Monday, July 2, 2012

પાકિસ્તાનના પ્રવાસે (૨)



-     પૂર્વી મોદી મલકાણ


આઈયે મેહરબાં.. 

દેવ વિવસ્વાન (સૂર્ય) પોતાના સાત ઘોડાના રથ પર સવાર થઈ ઇસ્લામાબાદની ધરતી પર પગ માંડી ચૂક્યા હતા. રવિવારની મંગલમયી પ્રભાત ખીલી ગઈ હતી. પંખીઓ પોતાના માળા ત્યજીને પહેલી ઉડાન ભરી ચૂક્યા હતા. રસ્તાઓ પર ચહલપહલ વધવા લાગી હતી. પાકિસ્તાનની ભૂમિ પરનો મારો પ્રથમ દિવસ ઉત્સાહ અને ઉમંગથી ખીલી ઉઠેલો હતો. રસ્તાની સામે પાર ઉગેલા જકરંદા/jacaranda ના વૃક્ષો પર જાંબલી રંગના ફૂલો ખુશનુમા વાતાવરણમાં ઉમેરો કરતા હતા. એપ્રિલ અને મે મહિનો આવતાં જ આ વૃક્ષોનું આધિપત્ય આખા ઇસ્લામાબાદમાં છવાઈ જાય છે. ઇસ્લામાબાદની આબોહવા થોડા ઘણા અંશે અમેરિકાને મળતી આવે છે. થોડી ગરમી વધારે પડે તો તરત જ વરસાદનું એક ઝાપટું આવી જાય. અમે પહોંચ્યાં ત્યારે વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. હું એટલી બધી ઉત્સાહિત હતી કે ન તો મારી આંખમાં નીંદર હતી કે ન હતો થાક. હા,  લાંબી સફરને કારણે સહેજ સુસ્તી લાગતી હતી, પણ મારો ઉત્સાહ એને અતિક્રમી જાય એવો હતો. 
જકરંદાનો જાંબલી વૈભવ 
મારી ઈચ્છા તો ફ્રેશ થઈને તરત બહાર નીકળી પડવાની હતી, પણ થોડી વારમાં ઇસ્લામાબાદમાં રહેતા અમારા યજમાનનો ફોન આવ્યો કે આપણે બપોરના સમયે મળીશું. ત્યાં સુધી આપ આરામ કરી લો. મારા વધુ પડતા ઉત્સાહમાં જાણે બ્રેક લાગી ગઈ હોય તેવું લાગ્યું. પણ એ સૂચનને અમે અનુસર્યું.
બપોરે બેની આસપાસ અમે તૈયાર થઈને નીચે રિસેપ્શન એરિયામાં ગયાં, જ્યાં અમારા યજમાન અમારી રાહ જોઈ રહ્યા હતા. પાકિસ્તાનમાં આ સૌ પ્રથમ પરિચિત વ્યક્તિ હતી, જેને હું મળી રહી હતી. મારા પતિ તો તેમને મળતા હોય છે, પણ મને મળીને તેમના ચહેરા પર દેખીતો આનંદ જણાતો હતો. એ મને કહે,“ આપને મળીને અત્યંત ખુશી થાય છે. કેમ કે હજુ સુધી અમેરિકાની ઓફિસમાંથી આપના પતિ સિવાય કોઈ અહીં આવ્યું નથી. આવામાં આપ એક સ્ત્રી હોવા છતાં અમારા દેશમાં આવ્યાં તેનો મને આનંદ છે. મારી પત્ની તો આપને મળવા અત્યંત ઉત્સુક છે.આ સાંભળીને મને પણ અત્યંત ખુશી થઈ. તે અમને ઇસ્લામાબાદમાં ફેરવતા ફેરવતા હોટેલ સરીના લઈ જવાના હતા. અમે અમારા યજમાનની સાથે ઇસ્લામાબાદની ગલીઓમાં ઘુમવા નીકળી પડ્યા.

ઈસ્લામાબાદ: એક નયા ઈતિહાસ

મરગલા હીલ્સ પરથી ઈસ્લામાબાદનું દૃશ્ય 
ઈસ્લામાબાદ એટલે પાકિસ્તાનની રાજધાની. ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી પાકિસ્તાનને પાટનગરની જરૂર હતી.શરૂઆતના વર્ષો દરમ્યાન એટલે કે ૧૯૪૭ થી લઈને ૧૯૫૮ સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તીને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં સમયના પાકિસ્તાનના જનરલ મુહમ્મદ અયુબખાને રાવલપિંડી નજીક રહેલી આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો હુક્મ કર્યો. તે સમયે હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીત કરાઇ. ૧૯૬૦માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. ૧૯૬૮માં ઇસ્લામાબાદને સત્તાવાર રીતે પાકિસ્તાનની નવી રાજધાની ઘોષિત કરાઈ. આ શહેર પર્વતીય ધરતી પર વસેલું સુસજ્જ શહેર છે. ઇસ્લામાબાદ શહેર ચાર પહાડી ઇલાકા વચ્ચે આવેલું છે તેમાંની એક મુખ્ય પહાડીનું નામ મરગલા હિલ્સ/ Margalla Hills છે. કહેવાય છે કે અહીં સર્પ ટોળાબંધીમાં જોવા મળે છે તેથી આ પહાડીનું નામ મરગલા પડ્યું છે. નાનામોટા વૃક્ષો અને હરીયાળા ઘાસથી આચ્છાદિત આ પર્વત પર ઇસ્લામાબાદની રાજધાની ખરેખર રાજાના મુગટની જેમ શોભી ઉઠે છે. એમાંય વરસાદી સાંજ મેઘનાં રસબિંદુઓ વરસાવતી હોય ત્યારે તો ઇસ્લામાબાદની ધરતી પર રાજ્યાભિષેક થતો હોય તેવું લાગે છે. કહેવાય છે કે આ મરગલાની પહાડી પછી હિમાલયના પર્વતમાળાની શરૂઆત થાય છે. આ શહેરની ઊંચાઈ ૫૦૭ મીટર (૧૬૬૩ ફીટ) છે. ઇસ્લામાબાદમાં ૬૦ ટકા લોકો પંજાબીભાષી અને ૪૦ ટકા લોકો ઉર્દુભાષી છે.  પરંતુ આ બંને ભાષા એ હદે હળીમળી ગઈ છે કે તેમની ભાષાને ફક્ત પંજાબી કે ફક્ત ઉર્દુ કહેવાને બદલે પંજાબીઉર્દુ તરીકે ઓળખવી વધુ યોગ્ય ગણાય. આ ઉપરાંત પશ્તો, સૂનતી અને અંગ્રેજી ભાષા પણ જોવા મળે છે.

