Thursday, March 3, 2022

વનરાજ ભાટિયા: યે તુમને કૈસા દિખાયા સપના

વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા અતિ મર્યાદિત છે, પણ તેનો પ્રભાવ એવો છે કે એ મનમાં સતત ગૂંજતાં રહે. 7 મે, 2021ના રોજ વિદાય પામેલા આ જિનીયસ અને અતિ પ્રિય સંગીતકારનું સ્મરણ તેમનાં કેટલાંક ગીતો અને સંગીતથી તાજું કરવાનો આ ઉપક્રમ છે. કારણ? વનરાજ ભાટિયાનાં ગીતોને યાદ કરવા માટે કશા કારણની જરૂર નથી. એ એવાં હૈયે જડાઈ ગયાં છે કે અનાયાસે એ મનમાં ગૂંજતાં રહે. 
ગીતોની પસંદગી તેમની કર્ણપ્રિયતાના આધારે કરેલી છે, જેમાં હજી ઘણાં ગીતનો ઉલ્લેખ સમાવી શકાય એમ છે. અહીં કેટલાંક અતિ પ્રિય ગીતો અને સંગીતની વાત. 

સાવન કી આઈ બહાર રે... 
શશીકપૂર નિર્મિત અને શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'જૂનુન' (1978)નું આ ગીત છે. તેમાં વરસાદ આવ્યાનો રોમાંચ છે. આ ગીતમાં સૌથી મોટી કમાલ સંગીતકારની છે. વનરાજ ભાટિયાએ આશા ભોંસલેની સાથેસાથે તેમની દીકરી વર્ષા ભોંસલેના સ્વરનો ઉપયોગ કર્યો છે. વર્ષા ભોંસલે આશાજીની સાથે સ્ટેજ પર ગાતાં હતાં, અને વિકીપીડિયા પર તેમનો ઉલ્લેખ હિન્દી-ભોજપુરી ગાયિકા તરીકે છે. વનરાજ ભાટિયાને હું અને ઉર્વીશ તેમના નિવાસસ્થાને મળ્યા અને જે લાંબી મુલાકાત કરી એ દરમિયાન તેમણે જણાવેલું કે વર્ષાને જ્યારે ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આનાકાની કરેલી, પણ વનરાજ ભાટિયાએ તેમના સ્વર માટેનો પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, પરિણામે તેઓ ગાવા તૈયાર થયાં. કદાચ ગાયિકા તરીકે તેમની કારકિર્દીનું આ સાવ આરંભિક ગીત હશે. (જો કે, વર્ષાએ 2012માં આત્મહત્યા કરી.)
વનરાજ ભાટિયાની મુલાકાત આધારિત લેખ મેં 'અહા!જિંદગી'માં અને ઉર્વીશે 'ગુજરાત સમાચાર'માં લખેલા. તેમનું સ્વરબદ્ધ કરેલું આ ગીત સાંભળીએ. સિતારના સૂરોથી આરંભાયા પછી તેની પશ્ચાદભૂમાં તંતુવાદ્યસમૂહ અને પછી સારંગીનું સંગીત અદ્‍ભુત અનુભવ કરાવે છે. ત્યાર પછી સંગીત નહીં, માત્ર ગાયન છે, જે ગાયિકાના સ્વરની પરખ જેવો કહી શકાય.


**** 

ઈશ્ક ને તોડી સર પે કયામત...
'જૂનુન' (1978)ના આ ગીતમાં ગીતના આરંભથી લઈને છેક અંત સુધી જે રીતે તેમાં સ્ટ્રીંગ અને બ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સાંભળતાં જ લાગે કે આ કમ્પોઝ કરનાર કોઈ 'દાદા' છે. એ દાદા એટલે વનરાજ ભાટિયા. પશ્ચિમી પ્રકારની સમાંતરે ભારતીય સંગીત પણ વાગતું જાય, વચ્ચે વચ્ચે રફીસાહેબ દ્વારા ગવાયેલા જિગર મુરાદાબાદીના શબ્દો સાંભળવા મળે અને આ ત્રણેય એકબીજાને કશી ખલેલ કર્યા વિના કાનમાં પ્રવેશે ત્યારે માત્ર ગીતના શબ્દો કે ગાયકી જ નહીં, આખું વાતાવરણ મનમાં રચાઈ જાય. આ ગીતના સૌંદર્યબિંદુઓ સમજાવવા કરતાં સાંભળવા જ વધુ યોગ્ય ગણાય.


****
મારું ગામ અબ તો ભૂલી જઈયો ના.....

આ ગીત સૌથી પહેલું ક્યારે સાંભળ્યું એ યાદ નથી, પણ એટલું ખરું કે સાંભળતાંવેંત જ તેની ગાયિકાના અવાજના અને સંગીતકારના પ્રેમમાં પડી જવાયું હતું. ખબર પડી કે આ ગીત શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન'નું છે. અમારી મુંબઈસ્થિત પિતરાઈ બહેન પૌલા અને શૈલેષકાકાએ અમને ભેટ આપેલી બાર કેસેટ્સના સેટ 'યાદોં કી મંઝીલ'ની એક કેસેટમાં આ ગીત હતું. એ ભેટ મળ્યા પછીના કેટલાય મહિનાઓ એવા હતા કે મારી અને ઉર્વીશની સવાર આ ગીતથી જ પડતી અને એ પછી દિવસમાં કેટલીય વાર તેને રિવાઈન્ડ કરીને સાંભળતાં. આમ છતાં, ધરવ થતો નહીં.
'મંથન'ની વાત આવે એટલે ડૉ. કુરિયન, અમૂલ મોડેલ, એક રૂપિયાનું પ્રતીક મહેનતાણું લઈને કામ કરતા દિગ્ગજ કલાકારો, દૂધ ઉત્પાદક મંડળીના આશરે 55,000 શેરધારક ખેડૂતોએ બબ્બે રૂપિયા કાઢીને કરાવાયેલું ફિલ્મનું નિર્માણ, 'સિસોટી'....જેવા અનેક સંદર્ભો મારી જેમ સૌને યાદ આવી જાય. તેની વાત કરવાને બદલે આ ગીતની વાત કરવી છે.
વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે આ ગીતની વાત ન નીકળે તો જ નવાઈ.
પહેલાં તેના શબ્દોની વાત. આ ગીત પ્રીતિ સાગરની બહેન નીતિ સાગરે લખેલું છે. મુકેશના પિતરાઈ ભાઈ (અને અભિનેતા-ગાયક) મોતી સાગરની દીકરીઓને ગુજરાતી ભાષા સાથે શી લેવાદેવા? એનો જવાબ પણ મળી ગયો કે તેમની 'માતૃ'ભાષા ગુજરાતી છે. એટલે કે મોતી સાગરનાં પત્ની ગુજરાતી હતાં તેને કારણે બન્ને બહેનોને અને પરિવારમાં ગુજરાતી અજાણી નહોતી. આમ છતાં આવા લોકગીત અથવા તો ગ્રામ્યગીત જેવા લાગતા શબ્દોની પસંદગી શી રીતે કરી? કોની સહાય લીધી? 'કોઈની નહીં. એ તો સ્ટુડિયો લે‍ન્‍ગ્વેજ છે- સ્ટુડિયોમાં જ બનવાયેલી. ત્યાં જ ઈમ્પ્રોવાઈઝ કરતા રહેતા. ઉદાહરણ? એમાં એક લીટી છે, 'મારે ગામડે લીલાલહેર, જ્યાં નાચે મોર ને ઢેલ'. તો એ લોકો કહે કે 'મોરની' શબ્દ મૂકીએ. વનરાજ કહે, 'ગુજરાતીમાં એને 'ઢેલ' જ કહેવાય. 'મોરની' કહો તો કોઈને ખબર ન પડે.' સાગર બહેનોએ જ કદાચ 'ઢેલ' શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે! તેમને એમ લાગ્યું કે 'ઢેલ' એટલે શું? એ કોને સમજાય? પણ વનરાજ કહે, 'બધા ગુજરાતીને સમજાઈ જાય.' આ રીતે આ ગીત લખાતું ગયું.
હવે તેની ધૂન સાંભળો. કોઈ પણ ગુજરાતી ગીત હોય, અને તે લોકગીત જેવું હોય તો તેમાં ગરબાના તાલ અનિવાર્ય ગણાય. એ સિવાય તે ગુજરાતી ગીત ગણાય જ નહીં. (સી. રામચન્દ્રે આ જ તાલને પોતાના સંગીતની ઓળખ બનાવીને અનેક અદ્‍ભુત ગીતોમાં તેનો ઉપયોગ કર્યો.) આ ગીતમાં તમને ક્યાંય એ તાલ શોધ્યો નહીં જડે. પણ છતાં તેનો આરંભ થતાં જ ખબર પડી જાય કે એ હાડોહાડ ગુજરાતી ગીત છે. એ કમાલ સંગીતકાર વનરાજ ભાટિયાની છે.
હવે ત્રીજી વાત આ ગીતના ફિલ્માંકનની. વનરાજ ભાટિયાએ એ દિવસે વાતચીતમાં અનેક વાર એ બાબતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી કે આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોને ગીતનું ફિલ્માંકન કરતાં આવડતું જ નથી. તેઓ ગીતને સળંગ મૂકવાને બદલે ટુકડે ટુકડે જ ફિલ્મમાં બતાવે, તેથી તેની ધારી અસર ઊભી જ ન થઈ શકે. 'મંથન' ફિલ્મ જોઈ હોય એને ખ્યાલ હશે કે આ ગીત ફિલ્મમાં ત્રણેક ટુકડે વાગે છે.
આ ફિલ્મ 1976માં રજૂઆત પામી. તેમાં એક માત્ર આ ગીત જ હોવાથી તેની ઈ.પી. રેકર્ડ બહાર પડેલી. ત્યારે આ ગીતની કેટલી નોંધ લેવાઈ હશે એ ખ્યાલ નથી, પણ વરસો વીતતાં ગયાં એમ તે અમૂલની ઓળખ સમું બની રહ્યું. પછી તો અમૂલે પોતાની ટી.વી. એડમાં પણ આ ગીતમાં નવા શબ્દો ઊમેરીને તેનો ઉપયોગ કર્યો, ગાયિકા અને વાદ્યો નવાં ઊમેર્યાં, પણ મૂળ ધૂન એની એ જ રાખી. યૂ ટ્યૂબ પર એ નવું વર્ઝન સાંભળવા મળે છે, જેમાં ગુજરાતીપણાના નામે તાલની ધમાલ ભભરાવી છે. ('મંથન' ફિલ્મ તો આખેઆખી 'અમૂલ'ની વેબસાઈટ પર મૂકાયેલી છે.)
હજી પણ આ ગીત સાંભળવાનું મન થઈ આવે છે અને જ્યારે સાંભળીએ ત્યારે આખું જ સંભળાઈ જાય છે, કેમ કે, તેનો છેલ્લો ભાગ ન સાંભળીએ ત્યાં સુધી ગીત અધૂરું લાગે છે.

