Thursday, February 10, 2022

કાન્‍તિકાકાની વિદાય

 

મળી'તી એવી ધરી દીધી, અમારી આ જીવનચાદર

લ્યો, આવી પહોંચ્યા અમે, તમારા ગામને પાદર

બુધવાર તા. 2 ફેબ્રુઆરી, 2022ના રોજ નડિયાદ ખાતે કા‍ન્‍તિભાઈ મકવાણાનું અવસાન થયું. આ સમાચાર મળતાં જ 2020ના સૌ પ્રથમ લૉકડાઉન દરમિયાન તેમની સાથે સતત થતી રહેલી વાતોનો સીલસીલો જીવંત થઈ ઊઠ્યો.

કાન્તિકાકાની મારા માટેની પહેલવહેલી ઓળખાણ એટલે ઓસ્ટ્રેલિયાસ્થિત ફિલ્મકાર- સંગીતકાર મિત્ર ગિરીશ મકવાણાના પિતાજી. જો કે, ઉર્વીશને પહેલો પરિચય કાન્તિકાકા સાથે થયેલો અને એ દરમિયાન તેમણે પોતાના પુત્ર ગિરીશ વિશે વાત કરેલી. મારે પહેલો પરિચય ગિરીશ સાથે થયો. રંગભેદ અને જાતિભેદને સામસામે મૂકી આવતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'ના પ્રિમીયર વેળા કાન્તિકાકા અને શારદાકાકી સાથે પહેલવહેલી મુલાકાત થયેલી. એ પ્રસંગે જ ગિરીશનાં બહેન મનીષા સોલંકીનો પણ પરિચય થયો. ફિલ્મમાં ગુજરાતના ચરોતર વિસ્તારના એક ગામડામાં આચરવામાં આવતી અસ્પૃશ્યતાની વાત કશા શણગાર વગર કહેવાયેલી છે. એમાંના અમુક પ્રસંગો કાન્તિકાકાના જીવનમાં સાચેસાચ બનેલા હતા એની જાણ થયા પછી એમને મળવામાં એક વિશેષ પરિમાણ ઉમેરાયું. એ વખતે ખાસ કશી વાત થઈ નહીં, પણ થોડા વખતમાં એક સુયોગ સર્જાયો.
એક દિવાળીએ અમે મહેમદાવાદ હતાં ત્યારે કાન્તિકાકા, મનીષાબહેન, એમના પતિ મહેશભાઈ તેમજ કાન્તિકાકાનો પૌત્ર ધૈવત મારી શુભેચ્છા મુલાકાતે આવ્યાં. એમાં વાત નીકળી કે તેઓ પોતાની જીવનકથાના પ્રસંગોનું આલેખન કરી રહ્યા છે. મને આમાં બહુ રસ પડ્યો એટલે એ વિશે પૂછપરછ કરી. સરવાળે એવું ઠરાવાયું કે એક વાર તેઓ તમામ આલેખન પૂરું કરી લે એ પછી એ લખાણ મને મોકલે, અને હું મારી ભૂમિકામાં પ્રવેશ કરું.
કાન્તિકાકાએ પોતે જે લખેલું હતું એ મને મોકલવા માંડ્યું. તેમણે મારું મંતવ્ય પૂછ્યું એટલે મેં જણાવ્યું કે એક વાર તમે બધું જ લખી દો. એ પછી હું એ વાંચીશ અને કહેવા જેવું લાગશે તો કહીશ. એ અનુસાર તેમના તરફથી લખાણ આવતાં ગયાં. આ લખાણો છૂટક પ્રસંગો તરીકે લખાયેલા હતા. આવા સાઠેક લખાણો મોકલ્યા પછી તેમણે કહ્યું કે હવે પોતાને લખવા જેવું લાગતું એ બધું લખાઈ ચૂક્યું છે. હવે મારી ભૂમિકા આરંભાઈ. મેં એકે એક લખાણનું વાંચન શરૂ કર્યું અને એમાં જે પણ વિગત ખૂટતી હતી તેની નોંધ એની બાજુમાં જ કરતો ગયો. એ નોંધ કાન્તિકાકાને મોકલી અને એમને એ વિગત જણાવવા કહ્યું. મને એમ હતું કે કાન્તિકાકા કહેશે કે ભાઈ, રહેવા દો. આવું બધું દોઢડહાપણ કરવું હોય તો પુસ્તક હું જ કરી લઈશ. તેને બદલે એમણે ફોનમાં કહ્યું, 'આ સારું કર્યું. તમે આ પૂછ્યું એટલે મનેય બીજી વાતો યાદ આવે છે. એ લખું?' તેમના આ અભિગમથી મને બહુ આનંદ થયો. એ પછીના ચારેક મહિના અમારી વચ્ચેના સતત ફોનાલાપના રહ્યા. એપ્રિલ, 2020 થી જુલાઈ, ઓગસ્ટ સુધીનો ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે અમે વાત નહીં કરી હોય. આ ઉમેરીએ, આ કાઢીએ, આટલું બાજુ પર રાખીએ...આવી અનેક ચર્ચા. તે મારા સૂચનને સાંભળે, કશીક ટીપ્પણી કરે અને સામું મને કશુંક સૂચવે- આખરે અમે બન્ને કોઈક કોમન મુદ્દો શોધીએ અને એટલા ભાગને સમાવીએ કે પડતો મૂકીએ. એ અગાઉ કાન્તિકાકાએ જે હસ્તલિખીત લખાણ મોકલેલું એ તમામ લખાણ ઈશાન કોઠારીએ ટાઈપ કરેલું. આથી આ સમગ્ર પ્રક્રિયામાં પણ તેની સામેલગીરી રાખેલી.

