Saturday, March 18, 2017

ચલ ચલા ચલ....(૧)


પદ શબ્દના અનેક અર્થ થાય છે. સામાન્ય વાતચીતમાં પગ’, કવિતાની કડી કે સ્થાનના અર્થમાં આપણે તેને વાપરીએ છીએ. આમ છતાં, પદયાત્રા શબ્દ ચાલવા સાથે જોડાયેલો છે. કોઈ કવિને કવિતાનું પદ સૂઝે તેને કે કોઈને નોકરીમાં પદ પ્રાપ્ત થાય એ સંઘર્ષને પદયાત્રા કહેવામાં નથી આવતી, એટલું સારું છે. પદયાત્રા શબ્દને વિનોબાજીએ એક નવો અર્થ આપ્યો. અત્યારે ડાકોર અને અંબાજીના પદયાત્રીઓ તેનું એક નવું પરિમાણ દેખાડી રહ્યા છે. સ્વેચ્છાએ અને કોઈક (જાહેર) હેતુસર તમે ચાલવાનું નક્કી કરો તો તેને માટે પદયાત્રા શબ્દ ચલણી બન્યો છે.

અત્યાર સુધીમાં વેળાકવેળાએ પરાણે કે ઈચ્છાથી લાંબું ચાલવાનું અનેક વાર બન્યું છે. આઈ.પી.સી. એલ.માં હું નોકરી કરતો અને આંતરે દિવસે મહેમદાવાદ ટ્રેનમાં આવ-જા કરતો. આ સંકુલ વિશાળ જગ્યામાં પથરાયેલું છે. તેના મુખ્ય દરવાજા અલગ અલગ ગામ તરફ પડે છે. હું જે પ્લાન્ટમાં હતો એ પ્લાન્‍ટ એક દિશાના મુખ્ય દરવાજેથી સાવ નજીક હતો. જ્યારે ટ્રેનમાં મારે આવવાનું થાય અને રણોલી કે બાજવાની વચ્ચે ગમે ત્યાં ઉતરવાનું થાય તો એ દિશા સાવ વિરુદ્ધ. મારા પ્લાન્ટ તરફથી આ દિશાના મુખ્ય દરવાજાનું અંતર આશરે બે કિ.મી. જેટલું હતું. અને આ મુખ્ય દરવાજેથી રણોલી સ્ટેશન, કરચિયા યાર્ડ જેવા સ્ટોપેજનું અંતર પણ આશરે બે કિ.મી. અહીં ઉતરતાં કોઈ ને કોઈ વાહનચાલક મળી જાય તો પણ છેક મારા પ્લાન્‍ટ સુધી આવનારા ભાગ્યે જ હોય. એટલે કોઈ પણ સમયે ઓછામાં ઓછા દોઢ-બે કિ.મી. ઝડપથી ચાલવાની તૈયારી હોય જ. આમાં પણ અમારી નોકરી શિફ્ટની. એટલે નોકરીએ આવવાના અને જવાના સમય સાવ વિચિત્ર. પણ એ રીતે ચાલેલું પદયાત્રામાં ન ગણાય. પદયાત્રા શબ્દનો મારા માટે સાવ જુદો સંદર્ભ છે. ત્રણ ખાસ પ્રસંગો એવા છે, જેને હું મારી આત્મકથામાં મારી પદયાત્રા પ્રકરણ હેઠળ અવશ્ય લખી શકું. આત્મકથા લખવાનો મારો કોઈ ઈરાદો નથી એ અલગ વાત છે. પણ એ પદયાત્રાઓ યાદ આવે ત્યારે હજી મારા પગના તળિયા પર હાથ ફેરવાઈ જાય છે. આ ત્રણે કિસ્સાઓની વાત વારાફરતી.

ગાડી બુલા રહી હૈ.... 

