કૌટુંબિક પ્રસંગોની
ઉજવણીની વ્યાખ્યા છેલ્લાં થોડાં વરસોમાં સદંતર બદલાઈ ગઈ હોય એમ લાગે. પ્રસંગ
ધાર્મિક હોય કે સામાજિક, પણ બદલાયેલા સમયને
અનુરૂપ બધી વ્યવસ્થા ‘બહાર’ની એજન્સીને સોંપી દેવામાં આવે છે. આ એજન્સીના ગણવેશધારી
કર્મચારીઓ યંત્રવત સેવા બજાવતા રહે છે. છતાં ઘણા બધા પ્રસંગોએ હાજરી આપતાં, તેમાં ખર્ચાયેલાં નાણાંનું પ્રમાણ જોતાં, અને તેની સામે અમુક મૂળભૂત બાબતોમાં સર્જાતી
ગેરવ્યવસ્થા અનુભવતાં એમ જ લાગે કે યજમાને કેવળ પોતાની પાસે રહેલાં નાણાં ખર્ચી
કાઢવાનું જ ધ્યેય રાખ્યું હશે. વ્યવસ્થા કે આયોજનની મૂળભૂત બાબતોમાં રહેતી ક્ષતિઓ
કેમ તેમના ધ્યાને નહીં પડતી હોય? આમંત્રિત તરીકે ગયા હોઈએ અને યજમાન પોરસાતા પોરસાતા પોતે કેટલામાં બધો ‘મેળ બેસાડ્યો’ એની પરાક્રમગાથાઓ વર્ણવતા હોય એટલે તેમનું ધ્યાન આવી ‘ક્ષુલ્લક’ બાબતો તરફ દોરવાનો
સવાલ જ ઉભો ન થાય.
છેલ્લા થોડા સમયથી જે
મુખ્ય લક્ષણ જોવા મળે છે તે એ કે નાણાં અઢળક ખર્ચાય છે, પણ તે ખર્ચતાં જ યજમાનને ‘કીક’ આવી જાય છે. તેનું પૂરતું વળતર મળ્યું કે નહીં એ
વિચારવાને બદલે પોતે પ્રસંગ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા છે એ આંકડો જણાવવામાં
યજમાનને અને એ સાંભળવામાં મહેમાનને બહુ રસ પડે છે. મહેમાન પણ પોતાને ત્યાં આવનારા
સંભવિત પ્રસંગ માટે આટલાં કે આનાથી વધુ નાણાં ખર્ચવાની માનસિક તૈયારી કરી લે છે.
મારા જેવા આત્માઓ દર વખતે આવા પ્રસંગોએ હાજરી આપીને વિષાદયોગ અનુભવે છે અને ફરી
આવા પ્રસંગોએ હાજર ન રહેવાની ગાંઠ વાળે છે. પણ ભગવાન કૃષ્ણ ગીતાજ્ઞાન આપતાં દર વખતે મને કહે છે, ‘હે ‘પેલેટ’પતિ! હે કીબોર્ડધરણ! હે કટારચી!
તને નિમંત્રણ મોકલનાર સઘળાં તારાં સ્વજનો જ છે. તારે એમણે ચૂકવેલા પર
ડીશના ભાવ સામે કે એમણે ખર્ચેલા ટોટલ નાણાં સામે નહીં, તારા જેવા તુચ્છાત્માને બોલાવવા પાછળની ભાવના સામે જોવાનું છે.’ બસ, આ કૃષ્ણબોધને અનુસરીને દરેક પ્રસંગે હાજરી આપવા પૂરતી એ ગાંઠ છોડી લઉં છું અને
ફરી વાળી દઉં છું.