                                  
 

**** 

શમશીર-એ-બરહના માંગ ગજબ 
Shared with Public
મહમ્મદ કુલી કુતુબશાહ, અમીર ખુસરો, બહાદુરશાહ ઝફર, જિગર મુરાદાબાદી, મીર તકી મીર, મખદૂમ મોહિયુદ્દીન, ઈબ્ન-એ-ઈન્શા, ધર્મવીર ભારતી, ગુલઝાર, વસંત દેવ, મજરૂહ સુલતાનપુરી, જાવેદ અખ્તર.......... કવિઓની આ યાદી વાંચતાં જ 'ઓહોહો!' થઈ જાય. છેલ્લા ચાર નામો સિવાયનાં કવિઓની કેટલીક રચનાઓ એ હદે લોકજીભે ચડી ગયેલી છે કે તેને લોકગીત જેવો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો હોય. તેમની મોટા ભાગની રચનાઓની ધૂન પણ લગભગ નિશ્ચિત બની ગઈ હોય, છતાં અનેક સંગીતકારોનું એ સ્વપ્ન હોય કે તેમને આવા કવિઓની રચનાને સંગીતબદ્ધ કરવાની તક મળે.
સ્વાભાવિક છે કે ફિલ્મના માધ્યમમાં આવી તક ઓછી પ્રાપ્ત થાય. આથી પોતાની સર્જનાત્મકતા સંતોષવા માટે અમુક સંગીતકારો આવી રચનાઓને સ્વરબદ્ધ કરીને તેનું 'નોન-ફિલ્મી' (પ્રાઈવેટ) આલ્બમ બહાર પાડે એવા દાખલા પણ હશે. પણ આ રચનાઓ કોઈ સંગીતકારને ફિલ્મ માટે સ્વરબદ્ધ કરવા મળે તો?
આના જવાબની કલ્પના કરવાની નથી. બસ, સમય કાઢીને  વનરાજ ભાટિયાએ અમુક ફિલ્મોમાં સંગીત આપ્યું તેનાં ગીતો જ સાંભળવાના છે. પ્રાચીનથી અર્વાચીન યુગના આ તમામ ધુરંધર કવિઓની રચનાને સ્વરબદ્ધ કરવાનું સદ્‍ભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેમાંના એક ગીતની વાત. (આ રચનાઓ ગઝલ/નઝમ/ગીત હોઈ શકે છે, પણ ફિલ્મમાં લેવાયેલી હોવાથી અહીં તેનો ઉલ્લેખ 'ગીત' તરીકે કર્યો છે.)
શ્યામ બેનેગલ દિગ્દર્શીત 'મંડી' (1983) માં પ્રીતિ સાગરે ગાયેલું 'શમશીર-એ-બરહના માંગ ગજબ..' આમ તો અનેક વાર સાંભળેલું હતું, પણ તેના વિશે ખરેખરી મૂંઝવણ એક વાર ઊભી થઈ.
'અહા!જિંદગી' (સંપાદક: દીપક સોલિયા)માં 'ગુર્જરરત્ન' શિર્ષક અંતર્ગત વનરાજ ભાટિયા સાથેની મુલાકાત પછી તેમના વિશે લખવાનું મેં નક્કી કર્યું. ફિલ્મને લગતી વાત હોય એટલે અમારા સદાના હિતેચ્છુ એવા સુરતના હરીશ રઘુવંશીનો ઊંબરો ઓળંગ્યા વિના ચાલે જ નહીં. એ વખતે હજી લેખો કુરિયરથી મોકલવાનો રિવાજ હતો, તેથી બે દિવસ તેના પણ ડેડલાઈનમાં ગણી લેવાના રહેતા. આવા લેખો બાબતે મારાથી વિશેષ ફિકર ધરાવતા હરીશભાઈએ કહ્યું, 'તમે લેખ બે દિવસ મોડો મોકલવાની પરવાનગી માગી લો. હું તમને એક સી.ડી. મોકલું છું.' દીપક પાસેથી મેં પરવાનગી મેળવી રાખી. હરીશભાઈએ સુરતના તેમના પરિચીત પ્રકાશ પટેલ પાસે વનરાજ ભાટિયાની ફિલ્મોનાં ગીતોની સી.ડી. તાત્કાલિક બનાવડાવી અને મને મોકલી આપી. તેમનો હેતુ એટલો કે લેખ મોકલતાં અગાઉ હું એક વાર એ ગીતો સાંભળી લઉં તો કશું ઉમેરવા જેવું લાગે તો ઉમેરી શકાય.
એ સી.ડી. એક વાર સાંભળવાથી ધરવ કેમનો થાય? આવતાંની સાથે જ તેને ચડાવી દીધી અને વારંવાર સાંભળી. તેથી મને થયું કે આ લેખની સાથે એક બોક્સ મૂકીએ, જેમાં વનરાજ ભાટિયાએ સ્વરબદ્ધ કરેલાં અમુક ગીતોની પહેલી લીટી યાદી તરીકે મૂકીએ. મેં એ રીતે બોક્સ માટે યાદી બનાવવા માંડી, પણ 'મંડી'ના આ ગીત આગળ ગાડી અટકી ગઈ. કેમે કરીને તેનો પહેલો શબ્દ પકડાય જ નહીં. ત્યારે હજી ગૂગલની સહાય નહોતી. અનેક વાર એ લીટી સાંભળી, પણ 'શમશીર બઢી ના' અથવા 'શમશીર બઢે ના' જ સંભળાય અને એનો અર્થ મનમાં બેસે નહીં. એક તરફ લેખ કુરિયરથી મોકલવાની ડેડલાઈન, અને લેખ લખાઈ પણ ગયેલો, પણ સોયના નાકામાં હાથીના પૂંછડાનો આ વાળ ફસાઈ ગયેલો. ઘડીક એમ થયું કે એ ગીતને બદલે બીજું ગીત મૂકીએ. શો ફેર પડે છે? આપણને કોઈએ ક્યાં કહ્યું છે કે આ જ ગીત મૂકો. પણ એ ગીત એટલું બધું ગમતું કે ન મૂકીએ તો આપણને જ એમ થાય કે આ બરાબર ન કર્યું.
વાત ઉર્દૂની હતી, એટલે સંકટ સમયની સાંકળ જેવી એક વ્યક્તિનું નામ યાદ આવ્યું. એ હતા જીવવિજ્ઞાનના શિક્ષક (અને જાણીતા કવિ) હનીફ 'સાહિલ' એટલે કે અમારા 'પઠાણસાહેબ', જેઓ મહેમદાવાદ રહેતા. તેઓ ગુજરાતી ઉપરાંત ઉર્દૂમાં પણ ગઝલો લખતા, એટલું જ નહીં, ઉર્દૂ લિપિ પણ જાણતા. ઊર્વીશને ફોન લગાવ્યો. તેની પાસેથી પઠાણસાહેબનો નંબર મેળવ્યો. પછી તેમને ફોન લગાવ્યો અને આ અર્થ પૂછ્યો. ધાર્યા મુજબ જ તેમણે એ શબ્દો ઊકેલી આપ્યા, 'શમશીર-એ-બરહના' એટલે ખુલ્લી તલવાર. એટલે 'શમશીર-એ-બરહના માંગ ગજબ' નો અર્થ થાય 'ખુલ્લી તલવાર જેવી પાંથી.' એ સાથે જ મનમાં અજવાળું થઈ ગયું. ઝફરે ગજબ સરખામણી કરી છે. (આ ગીત અતિ જાણીતું છે. અનેક ગાયકોએ તે ગાયું છે. પણ હબીબ વલી મહમ્મદના અવાજમાં પાકિસ્તાની ફિલ્મ 'બાઝી' માટે ગાયેલું અદ્‍ભુત છે.)
શૃંગારરસથી છલોછલ આ ગીતને વનરાજ ભાટિયાએ પરંપરાગત વાદ્યોથી સજાવ્યું છે, અને પ્રીતિ સાગરે તેને પૂરતો ન્યાય આપ્યો છે.
'મંડી' ફિલ્મ પોતે જ એવો અદ્‍ભુત વિષય છે કે તેની ચર્ચા શરૂ કરીએ તો દિવસો સુધી ચાલે. એટલે એ તરફ ન જતાં માત્ર આ ગીત પૂરતી જ વાત કરી છે. 



***** d Shared with Public

ચાહે માર ડાલો રાજા 

સંગીતકાર કોઈ તૈયાર ધૂન લઈને આવે અને ગીતકાર એ ધૂન પર શબ્દો લખી આપે એ હકીકતની હવે નવાઈ રહી નથી. બલ્કે હવે તો એ રિવાજ બની ગયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આમાં સર્જકતાનો અનાદર નથી, પણ એક જાતની સુવિધા છે. તેને કારણે ગીતકારની માનસિકતા પણ એવી બની ગઈ હોય કે તૈયાર ધૂન મળે તો જ તે શબ્દો લખી શકે.
જાવેદ અખ્તર જેવા ખાનદાની શાયર કથા-પટકથા લેખક બન્યા પછી ગીતકાર બન્યા. સ્વતંત્રપણે કવિતા લખવી અને ફિલ્મ માટે ગીત લખવાં એ બન્ને સાવ અલગ બાબતો છે. જાવેદસા'બે ગીતલેખનમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું. નવી-જૂની પેઢીના અનેક સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. પણ 'સરદારી બેગમ' (1996) નાં ગીતો વખતે જરા જુદો અનુભવ થયો.
શ્યામ બેનેગલ દિગ્દર્શીત આ ફિલ્મમાં સરદારી બેગમ નામની ગાયિકાના જીવનની વાત હતી. રાબેતા મુજબ તેમાં સંગીત વનરાજ ભાટિયાનું હતું. એક ગાયિકાના જીવનને દર્શાવતી આ ફિલ્મ હોવાથી તેમાં ગીતોનું આગવું મહત્વ હતું. તેથી ગીતકાર તરીકે જાવેદ અખ્તરનો પ્રવેશ થયો. ગીત-સંગીત બાબતે પહેલી જ મુલાકાતમાં ગીતકાર અને સંગીતકાર ઊખડી પડ્યા. જાવેદસા'બે વનરાજ ભાટિયાને પૂછ્યું, "ધૂન લાયે હો?" આ સાંભળીને વનરાજે તેમની આખાબોલી શૈલીમાં કહ્યું, "તુમ શબ્દ લાયે હો? તુમ ગીતકાર હો." એ પછી જે થયું એ, પણ જાવેદસા'બે ગીતો લખીને આપ્યાં. વનરાજ ભાટિયાએ તેને સ્વરબદ્ધ કર્યાં.
આ ફિલ્મ રજૂઆત પામી ત્યારે કૃત્રિમ વાદ્યોનો યુગ બેસી ગયો હતો, પણ વનરાજ ભાટિયાએ સારંગી, તબલાં સહિત પરંપરાગત વાદ્યોનો ઊપયોગ કરીને વીતેલા યુગનો માહોલ સર્જ્યો.
આ ફિલ્મનાં અનેક અદ્‍ભુત ગીતોમાંનું એક અહીં મૂક્યું છે, જે આશા ભોંસલે દ્વારા ગવાયું છે.