પહેલો કિસ્સો 1983ની આસપાસનો છે. અમે ડીપ્લોમા ઈન કેમિકલ એન્‍જિ.નો અભ્યાસ નડીયાદની ડી.ડી.આઈ.ટી. ખાતે કરતા હતા. આ કોર્સના પાંચમા સેમેસ્ટર દરમ્યાન ઉદ્યોગમાં તાલિમ લેવાની હોય છે. એ માટે અમે આઈ.પી.સી.એલ.માં હતા. મારી સાથે મારા મિત્ર અને સહાધ્યાયી દેવેન્‍દ્રસિંહ ગોહીલે પણ આઈ.પી.સી.એલ.માં તાલિમ લેવાનું નક્કી કરેલું. પણ અમારા કરતાં પહેલો ત્યાં અમારો એક અન્ય ક્લાસમેટ સંજય પટેલ પહોંચી ગયો હતો. સંજય મૂળ કલોલનો વતની, પણ અભ્યાસ માટે આણંદના એક સગાને ત્યાં રહેતો હતો. એટલે તે આણંદીયા તરીકે જ ઓળખાતો. અમારા કરતાં થોડા દિવસ વહેલો તે ગયો હોવાથી આઈ.પી.સી.એલ.ના વિરાટ તંત્રથી ઘણી હદે પરિચીત થઈ ગયો હતો. અમે લોકો કંપનીની જ બસસુવિધાનો ઉપયોગ કરતા. આણંદીયાનો વધુ પરિચય આપવાનો અહીં ઉપક્રમ નથી. વરસોથી તેનો સંપર્ક કપાઈ ગયો છે. એ અમેરિકા ગયો હોવાની વાત જાણી હતી. પણ એક લીટીમાં કહું તો એની મુખ્ય આવડત હતી ઘૂસણખોરીની. આ આવડત જોઈને આરબ અને ઊંટની પેલી વાર્તા યાદ આવી જાય.