ઇસ્લામાબાદમાં આવેલી ફૈઝલ મસ્જીદ/ Faisal Mosque એશિયામાં સૌથી મોટી ગણાય છે. ઇસ્લામાબાદ શહેરની ચારે દિશામાંથી આ મસ્જિદ નજરે પડે છે. આ ઉપરાંત ફાતિમા ઝીણા પાર્ક/ Fatima Jinnah park,રાવત કિલ્લા/ Rawat Fort નું ખંડિત મુખ્ય દ્વાર,શકરપડ઼ીઆં/ Shakar parian, દામન-એ-કોહ/ Daman e Koh,જાને પશાને પાર્ક, પાકિસ્તાનની સંસદ, વડાપ્રધાનનું ઘર, રોઝ અને જાસ્મિન ગાર્ડન/ Rose and Jasmine Garden, લોકવિસરા હેરિટેજ મ્યુઝિયમ/ LokVisra Heritage Museum, નેશનલ આર્ટ ગેલેરી/ National Art Gallery વગેરે ઇસ્લામાબાદના જોવાલાયક સ્થળો છે.

**** **** ****

ફૈઝલ મસ્જિદ 
મોડી બપોરનો સમય થવા આવ્યો હતો, છતાં ખાસ તડકો ન હતો. ઇસ્લામાબાદ શહેર એ A to Z ની સાઇન અને સેક્ટરો તથા પેટા સેક્ટરોની વચ્ચે વહેંચાયેલું છે. અમારી હોટેલ પાંચ નંબરના સેકટરમાં આવેલી હતી. અમારી હોટેલની સામે જ આવેલાં પાર્લામેન્ટ હાઉસ, પ્રેસિડેન્ટ હાઉસ, પાકિસ્તાન ટીવીની ઓફિસ વગેરે જોતાં જોતાં અમે મુખ્ય શહેર તરફ આગળ વધતાં ગયાં. રસ્તામાં ફૈઝલ મસ્જિદ, મરગલા હિલ્સ, દામન-એ-કોહ વગેરે જોતાં જોતાં આખરે અમે હોટેલ સરીના પહોંચ્યા ત્યારે મોડી બપોર થઈ ગયેલી. આ હોટેલની બાંધણી અને બહારના ગાર્ડને જોઈ મને રાજસ્થાન અને રાજસ્થાનના રાજપૂત લોકોની યાદ આવી ગઈ. હોટેલની અંદરનો ભાગને રંગબેરંગી તકીયા, કારપેટ, ઝૂમ્મર વગેરેથી સજાવેલો હતો. આ ભાગને દિવાન એ ખાસ  નામ આપેલું હતું. હોટેલ સરીનામાં અમને અમારા હોસ્ટનો પરિવાર મળ્યો. પ્રથમ વાર જ મળવા છતાં લાગ્યું નહીં કે અમે અજાણ્યા છીએ. પ્રેમપૂર્વક અમારો પરિચય થતો ગયો અને અમારી મિત્રતાના રેશમી દોરા એકબીજા સાથે ગૂંથાતા ગયા. એ કહે,“એક પાકિસ્તાની નાગરિક ઈન્ડિયામાં જઈને બેધડક ફરી શકે છે, પણ ઇન્ડિયન અહીં ખાસ આવતા નથી. આપ એવી પહેલી બેગમસાહિબા હશો, જે આટલા ઉત્સાહથી પાકિસ્તાન ફરવા માટે આવી છે. આપ ભલે યુ.એસ.એ.થી આવ્યાં, પણ મને ખુશી એ વાતની છે કે ભારતીય મૂળની એક સદસ્ય અમારે આંગણે આવી છે.વાતચીતમાં ખબર પડી કે તેમના અમુક પૂર્વજો ભારતમાં રહેતા હતા. વિભાજન પહેલાં થોડા સભ્યો અને વિભાજન પછી પરિવારના થોડા સભ્યો પાકિસ્તાનમાં વસ્યા. થોડા ઘણા સભ્યો હજુ પણ અમૃતસર, કિરતપુર અને ચંડીગઢમાં વસેલા છે. બીજે દિવસે સાંજે એ મને ઈસ્લામાબાદમાં ફેરવશે એમ નક્કી થયું અને અમે છૂટા પડ્યા.