**** **** ****
‘તમે વોટ્સેપ પર નથી?’ જુલાઈની વીસમી તારીખે હસવંતમામાનો મારા પર ફોન આવ્યો અને
તેમણે પહેલો જ આ સવાલ પૂછ્યો. હસવંતમામા એટલે કામિનીના સગા મામા. અને કામિની એટલે? વેલ! કહ્યું તો ખરું, હસવંતમામાની ભાણી! મામા
સાથે પ્રસંગે હળવામળવાનું બને, પણ તેમની સાથે ફોનવ્યવહાર નિયમીત નથી. આથી કંઈક વિશેષ હોય તો જ
મામા ફોન કરે. હું વોટ્સેપ પર નથી એ જાણીને મામાએ મને જે વિગત જણાવી, તેનો સાર આમ હતો: ‘ઓગસ્ટ મહિનાની ૭મી, ૮મી, ૯મી તારીખોએ એક
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા જવાનું છે અને ત્યાં જઈને તેના
મંદીર પર ‘ધજાજીનું આરોહણ’ કરવાનું છે. સાતમી ઓગસ્ટને શુક્રવારે રાત્રે અમદાવાદથી નીકળીને શનિવાર, આઠમી ઓગસ્ટે દ્વારકા
પહોંચવાનું અને રવિવારે સાંજે કાર્યક્રમ સંપન્ન કરીને પાછા અમદાવાદ આવવા
નીકળવાનું. અમદાવાદથી બસ કરવામાં આવી છે અને અમને ચારેયને નિમંત્રણ છે. અમારે એ
જણાવવાનું છે કે અમે કેટલા લોકો જોડાઈશું.’
આ આમંત્રણ અન્ય કોઈ તરફથી હોત તો એ જ વખતે ના પાડી દેવામાં કશો વિચાર સુદ્ધાં ન
કરવાનો હોય. પણ હસવંતમામાના ઘરના પ્રસંગોએ તેમના આયોજનનો અનુભવ હોવાથી એ દિશામાં
હકારાત્મક વિચારો આવવા લાગ્યા.
આયોજનની તૈયારી |
આયોજનનાં પાસાં |
**** **** ****
પોતાના કુટુંબમાં જળવાઈ રહેલો સંપ અને ઉત્તરોત્તર થઈ રહેલી પ્રગતિના મૂળમાં
કૌટુંબિક ભાવના અને ધાર્મિક સંસ્કાર હોવાનું માનતા દેસાઈ પરિવારની એક ઈચ્છા એવી
હતી કે કુટુંબની નવી પેઢી ધાર્મિક સ્થળોની ગંદકી સહિતનાં અનેક અનિષ્ટોને કારણે
ધર્મથી વિમુખ થતી જાય એ યોગ્ય ન કહેવાય. પૂરતા આયોજન દ્વારા કોઈ શુભ પ્રસંગોની જેમ
જ, ધાર્મિક કાર્યક્રમ પણ
યોજી શકાય છે. આ મૂળભૂત વિચારને સાકાર કરવાનું કામ કલ્પેશભાઈ અને તેમની
મિત્રમંડળીએ ઉપાડ્યું.
સૌથી પહેલાં કુટુંબીજનોનું ‘વોટ્સેપ’ પર ‘દ્વારકા ગ્રુપ’ બનાવવામાં આવ્યું, જેના પર સૌને આ કાર્યક્રમની જાણ કરવામાં આવી. ‘વોટ્સેપ’ પર નહોતા એવા
કુટુંબીઓને ફોન કે મેઈલ પર વિગતો જણાવવામાં આવી અને કેટલા સભ્યો જોડાઈ શકે એમ છે એ
નિર્ધારીત સમયમાં જણાવવાની સૂચના આપવામાં આવી. આને કારણે દરેક પરિવારમાંથી કેટલી
વ્યક્તિઓ જોડાવાની છે એ જાણ થતી ગઈ અને નિમંત્રીતોની સંખ્યાનો અંદાજ આવી ગયો.
પોતાના કદના જેવી પ્રચંડ હાસ્યસૂઝ ધરાવતા રાકેશમામા |
આયોજનની જવાબદારી નિભાવનાર સક્ષમ ટીમ: (ડાબેથી) હીતેન, જતીન, આશિષ અને નીરવ |
બે હોટેલમાં સહુના ઉતારાની વ્યવસ્થા ગોઠવાઈ. એક હતી ‘હોટેલ સુંદર પેલેસ’ અને બીજી ‘હોટેલ નંદનંદન’. કલ્પેશભાઈ અને ટીમે આ બન્ને હોટેલની એકે એક રૂમો ખોલીને
જોઈ. તેની તમામ સુવિધાઓ તપાસી અને કઈ હોટેલમાં, કયા માળે, કઈ રૂમમાં કયો પરિવાર રહેશે એ જે તે પરિવારનાં પરિવારજનોની
ઉંમર અને શારિરીક ક્ષમતા મુજબ નક્કી કરી દીધું. જેથી કોઈને સહેજ પણ અગવડ ન વેઠવી
પડે.