****

મેરી જિંદગી કી કશ્તી 
Shared with Public
સ્મિતા પાટીલે પોતાની ફિલ્મ કારકિર્દીમાં કેટલીક સીમાચિહ્નરૂપ ભૂમિકાઓ ભજવી, એમાંની એક શ્યામ બેનેગલ નિર્દેશીત 'ભૂમિકા' (1977)ની હતી. તેણે આ ફિલ્મમાં તખ્તાની અને ફિલ્મની અભિનેત્રી ઊષાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ હકીકતમાં મરાઠી અભિનેત્રી હંસા વાડકરની જીવનકથા 'સાંગત્યે આઈકા' પર આધારિત હતું, જેને આજની પરિભાષામાં 'બાયોપિક' કહે છે. ચાલીસ અને પચાસના દશકમાં હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનારી આ અભિનેત્રીની છાપ એક બિન્ધાસ્ત અભિનેત્રી તરીકેની હતી. 'સાંગત્યે આઈકા' ખરેખર તો હંસાની એક હીટ મરાઠી ફિલ્મનું નામ હતું, જે તેમની જીવનકથાના પુસ્તક માટે લેવામાં આવ્યું હતું. (આ ફિલ્મમાં જેટલી વાર કુલભૂષણ ખરબંદા ફિલ્મના પાત્ર કેશવ દળવીને 'દલવી' કહીને સંબોધે છે, એટલી વાર તેને સુધારીને 'દળવી' કરતા અમોલ પાલેકરની યાદગાર ભૂમિકા હતી.)
હિન્દી ફિલ્મોના આરંભિક દશકોમાં તેની સાથે સંકળાયેલા રહેલા, અને પછી એ ક્ષેત્ર છોડીને સાહિત્યકાર-નવલકથાકાર તરીકે ઓળખાયેલા વિઠ્ઠલ પંડ્યાએ પોતાની સ્મૃતિકથા 'અસલી ચહેરા, નકલી ચહેરા'માં હંસા વાડકર સાથેના પોતાના એક પ્રસંગનું રસપ્રચૂર વર્ણન કર્યું છે.
શ્યામ બેનેગલની ફિલ્મ હોય એટલે સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય, એ ત્યારે નક્કી રહેતું. આ ફિલ્મનો કથાકાળ મુખ્યત્વે 1950નો દશક હતો. અભિનેત્રીની કથા હોય એટલે તેમાં ગીતો પણ હોય જ. સંગીતકાર વનરાજ ભાટિયાએ સીત્તેરના દશકમાં બનેલી આ ફિલ્મ માટે જે ગીતો સર્જ્યાં એ પચાસના દશકનો માહોલ ઊભો કરે એવા હતાં.
ફિલ્મના એક દૃશ્યમાં ઉષા (સ્મિતા પાટીલ) રેકર્ડ પ્લેયર પર રેકર્ડ ચડાવે છે. ભારે અવાજ ધરાવતા પુરુષગાયકોના સ્વરમાંથી હજી કુંદનલાલ સાયગલની અસર સાવ નાબૂદ થઈ નહોતી. તે કાળે ગૈરફિલ્મી ગીતોના અમુક ગાયકોની શૈલી પણ એવી રહેતી. શ્યામ બેનેગલે (કે વનરાજ ભાટિયાએ) ધાર્યું હોત તો એ ગાળાના કોઈ પણ ગાયકની સાચી રેકર્ડ ચઢાવીને એ યુગની અસર ઊભી કરી શક્યા હોત. ('બ્લેક' ફિલ્મમાં ચેપ્લિનની એક ફિલ્મનું પોસ્ટર દેખાડીને એ સમયગાળો સૂચવાયો હતો એમ) પણ સર્જનાત્મકતામાં પડકાર ન હોય તો મઝા ન આવે.
વનરાજ ભાટિયાએ એવું ગીત સર્જ્યું કે જે એ યુગની, ગાયકીની એ શૈલીની અસર હૂબહૂ પેદા કરે. સીત્તેરના દશકમાં ભારે અવાજવાળા, સાયગલની અસરવાળા ગાયક લાવવા ક્યાંથી?
એક સમયે ગાયક સી.એચ.આત્મા (ચૈનાની હશ્મતરામ આત્મારામ, અવસાન: 1975) સાયગલના જબ્બર પ્રભાવમાં ગાતા હતા. તેમણે કેટલીક ફિલ્મમાં ગીતો ગાયેલાં. તેમના ભાઈ ચન્દ્રૂ આત્મા દર વર્ષે સાયગલ જયંતિએ સાયગલનાં ગીતોનો કાર્યક્રમ કરતા. આ ગીત માટે વનરાજ ભાટિયાએ ચન્‍દ્ર્ર આત્મા પર પસંદગી ઊતારી. ગીતકાર વસંત દેવે શબ્દો પણ એ યુગના ગીતની યાદ તાજી કરાવે એવા લખ્યા.
એ રીતે સીત્તેરના દશકમાં પચાસના દશકનો માહોલ ઊભું કરતું જે ગીત સર્જાયું તે 'મેરી જિંદગી કી કશ્તી, તેરે પ્યાર કા સહારા'.


**** 
ના આયા, ના આયા.... 

'ભૂમિકા' એક અભિનેત્રીના જીવન પર આધારિત ફિલ્મ હોય એટલે તેમાં સંગીતનો પક્ષ પણ મહત્ત્વનો બની રહે. આ ફિલ્મમાં જેને ખરેખર ગીત કહી શકાય એવાં ચાર ગીતો હતાં. એ સિવાયનાં પાંચ ગીતો પારંપરિક પ્રકારનાં, અથવા શુદ્ધ શાસ્ત્રીય કહી શકાય એવાં હતાં. 'ઘટ ઘટ મેં રામરમૈયા' ફિરોઝ દસ્તૂરે ગાયેલું, તો 'મોંદર બાજુ રે' ચાર અલગ અલગ રીતે ફિલ્મમાં સાંભળી શકાય છે. બાકીનાં ત્રણ ગીતોમાં પ્રીતિ સાગરનો સ્વર હતો, જેમાં 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં' અને 'ના આયા, ના આયા, ના આયા' બન્ને એકલ ગીતો હતાં અને 'સાવન કે દિન આયે સજનવા આન મિલો' ભૂપીન્દર સીંઘ સાથેનું યુગલગાન હતું.
'મંથન'માં પ્રીતિ સાગર પાસે ગુજરાતી લોકગીતની શૈલીનું 'મેરો ગામ કાંઠા પારે' ગવડાવનાર વનરાજ ભાટિયાએ 'ભૂમિકા'માં પ્રીતિ સાગર પાસે લાવણી જેવા મરાઠી લોકસંગીતની શૈલીએ ગીત ગવડાવ્યું હતું.વસંત દેવે લખેલા આ ગીતમાં પ્રીતિ સાગરનો સ્વર સાંભળતાં ભૂલી જવાય કે 'માય હાર્ટ ઈઝ બીટીંગ' જેવું અંગ્રેજી ગીત ગાનાર આ જ ગાયિકા હશે. સાથે વનરાજ ભાટિયાના સંગીતની પૂરેપૂરી કમાલ તો ખરી જ. લાવણીમાં મુખ્યત્વે હારમોનિયમ અને ઢોલકનો ઊપયોગ થતો હોય છે, પણ આ ગીતના ઈન્‍ટરલ્યુડમાં તેમજ 
પશ્ચાદ્‍ભૂમાં વનરાજ ભાટિયાએ તંતુવાદ્યસમૂહનો પ્રભાવક ઊપયોગ કર્યો છે, જેને લીધે ગીત સાંભળ્યા પછી તે લાંબો સમય સુધી કાનમાં ગૂંજતું રહે છે.
 

****

d Shared with Public
પિયા બાજ પ્યાલા પિયા જાયે ના 
બન્ને ફિલ્મો એક જ વર્ષે રજૂ થયેલી, છતાં સાવ અલગ. લક્ષ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'જુલી' સંગીતકાર રાજેશ રોશનની બીજી જ ફિલ્મ હતી. (પહેલી ફિલ્મ 'કુંવારા બાપ') તો 'નિશાંત' સંગીતકાર વનરાજ ભાટિયાની બીજી ફિલ્મ હતી. તેમની પહેલી જ ફિલ્મ 'અંકુર'માં એક પણ ગીત નહોતું. શ્યામ બેનેગલ નિર્દેશીત આ ફિલ્મની નોંધ વ્યાપકપણે લેવાઈ હતી, પણ ગીત વિનાની ફિલ્મ હોય એટલે સંગીતકારનું કામ લોકો સુધી ઝટ પહોંચે નહીં. 'જુલી' અને 'નિશાંત'માં કશું સામાન્ય હોય તો પ્રીતિ સાગરનું એક ગીત.
હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું 'માય હાર્ટ ઈઝ બીટીંગ, કીપ્સ ઓણ રીપિટીંગ' પ્રીતિ સાગરે સુંદર રીતે ગાયું હતું. એ સમયે તો આ ગીત રેડિયો પર જ સાંભળવા મળતું હોવાથી તેના ઉચ્ચારો પણ બરાબર સમજી શકાતા નહોતા. એ તો ગૂગલકૃપા થકી સરળ બન્યું. આમ છતાં, એ ગીત ગમતું તેના સંગીત અને ગાયિકાને કારણે. કારકિર્દીનું પહેલું જ ગીત આખેઆખું અંગ્રેજી હોય અને તે બહુ લોકપ્રિય થાય ત્યારે ઘણી વાર સમસ્યા સર્જાઈ શકે. આ ગાયિકા પાસે પછી એકસરખાં જ ગીતો ગવડાવવા લાગે એમ બને. શાસ્ત્રીય ગીતો માટે કોઈ એ તરફ ફરકે પણ નહીંં. પણ પારખુ સંગીતકાર ગાયિકાના સ્વર અને તાલિમને ધ્યાનમાં રાખતા હશે. 'નિશાંત'માં અને ત્યાર પછીની 'ભૂમિકા', 'મંડી', 'મંથન' જેવી ફિલ્મો માટે તેમણે પ્રીતિ સાગરના જ કંઠનો ઊપયોગ કર્યો. અને તેમાં જે ગીતો ગવડાવ્યાં એ ઉર્દૂની અતિ વિખ્યાત, પરંપરાગત ગણાય એવી ગઝલો કે નઝમો.
એક તરફ 'માય હાર્ટ ઈઝ બીટિંગ' ગાનારાં પ્રીતિ સાગર, અને બીજી તરફ 'શમશીર-એ-બરહના માંગ ગજબ' જેવી ગઝલ કે 'મારો ગામ કાંઠા પારે' જેવું લોકગીત પ્રકારનું ગીત ગાનારા પ્રીતિ સાગર- બન્ને અલગ વ્યક્તિત્ત્વો હોય એમ લાગે. (પ્રીતિ સાગરની રાજ્યસભા ટીવી પર લેવાયેલી મુલાકાત અહીં સાંભળી શકાશે. )
'જુલી'ની સમાંતરે જ રજૂ થયેલી ફિલ્મ 'નિશાંત'માં સોળમી સદીમાં થઈ ગયેલા અને ઊર્દૂ ગઝલોનો પહેલવહેલો દિવાન તૈયાર કરનાર મોહમ્મદ કુલી કુતુબશાહની અતિ જાણીતી ગઝલ 'પિયા બાજ પ્યાલા પિયા જાયે ના' લેવામાં આવી છે. ફિલ્મમાં આ ગઝલ ટુકડે ટુકડે લેવામાં આવી છે. અહીં તે આખી સાંભળી શકાશે. (આ ગઝલના શબ્દોનો અર્થ 'રેખ્તા' સાઈટ પર જોઈ શકાશે. જે શબ્દનો અર્થ જાણવો હોય તેની પર કર્સર મૂકવાથી અર્થ દેખાશે. આ જ લીન્ક પર એક યૂ ટ્યૂબ વિડીયો છે, જેમાં તેના એક શેરનો અર્થ સમજાવવામાં આવ્યો છે.) ગઝલના પરંપરાગત સંગીતની સાથે સાંભળવા મળતું પાશ્ચાત્ય સંગીત ફિલ્મની અલગ અલગ સિચ્યુએશન મુજબનું છે. 

                             
**** 


ક્યા હૈ તેરા ગમ બતા 
Shared with Public
નિર્માતા તરીકે શશી કપૂરે જે કેટલીક નોંધપાત્ર ફિલ્મો બનાવી તેમાં શ્યામ બેનેગલ નિર્દેશીત 'કલયુગ' (1981) નો ઉલ્લેખ કરવો જ પડે. કોર્પોરેટ જગત અને કૌટુંબિક કાવાદાવાઓની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મની કથાને મહાભારતની આધુનિક આવૃત્તિ સાથે સરખાવવામાં આવી હતી.
વનરાજ ભાટિયા અસલમાં શાસ્ત્રીય સંગીતનો જીવ, પણ તેઓ તાલિમબદ્ધ થયા પાશ્ચાત્ય સંગીતમાં. આથી તેમણે બન્ને પદ્ધતિની શ્રેષ્ઠતાઓ હસ્તગત કરી. રાજ્યસભા ટી.વી. પરના તેમના ઈન્ટરવ્યૂમાં તેમણે 'મેલડી' અને 'હાર્મની' વચ્ચેનો તફાવત એક ઉત્તમ શિક્ષકની જેમ સમજાવ્યો છે. એ પણ નવાઈની વાત કહેવાય કે આવા સંગીતકારના ભાગે ગીતો સ્વરબદ્ધ કરવાનાં સાવ ઓછાં આવ્યાં. મુખ્યત્વે કળાફિલ્મોના સંગીત નિર્દેશક તરીકે તેમની ઓળખ સીમિત થઈ ગઈ. તેમણે કરેલી ફિલ્મોની સંખ્યા કરતાં તેમણે સ્વરબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા ઓછી છે. આવો દાખલો કદાચ એકમેવ તેમનો જ હશે.
શાસ્ત્રીય અને લોકસંગીત પરની હથોટીનો પરચો તેમનાં ઘણાં ગીતોમાં સાંભળવા મળ્યો. ત્યારથી મને થતું હતું કે તેમણે પાશ્ચાત્ય સંગીતવાળું કોઈ ગીત બનાવ્યું હશે કે કેમ. એ વખતે 'કલયુગ'નું આ ગીત યાદ આવ્યું. બલદેવ ટંડનના શબ્દોને પ્રીતિ સાગર પાસે તેમણે ગવડાવ્યા છે. તદ્દન પશ્ચિમી ધૂનવાળા આ ગીતમાં વનરાજ ભાટિયાએ પોતાની આગવી છાપ ઉપસાવી છે. આ ગીતનાં પ્રીતિ સાગર જાણે કે 'મંથન' કે 'ભૂમિકા'નાં પ્રીતિ સાગર કરતાં સાવ અલગ જ હોય એમ લાગે. તેમના સ્વરની તાજગી કર્ણાકર્ષક છે.


