Friday, December 9, 2016

બાળકની પડખે હોવું એટલે....


માનો કે તમારે ઘેર તમારું ખાસ મિત્રદંપતી આવ્યું છે. મસ્ત મઝાની વાતોનો દોર ચાલી રહ્યો છે. મિત્રે પોતાનું વોટ્સેપ પણ બંધ રાખ્યું છે. આમ છતાં તમારો જીવ કોઈ પણ રીતે વાતચીતમાં ચોંટતો નથી. કારણ કે તમારી નજર સતત એ મિત્રના નાના સંતાન પર છે. એ એટલું ચંચળ અને અળવીતરું છે કે ગમે ત્યાં ચડી જાય છે, ગમે તેને અડકે છે, ખેંચે છે. તમને સતત ભય રહે છે કે એ ક્યાંક, તમારા ઘરની કોઈ વસ્તુનું નુકસાન ન કરી બેસે. મિત્ર કે મિત્રપત્ની પોતાના સંતાનની આવી વૃત્તિથી પરિચિત છે, તેઓ આ બધું જોઈ રહ્યાં છે, છતાં તેઓ ગુનાહિત નિર્લેપતા ધારણ કરે છે. કારણ કે, તેઓ માને છે કે બાળકને ટોકવું ન જોઈએ. ભલે એ ધમાલ કરે, મસ્તી કરે કે તોડફોડ કરે, તેને કશું ન કહેવાય. તોફાનમસ્તી તેનો મૂળભૂત અધિકાર છે અને એક આધુનિ, વિચારશીલ માબાપે આ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

આનો અર્થ એ નથી કે આપણે બાળલગ્ન, બાળમજૂરી કે બાળહત્યાના તરફદાર છીએ. પણ મિત્રદંપતીની આ હદની નિર્લેપતા જોઈને રહેવાય નહીં. મિત્રને ખરાબ લાગવાનું જોખમ લઈને પણ આપણે તેના સંતાનને સહેજ ઊંચા અવાજે ડારો દઈને બેસાડી દેવું પડે છે.

ક્યારેક આ સમસ્યા જુદા રૂપે સામે આવે છે. મોટેરાંઓ કશી અગત્યની વાત કરતાં હોય ત્યારે બાળક વચ્ચે આવી આવીને ઘોંઘાટ કરતું હોય છે. તે પિતા કે માતા સાથે મસ્તી કરવા ઇચ્છે, અને માતા કે પિતા વાતનું કે વ્યક્તિનું અગત્ય સમજતા હોવા છતાં સંતાનને સમજાવે નહીં અને તેને સાનુકૂળ પ્રતિભાવ આપે. આવા સમયે એ નાનકડું બાળક શેતાનનો અવતાર લાગે, અને તેનો પિતા આપણો મિત્ર હોવા છતાં શેતાનનો બાપ લાગે!