દરમિયાન જોડાવાના હતા એ તમામ પરિવારજનોને ‘વોટ્સેપ’ કે મેઈલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા મોકલી આપવામાં આવી. તેમાં દ્વારકાનો
સંક્ષિપ્ત પરિચય, તેમજ ત્યાંના રોકાણના બન્ને દિવસનું વિગતવાર સમયપત્રક હતું. ફોન દ્વારા પણ
સૌને તે જણાવવામાં આવ્યું. એ મુજબ ૭ ઓગસ્ટ, ૨૦૧૫ને શુક્રવારે રાતના નવ વાગે બસ ઉપડવાની હતી. એ અગાઉ
સાડા સાતે ભોજન લેવાનું હતું.
**** **** ****
નિર્ધારીત દિવસે નિશ્ચિત સમયે પરિવારજનો આવતાં ગયાં. તેમને આવકાર આપીને તેમનો
સામાન અલગ મૂકાવવામાં આવતો. માનો કે ચાર દાગીના છે, તો એ ચારેય પર એક ટેગ લગાડવામાં આવતો, જેમાં સામાનના માલિકનું
નામ, હોટેલનું નામ, અને એ હોટેલના રૂમ
નંબરની વિગતો લખાયેલી હતી. કુલ ત્રણ વૉલ્વો બસો નક્કી થઈ હતી. આ ત્રણેય બસોના નંબર
યાદ રાખવામાં સામાન્ય રીતે મુશ્કેલી પડે, તેથી તેને સરળ બનાવવા માટે આ કાર્યક્રમને અનુરૂપ બસોનાં
નામ પાડી દેવામાં આવ્યાં- ‘માધવ’, ‘કેશવ’ અને ‘શ્યામ’. ત્રણેય બસોની આગળ અને પાછળ આ નામ મોટા અક્ષરે દર્શાવતાં
સ્ટીકર્સ લગાડી દેવાયાં, જેથી કોઈને બસ શોધવામાં તકલીફ ન પડે. સૌએ પોતપોતાના સામાન પર તેમને અપાયેલો ટેગ
લગાવડાવીને સામાન જમા કરાવી દેવાનો હતો, જે સીધો જ જે તે બસની ડીકીમાં ગોઠવવામાં આવવાનો હતો. આવી
વ્યવસ્થા સામાન્ય રીતે એરપોર્ટ પર હોય. આવા પ્રસંગે એની કલ્પના જ ન હોય!
પહેલાં લગાવો ટેગ |
જે તે બસમાં સૌનું વિભાજન પણ બહુ વિચારીને કરાયું હતું. વયજૂથ મુજબ સૌને
ગોઠવવામાં આવ્યા હતા. મોટા ભાગના સિનીયર સિટીઝન એક બસમાં, મધ્યમ વયજૂથના લોકો બીજી બસમાં, અને યુવા વયજૂથના લોકો એક સાથે, જેથી સૌને મનગમતી કંપની મળી રહે. સાસુ અને વહુઓ અલગ બસમાં
રહે એ બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી.
સૌથી પહેલાં મણિનગરના ધર્મેન્દ્રભાઈના નિવાસસ્થાને ભોજન લેવાનું હતું.
પસંદગીયુક્ત વાનગીઓ અને અદ્ભુત સ્વાદિષ્ટ ભોજન લેતાં લેતાં ગપસપનો દોર ચાલુ થયો.
એ દરમિયાન હસવંતમામા, રમીલામામી, તેમનાં પુત્રો અને પુત્રવધૂઓ- ધર્મેન્દ્રભાઈ- રૂપલબેન, કલ્પેશભાઈ-પૂજાબેન, ડૉ. તુષારભાઈ આવેલાં
તમામનું અભિવાદન કરીને મળતાં રહ્યાં. આવા સમયે સામાન્યપણે જોવા મળતો પ્રસંગસહજ ઉચાટ
અને અજંપો સાવ ગેરહાજર હતા.