**** 
પૃથ્વી કા કૌન હૈ કર્તા.... 


Shared with Publicદૂરદર્શન પરથી પ્રસારિત થયેલી શ્રેણી 'ભારત એક ખોજ' કદાચ અભૂતપૂર્વ ગણાવી શકાય એવી હતી. જવાહરલાલ નહેરુની જન્મશતાબ્દિ નિમિત્તે દૂરદર્શને પોતે આ શ્રેણીનું નિર્માણ કર્યું, જેના દિગ્દર્શનની જવાબદારી શ્યામ બેનેગલને સોંપવામાં આવી. જવાહરલાલ નહેરુ લિખિત અદ્‍ભુત પુસ્તક 'ડીસ્કવરી ઑફ ઈન્ડિયા'ને એ રીતે નાનકડા પડદે ચિત્રિત કરવાનું નક્કી થયું, જે કુલ બાવન હપ્તામાં પથરાયેલું હતું.
ભારતમાં આર્યોના આગમનથી લઈને દેશની સ્વતંત્રતા ચળવળ સુધીના ઈતિહાસને આટલા હપ્તામાં આવરી લેવાનો હતો. દરેક હપ્તો એકબીજાથી સાવ અલગ સમયગાળો, પાત્રો અને કથાવસ્તુ દર્શાવતો હોય એવો હતો. રામાયણ, મહાભારત, બુદ્ધ, મૃચ્છકટિકમ, ચાણક્ય, કાલિદાસ, ટીપુ સુલતાન, સમ્રાટ અશોક, હર્ષ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જેવા અનેકાનેક વિવિધ વિષયોને કુશળતાપૂર્વક દર્શાવવામાં શ્યામ બેનેગલે કમાલ કરી હતી.
તેની કથનશૈલી એ રીતે હતી કે નહેરુની ભૂમિકા ભજવતા રોશન શેઠ પોતાનું દર્શન રજૂ કરે અને હપ્તો શરૂ થાય. નહેરુ વચ્ચે વચ્ચે પણ દેખા દે. થોડો ભાગ નહેરુ બોલે, અને કથન લાંબું હોય તો તે ઓમ પુરીના અવાજમાં આગળ વધારવામાં આવે.
1989માં પહેલી વાર પ્રસારિત થયા પછી અનેક વાર આ શ્રેણી દૂરદર્શન કે મેટ્રો ચેનલ પરથી પ્રસારિત થઈ.
નહેરુને પડદા પર દેખાડાતા હોવાને કારણે ઘણા બધા લોકો એવા હતા કે જેમણે આ સિરીયલ જોવાનું માંડી વાળેલું. હવે તો આ શ્રેણી સી.ડી. સ્વરૂપે ઉપલબ્ધ છે, અને તેના મોટા ભાગના હપ્તા યૂ ટ્યૂબ પર સુલભ છે.
1989માં આ શ્રેણી આવતી ત્યારે અમે શક્ય હોય ત્યાં સુધી તેને જોતા. ત્યાર પછી એક વિચાર આવ્યો કે આનું રેકોર્ડિંગ કરીએ. રેકોર્ડિંગ માટે વી.સી.આર. અને વિડીયો કેસેટની જરૂર પડે. વી.સી.આર. લાવવાનો જોગ હતો નહીં, તેથી અમે કોરી વિડીયો કેસેટ ખરીદતા અને વડોદરા હું જેમને ત્યાં રહેતો એ હેમંતભાઈ ઊપાધ્યાયના પાડોશી નીતિનભાઈ છાયાને આપી રાખતો. નીતિનભાઈ યાદ રાખીને આ શ્રેણીનું રેકોર્ડિંગ કરતા. 120 મિનીટની એક કેસેટમાં આશરે અઢીથી ત્રણ હપ્તા સમાઈ શકતા. (પછી કદાચ બિનીત મોદીને એ કામ સોંપેલું એવું આછું યાદ છે.)
જો કે, એ વિડીયો કેસેટ જોવાનું કદી બન્યું નહીં. હવે તો એની ડી.વી.ડી. પણ છે, અને યૂ ટ્યૂબ પર આસાનીથી જોઈ શકાય છે. એટલે મન પડે ત્યારે કોઈ પણ હપ્તો જોઈ લેવાનું મન હજી થયા કરે છે.
આ શ્રેણી પ્રસારિત થતી હતી ત્યારે શ્યામ બેનેગલથી અતિ પ્રભાવિત થયેલા હું અને ઉર્વીશ અમારી મુંબઈ મુલાકાત દરમિયાન તેમને મળવા ગયા હતા. એ રસપ્રદ મુલાકાતની થોડી તસવીરો ઉર્વીશે તેના બ્લોગ પર http://urvishkothari-gujarati.blogspot.in/2010/05/400.html મૂકેલી છે. તેની વાતો ફરી ક્યારેક.
આ શ્રેણીમાં અમને સૌથી વધુ આકર્ષી ગયું હોય તો તેનું સંગીતનું પાસું. સ્વાભાવિકપણે જ તે વનરાજ ભાટિયાએ સંભાળેલું. તેનાં શરૂઆતનાં અને અંતિમ ટાઈટલ એક એવો માહોલ ઊભો કરી દેતા કે તમે અધવચ્ચે ઊભા થઈ જ ન શકો.
નહેરુના પ્રતિક જેવા એક ગુલાબની છબિ પર ટાઈટલ આરંભાતા અને સમાપન પણ થતું. કોરસમાં વેદની ઋચાઓનું ગાન સંસ્કૃતમાં શરૂ થતું, અને પછી વસંત દેવે કરેલો તેનો હિન્દી અનુવાદ આરંભાતો. આરંભ અને સમાપનમાં શૈલી એક હોવા છતાં તે અલગ હતાં. સમાપનનાં ટાઈટલ પૂરાં ન થાય ત્યાં સુધી તે જોવા ફરજિયાત બની રહેલા. આરંભના ટાઈટલ તો એવા મોઢે થઈ ગયેલા કે ખબર જ હોય કે વસંત દેવનું નામ આવે એ પછી સંગીત ગતિ પકડશે. તેનો હિન્દી અનુવાદ પણ મોઢે થઈ ગયેલો અને ક્યારેક 'સૃષ્ટિ કા કૌન હૈ કર્તા' જેવી પંક્તિ લલકારી પણ દેવાતી.
વનરાજ ભાટિયાએ સંગીતકાર તરીકે દાખવેલી કમાલ માત્ર આ સીધાસાદા જણાતા ટાઈટલ સાંભળતાં ખ્યાલ આવી જશે. આગળ જતાં શરૂ થયેલી શ્રેણી 'ચાણક્ય'માં પણ આ જ શૈલી અપનાવાયેલી.
અહીં આ શ્રેણીના ટાઈટલ અને અંતમાં આવતા, તેમજ એ ઉપરાંતના ઋચાગાનની લીન્ક આપી છે, જે આ શ્રેણીના પહેલા હપતામાં હતું. 



**** 
ઓ રબ્બા...
દૂરદર્શનના સુવર્ણયુગમાં પ્રસારિત થયેલી સિરીયલ 'તમસ' સૌને યાદ હશે. એક એક કલાકના કુલ પાંચ હપ્તા દર શનિવારે રાત્રે પ્રસારિત થતા ત્યારે ટી.વી.ની સામે રીતસર ચોંટી જવાતું. ભીષ્મ સાહનીની નવલકથા 'તમસ' પરથી ગોવિંદ નિહલાણીએ દિગ્દર્શીત કરેલી આ શ્રેણી પ્રસારિત થયા અગાઉ વિવાદાસ્પદ બની હતી અને જસ્ટિસ સુજાતા મનોહર તથા બખ્તાવરની બેન્ચે તેને જોઈને તેને પ્રસારિત કરવાનો ચુકાદો આપ્યો હતો. ત્યાર પછી થિયેટરમાં તે ત્રણ કલાકની ફિલ્મ તરીકે પ્રદર્શિત થઈ હતી, પણ તેમાં આડેધડ કાપકૂપ હોવાથી મઝા નહોતી.
આ શ્રેણીનાં અનેક દૃશ્યો મન પર અમીટ બની રહ્યાં છે, પણ તેનું નામ લેતાં સૌથી પહેલું યાદ આવે તેનું ટાઈટલ મ્યુઝીક. 1947ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ શ્રેણીમાં વિભાજનને કારણે પેદા થયેલી ત્રાસદી, વેદના, પીડા, માનવમાં પ્રગટી ઊઠેલી દાનવતા વગેરે કેન્‍દ્રસ્થાને હતાં. બિલકુલ આ જ ભાવોને શિર્ષક સંગીતમાં આબેહૂબ તાદૃશ્ય કરાયા હતા. 'ઓ રબ્બા'નો આર્તનાદ સાંભળતાં જ રુંવાડાં ઊભા થઈ જાય એવી વેદના, વિષાદ અને વ્યગ્રતા તેનાથી પેદા થતાં હતાં.
આવું અનોખું શિર્ષક સંગીત ભાગ્યે જ કોઈ ટી.વી.શ્રેણીનું બન્યું હશે.
આજે પણ તેને સાંભળતાં એ જ લાગણી અનુભવાય છે.
અહીં પ્રસ્તુત છે તેનું શિર્ષકસંગીત.


****

બરસે ઘન સારી રાત 
પ્રચંડ પ્રતિભાશાળી, પણ વીસરાયેલા, ઉપેક્ષિત અને બે એક વરસ અગાઉ એ જ કારણે પ્રસાર માધ્યમોમાં ચમકેલા પ્રિય સંગીતકાર વનરાજ ભાટિયાએ 93 વર્ષે વિદાય લીધી.
આટલી પાકટ વયે, અને આ અવસ્થાએ વિદાય લેનાર સંગીતકારને સાચી શ્રદ્ધાંજલિ તેમનાં ગીતો કે સંગીત દ્વારા જ હોય. કુમાર સાહની દિગ્દર્શીત ફિલ્મ 'તરંગ'નું લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત સાંભળતા તેમની કાબેલિયતનો અંદાજ આવશે! આ દિવ્ય ગીત કદી ડબ્બામાંથી બહાર જ નીકળી ન શક્યું. લતા મંગેશકરે પોતાનો સુવર્ણ યુગ વીતી ગયા પછી ગાયેલાં અત્યંત અદ્‍ભુત ગણતરીનાં ગીતોમાં આ બેશક સ્થાન પામે એવું છે. 



