સંગીતકાર બપ્પી લાહિડીનું 69 વર્ષની વયે, 15 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું. હિન્દી ફિલ્મોના સંગીતકારોની પ્રથમ પેઢી જો આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, ખેમચંદ પ્રકાશ કે ગુલામ હૈદર વગેરેને ગણીએ, શંકર-જયકિશન, મદનમોહન, નૌશાદ, સી. રામચંદ્ર, ઓ.પી.નય્યર, હેમંતકુમાર, એસ.ડી.બર્મન વગેરે જેવા સંગીતકારોની પેઢીને દ્વિતીય ગણીએ, અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, આર.ડી. બર્મન જેવા સંગીતકારોને ત્રીજી પેઢીના ગણીએ તો બપ્પી લાહિડીને ચોથી પેઢીના ગણાવી શકાય. બપ્પીના પિતાજી અપરેશ લાહિડી અને માતા બાંસુરી લાહિડી બન્ને સંગીતક્ષેત્ર સાથે સંકળાયેલાં હોવાથી તેમને સંગીત વારસામાં મળ્યું હતું એમ કહી શકાય. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તેણે તબલાવાદનનો આરંભ કરી દીધો હતો. કહેવાય છે કે નાનપણથી અમેરિકન ગાયક એલ્વિસ પ્રિસલી તેમનો આદર્શ હતો.
1973માં રજૂઆત પામેલી શોમુ મુખરજી દિગ્દર્શીત ફિલ્મ ‘નન્હા શિકારી’ દ્વારા તેમનો ફિલ્મસંગીતક્ષેત્રે પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાના મૂળ નામ આલોકેશને બદલે હુલામણું નામ ‘બપ્પી’ રાખ્યું. ‘નન્હા શિકારી’ ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં, જેમાંનું શિર્ષક ગીત ‘નન્હા શિકારી’ અલગ અલગ રીતે ચાર ભાગમાં હતું અને કિશોરકુમારે ગાયેલું હતું. આ ઉપરાંત એક ગીત મુકેશ અને સુષમા શ્રેષ્ઠે, એક ગીત આશા ભોંસલેએ તેમજ એક ગીત આશા અને કિશોરકુમારે ગાયેલું હતું. આ ફિલ્મનું પાર્શ્વસંગીત મોહમ્મદ શફીએ તૈયાર કર્યું હતું. એ જ વર્ષે રજૂઆત પામેલી, દેખાવડા ક્રિકેટર સલીમ દુર્રાનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી બી.આર.ઈશારા દિગ્દર્શીત ફિલ્મ ‘ચરિત્ર’માં પણ બપ્પીનું સંગીત હતું. જો કે, આ ફિલ્મમાં એકે ગીત નહોતાં. ફિલ્મમાં આવતા રામાયણના દોહા બપ્પીએ પોતે ગાયા હતા. 1974માં આવેલી ‘બાઝાર બંદ કરો’નાં ચાર ગીતો પૈકીનાં બે ગીતો આશાનાં એકલ ગીતો, એક આશા-કિશોરનું યુગલ ગીત અને એક ગીત મુકેશના સ્વરમાં હતું. આ ગીતોમાં તેમની એવી કોઈ ખાસ મુદ્રા ઉપસી નહોતી. ‘બાઝાર બંદ કરો’નું ‘પ્યાસી નિગાહોં મેં સાવન’ આર.ડી.ના ગીત જેવું જણાય. તો મુકેશના દર્દભર્યા સ્વરમાં ગવાયેલું વિદાયગીત ‘મોહે કર દે વિદા’ પણ ખાસ નોંધપાત્ર ન બની શક્યું.