નડીયાદની કૉલેજની પાછળ આવેલી કેનાલના કિનારે:
(ડાબેથી) બીરેન કોઠારી, હિતેશ પટેલ (ટોપીધારી), ગોવિંદ શર્મા,
દેવેન્‍દ્રસિંહ ગોહીલ (ચશ્માધારી) અને પ્રકાશ ધનાણી 
આઈ.પી.સી.એલ.નું કદ અતિ વિરાટ હતું. તેનો પોતાનો ટ્રાન્‍સપોર્ટ વિભાગ હતો, જેમાં બસોનો જંગી કાફલો હતો. વડોદરાના મોટા ભાગના વિસ્તારો તેમાં આવરી લેવાયા હશે. મોટા ભાગના રૂટ તેના અંતિમ સ્થાનના નામે ઓળખાતા. જેમ કે, આર.ટી.ઓ., ઝવેરનગર, ડીલક્સ વગેરે.. આઈ.પી.સી.એલ.થી જનરલ શિફ્ટની બસો ઉપડવાનાં કુલ ત્રણ ઠેકાણાં હતાં. આ ત્રણે ઠેકાણેથી તમામ રૂટની બસો ઉપડતી. એક તો પી.એન્‍ડ આઈ.થી. ઉપડતી બસો. આ ઠેકાણું પ્લાન્‍ટના સંકુલ કરતાં સહેજ દૂર હતું. બીજી હતી એક નંબરની બસો, અને ત્રીજી બે નંબરની બસો. એક નંબરની બસોનાં સ્ટોપેજ સીધી લીટીમાં હતાં. બે નંબરની બસો આંતરિક માર્ગો પર ફરતી ફરતી આવતી. અમે લોકો પ્લાન્‍ટ પર હોવા છતાં પી.એન્‍ડ આઈ.થી બેસતાં. પ્લાન્ટ પરથી સાડા ચારની આસપાસ નીકળીને ચાલતા જતા. અમે વસંતકુટિરની બસમાં બેસતા, જે સ્ટેશન સુધીનો રૂટ હતો. અમે ત્યારે ટ્રેનમાં અપડાઉન કરતા હતા. સાંજના છની આસપાસ વડોદરાથી ઉપડતો ઈન્‍ટરસીટી એક્સપ્રેસ અમે પકડતા. અમે બસમાંથી ઉતરીએ એ પછી અમારી પાસે દસેક મિનીટ રહેતી. એટલે અમે મોટે ભાગે દોડીને સ્ટેશને પહોંચતા. આણંદિયાએ વડોદરામાં તેનું કોઈક સગું શોધી કાઢ્યું હતું. સ્ટેશનની નજીક આરાધના સોસાયટીમાં તે રહેતો હતો. 
પી.એન્ડ.આઈ. પર બસો વહેલી આવીને ઉભી રહેતી. તેથી અમે તેમાં જઈને ગોઠવાઈ જતા. એક અને બે નંબરના રૂટ પર સાંજના પાંચ દસથી બસો આવવાની શરૂ થાય અને એક પછી એક બસો સપાટાબંધ આવતી જાય. દરેકને પોતાના રૂટની બસનો ખ્યાલ હોય એટલે કશું પૂછ્યા વિના તેઓ ચડી જતા.
એક સાંજે આણંદીયાએ અમને કહ્યું કે આજે આપણે પી.એન્‍ડ આઈ.થી બેસવાને બદલે એક નંબરની બસમાં બેસીએ. અમે થોડી આનાકાની કરી. આનાકાનીનું મુખ્ય કારણ એ કે એક તો આ બસો ફટાફટ આવે. તેને કારણે આપણા રૂટની બસનો ખ્યાલ ઝટ ન આવે. બીજું કારણ એ કે કદાચ એ સ્ટેશને મોડી પહોંચાડે તો અમને ટ્રેન ન મળે. પણ એ દિવસે આણંદીયાના આગ્રહ આગળ અમે ઝૂકી ગયા.
એ મુજબ અમે સમયસર એક નંબરની બસના બસસ્ટેન્‍ડ પર જઈને ઉભા રહી ગયા. જોતજોતાંમાં બસો આવવાની શરૂ થઈ. રોજ  જનારા લોકો ફટાફટ પોતપોતાની બસોમાં ચડવા લાગ્યા. અમને ખ્યાલ ન આવ્યો કે અમારે કઈ બસમાં બેસવાનું છે. એવામાં એક બસ આવી અને આણંદિયાએ અમને ઈશારો કર્યો. અમે ત્રણેય ફટાફટ તેમાં ચડી ગયા. બસ ઉપડી. હજી અમે વડોદરાના વિસ્તારોથી એટલા પરિચીત નહોતા થયા. પણ એ વખતે મોટા ભાગની બસોનો રૂટ  સારાભાઈ સુધી (આજે ગેંડા સર્કલ તરીકે ઓળખાય છે એ) સરખો હતો. સારાભાઈથી એ વિવિધ દિશાઓમાં ફંટાતી.