ભોજન નિરાંતે પૂરું થયું. ત્યાર પછી પણ સૌને બેસવાનો થોડો સમય મળ્યો. દરમિયાન
બસ આવી ગયાની જાણ કરવામાં આવી. ધીમે ધીમે સૌ એ તરફ જવા લાગ્યા. આશિષભાઈ અને બીજા
મિત્રો જે તે બસ આગળ તેના પ્રવાસીઓનાં નામનો ચાર્ટ લઈને ઉભા હતા. કોને કઈ બસમાં
બેસવાનું છે એ તેઓ જણાવતા હતા. એ મુજબ સૌના નામની સામે ટીક પણ કરતા જતા હતા. દરમિયાન
સામાન આવી ગયો અને જે તે બસના નામ મુજબ ગોઠવાઈ ગયો.
આ બધું સમયસર પૂરું થયું. સૌ ગોઠવાઈ ગયાં એટલે ‘દ્વારિકાઆઆઆઆ...........ધીશ કી જય’ના જયઘોષ સાથે બસે દ્વારકા તરફ પ્રયાણ કર્યું.
બસમાંના મોટા ભાગના પ્રવાસીઓ કુટુંબીજનો હોવાથી પરિચીતો હતા. ઘણા તો વરસો પછી મળતા
હતા. એટલે આશ્ચર્ય અને આનંદનો ભાવ સહજપણે વ્યાપેલો હતો. બસમાં સૌને એક કાગળ
આપવામાં આવ્યો, જેમાં તેમની હોટેલનું નામ, તેમને ફાળવાયેલો રૂમ નંબર, હોટેલનો સંપર્ક નંબર લખેલો હતો. આ કાગળની પાછળના ભાગમાં બે
દિવસનો વિગતવાર કાર્યક્રમ લખેલો હતો, જેથી કોઈએ કશું પૂછવાની જરૂર જ ન રહે.
બસ ધીમે ધીમે અમદાવાદની બહાર નીકળી ત્યાં સુધીમાં સૌને તેમની બેઠક પર પાણીની
બોટલ આપી દેવામાં આવી. થોડી વાર પછી વેફરનાં પેકેટ્સ અને તેની પાછળ ચોકલેટ્સ પણ
આવી. જમ્યે બહુ વાર થઈ ન હતી, છતાં બે-ત્રણ જણે પેકેટ ખોલ્યું અને વેફરની સુગંધ ફેલાઈ
એટલે એક પછી એક પડીકાં ફાડવાનો ‘કચડ કચડ’ અવાજ સંભળાવા લાગ્યો. નાના પાયે અંતાક્ષરી શરૂ થઈ. દરમિયાન
કાળા રંગની મોટી બેગ લઈને એક મિત્ર ફરવા લાગ્યા અને વેફરનાં પડીકાનાં ખાલી રેપર તેમાં
ઉઘરાવવા લાગ્યા.
વચ્ચે વચ્ચે બે એક ઠેકાણે બસે વિરામ લીધો. સૌએ રુચિ મુજબ ચા-કોફી- દૂધ કે અન્ય
નાસ્તો કર્યો. સફર આખી રાત ચાલતી રહી. સવારનું અજવાળું દેખાયું ત્યારે સાવ જુદો
ભૌગોલિક વિસ્તાર નજરે પડ્યો. ‘દ્વારકા ૫૦ કિ.મી.’ નો માઈલ સ્ટોન થોડી વાર રહીને નજરે પડ્યો એટલે ખ્યાલ આવ્યો
કે ધારેલા સમયે દ્વારકા પહોંચી જવાશે.
અને સવારે સાતેક વાગે દ્વારકા દેખાયું ત્યારે ‘માસ્ટર કી’ દેવાંગભાઈ બાઈક લઈને બસને દોરવા માટે બહારના દરવાજે હાજર
હતા. તેમની દોરવણી હેઠળ ત્રણેય બસોએ દ્વારકામાં પ્રવેશ કર્યો અને એક ચોક્કસ સ્થળે
બસ ઉભી રહી. ધીમે ધીમે સહુ ઉતર્યાં.