બાળકની વિવિધ ક્ષમતાનું અંકલ કે આન્‍ટી સમક્ષ નિદર્શન અલગ સમસ્યા છે, જેમાં બાળક નહીં, માબાપ ગુનેગાર હોય છે. મને લાગે છે કે આમ કરનારાં માબાપને એક મહિનાની કૈદ-એ-બામશક્કતની સજા ઓછામાં ઓછી થવી જોઈએ. એક જમાનામાં બાળકને કોઈ નવી ફિલ્મનું ગીત ગાવાની ફરજ પાડવામાં આવતી, ક્યારેક ટ્વિન્‍કલ ટ્વિન્‍કલ લિટલ સ્ટાર જેવી અંગ્રેજી પોએમ ગાવાની ફરજ પાડવામાં આવતી. આજકાલ ચાલી અઝારનો સ્માર્ટ ફોન છે. મને હજી વાપરતાં નથી આવડતો, પણ એ મારો બેટો બધું મચેડી કાઢે છે એમ કહીને બાળકને સ્માર્ટ ફોન પર વિવિધ ઍપ ડાઉનલોડ કરતો જોઈને સંતોષ અનુભવતા વાલીઓનો જમાનો છે. માબાપની માનસિકતાને બદલવી મુશ્કેલ છે.
આવી અનેક બાબતો પ્રત્યે ધિક્કાર છૂટતો હોય એ સમસ્યા મારા એકલાની નહીં હોય એની મને ખાતરી છે. મારા જેવા અનેક હશે. આનો ઉપાય શો? ઘડીભર આપણને થાય કે આપણે એ મિત્ર માટે બોધિવૃક્ષ બની જઈએ અને કહીએ, હે વત્સ, બાળસ્વતંત્રતામાં તું માનતો હો તો તારા બાળકને તારે પોતાને ઘેર જ સ્વતંત્રપણે રમવા દે. તેને લઈને આમ કોઈકને ઘેર જવાનું બંધ કર. કોઈ વાલ્મિકીને વાલિયો બનાવવાનું પાપ ન વહોર. પણ એ શક્ય નથી બનતું.
આપણે સમજીએ છીએ કે સ્વતંત્રતાનો મૂળભૂત વિચાર આવકારદાયક છે, પણ ખરી ખોટ તેની અસલ સમજણમાં રહેલી છે. છતાં દરેકને એમ લાગે છે કે પોતાની પાસે એ છે અથવા પોતાને એની જરૂર નથી. તેને સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જતાં વાર નથી લાગતી. બાળઉછેરનાં ભલભલાં પુસ્તકમાં આના ઉપાયો હોતા નથી. અથવા હોય છે તો વહેવારુ નથી હોતા. તો પછી આનો ઉપાય શો?
**** **** ****

એક પુસ્તક વિશે વાત કરવી છે, જેમાં મનમાં ઊગતા આવા ઘણા સવાલોના જવાબ સમાયેલા છે. અને આ જવાબો કોઈ પુસ્તકિયા થિયરીરૂપે નથી. એ લખનારને જાતઅનુભવમાંથી તે જડેલા છે. એ પુસ્તકના મૂળ લેખક છે બિનપરંપરાગત શિક્ષણ આપતી બ્રિટનની વિશ્વવિખ્યાત શાળા સમરહિલના સ્થાપક એ. એસ. નીલ.

Image result for a s neill
'સમરહીલ'ના સ્થાપક એ.એસ.નીલ *

સમરહિલના પગલે અમેરિકામાં આરંભાયેલી સડબરી વૅલી સ્કૂલ વિશે ડેનિયલ ગ્રીનબર્ગનું પુસ્તક ફ્રી એટ લાસ્ટનો સુંદર અનુવાદ ક્ષમા કટારિયાએ કર્યો છે, જે ઓએસિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતમિત્રની મારી કોલમ ફિર દેખો યારોંમાં ત્રણ હપ્તામાં તેના વિષે લખવાનું બન્યું હતું. (આ લેખમાળામાં સડબરી વૅલીની વિશિષ્ટ શિક્ષણપદ્ધતિ વિશે અહીં, તેની કેળવણીની ફિલસૂફી વિશે અહીં અને ગુજરાતમાં થઈ રહેલા તેના સન્નિષ્ઠ અમલ વિશે અહીં વાંચી શકાશે.) બાલ્યાવસ્થાથી લઈને છેક તરુણાવસ્થા સુધી અનેક સમસ્યાઓ માબાપને તેમ જ બાળકોને સતાવતી રહે છે. જેમ કે- 