એ રીતે સારાભાઈથી અમારી બસ ફંટાઈ. પણ ત્યાર પછી તે એક સર્કલ વટાવીને વળવાને બદલે સીધી જવા માંડી. અમને કશો ખ્યાલ ન આવ્યો, પણ આણંદિયો ચોંક્યો. પોતાની બેઠક પરથી તે ઉભો થઈ ગયો અને સીધો બારણે પહોંચ્યો. કંડક્ટરને બસ ઉભી રખાવવા કહ્યું. કંડક્ટરે મોં બગાડ્યું, પણ બેલ માર્યો અને બસ ઉભી રહી. આણંદિયો તેના સ્ટોપેજથી પહેલાં ઉતરી પડ્યો. આ બધું એકાદ મિનીટમાં બની ગયું હશે. અમને કશો ખ્યાલ ન આવ્યો. અમે બેઠા જ રહ્યા. પણ થોડી વારમાં બસ એવા રસ્તે જવા લાગી, જે અમારા માટે સાવ અજાણ્યો હતો. ખુલ્લાં મેદાનો, દૂર દૂર ઉભેલા નાળીયેરીનાં ઝાડ....! પણ ટ્રેનના પાટા ક્યાંય નજરે પડતા ન હતા. વડોદરા સ્ટેશન આ રસ્તે નહીં જ આવે એ ખ્યાલ આવી ગયો. તો આ બસ ક્યાં લઈ જશે? એ સવાલનો જવાબ અમને મળે એના કરતાં પહેલાં એ સમજાઈ ગયું કે આજની ઈન્‍ટરસીટી તો ગઈ હવે. દેવેન્‍દ્રે બાજુમાં બેઠેલા કોઈક સજ્જનને પૂછ્યું હશે. તેમણે અમને એક ઠેકાણે ઉતરી જવા જણાવ્યું. થોડી વારે અમને રેલ્વેના પાટા દેખાયા. જાણે વરસોથી ખોવાયેલા કોઈ સ્વજનની ઝાંખી થઈ હોય એવો અમને આનંદ થયો. બસ એક પુલ પર ચડી અને ઉતર્યા પછી ઉભી રહી. પેલા સજ્જનના સૂચવ્યા મુજબ અમે ઉતરી ગયા. અપહરણ કરાયેલા બંધકોને અધવચ્ચે ક્યાંક ઉતારી દેવામાં આવે અને ઉતર્યા પછી 'મૈં કહાં હૂં?'ના અંદાજમાં તેઓ આસપાસના નજારાનો મુઆયનો કરે એમ અમે આજુબાજુ જોવા લાગ્યા. પણ શું જોવાનું? અમને વડોદરાના સ્ટેશન સિવાય કોઈ વિસ્તારની જાણ નહોતી. નર્મદા પરિક્રમાના યાત્રીઓ નર્મદા નદી નજરે પડે એ રીતે પરિક્રમાનો પથ પસંદ કરે છે, એમ અમે રેલ્વેના પાટાને નજર સામે રાખ્યા અને એ તરફ આગળ વધવા લાગ્યા. આ પાટા ગમે એ રેલ્વેલાઈનના હોય, એ જશે જરૂર સ્ટેશન સુધી એ નક્કી હતું. પાટાની એક તરફ કોઈ નાનું સ્ટેશન હોય એમ લાગ્યું. અમે નજીક ગયા. જોયું તો એ વિશ્વામિત્રી સ્ટેશન હતું. અમને હાશ થઈ કે ચાલો, એક ઠેકાણું તો સમજાયું! પણ અહીંથી વડોદરા પહોંચવું કેવી રીતે? હવે વડોદરાથી સાડા છ કે પોણા સાતે ઉપડતી લોકલ અમારે પકડવાની હતી, જે રાતના નવ વાગ્યાની આસપાસ મને મહેમદાવાદ અને દસેકની આસપાસ દેવેન્‍દ્રને અમદાવાદ ઉતારે. ખિસ્સામાં એટલા રૂપિયા હતા નહીં કે રીક્ષા કરી લઈએ. એ વિસ્તારમાં કોઈ રીક્ષા દેખાતી પણ ન હતી. એટલે ઝાઝું વિચાર્યા વગર તો પછી ચાલી નાખીએ એમ અમે નક્કી કરી લીધું. કેમ કે, હવે નિર્ણય લેવામાં મોડું કરીએ તો સાડા છની લોકલ પણ ઉપડી જાય! આગળપાછળનું વિચારવાનો સમય ન હતો. અમે પગ ઉપાડ્યા અને કદમકૂચ ચાલુ કરી.
પાટે પાટે ચાલવાનું હતું અને એક રીતે જોઈએ તો દૂરથી નજરે પડતી દીવાદાંડીની જેમ વડોદરા સ્ટેશન લગભગ દેખાતું હતું. વધુ નહીં, સાડા ચાર-પાંચ કિ.મી.નું અંતર હતું, જે અમારે આશરે પોણા કલાકમાં, પાટાઓના સ્લીપરવાળા માર્ગે કાપવાનું હતું. પગમાં ચપ્પલ પહેરેલા હતા. આથી પાટા પર અમુકથી વધુ ઝડપ શક્ય ન હતી. બીરબલની વાર્તામાં આવતો પેલો ગરીબ માણસ દૂર મહેલમાં બળતા દીવાના સહારે ઠંડાગાર તળાવમાં પણ આખી રાત કાઢી નાંખે છે. એ રીતે, અમે દૂર ઉભેલા દેખાતા એક ટ્રેનના છેલ્લા ડબ્બાને અમારી લોકલનો ડબ્બો માનીને બને એટલી ઝડપે આગળ વધી રહ્યા હતા.