ચાર રીક્ષાઓ તૈયાર હતી, જેમાં બેસીને દરેકે પોતાને ફાળવેલી હોટેલ પર પહોંચવાનું
હતું. જે તે હોટેલ સુધી રીક્ષાઓએ ફેરા મારવાના હતા. એક રીક્ષા ભરાઈ જાય એટલે ‘દ્વારિકાઆઆઆઆઆ... ધીઈશ
કી જય’નો નારો બોલાય અને રીક્ષા
ઉપડે. વીસ-પચીસ મિનીટમાં સૌ પોતાના સ્થાને પહોંચી ગયા.
હોટેલ પર આશિષભાઈ તેમજ બીજા મિત્રો કાઉન્ટર આગળ લીસ્ટ લઈને ઉભા હતા. સૌ આવતાં
જાય એમ તેમના રૂમની ચાવી તેઓ હાથમાં આપી દેતા. આમ, સૌ પોતપોતાની રૂમમાં પહોંચી ગયા અને હજી પગરખાં કાઢીને
સહેજ હળવા થવા જાય ત્યાં જ સૌનો સામાન પણ રૂમ નંબર મુજબ આવી ગયો.
બેડ ટી આવી એ સાથે દરેક રૂમમાં સૌને વ્યક્તિગત રીતે પણ જાણ કરવામાં આવી કે સાડા
નવ સુધીમાં ‘હોટેલ સુંદર પેલેસ’ પર હાજર રહેવાનું છે. બન્ને હોટેલ વચ્ચે થોડું અંતર હતું, અને નાસ્તો, ભોજનનું આયોજન ‘હોટેલ સુંદર પેલેસ’ રાખવામાં આવેલું, કેમ કે, ત્યાં જગાની મોકળાશ વધુ
હતી. ‘હોટેલ નંદનંદન’ પર બાંધેલી રીક્ષાઓ
તૈયાર રહેતી, જેમાં સૌ ગોઠવાઈ જાય અને ‘દ્વારિકાઆઆઆ...’ બોલાય એ સાથે રીક્ષાનો પહેલો ગીયર પડતો, અને ‘….ધીઈશ કી જય’ ઝીલાય ત્યાં સુધી બીજો, ત્રીજો અને ચોથો.
‘સુંદર પેલેસ’ પર અદભુત બ્રેકફાસ્ટ તેમજ સવારસાંજના ભોજનની વ્યવસ્થા
દેસાઈ પરિવારના પરિચીત પારસભાઈના ‘રાધે કેટરર્સ’ દ્વારા કરવામાં આવેલી, જે પોતાના રસાલા સહિત અમદાવાદથી અલગ વાહનમાં આવ્યા હતા. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનું મેન્યુ
ઝીણવટપૂર્વક નક્કી કરાયું હોય એ જણાઈ આવતું હતું. વૈવિધ્યની સાથે સાથે સ્વાદ અને એ
ઉપરાંત યજમાનોનું આવકાર આપતું સ્મિત- ભૂખને લગાડવા અને સંતોષવા માટે પૂરતાં હતાં.
કૌટુંબિક મેળાવડાઓમાં જૂથ પડી જવાં સામાન્ય બાબત છે. અને જૂથવાર થતી ઝીણી ઝીણી
ટીપ્પણીઓની અલગ મઝા છે. પણ દેસાઈ પરિવારનાં કુટુંબીઓ તમામ જૂથમાં મોકળાશથી
હરતાફરતા રહીને સૌનું ધ્યાન રાખતા હતા.
પહોંચ્યા એ દિવસે બપોરે બેટદ્વારકા જવાનું હતું. તેથી બ્રેકફાસ્ટ પછી અને
જમ્યા પહેલાંનો સમય મુક્તપણે ફરવાનું હતું. અમે આ સમયનો સદુપયોગ દ્વારકાના
દરિયાકાંઠે આવેલા ગોમતીઘાટ પર અને તેની બીજી તરફ જોડાયેલા દીવાદાંડીવાળા
દરિયાકાંઠા પર રખડવામાં અને ફોટા પાડવામાં કર્યો. આ વખતે તસવીરો લેવાનો સૌથી વધુ
ઉત્સાહ ઈશાનને હતો, અને અહીં સ્થળ તેમજ લોકોનું વૈવિધ્ય તેને વ્યસ્ત રાખવા માટે પૂરતું હતું.