**** **** ****

મોડી સાંજે અમે ફરી ઇસ્લામાબાદની ગલીઓમાં ફરવા નીકળ્યા. સાથે અન્ય એક મિત્ર હતા, જેમણે અમને ઈસ્લામાબાદના રહેણાક વિસ્તારમાં ફેરવ્યા.
ઇસ્લામાબાદની મોટાભાગની પ્રજા રૂઢિચુસ્ત છે. સ્ત્રીઓ માટે ચુસ્ત નીતિનિયમો છે. ઇસ્લામાબાદમાં એપાર્ટમેન્ટ્સ બહુ જ ઓછા દેખાય છે. આખા શહેરમાં ફક્ત એક જ બહુમાળી બિલ્ડીંગ છે, જે એક ચાઇનીઝ કંપની બનાવી રહી છે. મોટે ભાગે બંગલોઝ વધુ જોવા મળે છે. બંગલાની આજુબાજુ ઊંચી દિવાલ એ રીતે બનાવેલી હોય છે કે રસ્તે પસાર થનાર વ્યક્તિ આસાનીથી દિવાલની પેલી પાર જોઈ ન શકે. બંગલાના દરવાજાની ડિઝાઇન પણ એવી કે જેમાં છેદરૂપી કોતરણીઓ ઓછામાં ઓછી હોયઅમુક બંગલાઓ એવા પણ જોયા જેમાં સૌ પ્રથમ ઊંચી દિવાલ સાથે ઊંચો ગેઇટ હોય, ગેઇટમાં પ્રવેશો પછી ખાસ પ્રકારની મોટી ગ્રીલ હોય અને ગ્રીલને અંદરથી તાળું લગાવેલું હોય. એ પછી ઘરમાં પ્રવેશવા માટે મુખ્ય બારણું હોય. ઘરની મુખ્ય વ્યક્તિ ઘરની બહાર જાય કે તરત જ ઘરની  ઔરત-બીબીઓ ગ્રીલને અંદરથી તાળું લગાવી દે અને ઘરમાં જઇને મુખ્ય દ્વાર બંધ કરી દે.  ગ્રીલની બહાર અને મુખ્ય ગેઇટની વચ્ચે એક બેલ રાખી હોય.  બેલ વાગે એટલે અંદરથી સ્ત્રી દરવાજો ખોલીને ચેક કરે અને પછી તે તાળું ખોલી આપે, જેથી ઘરના સભ્યો અંદર આવી શકે. જો પોસ્ટમેન કે કુરિયર સર્વિસવાળા હોય તો બીબીઓ ગ્રીલ સુધી જ આવે અને બધી જ લેવડદેવડ આ ગ્રીલમાંથી કરે. તાળું ખોલાય નહીં. 
મોટાભાગની સ્ત્રીઓ માથું ઢાંકીને રાખે છે. જ્યારે ઘણી સ્ત્રીઓ અબાયા પહેરે છે જેમાં સ્ત્રીનું આખું શરીર ઢંકાઈ જાય છે. આ અબાયામાં પણ જાત જાતની ડિઝાઇન જોવા મળે છે. અબાયાની ડિઝાઇન પરથી સામાન્ય રીતે ખબર પડી જાય છે કે આ સ્ત્રીઓ કેવા ફેમિલીમાંથી આવે છે.
ઇસ્લામાબાદના રહેણાક વિસ્તારોમાં ફર્યા પછી રાત્રિના સમયે અમારા મિત્ર અમને બોલીવુડ ટૉકનામની રેસ્ટોરાંમાં લઈ ગયા. આ હોટેલનો માલિક હૃતિક રોશનનો ચાહક હોવાથી તેની આખી રેસ્ટોરાંમાં હૃતિક રોશનના વિવિધ પોઝવાળા ફોટાઓ અને પોસ્ટરો લગાડેલા હતા. અહીંનાં લાજવાબ ડિનરને ન્યાય આપીને અમે હોટેલ પર પાછા ફર્યા.

દિલ ધક ધક કરને લગા

બીજે દિવસે સવારે આંખ ખૂલી. મારા પતિ પોતાના કામે નીકળી ગયા હતા. કોણ જાણે કેમ, મને લાગ્યું કે કંઈક વધારે પડતી શાંતિ છે. હોટેલના પેસેજમાંય અત્યંત શાંતિ હતી. મને લાગ્યું કે મારી જેમ હોટેલમાં ઉતરેલા અન્ય લોકોની સવાર હજી પડી નહીં હોય તેથી કોઈના પગરવનો અવાજ આવતો નથી. ઘડિયાળમાં નજર કરી તો આઠ વાગી ચૂક્યા હતા. બારણું ખોલીને લોબીમાં નજર ફેરવી. જોયું તો ખાસ કોઈ હતું નહીં અને જે ગેસ્ટ હતા એ બધાય સાવ ચૂપ હતા. ન કશી વાતચીત કે ન કશી ગુસપુસ. સૌના મોં ઉતરેલા હતા અને ચહેરા પર ન સમજાય તેવી ચૂપકીદી છવાયેલી હતી. એવું તે શું થયું હશે?
મારા રૂમની બારીમાંથી બહાર જોયું તો પંખીઓનો કલબલાટ થઈ રહ્યો હતો, પણ વાહનોની અવરજવર સાવ નહીંવત હતી. સવારમાં તો શહેર આખું સક્રિય બની જાય. એને બદલે અહીં સાવ શાંતિ, અરે, સન્નાટો છવાયેલો હતો. આ શાંતિને ચીરતી હોય એમ અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામે મારા પતિ હતા. તેમણે અધીરાઈથી કહ્યું,“એક ન્યૂઝ છે, સાંભળ. બહુ અગત્યના ન્યૂઝ છે.આ સાંભળતા જ મારું હૃદય કંપી ઉઠ્યું. મનમાં અનેક અમંગળ કલ્પનાઓ આવી ગઈ. એ એક જ સેકન્ડમાં ભારતમાં અને અમેરિકામાં વસેલા મારા પરિવારજનોની યાદ આવી ગઈ. મારા પતિએ કહ્યું,“રૂમનું ટીવી ચાલુ છે?” આ સાંભળીને મને હાશ થઈ કે ચાલો, પરિવારમાંથી કશા અમંગળ સમાચાર નથી. રૂમમાંનું ટી.વી. બંધ હતું. મેં પૂછ્યું,“ટી.વી. તો બંધ છે. પણ થયું છે શું એ તો કહો.બહુ ઝડપથી એ બોલી ગયા,“ઓસામા બિન લાદેનને અમેરિકાએ મારી નાંખ્યો છે. અને એ કામ ઇસ્લામાબાદની નજીકમાં જ થયું છે.