1975માં રજૂઆત પામેલી ‘ઝખ્મી’નાં ગીતો ઘણા લોકપ્રિય થયા. કિશોરકુમાર અને આશાનું યુગલ ગીત ‘જલતા હૈ જીયા મેરા’, લતા અને સુષમા શ્રેષ્ઠનું યુગલ ગીત ‘આઓ તુમ્હેં ચાંદ પે લે જાયે’, લતા મંગેશકરે ગાયેલું ‘અભી અભી થી દુશ્મની’ અને કિશોરકુમાર તેમજ સાથીઓનું ‘આલી રે આલી રે આલી હોલી, આઈ મસ્તાનોં કી ટોલી’નો ઉલ્લેખ વિશેષ રીત કરી શકાય. એ વરસે આવેલી ‘છોટી સી બાત’ (સલીલ ચૌધરી), ચુપકે ચુપકે (એસ.ડી.બર્મન), ધર્માત્મા (કલ્યાણજી આણંદજી), ધરમ કરમ (આર.ડી.બર્મન), ગીત ગાતા ચલ (રવીન્દ્ર જૈન), જય સંતોષી મા (સી. અર્જુન), જુલી (રાજેશ રોશન), શોલે, ખેલ ખેલ મેં, ખુશ્બૂ (ત્રણે આર.ડી.બર્મન) સહિત બીજી અનેક સંગીતમય ફિલ્મો વચ્ચે પણ ‘ઝખ્મી’નાં ગીતોએ પોતાનું સ્થાન બનાવ્યું. અલબત્ત, ગીતોની લોકપ્રિયતાના માપદંડ સમા ત્યારના કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’નાં બત્રીસ વાર્ષિક ગીતોની સૂચિમાં તેનું સ્થાન ક્યાંય નહોતું.
1976માં રજૂઆત પામેલી ‘ચલતે ચલતે’નાં ગીતો, ખાસ કરીને કિશોરકુમારે ગાયેલું ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’ વિશેષ લોકપ્રિય બન્યું અને એક રીતે બપ્પી લાહિડીની ઓળખ તેનાથી ઊભી થઈ એમ કહી શકાય. આ ફિલ્મનાં આ સિવાયનાં ગીતો ‘જાના કહાં હૈ. પ્યાર યહાં હૈ’ (બપ્પી, સુલક્ષણા પંડિત), ‘દૂર દૂર તુમ રહે, પુકારતે હમ રહે’ (લતા), ‘પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ’ (શૈલેન્દ્રસિંઘ, લતા) અને ‘સપનોં કા રાજા કોઈ’ (શૈલેન્દ્રસિંઘ, સુલક્ષણા પંડિત) એકદમ કર્ણપ્રિય હતાં. આજે પણ એ સાંભળવાં ગમે એવાં છે. અલબત્ત, બપ્પીની આગવી મુદ્રા જેમાં ઉપસી હોય એવું ગીત ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’ બની રહ્યું. તંતુવાદ્યથી ગીતના આરંભિક સંગીતનો ઉપાડ, એ પછી લયના પ્રવેશ સાથે કોરસગાન, અને કોરસગાન પૂરું થયા પછી, લય અટકે એટલે એકલગીતનો આરંભ- આ શૈલી તેમની આગવી કહી શકાય એવી અને મધુર હતી, કેમ કે, બાકીની કસર ગાયકી પૂરી કરી દેતી હતી. બપ્પીએ આગળઉપર પણ આ એક જ શૈલીને અનેક વાર પુનરાવર્તિત કરી.