બાળકને કેટલી સ્વતંત્રતા આપવી? તે સામું બોલે તો તેને ઠપકો આપવો? કે ચલાવી લેવું? બાળક ગાળ બોલે તો? તોફાન કરે તો તેને ફટકારવું જોઈએ? તે ધૂમ્રપાન કરતું થાય તો? પોતાના મિત્રોને ઘરમાં બોલાવીને તે ધમાલ મચાવે તો? માબાપ વાત કરતાં હોય ત્યારે બાળક બૂમો પાડીને વચ્ચે વચ્ચે ખલેલ પહોંચાડે તો? બાળક આગળ માબાપે જૂઠું બોલવું જોઈએ? બાળકે પોતાને ગમતું જ કરવું જોઈએ? એકથી વધુ બાળકો હોય તો કોની વાત માનવી, જેથી બીજાને અન્યાય થયો હોવાનું ન લાગે? મહેમાનોની હાજરીમાં બાળક પોતાનાં જનનાંગો સાથે રમત કરે તો? બાળકે શું વાંચવું જોઈએ? તમારા બાળકને કોઈ ધમકાવી જાય તો? તમારું બાળક બીજાને ધમકાવે તો? બાળકને ચોરી કરવાની આદત પડે તો? તેણે ક્યારે સૂવા જવું જોઈએ?

આ સવાલો દેશકાળથી પર હોય છે. એ. એસ. નીલ પોતાની શાળા સમરહિલમાં આવા અનેક વિદ્યાર્થીઓ સાથે સફળતાપૂર્વક કામ પાર પાડી ચૂક્યા છે. તેને લઈને તેમની પર અસંખ્ય પત્રો આવતા રહેતા, જે લખનારાઓમાં માબાપ અને બાળકો બન્નેનો સમાવેશ થતો. આ પત્રોના જવાબ નીલ પોતાના અનુભવને આધારે, પણ તદ્દન વાસ્તવવાદી રીતે આપતા. પોતાના પર આવેલા આ પત્રોને તેમણે વિષય મુજબ વિભાજિત કર્યા અને સવાલજવાબ રૂપે જ તેને ફ્રીડમ- નૉટ લાઇસન્‍સ નામે પુસ્તક તરીકે આલેખ્યા.

Image result for freedom not license bookRelated image*


ઓક્ટોબર, ૨૦૧૬ના પ્રથમ સપ્તાહમાં ઓએસિસના સન્નિષ્ઠ સ્વપ્નદૃષ્ટા અને કર્તવ્યકુશળ સંજીવ શાહે મને આ પુસ્તક વાંચવા મોકલ્યું. મેં એ વાંચવાનું શરૂ કર્યું. પુસ્તક વાંચતી વખતે અમુક સંદર્ભ એવા આવ્યા કે સાલ લખવામાં ભૂલ થઈ હોય એમ લાગે. એ વખતે તેનું પ્રકાશન વર્ષ જોયું અને ખ્યાલ આવ્યો કે તે છેક ૧૯૬૬માં પ્રકાશિત થયેલું હતું. આનો અર્થ એ કે પુસ્તક વાંચતી વખતે ખ્યાલ જ ન આવ્યો કે આ સમસ્યાઓ એટલી જૂની છે. અલબત્ત, આ પુસ્તક સંજીવભાઈએ મને ફક્ત વાંચીને પાછું આપવા નહોતું મોકલ્યું. મારે તેનો અનુવાદ કરવો એમ તેમનું સૂચન હતું, અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં એ કરી આપું એવો આગ્રહ હતો.

એક તરફ હાથ પરનાં અન્ય કામ, માથે તોળાતી દિવાળીની રજાઓ, બીજી તરફ આટલા અદ્‍ભુત પુસ્તકનો અનુવાદ કરવાની મળી રહેલી તક અને એ ઝડપી લેવાની લાલચ!
છેવટે લાલચની જીત થઈ. અને કામનો આરંભ થયો. અનુવાદ કરતી વખતે ડેડલાઈનનું દબાણ સખત હોય એ સ્વાભાવિક છે. તેથી એક વાર આખો અનુવાદ સમયમર્યાદા અગાઉ પૂરો કરી લેવો એમ નક્કી કર્યું. જેથી બીજી વખત વાંચવાનો અને તેની પર કામ કરવાનો પૂરતો સમય મળી રહે. 