આ સાંભળીને મારું મન અત્યંત વ્યગ્ર થઈ ગયું. મસ્તકમાં શૂન્યાવકાશ વ્યાપી ગયો. રૂમમાં એ.સી ચાલુ હોવા છતાં પસીનો છૂટી ગયો. મન કંઈ જ વિચારી શકતું ન હતું. એટલા માટે કે આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે ઇસ્લામાબાદમાં ગમે ત્યારે તોફાનો ફાટી નીકળવાનો ડર હતો. અહીં બોમ્બિંગની આમેય નવાઈ નથી. મને થયું કે હજી તો પાકિસ્તાનમાં માંડ એક જ દિવસ થયો છે અને અમારે અહીંથી પાછા વળી જવું પડશે? શું કરવું હવે? અહીં રહેવાનું જોખમ લેવું? કે જોખમ લઈને પાછા જતા રહેવું?
આ ઘટનના પ્રત્યાઘાત કેવા પડશે એ ખબર નહોતી. અલ કાયદા અને તાલિબાનો શી પ્રતિક્રિયા આપે છે, એનો અંદાજ નહોતો. તાત્કાલિક તો એમ વિચાર્યું કે મારા પતિ પોતાનું કામ ચાલુ રાખે. દરમ્યાન પરિસ્થિતિ શી છે એનો ખ્યાલ આવે એ પછી વિચારીશું. તેમણે મને કહ્યું,“એવા સમાચાર છે કે શહેરમાં ગમે ત્યારે તોફાનો ફાટી નીકળે એમ છે. માટે એક કામ કરજે. બને ત્યાં સુધી તું રૂમમાં જ રહેજે અને નીચે આવું તોય હોટેલની બહાર જઈશ નહીં. હું તને વારંવાર ફોન કરતો રહીશ. વધુ ડર લાગે તો મને કહેજે તો હું તરત જ હોટેલ પર આવી જઈશ.એ બોલ્યે જતા હતા અને મારી વાચા જાણે હણાઈ ગઈ હોય એમ મારા મોંમાંથી શબ્દો નીકળી શકતા નહોતા. મારા પતિએ મોટા અવાજે પૂછ્યું,“હલો......હલો....પૂર્વી! સાંભળે છે....???” ધ્યાનભંગ થયો હોય એમ મેં કહ્યું,“હા, સાંભળું છું. પણ હવે તમે મારી વાત સાંભળો. મારી ચિંતા તમે ન કરશો, પણ તમારું ધ્યાન રાખજો. હોટેલ પર આવવા માટે નીકળો એ પહેલાં મને ફોનથી જાણ કરજો. બરાબર?”‘હા કહીને સામેથી ફોન મૂકાઈ ગયો અને હું ત્યાં જ બેસી પડી.
બહાર લોબીમાં ચહલપહલ વધવા લાગી હતી. નીચે જઇને બ્રેકફાસ્ટ લેવાનું મને જરાય મન થતું ન હતું.  મારા બાળકો અને ભારતમાં રહેલા મારા પરિવારજનો હવે અમારી ચિંતા કરવા લાગ્યા હતા. મારા ફોનમાં તેમના ટેક્સ્ટ મેસેજ આવવાના ચાલુ થઈ ગયા હતા. તેઓ જાણવા માંગતા હતા કે અત્યારે ઇસ્લામાબાદમાં શું પરિસ્થિતી છે? સલાહ પણ આપતા હતા કે હોટેલની બહાર ન નીકળશો અને એકલા તો ક્યાંય ન જશો.
એક તરફ હું મારા પરિવારને સાંત્વન આપી રહી હતી, પણ અંદરથી મારૂં મન બેચેન બની ચૂક્યું હતું. ખરેખર શું થયું અને કેવી રીતે થયું તે જાણવા માટે મેં ટી.વી. ચાલુ કર્યું. ટીવી પર ઓબામા અને ઓસામા બિન લાદેન બન્ને છવાઈ ગયા હતા. પણ પાક નાગરિકો, પાક ટીવી ચેનલોનો રોષ વધી ગયો હતો. દુનિયાનો રંજાડનારો કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન ખતમ થયો તેની ખુશી સૌને હતી, પણ અમેરિકા સૈન્ય પાકિસ્તાનની જાણ બહાર ઇસ્લામાબાદ સુધી આવી જાય અને તેમની મદદ વિના ઓસામાને ખતમ કરી દે એ બાબતે ગુસ્સોય હતો. પાક ટીવી (પાકિસ્તાન ટીવી) પર એક ફોટો વારંવાર બતાવવામાં આવતો હતો, જેમાં પ્રેસિડેન્શિયલ કૅબિનેટ (Presidential cabinet)ના સભ્યો મધ્યરાત્રિએ આ ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે વોશિંગ્ટન ડી.સી./Washington DC માં આ ઓપરેશન નિહાળી રહેલા જણાતા હતા.


ફોટામાં અમેરિકન કેબિનેટના સભ્યોની જે પોઝિશન હતી તેમાં પાકિસ્તાનની કેબિનેટના સભ્યોના ડમી મૂકીને વિચારી રહ્યા હતા કે અમેરિકન કેબિનેટને બદલે પાક કેબિનેટના સભ્યો આ રીતે ઓપરેશન જોતા હોત તો પાકિસ્તાનને કેટલો આનંદ થાત? પણ અમેરિકાએ પાકિસ્તાન પાસેથી આ મોકો છીનવી લીધો હતો, જેની પીડા તેમને થઈ રહી હતી. પાકિસ્તાની મીડિયા પાકિસ્તાનના લોકોને વારંવાર પૂછી રહ્યું હતું કે અમેરિકાનું પાકિસ્તાનમાં આ રીતે આવવું કેટલે અંશે યોગ્ય છે? આ અંગે તમારો અભિપ્રાય શું છે? અમેરિકાએ પાકિસ્તાનની જાણબહાર જે પગલું લીધું છે તે બરાબર છે? પાક મીડિયા અને ન્યૂઝ પેપર સવાલ કરી રહ્યા હતા કે અમેરિકા કહે છે કે ઓસામાનો મૃતદેહ તેમણે દરિયામાં ફેંકી દીધો છે. તો શું અમેરિકાની આ વાત સાચી છે ? આ વાતમાં તથ્ય કેટલું અને અફવા કેટલી?
બીજી તરફ શહેરમાં દંગલ ન થાય તે માટે પોલીસ સજ્જ થઈ ચૂકી હતી. સિંધ/Sindh, કરાચી/Karachi, બલૂચિસ્તાન/Baluchistan અને પેશાવર/Peshawar માં નાનામોટા તોફાનો ચાલુ થઈ ચૂક્યા હતા. પરંતુ ઇસ્લામાબાદની પ્રજા શાંત હતી. બે પ્રકારની લાગણી તેમના મન પર છવાયેલી જણાઈ. ઓસામાના જવાથી તે કદાચ ખુશ પણ હતા, પણ તેમના દેશમાં આ રીતે અમેરિકાનું આવવું ગમ્યું ન હતું. છતાં મોટાભાગના લોકો ચૂપ હતા.
**** **** ****