કેટલાંક ઉદાહરણ:
1. માના હો તુમ, બેહદ હસીં (યેસુદાસ/તૂટે ખિલોને/1978)
2. પ્યાર માંગા હૈ તુમ્હીં સે (કિશોરકુમાર/કોલેજ ગર્લ/1978)
3. હાં પહલી બાર, એક લડકી મેરા હાથ પકડકર બોલી હાં રે હાં (કિશોર/ઔર કૌન?/ 1979)
4. તુમ્હારા પ્યાર ચાહિયે મુઝે જીને કે લિયે (બપ્પી/મનોકામના/1979)
5. સપનોં કે શહર, હમ બનાયેંગે ઘર (કિશોરકુમાર/એહસાસ/1979)
6. મુસ્કુરાતા હુઆ, ગુલ ખિલાતા હુઆ મેરા યાર (કિશોરકુમાર/લહૂ કે દો રંગ/1979)
7. તેરી છોટી સી એક ભૂલને સારા ગુલશન જલા દિયા
(યેસુદાસ/શિક્ષા/1980)
8. એક બાર કહો (બપ્પી, સુલક્ષણા પંડિત/એક બાર કહો/1980)
9. યે જિંદગી ચમન હૈ (યેસુદાસ/કિસ્મત/1980)
10. વાદા હૈ ક્યા, ક્યા કસમ હૈ (કિશોરકુમાર/ટેક્સીચોર/1980)
1976થી 1980ના
માત્ર ચાર જ વરસના ગાળામાં આવેલાં આ ગીતો મધુર અવશ્ય હતાં, પણ એ એક જ બીબાંનાં હતાં એ સંગીતના સામાન્ય
જાણકારને પણ સાંભળતાંવેંત ખ્યાલ આવી જશે. આવાં બીજાંય હશે.
મિથુન ચક્રવર્તી
સાથે બપ્પી લાહિડીનું સંયોજન થયું એ સાથે બપ્પીના સંગીતમાં પરિવર્તન આવ્યું હોય એમ
જણાય. એમાં ‘ડિસ્કો’ તરીકે ઓળખાતા સંગીતનો પ્રવેશ થયો. એ પશ્ચિમી અને ધમાલિયું સંગીત હતું એ
તો ઠીક, પણ એ ગીતો એકવિધ હતાં. ખાસ કરીને ‘સુરક્ષા’, ‘વારદાત’, ‘સાહસ’, લાપરવાહ જેવી
ફિલ્મોનાં ગીતો. આ ફિલ્મોનાં ઘણાં ગીતોમાં તાલ (બીટ્સ) અને પશ્ચાદ્સંગીતનું આવર્તન
એનું એ તેમજ મર્યાદિત હતું.
ધીમે ધીમે બપ્પી લાહિડીએ ડિસ્કો સંગીતનું પ્રમાણ વધારવા માંડ્યું. ડિસ્કો ગીતમાં પણ માધુર્ય હોઈ શકે છે, પણ તેમના સંગીતમાં ઘોંઘાટ વધુ જણાતો. એ અરસામાં ‘પ્યારા દુશ્મન’
(1980)નું ‘હરિ ઓમ હરિ’, ‘અરમાન’નું ‘રમ્બા હો હો હો’ (1981), ‘દો ઉસ્તાદ’નું ‘પ્યાર મેં જીના, પ્યાર
મેં મરના, પ્યાર સે લેના હૈ ઉસકા નામ,
રાધેશ્યામ’ (1982) જેવાં ઉષા ઉથુપે ગાયેલાં ગીતો જબરદસ્ત
લોકપ્રિય બન્યાં. એ કદાચ સંગીતના બદલાતા જતા યુગની નિશાની હતી. 1981માં રજૂઆત
પામેલી ‘ડિસ્કો ડાન્સર’નાં ગીતો ખૂબ
લોકપ્રિય બન્યાં, અને આજે પણ બપ્પી લાહિડી એના થકી ઓળખાય છે.
છતાં આ ગીતો એ જ એકવિધ બપ્પી શૈલીનાં હતાં.
