ્રેરીના વ્યવસાય સાથે ચંદ્રશેખરભાઈ સંકળાયેલા છે અને જ્ઞાનપ્રપા નામની બહુ જૂની તેમજ પ્રતિષ્ઠિત લાયબ્રેરીના એ સહસંચાલક તથા ભાગીદાર છે. પછી દક્ષબેનને એ પણ ખબર પડી કે જૂનાં ગીતોના એ જબરા ચાહક છે. એટલું જ નહીં, જૂનાં ગીતોને સમર્પિત અમદાવાદની અતિ પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબ સાથે પણ તે સક્રિયપણે સંકળાયેલા છે. એટલે ત્યાર પછીના તબક્કામાં દક્ષાબેન અને તેમના પતિ સુકેતુ બન્ને આ ક્લબનાં સભ્ય બની ગયાં.
ચંદ્રશેખરભાઈ જૂનાં ગીતો અને પુસ્તકો બન્ને સાથે સંકળાયેલા હોવાના કારણે દક્ષાબેનને લાગ્યું કે ચાચાજી વિષેનું પુસ્તક કરાવવા બાબતે તેમનું માર્ગદર્શન લેવું જોઈએ.

**** **** ****

ગ્રામોફોન ક્લબના એક કાર્યક્રમમાં એક વખત અશોક દેસાઈ, દક્ષાબેન અને સુકેતુ દેસાઈ ચંદ્રશેખરભાઈને એક સાથે મળી ગયાં. ચંદ્રશેખરભાઈ બન્ને પરિવારોને સ્વતંત્રપણે ઓળખતા હતા, પણ તેમના સગપણ વિષે તેમને ખ્યાલ નહોતો. ચંદ્રશેખરભાઈને પહેલી વાર ત્યારે ખબર પડી કે અશોકભાઈના પિતાજી ઈશ્વરલાલ દેસાઈ એ સાગર મુવીટોનના ચીમનલાલ દેસાઈના નાના ભાઈ થાય. જ્યારે સુકેતુ દેસાઈ ચીમનલાલ દેસાઈના પૌત્ર થાય. એ સગપણે અશોકભાઈ સુકેતુ દેસાઈના ચાચા (કાકા) થાય. અશોકભાઈએ એ જ વખતે દક્ષાબેનના હાથમાં બેટન પકડાવતા હોય એમ કહ્યું, “દક્ષા, વાલાચાચા (ચીમનલાલ) વિષે તું ચંદ્રશેખરને જણાવજે. એમના વિષે ઘણું કહી શકાય એમ છે.” અશોકચાચાએ હવાલો સોંપી દેતા હોય એમ ચંદ્રશેખરને કહ્યું, “તમે એમની પાસેથી ઘણી વાતો મેળવી શકશો. કેમ કે અમારા કરતાં ફિલ્મો સાથે એ વધુ સંકળાયેલા હતા.”

અશોક દેસાઈ/ Ashok Desai 

ઓહો! આ વળી જબરો સંયોગ હતો. પુસ્તક લખાવવાનો જે દડો ચંદ્રશેખરભાઈ દ્વારા ગબડતો મૂકવાનું દક્ષાબેને વિચાર્યું હતું એ દડો લઈને ખુદ ચંદ્રશેખરભાઈ જ જાણે કે દક્ષાબેન પાસે આવી ગયા. એ પછી તેઓ મળ્યા ત્યારે ચાચાજી અંગેના પુસ્તક દક્ષાબેને ચંદ્રશેખરભાઈને વિષે જણાવ્યું. પુસ્તક અંગે અગાઉ તેમનો સંપર્ક કર્યો હતો એ સૌ વિષે પણ તેમણે ચંદ્રશેખરભાઈને જણાવ્યું. ચંદ્રશેખરભાઈના મનમાં તરત કોઈકનું નામ ઝબક્યું હોય એવું દક્ષાબેનને લાગ્યું. પણ ઉતાવળ કરવાને બદલે ફરી વાર તે મળ્યા ત્યારે કેટલાંક પુસ્તકો લઈને ચંદ્રશેખરભાઈ આવ્યા. એ પુસ્તકો આપ્યા પછી તેમણે દક્ષાબેનને એની પર શાંતિથી નજર નાંખી જવા જણાવ્યું.