અચાનક મારા રૂમની બેલ રણકી. સફાળા ઉભા થઈને મેં બારણું ખોલ્યું. જોયું તો બારણે સફાઈ કર્મચારી ઉભી હતી. મને લાગ્યું કે હોટેલમાં કર્મચારીઓની ચહલપહલ વધી ગઈ હતી. મારી આસપાસના ઘણા રૂમમાં સાફસૂફી ચાલી રહી હતી. એ બધી રૂમોના ગેસ્ટ હોટેલ ખાલી કરી ચૂક્યા છે. ડરથી જ હશે! પેલી સફાઈ કર્મચારી સ્ત્રીએ પૂછ્યું,“બીબીજી, આપ અમરિકા સે આયી હો?” એના પ્રશ્નનો જવાબ આપવાને બદલે મેં સામો સવાલ કર્યો,“આપકા નામ ક્યા હૈ?” એણે જવાબમાં પોતાનું નામ કહ્યું, પણ પોતાનો પ્રશ્ન દોહરાવ્યો. લેકિન બીબીજી આપકા નામ ક્યા હૈ? આપ કહાં સે હો?” હું કશો જવાબ આપું એ પહેલાં તો હોટેલનો અન્ય એક આસિસ્ટન્ટ નજીક આવી ગયો અને મારા બદલે બોલ્યો,“મેડમજી તો અમરિકા સે હૈ.” મને થયું કે મારે શો જવાબ આપવો. મેં કંઈક વિચારીને કહ્યું,“મેરા નામ પૂર્વી હૈ ઔર મૈ ઇન્ડિયન હૂં. મને ખબર હતી કે હું અમેરિકન તરીકે ઓળખ આપું કે ભારતીય તરીકે, જોખમ સરખું જ હતું. પેલા આસિસ્ટન્ટે પૂછ્યું,“તો ફીર આપ અમરિકા સે કૈસે આયી?” મેં કહ્યું,“હમ તો યહાં કંપની કે કામ સે આયે હૈ ઔર મૈ તો અપને મિયાં કે સાથ આપકા દેશ દેખને આયી હૂં.મારો આવો જવાબ સાંભળી પેલી સફાઈ કામદાર સ્ત્રીનું મોં હસુ હસુ થઈ ગયું. તેણે ઉષ્માપૂર્વક પૂછ્યું,“બીબીજી, હમારા દેશ કૈસા લગા? ઔર હમ કૈસે લગે?” વાતને બીજા મોડ તરફ વળતી જોઈ મારા મનને થોડી શાંતિ થઈ. મેં જણાવ્યું કે આપ સૌ, આપનો દેશ તથા આપનું શહેર ત્રણેય ખૂબસૂરત છે.એ સ્ત્રી કહે,“બીબીજી, સિર્ફ શહર હી નહીં, યહાં કે લોગ ભી બહોત પ્યારે હૈ. આપકો યહાં અચ્છા લગેગા.અમારી વાતચીતની વચ્ચે જ પેલો આસિસ્ટન્ટ બોલી ઉઠ્યો,“મેડમજી, હમ જા રહે હૈ. અગર કોઈ કામ હો તો હમ કો બુલા લેના.એ ઉપડ્યો એ પછી થોડી વારે પેલી સ્ત્રી પણ પોતાનું કામ નિપટાવીને ચાલી ગઈ. હવે મારું મન પણ થોડું હલકું થયું હતું. ટીવી બંધ કરીને મેં બીજે મન પરોવ્યું. 
**** **** ****

ઢળતી બપોરે મારા પતિ લંચ લેવા આવ્યા ત્યારે અમે આગળ શું કરવું તે વિષે વિચાર કર્યો. એમણે કહ્યું કે પાકિસ્તાન એરપોર્ટ બંધ થઈ ગયું છે એવા સમાચાર મળેલા છે. જો કે, આ સાચું હતું કે અફવા એ ખબર નહોતી. અમે નક્કી કર્યું કે આપણે અમેરિકન એમ્બેસીમાં ફોન કરીએ અને તેઓ કહે એ પ્રમાણે નિર્ણય લઈએ. અમે અમેરિકન એમ્બેસીમાં ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ લાગ્યો નહીં. કદાચ અમારી જેમ પાકિસ્તાનમાં ફરવા આવેલા અન્ય અમેરિકન નાગરિકો પણ પૂછપરછ કર્યા કરતા હશે. તેથી અમારો ફોન લાગ્યો નહીં. મારા પતિએ કહ્યું,“ વાંધો નહીં. હું ઓફિસે જઈને પ્રયત્ન કરીશ. તું રૂમમાં જ આરામ કરજે. સાંજે હું વહેલો આવી જઈશ.આમ કહી એ નીકળ્યા.
તેમના નીકળ્યા પછી મને લાગ્યું કે હું આ રીતે રૂમમાં જ બેસી રહીશ તો મન ભારે જ રહ્યા કરશે. એને બદલે હોટેલની બહાર ચક્કર મારું તો? સાંજે અમારા મિત્રની પત્ની સાથે બહાર જવાનો કાર્યક્રમ પણ હતો. તેમને મેં ફોન કરીને પૂછ્યું કે આપ કેટલા વાગે આવશો? એ કહે,“આજની પરિસ્થિતી જોતાં પ્રોગ્રામ કેન્સલ કરીએ તો કેમ રહેશે?” આ જવાબથી મને નવાઈ ન લાગી. મે કહ્યું,“વાંધો નથી. પણ આપના ડ્રાઈવરને આપ અહીં મોકલી શકશો? એ મારી સાથે શહેરમાં આવશે?” મારી આવી વાત સાંભળીને એ બાનુ થોડી વાર વિચારમાં પડી ગયાં હોય એમ લાગ્યું. થોડી ક્ષણોની ચુપકીદી પછી એ બોલ્યાં,“આવા સમયમાં આપનું બહાર જવું યોગ્ય રહેશે?
વાત સાચી હતી પણ મારી પાસે એનો કોઈ જવાબ ન હતો. તેથી મેં કહ્યું,“ સારું, આપ વિચારી જુઓ. પછી આપ કહેશો તે પ્રમાણે હું કરીશ.તેમણે જાણવા માંગ્યું કે મારે શા માટે હોટેલની બહાર જવું હતું? એવું કોઈ કારણ તો હતું નહીં. એટલે મેં જણાવ્યું કે મારે બસ હળવા થવું છે. થોડી વારમાં મને ફોન કરવાનું કહીને તેમણે સામેથી ફોન મૂક્યો. એ પછી લગભગ અડધા પોણા કલાકમાં જ તેમનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તેમનો ડ્રાઈવર આવી રહ્યો છે, માટે મારે તૈયાર રહેવું.
મને બહુ આનંદ થયો. ચાલો, બહાર નીકળીશું તો થોડા ફ્રેશ થવાશે. હું તૈયાર થઈને તેમના ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી. થોડી વારમાં બેલ રણક્યો. મેં ઉભા થઈને બારણું ખોલ્યું તો ડ્રાઈવરને બદલે અમારા મિત્રનાં બેગમ સાહેબા પોતે ઉભાં હતાં. તેમને જોઈને મને પહેલાં આશ્ચર્ય અને પછી આનંદ થયાં. મેં પૂછ્યું,“ખુદ આપ કેમ આવ્યા?” તેમણે હસતાં હસતાં કહ્યું,“મૈંને પતા કર લિયા હૈ કિ શહર મેં શાંતિ હૈ. કહીં સે ભી કોઈ ભી બૂરી ખબર આઈ નહીં હૈ. ઇસલિયે સોચા કિ હમ દોનોં સાથ સાથ જાયેંગે ઔર રાત હોને સે પહેલે લૌટ આયેંગે.આ સાંભળીને હું રાજી થઈ ગઈ. અમે બંને તેમની કારમાં શહેર જોવા નીકળ્યાં.