દરિયાકાંઠેથી ઠંડો પવન આવતો હતો, પણ માથે આકરો તડકો હતો. આવા તાપમાં પગપાળા રખડતાં તરસ
સિવાય કશી અનુભૂતિ ન થાય. પણ ‘સુંદર પેલેસ’ પર ભોજન સમયે પાછા આવ્યાં, ઘડીક બેઠાં અને પાણી પીધું ત્યારે ખબર પડી કે ભૂખ પણ લાગી
હતી. વૈવિધ્યસભર સ્વાદિષ્ટ ભોજન અને સસ્મિત આવકાર અમારી રાહ જોતાં હતાં. હાથમાં
પ્લેટ લઈને હળતાંમળતાં, વાતો કરતાં, બિલકુલ નિરાંતે જમવાની મઝા ઓર હતી.
બપોરે સૌએ બેટદ્વારકા નીકળવાનું હતું. સૌને કાર્યક્રમની જાણકારી હતી જ, છતાં જમતી વખતે ફરી વખત
જણાવી દેવામાં આવ્યું. જમ્યા પછી સહેજ વિરામ લઈને સૌ બસમાં ગોઠવાયા. રસ્તે આવતા
નાગેશ્વર, ગોપી તળાવ જેવાં સ્થળોએ ઉતરીને, તેને જોઈને આગળ વધ્યા. બેટદ્વારકા જવા માટે મુખ્ય સ્થળે
ઉતરીને ત્યાંથી બોટમાં જવાનું હતું. ત્રણેય બસના મુસાફરો એક જ બોટમાં આવી શકે એ
મુજબ એક બોટ નક્કી કરાઈ અને સૌ તેમાં ગોઠવાયા. બેટદ્વારકા પહોંચ્યા પછી મંદીરના
પ્રાંગણમાં ચા અને બિસ્કીટની વ્યવસ્થા હતી. ઉડીને સૌથી વધુ આંખે વળગે એવી ચોકસાઈ
ક્યાંય ગંદકી ન ફેલાય તેની તકેદારી રાખવાની હતી. ચાના ખાલી પ્યાલા કે બિસ્કીટનાં
રેપર એક મોટી કોથળીમાં જ સૌ ફેંકે એની કાળજી લેવાતી. બસમાં પીવાના પાણીની બૉટલો
આપવામાં આવતી, અને ખાલી થયેલી બૉટલો પણ એક કોથળીમાં ઉઘરાવી લેવાતી.
બેટદ્વારકાથી રાત્રે પાછા આવ્યા પછી પોતપોતાની રૂમે પહોંચીને ફ્રેશ થઈને ભોજન
માટે ‘હોટલ સુંદર પેલેસ’ પર હાજર થવાનું હતું. એ
રાત્રે સંગીતસંધ્યાનો કાર્યક્રમ પણ હોટેલના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો.
સવારસાંજ તૈયાર થતા ભોજનનો સ્વાદ ચડે કે યજમાનોની પરોણાગત ચડે એ કહેવું અઘરું
હતું. નાનામોટા સૌની દરકાર એટલી હદે રાખવામાં આવતી કે દરેકને પોતે વી.આઈ.પી.
હોવાનું લાગે. એક જ અનુભવ ટાંકું.
રાત્રે સંગીતસંધ્યામાં અમે થોડી વાર બેઠા. અમને થયું કે ગઈ રાતની મુસાફરી અને
આખા દિવસની રખડપટ્ટીનો થાક છે, તેથી સહેજ વહેલા જઈને રૂમ પર સૂઈ જઈએ. અમે ત્રણેય નક્કી
કરીને એ રીતે જવા નીકળ્યા. બહાર જઈને સહેજ આગળ પહોંચ્યા કે સામેથી આશિષભાઈ બાઈક પર
આવતા દેખાયા. અમને જોઈને તેમણે બાઈક ઉભી રાખી. અમને આગ્રહપૂર્વક પાછા વાળતાં કહ્યું
કે આઈસ્ક્રીમની વ્યવસ્થા છે અને એ ખાઈને જ તમારે જવાનું છે. આઈસ્ક્રીમ આવી રહ્યો
છે. તેમના આગ્રહ આગળ ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો. અને આવી સરભરા સૌની થતી હતી.