**** 
સંતાન પર વધુ અધિકાર કોનો? માતાનો કે પિતાનો? નાનકડી ઈન્દુને તેની મા નિરૂપમા ચિત્રકાર બનાવવા ઈચ્છતી હોય છે. પિતા કૅપ્ટન હરિનાથ ઈચ્છે છે કે ઘરના બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળીને દીકરી કોલકાતા જેવા મોટા શહેરમાં જાય અને ભણેગણે. મા પોતાની દીકરી પરના અધિકારને, માલિકીભાવને કોઈ પણ ભોગે છોડવા નથી માગતી. પતિ અને પત્ની વચ્ચે દેખીતો વિસંવાદ છે. કૅપ્ટન હરિનાથ વૈજ્ઞાનિક સંશોધન પણ કરતા હોય છે. સ્ટ્રોબોસ્કોપ વડે અવકાશી પદાર્થોના ટુકડા અંગેની વિગતો મેળવે છે. નિરૂપમા ડૉ.સેનને કહે છે કે પતિ માઈક્રોસ્કોપની મદદથી દૂરના અવકાશી પદાર્થો નિહાળી રહ્યા હોવાનો દાવો કરે છે. આખરે નિરૂપમા પોતાનું ધાર્યું કરાવવા માટે પોતાના પતિના મનમાં શંકાનું બીજ રોપી દે છે કે પુત્રી ઈન્દુના પિતા અન્ય કોઈ વ્યક્તિ છે. આ બીજ ફાલીને વૃક્ષ બનવા લાગે છે ત્યારે નિરૂપમા સોગંદ ખાઈને કહે છે કે કૅપ્ટન જ ઈન્દુના પિતા છે. પણ કૅપ્ટનની મનોદશા ત્યારે શંકાશીલ બની ચૂકી હોય છે. માઈક્રોસ્કોપવાળાં તેમજ અન્ય ઉદાહરણો દ્વારા ડૉ. સેનના મનમાં પોતાના પતિ પાગલ હોવાનું ઠસાવવામાં નિરૂપમા સફળ થાય છે, નિર્બળ, નાજુક, નમણી દેખાતી નિરૂપમા વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે આખરે અન્ય સૌની નજરમાં જ પતિને પાગલ ઠરાવી દે છે. કડક, કઠોર દેખાતા કૅપ્ટન પડી ભાંગે છે.
માત્ર એક જ સેટ પર ફિલ્માવાયેલી આ ડાર્ક કથા હકીકતમાં સ્વિડીશ નાટ્યકાર ઑગષ્ટ સ્ટ્રીન્ડબર્ગના વિખ્યાત નાટક 'ધ ફાધર'નું ફિલ્મી પડદે રૂપાંતર છે. વિજય ભગત, શિખા રાય અને ઈરફાન જેવા પ્રમાણમાં ઓછા જાણીતા કલાકારોએ વિવિધ ભૂમિકા ભજવી છે. સત્યદેવ દુબે અને દીના પાઠક પણ એક ભૂમિકામાં છે. ગોવિંદ નિહલાણી દિગ્દર્શીત 'પિતા' ફિલ્મની આ વાત છે, જે 1991માં રજૂઆત પામી હતી. ફિલ્મની પૃષ્ઠભૂમિ બંગાળી બતાવી છે.
સામાન્ય રીતે ટાઈટલ મ્યુઝીકની આ શ્રેણીમાં ફિલ્મની કથા અંગે હું ખાસ જણાવતો નથી. પણ મને લાગે છે કે આ ફિલ્મમાં એક અગત્યનું પાત્ર છે તેનું સંગીત. વનરાજ ભાટિયાનું સંગીત સમગ્ર ફિલ્મમાં એ રીતે પૂરક બની રહે છે કે જાણે દર્શકના મન પર આવનારા ભાવિનો ઓથાર છવાયેલો રહે. મેં તો કમ્પ્યુટરના પડદે જોઈ છતાં મને એમ અનુભવાયું. કદાચ મોટા પડદે એ વધુ ઘેરી અસર ઉપજાવતું હશે. આ પ્રકારના સંગીતમાં વનરાજ ભાટિયા બહુ જ કુશળ છે. એનો અનુભવ 'ખામોશ', 'જુનૂન' અને 'તમસ' જેવી ફિલ્મોમાં થઈ ચૂક્યો છે.
'પિતા'ના ટાઈટલ મ્યુઝીકનું વર્ણન કરવું મુશ્કેલ છે. ક્રમબદ્ધ રીતે ઘેરા અને ઉદાસ સૂરો જાણે કે આગળ વધતા હોય એમ લાગે છે. (આ મારું અર્થઘટન છે. જાણકાર મિત્રો વધુ પ્રકાશ પાડશે તો આનંદ) વાતાવરણ બોઝિલ બનતું જતું હોય એમ અનુભવાતું જાય છે, જે કદાચ ટાઈટલમાં જ ફિલ્મની કથાના વાતાવરણનો આભાસ ઊભો કરે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્ક ત્રણ ભાગમાં છે. પહેલા ભાગમાં ફિલ્મના આરંભે 0.00 થી 1.42 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


ત્રીજા ભાગના અંતે 12.39થી 14.20 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જે ફિલ્મના કરુણાંતને વધુ ઘેરો બનાવે છે.


****
તેમનો ઈન્ટરવ્યૂ લેવો બહુ અઘરો છે. એમ કેમ એ તો રાજ્યસભા ટી.વી.પરનો આ પચીસેક મિનીટનો ઈરફાને લીધેલો ઈન્ટરવ્યૂ જોશો તો સમજાઈ જશે.
સંગીતનું પદ્ધતિસર શિક્ષણ પામેલો માણસ કશી સ્ટાઈલબાજી કે ફાંકા ફોજદારી વિના, માત્ર પોતાની પ્રતિભાના જોરે, કાણાને કાણો કહી દેવાની- આ લાઈનમા જરાય ન ચાલે એવી ખાસિયત છતાં સંગીતકાર બને અને વિષયની રીતે પડકારજનક કહેવાય એવા સમાંતર સિનેમાની ફિલ્મોમાં સંગીત આપે, ગીતો બનાવે, એવી ફિલ્મો જેમાં ગીતોની સિચ્યુએશન જ ન હોય, માત્ર પાર્શ્વસંગીત જ હોય, ફિલ્મમાં એકલદોકલ ગીત હોય તો પણ તેને ત્રણ કટકે પડદે દેખાડવામાં આવ્યું હોય...છતાં તેનાં ગીતો એક વાર સાંભળ્યા પછી સતત મનમાં ગૂંજતાં રહે, સંગીતની અસર એવી થાય કે બેઠક સાથે ચોંટી જવાય....
વનરાજ ભાટિયાનો આ ઈન્ટરવ્યૂ અડધો કલાક કાઢીને જોવા જેવો છે. બમ્બૈયા ગુજરાતી હિન્દીમાં તેમનો મિજાજ બરાબર દેખાય છે. એ સાંભળ્યા પછી તેમનાં ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો યૂ ટ્યૂબ હાજરાહજૂર છે.



તેમનો વિષાદયોગ અને ઉપેક્ષિત અવસ્થા જોતાં તેમનો છૂટકારો થયો એમ કહી શકાય, પણ તે જે આપીને-મૂકીને-સર્જીને ગયા છે એ આખો એક યુગ હતો!

(નોંધ: ફેસબુક પર વનરાજ ભાટિયાનાં ગીતો વિશે વખતોવખત કશુંક મૂકતો રહ્યો હતો. એ તમામ પોસ્ટનું અહીં સંકલન કરીને એક સાથે તેનો આસ્વાદ માણી શકાય એ રીતે મૂકી છે.) 

Sunday, February 27, 2022

બપ્પી લાહિડી: ઐસા ના સિતમ કરો..

સંગીતકાર બપ્પી લાહિડીનું 69 વર્ષની વયે, 15 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું. હિન્‍દી ફિલ્મોના સંગીતકારોની પ્રથમ પેઢી જો આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, ખેમચંદ પ્રકાશ કે ગુલામ હૈદર વગેરેને ગણીએ, શંકર-જયકિશન, મદનમોહન, નૌશાદ, સી. રામચંદ્ર, ઓ.પી.નય્યર, હેમંતકુમાર, એસ.ડી.બર્મન વગેરે જેવા સંગીતકારોની પેઢીને દ્વિતીય ગણીએ, અને લક્ષ્મીકાન્‍ત પ્યારેલાલ, આર.ડી. બર્મન જેવા સંગીતકારોને ત્રીજી પેઢીના ગણીએ તો બપ્પી લાહિડીને ચોથી પેઢીના ગણાવી શકાય. બપ્પીના પિતાજી અપરેશ લાહિડી અને માતા બાંસુરી લાહિડી બન્ને સંગીતક્ષેત્ર સાથે સંકળાયેલાં હોવાથી તેમને સંગીત વારસામાં મળ્યું હતું એમ કહી શકાય. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તેણે તબલાવાદનનો આરંભ કરી દીધો હતો. કહેવાય છે કે નાનપણથી અમેરિકન ગાયક એલ્વિસ પ્રિસલી તેમનો આદર્શ હતો.

(બપ્પી લાહિડીની પહેલી હિન્‍દી ફિલ્મ) 

1973માં રજૂઆત પામેલી શોમુ મુખરજી દિગ્દર્શીત ફિલ્મ ‘નન્હા શિકારી’ દ્વારા તેમનો ફિલ્મસંગીતક્ષેત્રે પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાના મૂળ નામ આલોકેશને બદલે હુલામણું નામ ‘બપ્પી’ રાખ્યું. ‘નન્‍હા શિકારી’ ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં, જેમાંનું શિર્ષક ગીત ‘નન્‍હા શિકારી’ અલગ અલગ રીતે ચાર ભાગમાં હતું અને કિશોરકુમારે ગાયેલું હતું.  આ ઉપરાંત એક ગીત મુકેશ અને સુષમા શ્રેષ્ઠે, એક ગીત આશા ભોંસલેએ તેમજ એક ગીત આશા અને કિશોરકુમારે ગાયેલું હતું. આ ફિલ્મનું પાર્શ્વસંગીત મોહમ્મદ શફીએ તૈયાર કર્યું હતું. એ જ વર્ષે રજૂઆત પામેલી, દેખાવડા ક્રિકેટર સલીમ દુર્રાનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી બી.આર.ઈશારા દિગ્દર્શીત ફિલ્મ ‘ચરિત્ર’માં પણ બપ્પીનું સંગીત હતું. જો કે, આ ફિલ્મમાં એકે ગીત નહોતાં. ફિલ્મમાં આવતા રામાયણના દોહા બપ્પીએ પોતે ગાયા હતા. 1974માં આવેલી ‘બાઝાર બંદ કરો’નાં ચાર ગીતો પૈકીનાં બે ગીતો આશાનાં એકલ ગીતો, એક આશા-કિશોરનું યુગલ ગીત અને એક ગીત મુકેશના સ્વરમાં હતું. આ ગીતોમાં તેમની એવી કોઈ ખાસ મુદ્રા ઉપસી નહોતી. ‘બાઝાર બંદ કરો’નું ‘પ્યાસી નિગાહોં મેં સાવન’ આર.ડી.ના ગીત જેવું જણાય. તો મુકેશના દર્દભર્યા સ્વરમાં ગવાયેલું વિદાયગીત ‘મોહે કર દે વિદા’ પણ ખાસ નોંધપાત્ર ન બની શક્યું. 


 1975માં રજૂઆત પામેલી ‘ઝખ્મી’નાં ગીતો ઘણા લોકપ્રિય થયા. કિશોરકુમાર અને આશાનું યુગલ ગીત ‘જલતા હૈ જીયા મેરા’, લતા અને સુષમા શ્રેષ્ઠનું યુગલ ગીત ‘આઓ તુમ્હેં ચાંદ પે લે જાયે’, લતા મંગેશકરે ગાયેલું ‘અભી અભી થી દુશ્મની’ અને કિશોરકુમાર તેમજ સાથીઓનું ‘આલી રે આલી રે આલી હોલી, આઈ મસ્તાનોં કી ટોલી’નો ઉલ્લેખ વિશેષ રીત કરી શકાય. એ વરસે આવેલી ‘છોટી સી બાત’ (સલીલ ચૌધરી), ચુપકે ચુપકે (એસ.ડી.બર્મન), ધર્માત્મા (કલ્યાણજી આણંદજી), ધરમ કરમ (આર.ડી.બર્મન), ગીત ગાતા ચલ (રવીન્‍દ્ર જૈન), જય સંતોષી મા (સી. અર્જુન), જુલી (રાજેશ રોશન), શોલે, ખેલ ખેલ મેં, ખુશ્બૂ (ત્રણે આર.ડી.બર્મન) સહિત બીજી અનેક સંગીતમય ફિલ્મો વચ્ચે પણ ‘ઝખ્મી’નાં ગીતોએ પોતાનું સ્થાન બનાવ્યું. અલબત્ત, ગીતોની લોકપ્રિયતાના માપદંડ સમા ત્યારના કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’નાં બત્રીસ વાર્ષિક ગીતોની સૂચિમાં તેનું સ્થાન ક્યાંય નહોતું.