યહાં પે સબ શાંતિ શાંતિ હૈ 

વાહનો તેમજ માણસોની અવરજવરથી રોજ ધમધમતા રહેતા શહેરના રસ્તાઓ આજે સૂમસામ જણાતા હતા. કદાચ ઓફિસોમાં પણ  જલ્દી છુટ્ટી આપી દીધી હશે, એટલે સાવ જૂજ લોકો દેખાઈ રહ્યા હતા. રસ્તાની આસપાસ આવેલી મોટાભાગની નાની મોટી માર્કેટ ખાલી જણાતી હતી અને દુકાનોનાં શટર બંધ હતાં. કાયદો અને સુરક્ષાની જાળવણી માટે ઠેર ઠેર પોલીસોની નાની મોટી ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. પાર્લામેન્ટ હાઉસ, પ્રેસીડન્ટ હાઉસ વગેરે પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સમગ્ર ઇસ્લામાબાદમાં કરફ્યુ જાહેર કર્યો હોય એવી શાંતિ છવાયેલી હતી. શહેરને લગભગ બંધ જોઈને પેલાં મિત્રપત્નીએ જણાવ્યું,“સામાન્ય રીતે દર શુક્રવારે માર્કેટ બંધ રહે છે અથવા અમુક સ્ટોર્સ મોડા ખૂલે છે. કેમ કે શુક્રવાર જાહેર રજાનો દિવસ છે. પણ આજે ઓસામા બિન લાદેનની ઘટનાને કારણે સામાન્ય શુક્રવાર કરતાંય વધુ શાંતિ છે.

સૂમસામ શહેરમાં આગળ વધતાં અમે સિટી સેન્ટરમાં આવ્યાં ત્યાં ઘણા સ્ટોર્સ ખુલ્લા જણાયા. ખુલ્લા સ્ટોર્સ જોઈને અમને થયું કે ચાલો, થોડું શોપિંગ કરીએ. કાર પાર્ક કરાવીને અમે બન્ને ઊપડ્યાં સ્ટોર્સમાં. અંદર જઈને અમે નવાઈ પામી ગયાં. બેગમસાહેબાને પણ નવાઈ લાગી. સૂમસામ શહેરમાં અમે ફરવા નીકળ્યાં એ જોઈને અમને મનોમન થયેલું કે અમારા જેવા પાગલ ભાગ્યે જ કોઈક હશે, જે આવા વાતાવરણમાંય ફરવા નીકળે. પણ અહીં જોયું તો અમારા જેવા અસંખ્ય પાગલો હતા. મોટા ભાગની સ્ત્રીઓ હતી અને બાકીના શહેરના માહોલથી અલિપ્ત તે અહીં જરાય ભય કે ડર વિના ફરી રહી હતી. સન્નાટાથી બંધ થઈ ગયેલા ઇસ્લામાબાદના હૃદયમાં જાણે એક ધડકન ધક ધક કરી રહી હોય તેમ શહેરનો આ વિસ્તાર જોઈને લાગતું હતું.
અમે પણ ઘણું ફર્યાં. અતિ વિશાળ કહી શકાય એવો લેસનો એક શો રૂમ જોયો, જેમાં ફક્ત અને ફક્ત વિવિધ પ્રકારની લેસ વેચાતી હતી. એ શો રૂમના માલિક સાથે વાતચીત કરતાં તેણે કહ્યું,“અમારો પોણા ભાગનો માલ ઈન્ડિયાથી આવે છે. અહીંના લોકો ઇંડિયન વસ્તુઓ, ડ્રેસ વગેરે ખૂબ જ પસંદ કરે છે. અમે પાકિસ્તાની છીએ, પણ ઇન્ડિયન વસ્તુઓ વગર અમને ચાલતું નથી.આ સાંભળીને મારામાં રહેલો ભારતીય આત્મા ખુશીથી ઝૂમી ઉઠયો.
લેસની ખરીદી કરીને અમે ઇસ્લામાબાદના સેક્ટર ૭ અને સેકટર ૧૦ બંને સેકટરના Bareeze નામના શો રૂમમાં ગયાં, જે વિવિધ ડ્રેસ મટિરિયલ માટે જાણીતો છે. આ શોરૂમની ઘણી શાખાઓ પાકિસ્તાનના વિવિધ શહેરોમાં અને પાકિસ્તાનની બહાર અખાતી દેશોમાં પણ આવેલી છે.
આમ, ઇસ્લામાબાદની એ આખી માર્કેટમાં અમે મોડી સાંજ સુધી નિશ્ચિંતપણે ફર્યાં. સાંજ પડવાની સાથે ઇસ્લામાબાદની શાંતિ અને સન્નાટામાં વધારો થતો જતો હતો. હોટેલ પર પાછા ફરતાં રાતના અંધારામાં ઇસ્લામાબાદ રોશનીથી ઝળહળી ઊઠેલું દેખાતું હતું. અગાઉ જ્યાં પોલીસોની નાની નાની ટુકડીઓ જોયેલી એ ટુકડીઓ મોટી થઈ ગયેલી. કદાચ તેમને રાતભર ત્યાં જ રહેવાનો ઓર્ડર થયો હશે. ટેન્ટ બંધાઈ રહ્યા હતા. અમે પાર્લામેન્ટ હાઉસ તરફ આવેલી અમારી હોટેલ તરફ આગળ વધતાં ગયાં એમ ચોકીઓ વધતી જતી જણાઈ. હોટેલ પાસે પહોંચીને જોયું તો હોટેલની બહાર ખાસ ડૉગ સ્ક્વોડ ગોઠવવામાં આવી હતી અને તાલિમી કૂતરાં દરેક વાહનોને સૂંઘી રહ્યાં હતાં. રેગ્યુલર કમાન્ડો, અને ગાર્ડ સિવાય એક એમ્બ્યુલન્સ અને બે પોલીસ વાન તથા અન્ય પોલીસોની ટુકડીઓ ત્યાં તૈનાત હતી. દરેકે દરેક કમાન્ડો, ગાર્ડ અને પોલીસ રાઇફલથી સજ્જ હતા. કદાચ રાત્રિના સમયે તોફાનની આશંકા હશે, તેથી ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યાં હતાં. અમારા મિત્રની પત્નીએ મને હોટેલની બહાર જ ઉતારી. અહીંથી મને ઓળખતા બે ગાર્ડ આવ્યા અને મને અંદર સુધી લઈ ગયા.