રજનીકુમાર પંડ્યા અને બીરેન
કોઠારી લિખીત-સંપાદિત ઉપેન્‍દ્ર
ત્રિવેદી વિષેનું પુસ્તક 
દક્ષાબેન અને સુકેતુભાઈએ પછી એ પુસ્તકો પર નજર નાંખી તો ખ્યાલ આવ્યો કે એમાંના મોટા ભાગનાં પુસ્તકો વિવિધ વ્યક્તિઓની જીવનકથાના હતા. આમાંના અમુક પુસ્તકો પર નામ હતું રજનીકુમાર પંડ્યાનું. રજનીકુમાર સાથે એકાદ વખત દક્ષાબેનની અલપઝલપ મુલાકાત થઈ હતી, ત્યારે તેમની સતેજ સ્મૃતિનો અનુભવ એમને થયો હતો. પચીસેક વરસ અગાઉ એક કૉમન મિત્ર દ્વારા તેઓ મળેલાં હોવાનું રજનીકુમારે તેમને જણાવ્યું ત્યારે દક્ષાબેનના મનમાંથી એ વાત વીસરાઈ ગઈ હતી. પુસ્તકો પર બીજું નામ હતું બીરેન કોઠારીનું. આ નામ દક્ષાબેન માટે તદ્દન અજાણ્યું હતું. પણ તેમને એટલો અંદાજ આવી ગયો કે રજનીકુમાર અને બીરેન કોઠારીએ મળીને જીવનકથાનાં અનેક પુસ્તકો લખ્યાં હતાં. તે સૌથી વધુ પ્રભાવિત થયાં હોય તો ઉપેન્‍દ્ર ત્રિવેદી વિષેના પુસ્તકથી. બહોળો વ્યાપ ધરાવતી ઉપેન્‍દ્રભાઈની કારકિર્દીને આ પુસ્તકમાં જે સમતોલ અને સર્વાંગી રીતે રજૂ કરવામાં આવી હતી એ જોઈને તેમને લાગ્યું કે ચંદ્રશેખરે યોગ્ય દિશા ચીંધી છે. થોડા દિવસમાં આ પુસ્તકો પર તે સરસરી નજર ફેરવી ગયાં. હવે વાત આગળ વધારવાની હતી. ચંદ્રશેખરભાઈને તેમણે કહ્યું, “આ બીરેન કોઠારીને મળીએ તો ખરા. વાત કરી જોઈએ એમની સાથે. લાગે છે કે એ આ કામ કરી શકશે.”
આમ તો સહજ રીતે તેમને આ કામ રજનીકુમારને સોંપવાનું જ સૂઝવું જોઈએ. કેમ કે રજનીકુમાર કુમારમાં સિનેમાના ૧૯૩૧ થી ૧૯૪૧ના દાયકાનો વિગતવાર ઈતિહાસ ફિલ્માકાશ શ્રેણીમાં આલેખી ચૂક્યા હતા. પણ રજનીકુમારની અતિ વ્યસ્તતા જોતાં તેમને આટલું લાંબા પટાનું કામ સોંપવું દક્ષાબેનને ઠીક ન લાગ્યું. જો કે, ચંદ્રશેખરભાઈએ તેમને જણાવ્યું કે બીરેન આપણી સાથે જોડાય એટલે રજનીકુમારને આપણી સાથે જોડાયેલા જ માની લેવાના. આટલું કહીને તેમણે ઉમેર્યું, “એકલા રજનીકુમાર જ નહીં, સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશી, મુંબઈના ફિલ્મસંગીત ઈતિહાસકાર નલિન શાહ, હિન્‍દી ફિલ્મગીતકોશના સંપાદક કાનપુરના હરમંદીરસીંઘ હમરાઝ સહિત બીજા અનેક સંગીતપ્રેમીઓનો પૂરેપૂરો સાથ અને સહકાર આ કામમાં મળી રહેશે. આ સૌ ઉપરાંત ઉર્વીશ કોઠારી તો ખરા જ.” આ બધાં નામો દક્ષાબેન અને સુકેતુભાઈ માટે હવે સાવ અજાણ્યાં રહ્યાં ન હતાં. આમ છતાંય આ સૌ જોડાય એ વાત તેમને જરા વધુ પડતી લાગતી હતી. તેમને લાગ્યું કે પોતાના મનમાં ઉગેલા એક વિચાર સાથે એકબીજાથી કેટલાય કિલોમીટર વસતા આ બધા મહાનુભાવોને શી લેવાદેવા? છતાંય એમ થયું કે એ સૌ જોડાતા હોય એના જેવું રૂડું શું? અલબત્ત, આ  બધી ગતિવિધીઓની જાણ તો મને ઘણી પાછળથી થઈ હતી.