જીવન સે લંબે હૈ, બંધુ!  યે જીવન કે રસ્તે (ચિત્ર: બીરેન)
બીજી કશી વાત કરવાનું સૂઝે એમ નહોતું. પણ મૂંગા મૂંગા ચાલવાથી અંતર વધુ લાંબું લાગે એમ હતું. તેથી આણંદિયાને અમે ગાળો ભાંડવાનું શરૂ કર્યું. તેને લીધે અમારે આ 'પદયાત્રા' કરવી પડી એ યાદ કરી કરીને અમે ભરપેટ ગાળો ભાંડી રહ્યા હતા. દેવેન્દ્ર ઔષ્ઠ્ય અને તાલવ્ય વ્યંજનોવાળા શબ્દોનો છૂટથી ઉપયોગ કરી રહ્યો હતો. હું કવ્વાલીમાં છેલ્લે દોહરાવાતા મિસરાની જેમ તેનું આવર્તન કરી રહ્યો હતો. ગુસ્સો, લાચારી, મૂર્ખ હોવાની તેમજ બન્યાની લાગણી, છેતરાયાનો ભાવ, ઉતાવળ વગેરે અનેક અનુભૂતિઓ સમાંતરે થઈ રહી હતી. ઉતાવળે ચાલવા જતાં ક્યાંક મેન્‍ટલની અણી પણ ચપ્પલ પહેરેલા પગમાં ઘૂસી જતી. અમારા માટે આ ટ્રેન ભારતથી ઉપડીને પાકિસ્તાન જતી છેલ્લી ટ્રેન હોય એટલી મહત્ત્વની હતી. કેમ કે, ત્યાર પછીની ટ્રેન રાત્રે સાડા આઠે હતી, અને એ પણ લોકલ. વડોદરાના પ્લેટફોર્મ પર અઢી કલાક બેસીને કરવું શું? અને શાને માટે? આ વિચાર આવે એટલે ઝડપ ઓર વધતી. વચ્ચે સમય મેક અપ કરવા માટે અમે થોડી દોડ પણ લગાવી. ક્યારેક પાછળ જોઈ લેતા કે કોઈ ટ્રેન અમારી પર ધસી આવતી નથી ને! એ દિવસોમાં સાથે પાણીની બૉટલ રાખવાનો રિવાજ નહોતો. એટલે તરસ લાગતી ન હતી. ભૂખ લાગે તો પહેલાં ખિસ્સાં તપાસવાં પડે. એ કારણે ભૂખ પણ ભાગ્યે જ લાગે એમ હતું.
ભૂખતરસની આ કમી આણંદિયાને ગાળો આપવાથી પૂરી થઈ ગઈ હશે. ગેરહાજર હોવા છતાં આણંદિયાએ એ દિવસે ભરપૂર ગાળો ખાધી. જો કે, તેના માટે આની નવાઈ ન હતી. અમારી જેમ ઘણા લોકો તેને જુદા જુદા કારણોસર ગાળો આપી ચૂક્યા હતા અને આપતા રહેવાના હતા. દેવેન્‍દ્ર તેને તેની હાજરીમાં જ ગાળો આપતો, જે સાંભળીને આણંદીયો નફ્ફટની જેમ હસતો. એ દિવસે તેને ગાળો આપવામાં આ અંતર બહુ ઝડપથી કપાઈ ગયું.
આખરે અમે વડોદરા સ્ટેશનનું પ્લેટફોર્મ ભાળ્યું. વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મનો ઢાળ અમે ચડ્યા અને સપાટ પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે એવરેસ્ટ આરોહણ કર્યું હોય એવી લાગણી થઈ. એવરેસ્ટની જેમ જ અહીં અમારી આ સિદ્ધિને બિરદાવવા કોઈ હાજર નહોતું. આનંદની વાત એ હતી કે દૂરથી દેખાતા જે ડબ્બાને અમે અમારી ટ્રેનનો ડબ્બો ધારતા હતા એ ખરેખર અમારી ટ્રેનનો જ ડબ્બો હતો. એ ડબ્બા માટે અમે ફરી એક વાર દોટ મૂકી. સદ્‍ભાગ્યે એ ડબ્બો રણમાં દેખાતી આભાસી આકૃતિ ન હતો, પણ સાચેસાચો ડબ્બો હતો. તેથી અમે ટ્રેનમાં ચડી ગયા. ટ્રેનમાં ગોઠવાયા ત્યારે હાશ થઈ. બે-ચાર મિનીટમાં ટ્રેન ઉપડી. એ પછી પગ કેવા દુખ્યા ને કેવા નહીં એ કશું યાદ નથી, પણ આણંદીયાને આપેલી ગાળો પાછળ રહેલો આક્રોશ એમનો એમ યાદ છે. આણંદીયો નિષ્કામ કર્મ કરીને અમને તેનામાં આસક્ત કરતો ગયો હતો. અલબત્ત, અમારી મૂર્ખામી કે અબુધપણું પૂરેપૂરું જવાબદાર. પણ આણંદીયાનું પાત્ર અમસ્તુંય અણગમતું હોવાથી આ બહાને તેને ભાંડવાનું નિમિત્ત મળી રહે છે.  
આ પદયાત્રા વખતે મારી ઉંમર આશરે અઢાર વરસની હતી. જે દેશના યુવાનોએ સંઘર્ષ નથી વેઠ્યો તેઓ જીવનની કિંમત શું જાણે?’ આવી પૂર્વભૂમિકા સાથે આ કિસ્સો કહી કહીને લોકોને ડરાવવાની મઝા ઓર છે. અને ચાર કિલોમીટર એટલે? એ જમાનાના ચાર કિલોમીટર! આજના હિસાબે કેટલા થાય, કંઈ ખબર પડે છે?’ આવું બધું કહીને વાતને મલાવવાનો આનંદ એકદમ વિકૃત હોય છે. પણ, કસમ પેલેટની! આજ સુધી આ કિસ્સો કોઈને કહ્યો નથી. મારા અને દેવેન્‍દ્ર સિવાય કોઈ આ નહીં જાણતું હોય. અમારાં કુટુંબીઓ પણ નહીં. 