મિથુન ચક્રવર્તીની ઈમેજ ‘ડાન્સિંગ સ્ટાર’ તરીકે ઉપસાવવામાં બપ્પીના સંગીતનું
મોટું પ્રદાન હતું. એ દરમિયાન અભિનેતા જિતેન્દ્રની કારકિર્દીની નવી ઈનિંગ્સ ‘હિમ્મતવાલા’(1983)થી આરંભાઈ. દક્ષિણ ભારતના
નિર્માતાઓની આ સામાજિક ફિલ્મોમાં બપ્પી લાહિડીનું સંગીત ચાલવા લાગ્યું. ‘જસ્ટિસ ચૌધરી’ (1983), ‘મવાલી’ (1983), ‘તોહફા’ (1984), ‘મક્સદ’ (1984), ‘કૈદી’ (1984), ‘કામયાબ’ (1984), ‘હૈસિયત’(1984), ‘હોશિયાર’ (1985), ‘પાતાલભૈરવી’ (1985), ‘મજાલ’ (1987) જેવી ફિલ્મોનાં ગીતો બહુ લોકપ્રિય બનવા લાગ્યાં. આ ગીતોમાં બપ્પી
લાહિડીના સંગીતમાં હોઈ શકે એવું અને એટલું જ વૈવિધ્ય હતું. વચગાળામાં પ્રકાશ
મહેરાની ‘નમકહલાલ’ (1982) અને ‘શરાબી’ (1984) જેવી અમિતાભ બચ્ચનની ભૂમિકાવાળી
ફિલ્મોનાં ગીતો બહુ ચાલ્યાં.
વચગાળામાં પ્રવેશેલા ગોવિંદા શરૂઆતમાં ‘ગરીબ નિર્માતાઓના મિથુન’ તરીકે ઓળખાવા
લાગ્યા. (મિથુન શરૂઆતમાં ‘ગરીબ નિર્માતાઓના અમિતાભ’ તરીકે ઓળખાતા) તેમની મિથુનની જેમ ‘ડાન્સિંગ સ્ટાર’ તરીકેની ઈમેજ ઉપસાવવામાં બપ્પી લાહિડીની ‘ઈલ્ઝામ’(1983), ‘પ્યાર કર કે દેખો’ (1987), આંખેં (1993) કેટલીક ફિલ્મોના સંગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આમ, બપ્પી લાહિડીનું સંગીત બરાબર ચાલી નીકળ્યું. કદાચ 1980ના દાયકામાં તેમણે
સુવર્ણ અલંકારો ધારણ કરવાનું શરૂ કર્યું હશે એમ ધારી શકાય,
કેમ કે, સફળતાને પગલે આગવી ઓળખ ઉપસાવવાની જરૂર જણાઈ હશે અને
એવી ઓળખ ઉપસાવવી સરળ પણ પડે.
બપ્પી લાહિડીનું નામ ચલણી બન્યું એવે સમયે હૃષિકેશ મુખરજીએ સીત્તેરના દાયકામાં
મુખ્યત્વે સચીન દેવ બર્મન (અભિમાન, ચુપકે ચુપકે, મીલી) અને રાહુલ દેવ બર્મન (નમકહરામ, ગોલમાલ, જુર્માના, ખૂબસૂરત, નરમગરમ, બેમિસાલ) જેવા સફળ
સંગીતકારો સાથે કામ કર્યા પછી પોતાની ફિલ્મ ‘જૂઠી’ (1985)માં બપ્પીને સંગીતકાર તરીકે લીધા. માયા ગોવિંદ અને બપ્પી લાહિડીની
જોડી ગુલઝાર- આર.ડી.બર્મન જેવો જાદુ પેદા ન કરી શકી. આ ફિલ્મનાં પાંચ ગીતો પૈકીનું
યાદ રહે એવું એક માત્ર ગીત ‘ચંદા દેખે ચંદા’ બિલકુલ એસ.ડી./આર.ડી.ની શૈલીની નકલ જેવું હતું. જે
રીતે બપ્પી લાહિડીનું સંગીત સફળ થઈ રહ્યું હતું, અને
આર.ડી.બર્મનની ફિલ્મો એક પછી એક નિષ્ફળ જઈ રહી હતી એને કારણે આર.ડી.બર્મન અતિશય
અસલામતી અનુભવવા લાગ્યા હતા, એવી વાત સાંભળવામાં આવેલી.