**** **** ****

રૂમમાં પાછી ફરી ત્યારે મારા પતિ આવી ગયા હતા. તેમણે જણાવ્યું કે બપોરથી તેમની પાકિસ્તાનની ઓફિસવાળા અને  અમેરિકાની ઓફિસવાળા પણ તપાસ કરી રહ્યા છે કે આપણું અહીં રહેવું કેટલું સુરક્ષિત છે. જો કે, અમારી અમેરિકાની ઓફિસવાળાએ અમને કહી દીધેલું કે તમને સહેજ પણ જોખમ જેવું લાગે તો તરત પાકિસ્તાન છોડી દેશો. પાકિસ્તાનમાંના અમારા અન્ય એક મિત્રે પણ તપાસ કરીને પરિસ્થિતીનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો.
મારા પતિ સાથે આજના દિવસના બનાવની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે એકંદરે ઇસ્લામાબાદની પ્રજાએ શાંતિથી આ હકિકતનો સ્વીકાર કર્યો છે.  તેમને લાગે છે કે ઓસામા બિન લાદેન જેવો ખૂંખાર આતંકવાદી માર્યો ગયો તે આખરે સારું જ થયું છે.

જો કે, એક અમેરિકન તરીકે અમારા માટે અહીં રહેવું કેટલું સુરક્ષિત હતું તે અમે જાણતા ન હતા. અમેરિકન એમ્બેસીમાં પૂછતાં તેમણે જણાવેલું કે ઇસ્લામાબાદ હાલમાં સુરક્ષિત છે, પરંતુ બને ત્યાં સુધી કોઈ પણ સંવેદનશીલ વિસ્તારમાં જવાનું ટાળજો. આ સાંભળીને અમને શાંતિ તો થઈ હતી, છતાં અમે સાવ ચિંતામુક્ત થયા ન હતા. હજી બે-ત્રણ દિવસ શાંતિથી નીકળી જાય તો કદાચ વાંધો ન આવે.

સઈદપુરનું મંદીર 
આ દિવસ તો યાદગાર રહ્યો હતો. અહીંના લોકોના સદભાવના અને પ્રેમના અનુભવ થયા હતા, જેણે અમારી ખૂબસૂરત યાદોના ચિત્રમાં વધુ એક રંગછટા ઉમેરીને ચિત્રને વધુ ખૂબસૂરત બનાવી દીધું હતું. અમે ઈસ્લામાબાદમાં બીજા બે-ત્રણ દિવસ પસાર કર્યા. ઈસ્લામાબાદની નજીક આવેલા સઇદપુર/Saidpur ગામની પણ અમે નાનકડી મુલાકાત લીધી. પહાડી અને હરિયાળી વચ્ચે વસેલું આ ગામ ખૂબ સુંદર છે. વિભાજન પહેલાં આ ગામમાં ઘણાં જૈન પરિવારો વસતાં હોવાનું જાણવા મળ્યું. તેને કારણે અહીં જૈન દેરાસરો પણ ઘણાં હતાં. છે. જો કે, આજે એ દેરાસરની ઇમારતો અપૂજ અને ખાલી પડી છે. આ દેરાસરમાંથી મૂર્તિઓ હટાવી લેવામાં આવી છે. જૈન દેરાસર ઉપરાંત અહીં એક સૂર્યમંદિર પણ છે, પણ તેય ખાલી જ છે. જાણવા મળ્યું કે આ મંદિરની મૂર્તિઓને વિભાજન દરમ્યાન તોડી નાખવામાં આવેલી. અહીં વસતા હિન્દુઓની ખાલી પડેલી હવેલીઓનો ઉપયોગ હાલમાં રેસ્તોરાં તરીકે કરાય છે.
એકંદરે અહીં શાંતિ છવાયેલી હતી અને અમને કંઈ ડર જેવું જણાયું નહીં. આને કારણે અમારી હિંમત વધી અને અમે અમારા મૂળ કાર્યક્રમને વળગી રહીને એ મુજબ જ આગળ વધવાનું નક્કી કર્યું. પાકિસ્તાનના આ પ્રવાસમાં અમને હજી કંઈ કેટલાય અનુભવો થવાના બાકી હતા! અને એ અનુભવો અમને અહેસાસ કરાવતા રહેવાના હતા કે અમે પાકિસ્તાનમાં છીએ.