(નોંધ: કુલ ત્રણ ભાગની આ શ્રેણીનો બીજો ભાગ અહીં અને ત્રીજો ભાગ અહીં વાંચી શકાશે.) 

4 comments:

  1. Remaining instances will test our patience the way Train Station tested your's 34 years ago! So hurry up and narrate two walking experiences sooner than later....

    ReplyDelete
  2. બહુ જ રસપ્રદ બની રહી (અને રહેવાની)છે, તમારી આ દોડયાત્રા! ઝાઝી રાહ જોવડાવ્યા વગર બીજો હપ્તો આવવા દેજો. ખાસ નોંધનીય છે એકદમ બારીક રમૂજો. લીંટીએ લીંટી અને શબ્દે શબ્દ ધ્યાનથી ન વાંચીએ તો ઘણું ચુકી જવાય.

    ReplyDelete
  3. I remember my Padyatra during 1970-71 which was a real turning point in my life.. I walked 20 to 30 kms a day in saurashtra and what a stride...!Padyatri transformed into Jeevanyatri..(vimla Thakar commented..)Hearty congrats..

    ReplyDelete
  4. વર્ણન ગજબનાક, તમારી સાથે જ પદયાત્રા કરતા હોઇએ એવું ! અભિનંદન

    ReplyDelete