1976માં રજૂઆત પામેલી ‘ચલતે ચલતે’નાં ગીતો, ખાસ કરીને કિશોરકુમારે ગાયેલું ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’ વિશેષ લોકપ્રિય બન્યું અને એક રીતે બપ્પી લાહિડીની ઓળખ તેનાથી ઊભી થઈ એમ કહી શકાય. આ ફિલ્મનાં આ સિવાયનાં ગીતો ‘જાના કહાં હૈ. પ્યાર યહાં હૈ’ (બપ્પી, સુલક્ષણા પંડિત), ‘દૂર દૂર તુમ રહે, પુકારતે હમ રહે’ (લતા), ‘પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ’ (શૈલેન્‍દ્રસિંઘ, લતા) અને ‘સપનોં કા રાજા કોઈ’ (શૈલેન્દ્રસિંઘ, સુલક્ષણા પંડિત) એકદમ કર્ણપ્રિય હતાં. આજે પણ એ સાંભળવાં ગમે એવાં છે. અલબત્ત, બપ્પીની આગવી મુદ્રા જેમાં ઉપસી હોય એવું ગીત ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’ બની રહ્યું. તંતુવાદ્યથી ગીતના આરંભિક સંગીતનો ઉપાડ, એ પછી લયના પ્રવેશ સાથે કોરસગાન, અને કોરસગાન પૂરું થયા પછી, લય અટકે એટલે એકલગીતનો આરંભ- આ શૈલી તેમની આગવી કહી શકાય એવી અને મધુર હતી, કેમ કે, બાકીની કસર ગાયકી પૂરી કરી દેતી હતી. બપ્પીએ આગળઉપર પણ આ એક જ શૈલીને અનેક વાર પુનરાવર્તિત કરી.

કેટલાંક ઉદાહરણ:

1.    માના હો તુમ, બેહદ હસીં (યેસુદાસ/તૂટે ખિલોને/1978)

2.   પ્યાર માંગા હૈ તુમ્હીં સે (કિશોરકુમાર/કોલેજ ગર્લ/1978)

3.   હાં પહલી બાર, એક લડકી મેરા હાથ પકડકર બોલી હાં રે હાં (કિશોર/ઔર કૌન?/ 1979)

4.   તુમ્હારા પ્યાર ચાહિયે મુઝે જીને કે લિયે (બપ્પી/મનોકામના/1979)

5.   સપનોં કે શહર, હમ બનાયેંગે ઘર (કિશોરકુમાર/એહસાસ/1979)

6.   મુસ્કુરાતા હુઆ, ગુલ ખિલાતા હુઆ મેરા યાર (કિશોરકુમાર/લહૂ કે દો રંગ/1979)

7.   તેરી છોટી સી એક ભૂલને સારા ગુલશન જલા દિયા (યેસુદાસ/શિક્ષા/1980)

8.   એક બાર કહો (બપ્પી, સુલક્ષણા પંડિત/એક બાર કહો/1980)

9.   યે જિંદગી ચમન હૈ (યેસુદાસ/કિસ્મત/1980)

10.  વાદા હૈ ક્યા, ક્યા કસમ હૈ (કિશોરકુમાર/ટેક્સીચોર/1980)

1976થી 1980ના માત્ર ચાર જ વરસના ગાળામાં આવેલાં આ ગીતો મધુર અવશ્ય હતાં, પણ એ એક જ બીબાંનાં હતાં એ સંગીતના સામાન્ય જાણકારને પણ સાંભળતાંવેંત ખ્યાલ આવી જશે. આવાં બીજાંય હશે. 

મિથુન ચક્રવર્તી સાથે બપ્પી લાહિડીનું સંયોજન થયું એ સાથે બપ્પીના સંગીતમાં પરિવર્તન આવ્યું હોય એમ જણાય. એમાં ‘ડિસ્કો’ તરીકે ઓળખાતા સંગીતનો પ્રવેશ થયો. એ પશ્ચિમી અને ધમાલિયું સંગીત હતું એ તો ઠીક, પણ એ ગીતો એકવિધ હતાં. ખાસ કરીને ‘સુરક્ષા’, ‘વારદાત’, ‘સાહસ’, લાપરવાહ જેવી ફિલ્મોનાં ગીતો. આ ફિલ્મોનાં ઘણાં ગીતોમાં તાલ (બીટ્સ) અને પશ્ચાદ્‍સંગીતનું આવર્તન એનું એ તેમજ મર્યાદિત હતું.

ધીમે ધીમે બપ્પી લાહિડીએ ડિસ્કો સંગીતનું પ્રમાણ વધારવા માંડ્યું. ડિસ્કો ગીતમાં પણ માધુર્ય હોઈ શકે છે, પણ તેમના સંગીતમાં ઘોંઘાટ વધુ જણાતો. એ અરસામાં ‘પ્યારા દુશ્મન’ (1980)નું ‘હરિ ઓમ હરિ’, ‘અરમાન’નું ‘રમ્બા હો હો હો’ (1981), ‘દો ઉસ્તાદ’નું ‘પ્યાર મેં જીના, પ્યાર મેં મરના, પ્યાર સે લેના હૈ ઉસકા નામ, રાધેશ્યામ’ (1982) જેવાં ઉષા ઉથુપે ગાયેલાં ગીતો જબરદસ્ત લોકપ્રિય બન્યાં. એ કદાચ સંગીતના બદલાતા જતા યુગની નિશાની હતી. 1981માં રજૂઆત પામેલી ‘ડિસ્કો ડાન્‍સર’નાં ગીતો ખૂબ લોકપ્રિય બન્યાં, અને આજે પણ બપ્પી લાહિડી એના થકી ઓળખાય છે. છતાં આ ગીતો એ જ એકવિધ બપ્પી શૈલીનાં હતાં.

મિથુન ચક્રવર્તીની ઈમેજ ‘ડાન્‍સિંગ સ્ટાર’ તરીકે ઉપસાવવામાં બપ્પીના સંગીતનું મોટું પ્રદાન હતું. એ દરમિયાન અભિનેતા જિતેન્‍દ્રની કારકિર્દીની નવી ઈનિંગ્સ ‘હિમ્મતવાલા’(1983)થી આરંભાઈ. દક્ષિણ ભારતના નિર્માતાઓની આ સામાજિક ફિલ્મોમાં બપ્પી લાહિડીનું સંગીત ચાલવા લાગ્યું. ‘જસ્ટિસ ચૌધરી’ (1983), ‘મવાલી’ (1983), ‘તોહફા’ (1984), ‘મક્સદ’ (1984), ‘કૈદી’ (1984), ‘કામયાબ’ (1984), ‘હૈસિયત’(1984), ‘હોશિયાર’ (1985), ‘પાતાલભૈરવી’ (1985), ‘મજાલ’ (1987) જેવી ફિલ્મોનાં ગીતો બહુ લોકપ્રિય બનવા લાગ્યાં. આ ગીતોમાં બપ્પી લાહિડીના સંગીતમાં હોઈ શકે એવું અને એટલું જ વૈવિધ્ય હતું. વચગાળામાં પ્રકાશ મહેરાની ‘નમકહલાલ’ (1982) અને ‘શરાબી’ (1984) જેવી અમિતાભ બચ્ચનની ભૂમિકાવાળી ફિલ્મોનાં ગીતો બહુ ચાલ્યાં.


વચગાળામાં પ્રવેશેલા ગોવિંદા શરૂઆતમાં ‘ગરીબ નિર્માતાઓના મિથુન’ તરીકે ઓળખાવા લાગ્યા. (મિથુન શરૂઆતમાં ‘ગરીબ નિર્માતાઓના અમિતાભ’ તરીકે ઓળખાતા) તેમની મિથુનની જેમ ‘ડાન્‍સિંગ સ્ટાર’ તરીકેની ઈમેજ ઉપસાવવામાં બપ્પી લાહિડીની ‘ઈલ્ઝામ’(1983), ‘પ્યાર કર કે દેખો’ (1987), આંખેં (1993) કેટલીક ફિલ્મોના સંગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આમ, બપ્પી લાહિડીનું સંગીત બરાબર ચાલી નીકળ્યું. કદાચ 1980ના દાયકામાં તેમણે સુવર્ણ અલંકારો ધારણ કરવાનું શરૂ કર્યું હશે એમ ધારી શકાય, કેમ કે, સફળતાને પગલે આગવી ઓળખ ઉપસાવવાની જરૂર જણાઈ હશે અને એવી ઓળખ ઉપસાવવી સરળ પણ પડે.

બપ્પી લાહિડીનું નામ ચલણી બન્યું એવે સમયે હૃષિકેશ મુખરજીએ સીત્તેરના દાયકામાં મુખ્યત્વે સચીન દેવ બર્મન (અભિમાન, ચુપકે ચુપકે, મીલી) અને રાહુલ દેવ બર્મન (નમકહરામ, ગોલમાલ, જુર્માના, ખૂબસૂરત, નરમગરમ, બેમિસાલ) જેવા સફળ સંગીતકારો સાથે કામ કર્યા પછી પોતાની ફિલ્મ ‘જૂઠી’ (1985)માં બપ્પીને સંગીતકાર તરીકે લીધા. માયા ગોવિંદ અને બપ્પી લાહિડીની જોડી ગુલઝાર- આર.ડી.બર્મન જેવો જાદુ પેદા ન કરી શકી. આ ફિલ્મનાં પાંચ ગીતો પૈકીનું યાદ રહે એવું એક માત્ર ગીત ‘ચંદા દેખે ચંદા’ બિલકુલ એસ.ડી./આર.ડી.ની શૈલીની નકલ જેવું હતું. જે રીતે બપ્પી લાહિડીનું સંગીત સફળ થઈ રહ્યું હતું, અને આર.ડી.બર્મનની ફિલ્મો એક પછી એક નિષ્ફળ જઈ રહી હતી એને કારણે આર.ડી.બર્મન અતિશય અસલામતી અનુભવવા લાગ્યા હતા, એવી વાત સાંભળવામાં આવેલી. બપ્પી આર.ડી.બર્મનની પાશ્ચાત્ય શૈલીની નકલ આડેધડ કરવા લાગ્યા એમ ઘણા માને છે, પણ બપ્પી મોટા ભાગનાં ગીતોમાં પોતાની જ નકલ કરતા હતા.

અલંકારોની સાથેસાથે અહંકાર પણ તેમનામાં પ્રવેશતો હતો એમ તેમના આપેલા ઈન્‍ટરવ્યૂમાં જણાતું. 1989-90ના અરસામાં ‘ફિલ્મફેર’ને આપેલા એક ઈન્‍ટરવ્યૂમાં તેમણે કહેલું, ‘એમ તો હજી નૌશાદ જીવે છે, છતાં નિર્માતાઓ શા માટે મારી પાસે આવે છે?’ આ ઈન્‍ટરવ્યૂ પ્રકાશિત થયો એ પછીના અંકમાં વાચકોએ બપ્પીના માથે બરાબર અને યોગ્ય રીતે માછલાં ધોયાં હતાં.