બપ્પી આર.ડી.બર્મનની પાશ્ચાત્ય શૈલીની નકલ આડેધડ કરવા લાગ્યા એમ ઘણા માને છે, પણ બપ્પી મોટા ભાગનાં ગીતોમાં પોતાની જ નકલ કરતા હતા.
અલંકારોની સાથેસાથે અહંકાર પણ તેમનામાં પ્રવેશતો હતો એમ તેમના આપેલા ઈન્ટરવ્યૂમાં
જણાતું. 1989-90ના અરસામાં ‘ફિલ્મફેર’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહેલું, ‘એમ તો હજી નૌશાદ જીવે છે,
છતાં નિર્માતાઓ શા માટે મારી પાસે આવે છે?’ આ ઈન્ટરવ્યૂ
પ્રકાશિત થયો એ પછીના અંકમાં વાચકોએ બપ્પીના માથે બરાબર અને યોગ્ય રીતે માછલાં
ધોયાં હતાં.
આ ઈન્ટરવ્યૂ તેમણે સંભવત: ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પોતાનું નામ દર્જ
થયું એ પછીના અરસામાં આપેલો. કયા હેતુસર તેમનું નામ દર્જ થયું? એક વર્ષમાં તેમના સંગીતવાળી સૌથી વધુ- 33 ફિલ્મો રજૂઆત પામી એ બદલ!
1989માં રજૂઆત પામેલી આ 33 ફિલ્મોનાં નામ જોઈએ:
1.આગ કા ગોલા 2.
આખરી ગુલામ 3. ગૈરકાનૂની 4. ગરીબોં કા દાતા 5. જેન્ટલમેન (આનંદ-મિલિંદવાળી
1993ની) 6. ઘર કા ચિરાગ 7. ગોલાબારૂદ 8. ગુરુ (અભિષેક બચ્ચનવાળી અલગ) 9. હમ ભી ઈન્સાન
હૈ 10. હમ ઈન્તજાર કરેંગે 11. કાલી ગંગા 12. કહાં હૈ કાનૂન 13. કાનૂન અપના અપના
14. કસમ વર્દી કી 15. ખોજ 16. ખૂની મુર્દા 17. લવ લવ લવ 18. મેં તેરે લિયે 19.
મતલબી 20. મિટ્ટી ઔર સોના 21. મોહબ્બત કા પૈગામ 22. નાઈન્સાફી 23. નફરત કી આંધી
24. પાંચ પાપી 25. પાપ કા અંત 26. પ્રેમપ્રતિજ્ઞા 27. પ્યાર કે નામ કુર્બાન 28.
સાયા 29. સચ્ચે કા બોલબાલા 30. સિક્કા 31. સ્ટેટ રાવડી 32. તૌહીન અને 33. ઝખમ.
આ 33 ફિલ્મોમાંથી બધું મળીને દસ ગીતો પણ યાદ આવે છે? બપ્પીને ‘પ્રિય’ એવા નૌશાદ સાથે સરખામણી કરીએ તો નૌશાદની માત્ર ત્રણ ફિલ્મો ‘મેલા’નાં ચૌદ, ‘અંદાઝ’ (1949)નાં દસ અને અમર’
(1954)નાં નવ એમ કુલ તેત્રીસે તેત્રીસ ગીતો સંગીતપ્રેમીઓ આજે પણ ભૂલી શકતા નથી. જો
કે, આ સરખામણી જ અસ્થાને છે.