બીજા દિવસે સવારે પણ ‘હોટલ સુંદર પેલેસ’ પર રાબેતા મુજબની હાજરી પછી ફરી એક વાર સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટનો દોર ચાલ્યો. કલ્પેશભાઈના મિત્રોનું એક જૂથ અમદાવાદથી આવવાનું હતું, આ દિવસે
બપોરે મુખ્ય કાર્યક્રમ હતો, તેથી સવારે પોતપોતાની રીતે સૌએ ફરવાનું હતું. જેને જ્યાં જવું
હોય ત્યાં રીક્ષાઓ હાજર હતી. ઘણા લોકોએ ભડકેશ્વર જવાનું નક્કી કર્યું. એટલે રીક્ષામાં
સૌથી પહેલાં પાણીની બૉટલો મૂકી દેવામાં આવી. ત્યાર પછી વારાફરતી સૌ ગોઠવાયા અને દરિયાકાંઠે
આવેલા ભડકેશ્વર પહોંચ્યા. સવારના દસ-અગિયાર વાગ્યામાં પણ તડકો આકરો લાગતો હતો. છતાં
તસવીરો લેવાની મજા બહુ આવી.
કલ્પેશભાઈ અને હસવંતમામા કુટુંબીઓનાં નામ ચોપડે ચડાવીને દસ્તાવેજીકરણ |
કુટુંબીજનોનાં નામની શાખાવાર એન્ટ્રી |
પરિવારમાં થતા હોય એવા સહુ કોઈનાં નામ આ ચોપડામાં સગપણ સાથે લખવા. આ કામમાં તેમની સાથે હું પણ જોડાયો અને કુટુંબની શાખાપ્રશાખાઓ મુજબ આ યાત્રામાં આવેલાં સહુ કોઈનાં નામ યાદ કરી કરીને તેમાં નોંધ્યા. ભવિષ્ય માટેનું આ દસ્તાવેજીકરણ કહી શકાય. આ બધું પતાવીને હવે મુખ્ય કાર્યક્રમની તૈયારી કરવાની હતી.
‘ધજાજીના આરોહણ’ માટે સૌ પ્રથમ તેની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી તેને જુલૂસસ્વરૂપે
મંદીર સુધી લઈ જવામાં આવે છે. અચ્છુંખાસ્સું ભક્તિભાવવાળું અને શ્રદ્ધાયુક્ત વાતાવરણ
હોય એ સ્વાભાવિક છે. હોટેલથી મંદીર સુધીનો રસ્તો માંડ દસેક મિનીટનો હશે, પણ ધીમે ધીમે આગળ વધતા જવાનું
હોવાથી અડધો-પોણો કલાક લાગે એમ હતો. આ આખે રસ્તે પાણીની બૉટલો સાથે માણસો ફરતા હતા, એટલું જ નહીં, માથે વળતો પરસેવો લૂછવા માટે
ટીશ્યૂ પેપરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુટુંબીજનોનો એવો દૃઢ ખ્યાલ હતો કે આપણા થકી
ગંદકી કોઈ પણ રીતે થવી ન જઈએ. તેથી પાણીની ખાલી બૉટલો પણ ધ્યાન રાખીને એકઠી કરવામાં
આવતી હતી.
ઉત્સાહ અને ઉમંગ |
હાજર રહેલા સૌના માથે વારાફરતી ધજાજીની ટોપલી મૂકીને તેમને પુણ્યલાભ અપાતો હતો.