આ શ્રેણીનાં અગાઉનાં બન્ને પુસ્તકોનો સુંદર અનુવાદ કરી ચૂકેલાં ક્ષમા કટારિયાએ મહેમાન ભૂમિકા ભજવવાની હતી. કામ શરૂ થયું અને જેમ પ્રકરણો થતાં ગયાં એમ એ ક્ષમાને મોકલતો ગયો. સમયમર્યાદા સાવ ઓછી હોવાને કારણે પુસ્તકના ટાઇટલની ડિઝાઇનનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ઓએસિસનાં મોટા ભાગનાં પુસ્તકોનાં ટાઇટલ તૈયાર કરનાર કલાકાર જૉલી માદ્રાએ પુસ્તકના કેન્દ્રીય વિચારને અનુરૂપ ટાઇટલ બનાવ્યું, જે પહેલીવારમાં જ સૌને પસંદ પડી ગયું. 
'ફ્રીડમ-નૉટ લાઈસન્‍સ'નો ગુજરાતી
અનુવાદ 
જોતજોતાંમાં નિર્ધારિત સમયમર્યાદામાં અનુવાદનું કામ પૂરું પણ થઈ ગયું. 

હવે તેનું પરામર્શન કરવું જરૂરી હતું, જે સૌથી અગત્યનો તબક્કો હતો. આ પુસ્તકના વિચારો માતાપિતાથી લઈને શિક્ષકો, કેળવણીકારો વગેરે સૌને સમજાય એ રીતે મૂકાય તો જ તેનો અર્થ સરે. તરજુમો કરીને મૂકી દેવાથી એક કામ ઉંચું મૂકાઈ જાય, પણ તેનો હેતુ સરે નહીં. આવી સ્પષ્ટ સમજણને કારણે કામની વહેંચણી પણ એ રીતે અમે કરી લીધી હતી. પરામર્શનનું કામ ક્ષમાના ભાગે હતું. તેમણે આખો અનુવાદ વાંચીને તેમાં માર્કિંગ કર્યાં હતાં. આ મુદ્દાઓ અંગે અમારે ચર્ચા કરીને, સમજીને તેને ભારતીય સંદર્ભમાં અથવા સમજાય એવા સંદર્ભમાં મૂકવાનાં હતાં. અગાઉ નીલના પુસ્તકનો અનુવાદ તેમણે કર્યો હોવાથી નીલની ફિલસૂફીથી તે તદ્દન પરિચીત હતાં. આને લઈને ઘણો ફાયદો થયો. અમે મૂળ અંગ્રેજી વાતાવરણના સંદર્ભને સ્થાનિક સંદર્ભોમાં મૂકી આપવાના બનતા પ્રયત્નો કર્યા, જેથી વાતનો અર્ક બરકરાર રહે. 

કાદ ઉદાહરણ આપીને આ વાત સ્પષ્ટ કરું. અપશબ્દો અંગેના સવાલના જવાબ બાબતે મૂળ પુસ્તકમાં એક વાક્ય આમ હતું. 

A Scottish ploughman will describe a chattering man as “heverin’ hoor,”. But the educated Scot will call the same fellow a “blethering bugger.”

અમે તેનો ભાવાર્થ સમજીને તેનો સંદર્ભ આ રીતે કર્યો. 

"અતિશય બકબક કરતા માણસને ગામડાનો માણસ ભડભડિયો કહેશે, અને શિક્ષિત માણસ બોલકણો કહેશે." 