આ ઈન્‍ટરવ્યૂ તેમણે સંભવત: ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પોતાનું નામ દર્જ થયું એ પછીના અરસામાં આપેલો. કયા હેતુસર તેમનું નામ દર્જ થયું? એક વર્ષમાં તેમના સંગીતવાળી સૌથી વધુ- 33 ફિલ્મો રજૂઆત પામી એ બદલ! 1989માં રજૂઆત પામેલી આ 33 ફિલ્મોનાં નામ જોઈએ:

1.આગ કા ગોલા 2. આખરી ગુલામ 3. ગૈરકાનૂની 4. ગરીબોં કા દાતા 5. જેન્‍ટલમેન (આનંદ-મિલિંદવાળી 1993ની) 6. ઘર કા ચિરાગ 7. ગોલાબારૂદ 8. ગુરુ (અભિષેક બચ્ચનવાળી અલગ) 9. હમ ભી ઈન્‍સાન હૈ 10. હમ ઈન્‍તજાર કરેંગે 11. કાલી ગંગા 12. કહાં હૈ કાનૂન 13. કાનૂન અપના અપના 14. કસમ વર્દી કી 15. ખોજ 16. ખૂની મુર્દા 17. લવ લવ લવ 18. મેં તેરે લિયે 19. મતલબી 20. મિટ્ટી ઔર સોના 21. મોહબ્બત કા પૈગામ 22. નાઈન્સાફી 23. નફરત કી આંધી 24. પાંચ પાપી 25. પાપ કા અંત 26. પ્રેમપ્રતિજ્ઞા 27. પ્યાર કે નામ કુર્બાન 28. સાયા 29. સચ્ચે કા બોલબાલા 30. સિક્કા 31. સ્ટેટ રાવડી 32. તૌહીન અને 33. ઝખમ.

આ 33 ફિલ્મોમાંથી બધું મળીને દસ ગીતો પણ યાદ આવે છે? બપ્પીને ‘પ્રિય’ એવા નૌશાદ સાથે સરખામણી કરીએ તો નૌશાદની માત્ર ત્રણ ફિલ્મો ‘મેલા’નાં ચૌદ, ‘અંદાઝ’ (1949)નાં દસ અને અમર’ (1954)નાં નવ એમ કુલ તેત્રીસે તેત્રીસ ગીતો સંગીતપ્રેમીઓ આજે પણ ભૂલી શકતા નથી. જો કે, આ સરખામણી જ અસ્થાને છે.

1980ના દાયકામાં હિન્‍દી ફિલ્મસંગીતમાંથી માધુર્યનું મૂળભૂત તત્ત્વ ગાયબ થવા લાગ્યું એમાં બપ્પી લાહિડીનું પ્રદાન ઘણું મોટું હતું. એ પણ કેવી વક્રતા કે ઈન્‍દીવર, અન્‍જાન જેવા દંતકથા સમા પ્રતિભાશાળી ગીતકારોના શબ્દોને પોતાના જીવનના આખરી તબક્કામાં બપ્પી લાહિડીના ઘોંઘાટિયા સંગીતમાં સ્થાન લેવાનું આવ્યું. આમ છતાં, એ સંગીત સફળ હતું એમાં કોઈ બેમત નહોતો.

નકલ હિન્‍દી ફિલ્મસંગીતમાં આદિકાળથી ચાલી આવી છે. પણ પ્રતિભાશાળી સંગીતકારો એ નકલને પોતાનો સંસ્પર્શ આપીને તેને પોતાની શૈલીમાં ઢાળતા. (‘ઝુક ગયા આસમાન’નું ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ ગીત એલિસ પ્રિસલીના આલ્બમ ‘માર્ગરીટા’ના એક ગીતની સીધી નકલ છે, છતાં હિન્‍દી ગીત સાંભળતાં જણાય કે એમાં શંકર-જયકિશનની મુદ્રા છે) બપ્પીએ ધૂનોની સીધી તફડંચી કરી, અને ‘પહેલી તફડંચી મેં કરી’ની વરવી સ્પર્ધાના સ્પર્ધક બની રહ્યા. (‘હમ’નું લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલનું ગીત ‘જુમ્મા ચુમ્મા દેદે’ અને ‘થાનેદાર’નું બપ્પીનું ગીત ‘તમ્મા તમ્મા લોગે’) આ બધું ‘પબ્લિક ડિમાન્‍ડ’ના નામે તેમણે કર્યું.

પોતાની કારકિર્દીમાં તેમણે 355 હિન્‍દી ફિલ્મો અને બીજી સાતેક ભાષામાં મળીને આશરે ચારસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે, જેમાં ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ હિન્‍દી ફિલ્મ ‘ફિર જનમ લેંગે હમ’ની રિ-મેક હતી, અને તેનાં ગીતોની ધૂન હિ‍ન્દી ગીતો જેવી જ હતી.


પછીના અરસામાં તેઓ પોતાના દેખાવ થકી વધુ ઓળખાતા રહેલા. તેમનાં કેટલાંય ગીતો હજી ઘણાને યાદ છે, કેમ કે, પ્રત્યેક પેઢી પોતાના સમયનાં ગીતોની સાથે ઉછરતી હોય છે. બપ્પી લાહિડીને એક અતિશય સફળ સંગીતકાર ગણાવી શકાય, સાથે એ પણ યાદ રાખવું રહ્યું કે સફળતા અને ગુણવત્તા બન્ને અલગ બાબતો છે. બપ્પી લાહિડી પ્રતિભાશાળી સંગીતકાર અવશ્ય હતા, પણ તેમની પ્રતિભા અતિ મર્યાદિત હતી. પુનરાવર્તન અને એકધારાપણું તેમનાં ગીતોની પ્રકૃતિ હતી. સમગ્રપણે તેમની કૌટુમ્બિક પૃષ્ઠભૂમિ જોઈએ તો સમજાય છે કે પોતે ગમે એવા પ્રતિભાશાળી માવતરનું સંતાન હોય, પોતાના યુગમાં ગમે એવા પ્રતિભાશાળી ગીતકારોના શબ્દોને સંગીતમાં ઢાળવાની તક મળી હોય, એ ઊંચાઈ પ્રાપ્ત કરવાના પ્રયત્નને બદલે બપ્પી લાહિડી એ સૌને પોતાના સ્તરે ઊતારી લાવ્યા. સોનાનાં ઘરેણાં પહેરવાં એ તેમનો અંગત શોખ હતો, પણ પોતાના સંગીત કરતાં પોતાના દેખાવથી સમાચારમાં રહેવાની પરંપરાનો આરંભ તેમના ખાતે લખી શકાય.

આશ્ચર્ય લાગે એવી વાત છે કે આટલા મર્યાદિત શૈલીના સંગીત થકી પણ તેમની આગવી ઓળખ ઉપસી. અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર બનેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ (2013)ના એક ગીત ‘ઉ લા લા, ઉ લાલા’માં બપ્પીએ સ્વર આપ્યો, એટલું જ નહીં, ફિલ્મના સંગીતકાર વિશાલ-શેખરે બપ્પીની શૈલીને અંજલિરૂપે તેમની શૈલીમાં જ એ ગીત સંગીતબદ્ધ કર્યું.

કિશોરકુમાર નિર્મિત-દિગ્દર્શીત-અભિનિત ફિલ્મ ‘બઢતી કા નામ દાઢી’માં બપ્પી લાહિડીએ પડદે દેખા દીધી હતી.

'બઢતી કા નામ દાઢી'માં બપ્પી (ડાબે), કિશોરકુમાર અને અમીતકુમાર 

મારા યુવાનીકાળમાં રેડિયો સાંભળવાના પ્રચંડ શોખને કારણે બપ્પી લાહિડીનાં નવાં ગીતો સાંભળવા મળતા, પણ એની સાથે કદી સંવેદનાત્મક જોડાણ સાધી ન શકાયું. કેમ કે, એ સમયગાળામાં 1950-60ના દાયકાનાં ગીતો ગમવા લાગ્યાં હતાં. આથી જ બપ્પી લાહિડીનાં ગીતો બાબતે કદી ‘નોસ્ટેલ્જિયા’ અનુભવાતી નથી, બલ્કે અંગતપણે ઘોંઘાટીયા સંગીતના યુગના પ્રણેતા તરીકે જ એ વધુ યાદ રહ્યા છે. 

આમ છતાં, ‘યે નૈના યે કાજલ યે ઝુલ્ફેં યે આંચલ’ (દિલ સે મિલે દિલ/1978), ‘સૈંયાં બિના ઘર સૂનાસૂના’ (આંગન કી કલી/1979), ‘રુઠો ના, રુઠો ના’ (એહસાસ/1979), ‘ચાહિયે થોડા પ્યાર, થોડા પ્યાર ચાહિયે’ (લહૂ કે દો રંગ/1979), ‘દિલ ધક ધક કરને લગા’ (પતિતા/1980), ‘દૂરિયાં સબ મિટા દો’ (સબૂત/1980), ‘આપને પ્યાર દિયા, પ્યાર સે માર દિયા’ (એગ્રીમેન્‍ટ/1980), ‘મમ્મી અચ્છી હૈ’ (પાંચ કૈદી/1981), ‘કિસી નજર કો તેરા ઈંતજાર આજ ભી હૈ’ (ઐતબાર/1985) જેવાં ગીતો સાંભળતાં બપ્પી લાહિડી યાદ આવશે ખરા.

(નોંધ: અહીં ઉલ્લેખાયેલાં લગભગ તમામ ગીતો યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સાંભળવા ઈચ્છનાર એ આસાનીથી સાંભળી શકશે.) 

(તસવીર: નેટ પરથી) 

Thursday, February 24, 2022

મુંબઈ સેન્‍ટ્રલના પ્લેટફોર્મ પર...

સ્થળ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું પ્લેટફોર્મ. સમય: સાંજના સાતેકનો. વર્ષ: આશરે 1975- 76નું.
પ્લેટફોર્મ પર અમદાવાદ જવા માટેની ટ્રેન ઊભેલી હતી. ટ્રેનના અનરિઝર્વ્ડ ડબ્બાઓમાં અને પ્લેટફોર્મ પર પુષ્કળ ભીડ હતી. એવે વખતે નવ-દસ વરસના નાનકડા એક છોકરાનો હાથ પકડીને એના પપ્પા ડબ્બે ડબ્બે ફરી રહ્યા હતા. બીજા હાથમાં થોડો સામાન હતો. દરેક ડબ્બાની બારીની નજીક જઈ એ બૂમ પાડતા, 'બાબુભાઈ...! એ બાબુભાઈ!'
બાબુભાઈ (સુરેન્‍દ્ર કોઠારી) એટલે એ સજ્જનના મોટા ભાઈ, જે મુંબઈ રહેતા હતા. એમને ત્યાં બાપ-દીકરો બન્ને રહેવા આવેલા. પાછા ફરવા માટેની ટિકિટ રિઝર્વ થઈ ન શકી હતી. આથી બાબુભાઈ બનતા સુધી પોતાની ઓફિસેથી સીધા સ્ટેશને આવી ગયેલા. તેમણે કોઈ એક ડબ્બામાં ચડી જઈને જગ્યા રોકેલી, પણ એ ક્યાં હતા એ ખબર શી રીતે પડે! જગ્યા રોકેલી હોવાથી એ પોતે તો ડબ્બાની બહાર નીકળી શકે એમ નહોતા. કદાચ અગાઉ થયેલી ગોઠવણ અનુસાર એમને આ રીતે બૂમ પાડીને શોધવાનું નક્કી થયું હશે.
પેલા છોકરાએ આવી ભીડ કદી જોયેલી નહીં. અને આ ભીડમાં પોતે પ્રવેશવાનું છે એ વિચારે એ સહેજ ડરી પણ ગયેલો. આથી તેણે પોતાના પપ્પાનો હાથ બરાબર પકડી રાખ્યો હતો.