ઈશાન આ બધાથી બેખબર આસપાસનાં દૃશ્યો કેમેરામાં ઝડપવામાં મશગૂલ હતો. તેને સગપણે નહીં, પણ 'ફોટો પાડતા રહેતા છોકરા' તરીકે ઓળખતા એક સજ્જને તે બાકી રહી ન જાય એટલા માટે તેને બોલાવીને તેના માથે છાબ મૂકાવીને
પુણ્યમાં ભાગીદાર કર્યો. પુણ્ય ખરેખર મળશે કે નહીં, એનું નહીં, મહત્વ આ ચેષ્ટાનું છે. અને આવી જ આત્મીયતા આખા પ્રવાસ દરમિયાન
અનુભવાતી રહી હતી.
સૌને અપાતો 'ધર્મલાભ' |
રાતે વધુ એક વાર સ્વાદિષ્ટ ભોજનનો દોર હતો. એ પછી ધીમે ધીમે સૌ બસમાં ગોઠવાયા.
બસ શરૂ થઈ એટલે સૌને પોતાની બેઠક પર જ પ્રસાદના ડબ્બા આપી દેવામાં આવ્યા.
સવારે અમદાવાદ ઉતર્યા. બે દિવસના આ સાથ પછી હવે છૂટા પડવાનું હતું અને પોતપોતાના
કામે લાગવાનું હતું. આ પ્રવાસ સુંદર કૌટુંબિક પ્રવાસ તરીકે યાદગાર બની રહે એ સ્વાભાવિક
છે.
સૌ કોઈની ધાર્મિક આસ્થા પોતપોતાને ઠેકાણે છે, પણ આખી યાત્રામાં પ્રેમ, લાગણી અને દરકારનો જે આંતરપ્રવાહ સતત વહેતો જણાયો એ આખી યાત્રાનું મુખ્ય લક્ષણ કહી શકાય. નાણાં હોવાં અને તેને ભપકાદાર રીતે ખર્ચીને લુખ્ખો છાકો પાડી દેવાને બદલે ઝીણવટભર્યા આયોજન સાથે ઉત્તમ વ્યવસ્થા શી રીતે પૂરી પડી શકાય તેનો આ નમૂનો બની રહેશે.
સૌ કોઈની ધાર્મિક આસ્થા પોતપોતાને ઠેકાણે છે, પણ આખી યાત્રામાં પ્રેમ, લાગણી અને દરકારનો જે આંતરપ્રવાહ સતત વહેતો જણાયો એ આખી યાત્રાનું મુખ્ય લક્ષણ કહી શકાય. નાણાં હોવાં અને તેને ભપકાદાર રીતે ખર્ચીને લુખ્ખો છાકો પાડી દેવાને બદલે ઝીણવટભર્યા આયોજન સાથે ઉત્તમ વ્યવસ્થા શી રીતે પૂરી પડી શકાય તેનો આ નમૂનો બની રહેશે.
Excellent.
ReplyDeleteBy reading this, I feel equal experience as you have actually enjoyed.
Nice description.
ReplyDeleteVery nice narrated.....it was indeed superb planning and with lifetime memories inscribed in mind.....
ReplyDeleteJSK and Jai Dwarikadhish....
Very nice narration......Very good Planning by Shri Hasavantbhai.....Jai Dwarkadihish....Jai Shree Krishna......
ReplyDeleteMahesh Desai
ReplyDeleteજાણે તમારી સાથે જ હોઉં એવું સ-રસ અને જીવંત વર્ણન.. આયોજન માટે તો બારીકાઇ, ઝીણવટ, ચોકસાઈ... શબ્દો ઓછા પડે...
ReplyDeleteભઈ વાહ....હસવંતમામાએ કમાલ કરી! ઘણા વખતથી આવા આયોજનપૂર્વકના પ્રવાસની સદંતર ગેરહાજરી વર્તાય છે.
ReplyDeleteઆપ તો નંદનંદનમાં રહ્યા ને? ઓમ પાન હાઉસનું પાન ખાધું હતું?!!!
ખરેખર આવા ધાર્મિક પ્રવાસો યોજાય તો તમામ હોંશેહોંશે જોડાય.
હવે પછીના પ્રવાસમાં આપણું કંઇ ગોઠવાય તેમ છે?!!! મામાને ભલામણ કરજો!!!!
Very nice ...very good ...kalpeshbhia ....jay dwarkadhish .....
ReplyDelete