આ એક નાનું ઉદાહરણ છે, પણ ખ્યાલ આપવા માટે પૂરતું છે. 
એ ચર્ચા કરતાં, સંદર્ભો ગોઠવતાં જે આનંદ આવ્યો છે એની શી વાત કરવી! એ કરતી વખતે સતત અહેસાસ થયા કરતો હતો કે આ પુસ્તકને કેવળ શિક્ષક કે આચાર્યો પૂરતું સીમિત કરવા જેવું નથી. બાળક સાથે કામ કરતા હોય એવા સહુ કોઈએ આ પુસ્તક વાંચવા જેવું છે. બાળકોની સ્વતંત્રતા અંગેની ગેરસમજણનાં ઘણાં જાળાં આ પુસ્તક સાફ કરી આપશે. ચાર-પાંચ દિવસની સતત બેઠકને અંતે એ કામ પણ સરસ રીતે પાર પડ્યું. 
નીલની સૌથી સ્પર્શી જતી કોઈ બાબત હોય તો એ છે તેમની પ્રામાણિકતા. આટઆટલા અનુભવી હોવા છતાં જે બાબત અંગે પોતાને ખબર ન હોય તો એ સ્વીકારતાં તેમને કશો ખચકાટ નથી. સાથે સાથે તેના સંભવિત ઉકેલ પણ તેઓ સૂચવે છે. અને જ્યાં તેમને ખબર છે ત્યાં કોઈનીય પરવા કર્યા વિના ધારદાર રીતે જવાબ આપ્યા છે. આખું પુસ્તક વાંચતાં થાય કે આપણે માની લઈએ છીએ કે વાલી/માબાપ/શિક્ષકો તરીકે આપણે હંમેશાં બાળકને પક્ષે જ હોઈએ છીએ- બાળકના ભલાને આગળ ધરીને આપણે ઘણું ઘણું વાજબી ઠેરવતાં હોઈએ છીએ. પણ હર સ્થિતિમાં બાળકના પક્ષે હોવું એટલે શું એ નીલના એકેએક જવાબમાંથી સ્પષ્ટ રીતે નીતરે છે. આ સમજાય તો પણ ઘણું. 

ગુજરાતી અનુવાદમાં અમે મૂલ્યવૃદ્ધિ એ રીતે કરી છે કે જે-તે વિષયના મુખ્ય શીર્ષકની સાથે સાથે અમે દરેક સવાલનાં પણ પેટાશીર્ષક આપ્યાં છે, જેથી એક વાર વાંચી લીધા પછી અનુક્રમણિકા દ્વારા તે ફરી શોધવામાં સરળતા રહે. અહીં કેટલાક સવાલોનાં શીર્ષકો મૂક્યાં છે, જેથી નીલના વ્યાપનો ખ્યાલ આવી શકે. આ સવાલો દરેક દેશમાં, દરેક બાળકને, માબાપને, શિક્ષકને સૌને સ્પર્શે છે: 

સ્વતંત્રતાની સીમા કઈ? / બાળક સતત ફોન પર ચીપકી રહે તો?/ બાળક ટી.વી. જુએ તો?/ દીકરી માતાનાં વસ્ત્રો પહેરે તો? / સ્વતંત્રતાના વિચાર અને આચાર અલગ હોય તો... / બાળક વિનમ્ર ન હોય તો? / બાળક ખર્ચના ખાડામાં ઉતારે ત્યારે../ બાળકે ભણવાને બદલે કામધંધો કરવો જોઈએ?/ માએ કામવાળી બનવું જોઈએ?/ બાળકનો ક્રોધ / અણગમતા વિષયો ભણવા પડે ત્યારે/ ફરજિયાત ભણવું લાભદાયી?/ ગૃહકાર્ય માટે બળજબરી થાય? / માસિકસ્રાવ/ ગર્ભનિરોધકો/ શીખવાની શરૂઆત વેળાસર કરી દેવી? / સેન્‍સરશિપ/ અનિચ્છનીય સાથીદારો / ધાર્મિક તાલીમનો સામનો કેમ કરવો?/ શાળામાં ધર્મનું શિક્ષણ કેમ નહીં? / મિશ્ર લગ્ન કેવું?/ લગ્નની ઉંમર કઈ? / બાળકને છાનું રાખવું કે નહીં? /બાળકની અતિશયોક્તિની આદત / બાળક જૂઠું બોલે એ કેમ ચાલે?/ ભાવતું - ન ભાવતું / બાળકે માગેલી વસ્તુ લાવી આપવી જોઈએ? / મોડે સુધી બહાર રહેવું / અપશબ્દો એટલે/ ચોરીછૂપીથી ધૂમ્રપાન / મદ્યપાન/ નશીલી દવાઓની લત/ મેક અપ/ માતાપિતા વચ્ચેના મતભેદ/ પતિપત્ની વચ્ચેના ઝઘડા અને બાળકો/ ભાંડરડાંઓનો સ્પર્ધાભાવ વગેરે....