**** **** ****
આ છોકરો તે હું એટલે કે બીરેન, અને મારા પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. પપ્પા વિશેની મારી કિશોરાવસ્થાની જે કેટલીક ફ્રેમ મનમાં સજ્જડ રીતે સચવાઈ ગઈ છે, એમાંની આ એક. આ દૃશ્ય મને ઘણી વાર ટાણેકટાણે યાદ આવતું રહે છે, અને જાણે કે હું મુંબઈની એ ભીડમાં ખોવાઈ જઈશ એવો એ સમયે મનમાં વ્યાપેલો ડર ક્ષણભર માટે પુનર્જિવીત થઈ ઉઠે છે. જો કે, હવે 'મોટા' થયા એટલે બહુ ઝડપથી એ ખંખેરાઈ જાય છે.
એ પછીના દસ-બાર વર્ષના ગાળામાં સંજોગો પલટાયા, અને સ્થિતિ એવી ઊભી થઈ કે પપ્પાને ચલાવતી વખતે એમનો હાથ પકડવો પડે. લકવાના જીવલેણ હુમલા પછી તે બચી ગયા અને ક્રમશ: હલનચલન પણ ઘણે બધે અંશે સ્વતંત્રપણે કરતા થયા, છતાં એમનો હાથ પકડીને જ અમે ચાલતા. ચાહે એ મમ્મી હોય, ઉર્વીશ હોય કે હું! એ સલામતિભર્યું હતું. આવી અવસ્થા પચીસેક વરસ સુધી રહી હતી.

**** **** ****

આજે એમની વિદાયને ચૌદ વરસ પૂરાં થયાં. મુંબઈ સેન્‍ટ્રલના પ્લેટફોર્મ પર એમનો હાથ પકડતાં જે સલામતિ મને અનુભવાયેલી એવી એમને મારો હાથ પકડતાં અનુભવાતી હશે કે કેમ એનો જવાબ મારે મેળવવો નથી, પણ મનમાં વિચારું છું.

Saturday, February 19, 2022

રાહુલ દેવ બર્મન: એકલ, છતાં યુગલ ગીતો

(આ પોસ્ટ વાંચતાં પહેલાં સૂચન: આ પોસ્ટમાં કુલ અગિયાર ગીતો છે. એ તમામ ગીતો આ જ ક્રમમાં, લખાણની સાથોસાથ વાંચતા જશો તો પોસ્ટના હાર્દને બહેતર રીતે માણી શકાશે. 

આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો જાણીતાં અને સાંભળેલાં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અહીં એક ચોક્કસ ઢબ, શૈલીની રીતે તેમને સાંકળ્યાં છે. આથી એ જાણીતાં હોવા છતાં, આ દૃષ્ટિકોણથી એને સાંભળતા જશો તો મઝા આવશે.) 

પડઘાનું આકર્ષણ માનવજાતમાં પહેલેથી હશે, અને હજી એ ઓસર્યું નથી એમ લાગે. કોઈ સ્થળે પડઘો પડે છે એવી ખબર પડે કે તરત કશુંક બોલીને તેનો પડઘો સાંભળવાની ઈચ્છા આપણને થઈ આવે છે. ફિલ્મનાં ગીતોમાં હવે ટેક્નોલોજીની મદદથી ‘ઈકો ઈફેક્ટ’ સહેલાઈથી મેળવી શકાય છે. પણ ટેક્નોલોજી આટલી સુલભ નહોતી ત્યારે સંગીતકારો માટે ગીતમાં પડઘાનો પ્રયોગ કરવાનો એક પડકાર હતો. ઘણા સંગીતકારોએ એવો પડકાર ઝીલવાની સફળ કોશિશ કરી હતી. 1957માં રજૂઆત પામેલી ફિલ્મ ‘નૌશેરવાન-એ-આદિલ’ના લતા મંગેશકરે ગાયેલા એક ગીત ‘આજા રાત ઢલી’માં સંગીતકાર સી.રામચન્‍દ્રે પડઘાની અસર બખૂબી નીપજાવી હતી. એ વખતનાં ટાંચા સાધનો વડે તેમણે એ શી રીતે કર્યું હશે એ સંશોધનનો વિષય છે. એ પછી 1960માં આવેલી ‘બમ્બઈ કા બાબુ’માં આશા ભોંસલે અને મહમ્મદ રફીએ ગાયેલા ગીત ‘દીવાના મસ્તાના હુઆ દિલ’ના અમુક હિસ્સામાં આશાના અવાજમાં ‘ઈકો ઈફેક્ટ’ સાંભળી શકાય છે. પછીના ગાળામાં આ સુવિધા આસાન બની, પણ અહીં જે પ્રકારનાં ગીતોની વાત કરવાની છે એ પ્રકાર જરા જુદો છે.

એક જ ગાયક કે ગાયિકાના સ્વરને બે અલગ અલગ સ્કેલ પર ગવડાવીને તેના મિક્સિંગ દ્વારા એ ગીત એકલ હોવા છતાં યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરાયો હોય એવો પ્રયોગ ખાસ કરીને રાહુલ દેવ બર્મને અનેક વાર કરેલો છે. આ પ્રયોગમાં ક્યારેક ‘ઈકો ઈફેક્ટ’ જોવા મળે છે, પણ એ ‘ઈકો ઈફેક્ટ’ કરતાં કંઈક વધુ છે. વિવિધ તબક્કે આર.ડી.બર્મને કરેલા આવા પ્રયોગો પરથી એ સમજાય છે કે આ પ્રકાર ખેડવાનો પડકાર તેમને બહુ પસંદ હતો અને વખતોવખત તેઓ એની વિવિધ રીતે અજમાયશ કરતા રહ્યા હતા. ટેક્નોલોજી સુલભ થયા પછી પણ તેમનું આ પ્રયોગનું આકર્ષણ ઓસર્યું નહોતું. આવાં કેટલાંક ધ્યાનમાં આવેલાં ગીતો વિશે વાત કરીએ.

1967માં રજૂઆત પામેલી ‘બહારોં કે સપને’ના ગીત ‘ક્યા જાનૂં સજન, હોતી હૈ ક્યા ગમ કી શામ’માં આ પ્રયોગ આર.ડી.બર્મનના સંગીતમાં કદાચ પહેલી વાર સાંભળવા મળે છે. આમાં મુખડું પૂરું થવા આવે ત્યારે અને અંતરો પુનરાવર્તિત થાય ત્યારે ફક્ત આલાપ મૂકાયો હતો. ગીત લતા મંગેશકરે ગાયું હતું. એટલે તેમનું મૂળ ગાયન ચાલુ હોય ત્યારે જ યોગ્ય સ્થાનોએ એમનો જ આલાપ સંભળાય, જેનો સ્કેલ સાવ જુદો હોય. આને કારણે બે અલગ ગાયિકાઓ હોવાનો આભાસ થાય. આ ગીત અહીં સાંભળી શકાશે.


1972માં રજૂઆત પામેલી ‘રાખી ઔર હથકડી’ના ગીત ‘આજા આજા સજન’માં આશા ભોંસલેના એકલ સ્વરને અલગ સ્કેલ પર ગવડાવવામાં આવ્યો. આ ગીતમાં મુખડું પૂરું થતા તેમજ અંતરાની સમાંતરે આવતા આલાપ ‘પા...પા...પા..’ તરીકે આ સ્વર મૂકાયો હતો. અહીં એ સાંભળી શકાશે.


અગાઉ 1971માં આવેલી ‘હરે રામ હરે કૃષ્ણ’ના અતિ વિખ્યાત ગીત ‘દમ મારો દમ’માં મુખડું અને અંતરામાં આશા ભોંસલેના અલગ સ્કેલનો ઉપયોગ રાહુલદેવ બર્મને કરેલો, પણ આ ગીતમાં બન્ને સ્કેલ એક સાથે જોવા મળે છે. એ જ પદ્ધતિ 1972માં રજૂઆત પામેલી ‘અનામિકા’ના ગીત ‘આજ કી રાત કોઈ આને કો હૈ’માં પણ ઉપયોગમાં લેવાઈ. એ ગીતમાં સ્વર આશા ભોંસલેનો જ હતો. તો 1972ની જ ફિલ્મ ‘જવાની દીવાની’ના ગીત ‘જાનેજાં ઢૂંઢતા ફિર રહા’માં આર.ડી.બર્મને આશા ભોંસલેને બે સાવ અલગ સ્કેલમાં ગવડાવીને કંઈક આવી જ અસર નીપજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ ગીતના અંતરામાં બન્ને સ્કેલ અલગ અલગ છે, અને એ ઓવરલેપ થતા નથી. આ ગીતમાં પડદા પર એક જ નાયિકા બે અલગ સ્કેલમાં, એટલે કે અલગ સ્વરમાં ગાય એવી અસર પેદા કર્યા પછી રાહુલ દેવ બર્મને એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ બે નાયિકાઓ માટે ‘કાલા સોના’ના આ ગીતમાં કર્યો.

1975માં રજૂઆત પામેલી આ ફિલ્મના ગીત ‘કોઈ આયા, આને ભી દે’માં તો આશા ભોંસલેના સ્વરનો ઉપયોગ યુગલ ગીતની જેમ કરવામાં આવ્યો છે. એટલે કે આશા ભોંસલે એક ચોક્કસ સ્કેલ પર મુખડાનો આરંભ કરે અને એ જ મુખડામાં વચ્ચેથી જ અલગ સ્કેલ પર આશા દ્વારા જ ગવાયેલું મુખડું જોડાય. આને લઈને આ એકલ ગીત હોવા છતાં એ યુગલ ગીત હોવાનો આભાસ થાય. અંતરામાં પણ એક સ્કેલ પર શબ્દો ગવાતા હોય અને બીજા સ્કેલ પર આલાપ એની સમાંતરે ચાલતો હોય. આ ગીત અહીં સાંભળી શકાશે.


પછીના વરસે, 1976માં આવેલી ફિલ્મ ‘મુક્તિ’ના ગીત ‘દિલ સજન જલતા હૈ’માં પણ આ પ્રયોગ વધુ એક વાર સાંભળવા મળ્યો. આ ગીત પણ આશા ભોંસલેએ ગાયું હતું. આમાં તે આખું મુખડું પૂરું કરીને તેનું આવર્તન કરે છે એ સમયે બીજા સ્કેલ પર તેમના સ્વરમાં આલાપ સાંભળી શકાય છે, જે યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરે છે. નોંધપાત્ર છે કે અંતરો એકલગાન છે, પણ અંતરા પછી આવતા મુખડામાં આલાપ ભળે છે. આ ગીત અહીં સાંભળી શકાશે.


1987માં આવેલા ગૈરફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’ વખતે ટેક્નોલોજી પૂરેપૂરી વિકસી ચૂકી હતી, અને તેના રેકોર્ડિંગમાં મોટે ભાગે કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતનો ખ્યાલ ‘કોઈ દિયા જલે કહીં’ સાંભળવાથી આવશે. આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ ગીતમાં અંતરામાં આ પ્રયોગ અત્યંત સુંદર રીતે સાંભળવા મળે છે. એમાં અંતરાની પંક્તિ પૂરી થતાં પહેલાં જ બીજા સ્કેલ પર આલાપ શરૂ થઈ જાય છે.


બિલકુલ આ જ રીતે, 1987માં રજૂઆત પામેલી ફિલ્મ 'ઈજાઝત'માં પણ આર.ડી.બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલા ગીત 'કતરા કતરા મિલતી હૈ'માં આ અસર પૂર્ણપણે પેદા કરી છે. આ ગીત અહીં સાંભળી શકાશે. 


આમ, આ ગીતોનો સર્જનકાળ જોતાં એ ખ્યાલ આવે છે કે આર.ડી.બર્મને તબક્કાવાર પરિવર્તનો કરતા જઈને, આ ચોક્કસ અસર ઊભી કરવાનું, પોતે ધાર્યું પરિણામ મેળવી લીધું હતું. આ પ્રકારનાં ગીતોમાં એક ગીતના અપવાદને બાદ કરતાં તમામ ગીતો આશા ભોંસલેએ ગાયેલાં છે, અને એ કેવળ યોગાનુયોગ નથી. 

(Link courtsey: You Tube) 

(પૂરક માહિતી: જયપાલ થાનકી, નંદિતા મુની)