**** **** ****

દરમ્યાન ચંદ્રશેખરભાઈએ મને જણાવ્યું હતું કે સાગર મુવીટોન વિષે પુસ્તક લખવા માટે મારું નામ તેમણે સૂચવ્યું છે. અને કંઈક નક્કર ગોઠવાય તો મારે એક વાર અમદાવાદ આવવાનું ગોઠવવું. વાચક તરીકે અને એ ગાળાના ફિલ્મસંગીતના પ્રેમી તરીકે આ સાંભળીને મને થયું કે સાગર મુવીટોન વિષે પુસ્તક? વાહ! મઝા આવી જાય. પણ ત્યાર પછી લેખક તરીકે થયું કે શી રીતે મઝા આવવાની? મારે માહિતી ક્યાંથી મેળવવી? એ લોકો મને કેટલી સામગ્રી પૂરી પાડશે? અને બીજા કોની કોની મદદ હું લઈશ તો આ કામ આગળ વધી શકશે? મેં સહજ રીતે જ સુરતના હરીશ રઘુવંશી સાથે આ બાબતે વાત કરી. હરીશભાઈએ જણાવ્યું કે પોતે પોતાનો સંગ્રહ જોવો પડશે. પણ એટલું ખરું કે એના વિષે ઉપલબ્ધ માહિતીનું પ્રમાણ ઓછું છે. જો કે, મેં તેમને ભારપૂર્વક જણાવ્યું કે હમણાં એ પોતાનો સંગ્રહ ઉથલાવવાનું શરૂ ન કરે. કેમ કે, હજી તો અમારી મુલાકાત પણ થઈ નથી કે નથી એ કામ મને મળશે કે નહીં એ નક્કી થયું. હરીશ રઘુવંશીને ખબર હતી કે મારે અમદાવાદ સાગર મુવીટોનના કામ માટે જવાનું હતું. પણ માત્ર આનંદ વ્યક્ત કરીને એ બેસી રહે તો હરીશભાઈ શાના? તેમણે સાગર મુવીટોન અને ત્યાર પછી જોડાણ અને વિલીનીકરણ દ્વારા જે નવી કંપની બની તે નેશનલ સ્ટુડિયોઝ અને છેલ્લે અમર પિક્ચર્સની તમામ ફિલ્મોની સાલવાર સૂચિ બનાવવા માંડી હતી. મારે અમદાવાદ જવાના સંભવિત દિવસ પહેલાં એ પૂરી કરીને મને મોકલી દેવાની તેમની ધારણા હતી. મને જ્યારે આ વાતની જાણ તેમણે કરી ત્યારે મેં તેમને કહ્યું, “અરે, હજી મને કામ તો મળવા દો! એ પછી તમે મને આ સૂચિ બનાવી આપજો ને! અત્યારે નકામી મહેનત શું કામ કરો છો?” ત્યારે હરીશભાઈએ કહ્યું, “તમને કામ મળે કે ન મળે, એ બહાને એક મહત્વનું કામ થઈ જાય ને!”

હરીશ રઘુવંશીએ લખેલો ચીમનલાલ દેસાઈ
 વિષેનો લેખ 
છેવટે એક દિવસ અમારી મુલાકાત ગોઠવાઈ. કદાચ ફેબ્રુઆરી મહિનો હતો. વરસ હતું ૨૦૧૨. અમદાવાદ જવા નીકળ્યો એ દિવસે સવારે મારા મેલબોક્સમાં હરીશભાઈએ બનાવેલી ફિલ્મોગ્રાફી આવીને પડી હતી. એ ઉપરાંત અગાઉ હરીશભાઈએ તેમની શ્રેણી હિન્‍દી સિનેમા, ગુજરાતી મહિમા અંતર્ગત લખેલો ચીમનલાલ દેસાઈ વિષેનો લેખ પણ ફરી એક વાર મેં વાંચી લીધો હતો. અમદાવાદ પહોંચીને એકાદ બે કામ પતાવ્યા. ત્યાર પછી ચંદ્રશેખરભાઈને મળ્યો. તેમના સ્કૂટરની પાછળ ગોઠવાયો. અમદાવાદના રસ્તાઓ પર ચાલુ સ્કૂટરે જે રીતે વાત થઈ શકે એ રીતે અમે વાત કરતા હતા. હજી મને સુકેતુભાઈનું ચીમનલાલ સાથેનું ચોક્કસ સગપણ પણ ખબર નહોતી. એક વાત એવી પણ હતી કે પુસ્તક અંગ્રેજીમાં જ લખાવવાનું છે. આ સાંભળીને મને થયું કે અંગ્રેજીમાં લખાવવાનું હોય તો મારી જરૂર જ ક્યાં રહી? મને તો ગુજરાતીમાં લખતાં આવડે છે.
આવી અવઢવ છતાં એમ હતું કે એક વાર મળીએ તો ખબર પડે કે શું અને કેવી રીતે કરવાનું છે.
આખરે અમે આવી પહોંચ્યા.


(હજી આ અમારી પહેલી મુલાકાત હતી. અને એક વાર મળવાથી કામ થઈ જાય એવું તો કેમ બને?)

2 comments:

  1. મેકીંગ ઓફ સાગરમુવીટોન બુક સીરીઝ રસ જમાવી રહી છે બિરેનભાઇ, સીરીઝ ઝડપથી આગળ ધપાવો.

    ReplyDelete
  2. bahu intresting chhe,,biren bhai,,thanx for share..

    ReplyDelete