1980ના દાયકામાં હિન્દી ફિલ્મસંગીતમાંથી માધુર્યનું મૂળભૂત તત્ત્વ ગાયબ થવા
લાગ્યું એમાં બપ્પી લાહિડીનું પ્રદાન ઘણું મોટું હતું. એ પણ કેવી વક્રતા કે ઈન્દીવર, અન્જાન જેવા દંતકથા સમા પ્રતિભાશાળી
ગીતકારોના શબ્દોને પોતાના જીવનના આખરી તબક્કામાં બપ્પી લાહિડીના ઘોંઘાટિયા
સંગીતમાં સ્થાન લેવાનું આવ્યું. આમ છતાં, એ સંગીત સફળ હતું
એમાં કોઈ બેમત નહોતો.
નકલ હિન્દી ફિલ્મસંગીતમાં આદિકાળથી ચાલી આવી છે. પણ પ્રતિભાશાળી સંગીતકારો એ
નકલને પોતાનો સંસ્પર્શ આપીને તેને પોતાની શૈલીમાં ઢાળતા. (‘ઝુક ગયા આસમાન’નું ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ ગીત એલિસ પ્રિસલીના આલ્બમ ‘માર્ગરીટા’ના એક ગીતની સીધી નકલ છે, છતાં હિન્દી ગીત સાંભળતાં જણાય કે એમાં શંકર-જયકિશનની મુદ્રા છે) બપ્પીએ ધૂનોની સીધી તફડંચી કરી, અને ‘પહેલી
તફડંચી મેં કરી’ની વરવી સ્પર્ધાના સ્પર્ધક બની રહ્યા. (‘હમ’નું લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું ગીત ‘જુમ્મા ચુમ્મા દેદે’ અને ‘થાનેદાર’નું બપ્પીનું ગીત ‘તમ્મા તમ્મા લોગે’) આ બધું ‘પબ્લિક ડિમાન્ડ’ના
નામે તેમણે કર્યું.
પોતાની કારકિર્દીમાં તેમણે 355 હિન્દી ફિલ્મો અને બીજી સાતેક ભાષામાં મળીને
આશરે ચારસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે, જેમાં ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમના સાથી’નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ હિન્દી ફિલ્મ ‘ફિર
જનમ લેંગે હમ’ની રિ-મેક હતી, અને તેનાં
ગીતોની ધૂન હિન્દી ગીતો જેવી જ હતી.
પછીના અરસામાં તેઓ પોતાના દેખાવ થકી વધુ ઓળખાતા રહેલા. તેમનાં કેટલાંય ગીતો
હજી ઘણાને યાદ છે, કેમ કે, પ્રત્યેક પેઢી પોતાના સમયનાં ગીતોની સાથે ઉછરતી હોય છે. બપ્પી લાહિડીને
એક અતિશય સફળ સંગીતકાર ગણાવી શકાય, સાથે એ પણ યાદ રાખવું
રહ્યું કે સફળતા અને ગુણવત્તા બન્ને અલગ બાબતો છે. બપ્પી લાહિડી પ્રતિભાશાળી
સંગીતકાર અવશ્ય હતા, પણ તેમની પ્રતિભા અતિ મર્યાદિત હતી.
પુનરાવર્તન અને એકધારાપણું તેમનાં ગીતોની પ્રકૃતિ હતી. સમગ્રપણે તેમની કૌટુમ્બિક
પૃષ્ઠભૂમિ જોઈએ તો સમજાય છે કે પોતે ગમે એવા પ્રતિભાશાળી માવતરનું સંતાન હોય, પોતાના યુગમાં ગમે એવા પ્રતિભાશાળી ગીતકારોના શબ્દોને સંગીતમાં ઢાળવાની
તક મળી હોય, એ ઊંચાઈ પ્રાપ્ત કરવાના પ્રયત્નને બદલે બપ્પી
લાહિડી એ સૌને પોતાના સ્તરે ઊતારી લાવ્યા. સોનાનાં ઘરેણાં પહેરવાં એ તેમનો અંગત
શોખ હતો, પણ પોતાના સંગીત કરતાં પોતાના દેખાવથી સમાચારમાં
રહેવાની પરંપરાનો આરંભ તેમના ખાતે લખી શકાય.