પુસ્તકના લે-આઉટનું મુખ્ય કામ અલ્કેશભાઈ રાવલે સફાઈદાર રીતે અને ઝડપભેર પૂરું કર્યું. આ બધાની સમાંતરે સંજીવ શાહનાં પ્રતિભાવ અને સૂચનો ચાલુ જ હતાં. એ રીતે ટીમવર્કથી આ કામના તમામ તબક્કા ધારેલી સમયમર્યાદામાં પૂરા થઈ શક્યા.  

આ પુસ્તકનું લોકાર્પણ 2 ડિસેમ્બર, 2016ને શુક્રવારના રોજ થયું. બાળકોમાં રસ ધરાવતા, બાળકો સાથે કામ પાડતા, પોતાના કુટુંબમાં બાળકો હોય એવા સહુ કોઈને આ પુસ્તક એક નવી દૃષ્ટિ અને માર્ગદર્શન આપનારું બની રહેશે, એમાં કોઈ શંકા નથી. બાળકો સાથે આપ કામ પાર પાડી ચૂક્યા હો, બાળકો સાથે કામ પાર પાડી રહ્યા હો, બાળકો સાથે કામ પાર પાડવાના હો યા બાળકો સાથે આપ સંકળાવાના ન હો તો પણ આ પુસ્તક વાંચવું જરૂરી છે એમ મને લાગે છે. 
માબાપ કે વાલી તરીકેના અહમની, પોતાનાં સંતાનોને સ્વતંત્રતા આપી દીધી હોવાના ગુમાનના ગઢની એકાદી કાંકરી આ પુસ્તક ખેરવી શકે અને સાચી સમજણનો ઉજાસ પ્રગટાવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. 
**** **** **** 

પુસ્તક અંંગેની વિગત:

  • પૃષ્ઠસંખ્યા: 240 
  • કદ: 8 X 5 ઈંંચ (ડેમી)
  • કિંમત: 200/- રૂ. (વધુ નકલો પર વિશેષ વળતર) 
  • પુસ્તક મંગાવવા માટે સંપર્ક: 

Oasis, 
'મૈત્રીઘર', 201, શાલીન એપાર્ટમેન્‍ટ, 
52, હરિભક્તિ કૉલોની, 
રેસકોર્સ, વડોદરા- 390 007. 
ફોન: +91 265 2321 728 (સવારના 10.00 થી સાંજના 6.00 દરમ્યાન) /+91 99243 43083 (મો.)
ઈ-મેલ: theoasisshop@yahoo.co.in 

(* નિશાનીવાળી તસવીરો નેટ પરથી) 

5 comments:

  1. સરસ પ્રયત્ન/ સરસ માહિતી. અહીં વાપરી -
    http://evidyalay.net/neil/

    ReplyDelete
  2. લેખ વાંચવાનો શરૂ કર્યો ત્યારે લાગ્યું કે હાસ્યલેખનો ઉઘાડ છે. પણ આ તો દરેક ઘરમાં વસાવવા જેવા પુસ્તકની વાત નીકળી. આજે જ મંગાવી લઉં છું.

    ReplyDelete
  3. બહુ જ સરસ કામ થયું છે. તમને અને સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.

    ReplyDelete
  4. આપના પુસ્તકની ઉપયોગિતા માતાપિતા ઉપરાંત શાળાના શિક્ષકો અને સંચાલકોને તથા કાઉંસેલર્સને માટે અમૂલ્ય છે. ખાસ કરીને પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો-સંચાલકોને આવા પ્રશ્નો ખૂબ મૂંઝવે છે. અભિનંદન.

    ReplyDelete