(લાહોર જતાં રસ્તામાં જોયેલાં સ્થળોની તેમજ લાહોર શહેરમાં થયેલા અનુભવોની વાતો હવે પછી)

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 

7 comments:

  1. શ્રી પૂર્વી બેન મોદી મલકાણના લેખનો બીજો અંક વાંચ્યો અને ગમ્યો,
    રાજકોટના ફુલછાબમાં આ લેખ ટૂંકાવીને લખાયો હતો એવું માલુમ પડે છે.
    પૂર્વી બેને આપને પાકિસ્તાનની સૈર કરાવી તે બદલ તેમનો અને આપે તે
    આપનાં બ્લોગમાં પ્રકટ કરી તે બદલ આભાર,નવીનતા અને કંઈક જુદુંજ
    વાંચકોને આપતા રહો છો.
    હિન્દુસ્તાન/પાકિસ્તાનના ભૂગોળના નકશામાં જોતાં જણાય કે જમ્મુ અને
    ઈસ્લામાબાદ લગભગ એકજ 'અક્ષાંશ' પર છે. જેને ઘણીવાર અંગ્રેજીમાં
    'મેડીટેરેનિયન' હવામાન કહેવાય છે તેવું વાતાવરણ/આબોહવા આવા
    પ્રદેશોમાં હોવાથી વનસ્પતિ/ઝાડોની અને વનરાજી મનને લુભાવે તેવી હોય છે!!
    એક વાત કહેતાં કે જો તમે લેખકનો ટૂંકો પરિચય આપતા રહો તેમના વિષે
    પણ અમારા જેવા વાંચકોને પણ લેખક કોણ છે તે જાણવાનું સહેજે કુતુહલ હોય.
    આપનો આભાર.

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJuly 2, 2012 at 2:07 AM

      પ્રતિભાવ બદલ આભાર, પ્રભુલાલભાઈ.
      પૂર્વીબેને 'ફૂલછાબ'માં લખેલો લેખ અખબારની સ્થળમર્યાદાને કારણે ઘણો ટૂંકો હતો. અહીં બ્લોગ માટે મૂળ લેખનો ઉપયોગ કર્યો છે અને તેનું પણ આખેઆખું પુનર્લેખન કરેલું છે. બ્લોગ પર તસવીરો પણ વધુ મૂકી શકાય એ વધારાનો ફાયદો.
      લેખકનો ટૂંકો પરિચય આરંભે આપવાનું રાખેલું છે. પણ એ પરિચય ઓછો લાગતો હોય તો નવેસરથી વિચારું.

      Delete
  2. ભરતકુમાર ઝાલાJuly 2, 2012 at 2:23 AM

    અત્યંત રસપ્રદ ભાગ. પૂર્વીબેનની કલમે પાકિસ્તાનમાં ફરવાનો અનુભવ- ડર, રોમાંચ મિશ્રિત રહ્યો, પણ મજા તો ખૂબ જ.. પાકિસ્તાનની ભૂગોળમાં રસ પડે, પણ વધુ તો ત્યાંના લોકો ને તેમના જીવનધોરણ વિશે જાણવાની ઇચ્છા બહુ જ છે. પૂર્વીબેન લગે રહો..

    ReplyDelete
  3. વાહ વાહ–શું સુંદર કલમ છે ! એક શ્વાસે લેખ વાંચી કાઢ્યો–આખો લેખ મારા પાકિસ્તાની અમેરિકન મિત્ર (પાડોશી)ને વાંચી સંભળાવ્યો– તે પતિ પત્ની ખુશ થઈ ગયા.અને તેમની બેટી સાયમાના લગ્ન –જે ઈસ્લામાબાદમાં થવાના છે.–તેનું આમંત્રણ તાજું કર્યું.
    બિરેનકુમારના તો કેટલા વખાણ કરવા? નંબર વન બ્લોગ છે. જાત જાતની વેરાયટી પીરસે છે.
    પૂર્વીજીનો ય જયકાર. વધુ આપો.

    ReplyDelete
  4. પૂર્વીબેન,
    ખરેખર તમારી પુણ્ય યાત્રા હેમખેમ આગળ વધે છે, જીવને આનંદ આનંદ થઈ ગયો. પાકિસ્તાન માટે શું લખીએ.?? એટલું કહેવાય કે દાનો દુશ્મન સારો, પણ ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય,તો કેમના ભારત વાળા ત્યાં જવાની ઈચ્છા કરે?? ભલે એ એટલો સુંદર પ્રદેશ હોય પણ અમારે માટે તો દુરથી જ ડુંગરા સારા.
    સુમંત શિકાગો.

    ReplyDelete
  5. પૂર્વિજી ની પાકિસ્તાનની સફર નો બીજો ભાગ પણ અત્યંત કથા વસ્તુને ઝકડી રાખે તેવો સુંદર રીતે આલેખાયેલ છે, અણી બીરેનજી, લેખ સાથે તેને અનૂરૂપ સુંદર તસ્વીરો નો સાથ આપી લેખને ખરેખર જીવંત કરી આપવામાં આવેલ છે. જાણે વાચનાર જાતે જ તે સફરને પ્રત્યક્ષ માનતો કેમ ના હોય !

    ખૂબજ સુંદર લેખ બદલ પૂર્વિજી ને ધન્યવાદ ! સાથે બીરેનજી આવો સુંદર લેખ બ્લોગ પર મૂકવા બદલ આપનો આભાર !

    અશોકકુમાર (દાસ)
    લંડન

    ReplyDelete
  6. પૂર્વીબહેન, તમારે વિઝાની ઝીણીઝીણી વિગતો ભરવામાં ખાસ્સી જહેમત ઉઠાવવી પડી, પણ અમને તો તમે વગર વિઝા એ જ પાકિસ્તાનની સફર કરાવી રહ્યા છો, એટલે છેક સુધી તમારી સાથે જ રહીશું...
    અને આપણાં સૌની સુરક્ષાની કોઈ ચિંતા નથી. અમેરિકન એમ્બેસી છે જ એ માટે : )

    સાતેક વરસ પહેલાં, પાકિસ્તાનથી લગભગ અઢારેક કિલોમીટર દૂર ઉરી તાલુકાનાં કેટલાંક ગામોમાં (જમ્મુ - કાશ્મીર) રહેવાનું થયેલું, ત્યારના થોડા થોડા ડર અને ઝાઝ્ઝા બધા રોમાંચની લાગણી તાજી થઈ.

    ReplyDelete