આશ્ચર્ય લાગે એવી વાત છે કે આટલા મર્યાદિત શૈલીના સંગીત થકી પણ તેમની આગવી ઓળખ
ઉપસી. અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર બનેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’
(2013)ના એક ગીત ‘ઉ લા લા, ઉ લાલા’માં બપ્પીએ સ્વર આપ્યો, એટલું જ નહીં, ફિલ્મના સંગીતકાર વિશાલ-શેખરે બપ્પીની શૈલીને અંજલિરૂપે તેમની શૈલીમાં જ
એ ગીત સંગીતબદ્ધ કર્યું.
કિશોરકુમાર નિર્મિત-દિગ્દર્શીત-અભિનિત ફિલ્મ ‘બઢતી કા નામ દાઢી’માં બપ્પી લાહિડીએ પડદે
દેખા દીધી હતી.
'બઢતી કા નામ દાઢી'માં બપ્પી (ડાબે), કિશોરકુમાર અને અમીતકુમાર
મારા યુવાનીકાળમાં રેડિયો સાંભળવાના પ્રચંડ શોખને કારણે બપ્પી લાહિડીનાં નવાં ગીતો સાંભળવા મળતા, પણ એની સાથે કદી સંવેદનાત્મક જોડાણ સાધી ન શકાયું. કેમ કે, એ સમયગાળામાં 1950-60ના દાયકાનાં ગીતો ગમવા લાગ્યાં હતાં. આથી જ બપ્પી લાહિડીનાં ગીતો બાબતે કદી ‘નોસ્ટેલ્જિયા’ અનુભવાતી નથી, બલ્કે અંગતપણે ઘોંઘાટીયા સંગીતના યુગના પ્રણેતા તરીકે જ એ વધુ યાદ રહ્યા છે.
આમ છતાં, ‘યે નૈના યે કાજલ યે ઝુલ્ફેં યે આંચલ’ (દિલ સે મિલે દિલ/1978), ‘સૈંયાં બિના ઘર સૂનાસૂના’ (આંગન કી કલી/1979), ‘રુઠો ના, રુઠો ના’ (એહસાસ/1979), ‘ચાહિયે થોડા પ્યાર, થોડા પ્યાર ચાહિયે’ (લહૂ કે દો રંગ/1979), ‘દિલ ધક ધક કરને લગા’ (પતિતા/1980), ‘દૂરિયાં સબ મિટા દો’ (સબૂત/1980), ‘આપને પ્યાર દિયા, પ્યાર સે માર દિયા’ (એગ્રીમેન્ટ/1980), ‘મમ્મી અચ્છી હૈ’ (પાંચ કૈદી/1981), ‘કિસી નજર કો તેરા ઈંતજાર આજ ભી હૈ’ (ઐતબાર/1985) જેવાં ગીતો સાંભળતાં બપ્પી લાહિડી યાદ આવશે ખરા.
(નોંધ: અહીં ઉલ્લેખાયેલાં લગભગ તમામ ગીતો યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સાંભળવા ઈચ્છનાર એ આસાનીથી સાંભળી શકશે.)
(તસવીર: નેટ પરથી)
1) અત્યાર સુધી 'ભપ્પી લાહિરી' જ ખબર હતી. આ વાંચીને જાણ્યું કે હકીકતે એમને 'બપ્પી લાહિડી' તરીકે ઓળખવા જોઈએ.
ReplyDelete2) એમના સંગીતનું બીબું તમે બરાબર પકડ્યું. એક જ ઢાંચાને પકડી રાખીને એમણે કેટલાં બધાં સ્વરનિયોજનો કર્યાં!
સમગ્રપણે
3) સમગ્રપણે, તમારા એકેએક મુદ્દા સાથે સંમત છું.
Super Informative
ReplyDeleteવિવેક પૂર્ણ ભાષામાં આલોચનાત્મક અંજલી.
ReplyDelete