આ પુસ્તકના નિર્માણ દરમિયાન કાન્તિકાકાના જીવનનો મને અંતરંગ પરિચય થાય એ સ્વાભાવિક છે, પણ એના માટેના વ્યવહાર દરમિયાન તેમની પ્રકૃતિનો પણ પરિચય થયો. તેમનાં લખાણની શૈલી જુદા પ્રકારની હતી, જેને 'ઓલ્ડ સ્કૂલ' કહીએ એવી. એમાં અકારણ અને બિનજરૂરી રીતે આલંકારિક શબ્દો આવતા રહે. જેમ કે, 'મા' લખવાનું હોય તો એ હંમેશાં 'વહાલસોયી મા' જ લખે. આ રીતે બીજા શબ્દો માટે પણ. મેં આ શૈલી સાવ જ કાઢી નાખવા સૂચવ્યું. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે આ સૂચનનો સ્વીકાર કર્યો અને કહ્યું, 'મારું કામ બહેતર દેખાય એમ જ તમે વિચારતા હો, એટલે તમને યોગ્ય લાગે એ કરો.' તેમની આવી પ્રતિક્રિયા મારા માટે જરા નવાઈજનક હતી. કેમ કે, તેમની આવી લેખનશૈલી વિશે ગિરીશ સાથે મારે વાત થતી અને અમે બેય એ બાબતે ગમ્મત કરતાં, અને ક્યારેક વાતચીતમાં રમૂજ તરીકે એનો ઉપયોગ કરતા.

પુસ્તકના સમગ્ર આલેખન દરમિયાન એ અનુભવાયું કે કાન્તિકાકાના જીવનમાં ધરીરૂપ હોય તો એ એમનાં પત્ની શારદાબહેન. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયેલાં શારદાકાકી જબરા વાંચનરસિયા. સદાય હસતા મોંએ આવકારવા તત્પર. એમની શાલીનતા સામાવાળાને સ્પર્શ્યા વિના રહે નહીં. એમ કહેવામાં અતિશયોક્તિ નહીં કે કાન્તિકાકાવાળા પુસ્તકની હસ્તપ્રત એમણે પણ અમારા જેટલી જ વાર વાંચી હશે.

પુસ્તક બાબતે મને અને ગિરીશને સહેજ એવો અસંતોષ હતો કે એમાં હજી વધુ ઝીણવટભરી વિગત સમાવાઈ શકી હોત. પણ એ માટેનો સમય નહોતો, અને કોવિડને કારણે એ થઈ શકે એમ લાગતું નહોતું.

આખરે પુસ્તકનું ફાઈનલ સ્વરૂપ તૈયાર થયું. તેના નિર્માણની જવાબદારી પણ કાન્તિકાકાએ મને જ સોંપી. ડિઝાઈનર ફરીદની સાથે મળીને અમે એ પુસ્તક તૈયાર કર્યું. આખરે 4 ઑક્ટોબર, 2020ના રોજ અમે તેમને ત્યાં નડિયાદ ગયા અને પરિવારજનો વચ્ચે જ એનું વિમોચન કર્યું. એ તેમની લગ્નતિથિ હતી.

તેમના જ ઘરમાં માત્ર પરિવારજનો વચ્ચે કરેલું 'લોકાર્પણ':
(ઉભેલાં- ડાબેથી) પુત્રવધૂ ઈન્
દુબહેન, પૌત્ર ધૈવત,
(બેઠેલાં- ડાબેથી) શારદાકાકી, ખુશી અને કાન્
તિકાકા

પુસ્તકને લઈને કાન્તિકાકા બહુ રાજી હતા. જેમને મોકલેલું એમનો કશો પ્રતિભાવ આવે કે એમનો ફોન આવ્યો જ હોય. બીજા કોને મોકલવું જોઈએ એની પણ વાત કરે.

(ઉભેલાં- ડાબેથી) કામિની કોઠારી, બીરેન કોઠારી
અને ઈશાન કોઠારી,
(બેઠેલાં- ડાબેથી શારદાકાકી અને કાન્
તિકાકા)

એ પછીના અરસામાં શારદાકાકીનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. તેમનું હલનચલન વધુ ને વધુ મર્યાદિત થતું ચાલ્યું. કાન્તિકાકાના ફોન નિયમીત આવતા, એમાં એ શારદાકાકીના સ્વાસ્થ્ય વિશે પણ જણાવતા. આખરે 14 જાન્યુઆરી, 2022ના રોજ શારદાકાકીએ દેહત્યાગ કર્યો. સમાચાર મળ્યા પછી, કદાચ બે-ત્રણ દિવસે કાન્તિકાકાને ફોન કર્યો. તેમણે વિગતે વાતચીત કરી. શારદાકાકીની અંતિમ ઘડીઓ વિશે જણાવ્યું. વાતચીતમાં તો એ સ્વસ્થ જણાતા હતા, છતાં એ જાણે કે અંદરથી ભાંગી પડ્યા હોય એવો અણસાર જણાયો. ત્યારે મને ભાગ્યે જ અંદાજ હતો કે કાન્તિકાકા સાથેની આ મારી છેલ્લી વાતચીત હશે.

એ પછી કાન્તિકાકા પણ બિમાર પડ્યા. તેમના હોસ્પિટલાઈઝેશન અને સારવારનો દોર ચાલ્યો. તેમની વાચા મર્યાદિત બની, અને તે કોઈને ઓળખી શકે એ સ્થિતિમાં ન રહ્યા. આખરે તેમણે પણ 2 ફેબ્રુઆરી, 2022ના રોજ શ્વાસ મૂક્યો. શારદાકાકીની વિદાયના ત્રણેક અઠવાડિયામાં તેઓ પણ એ જ માર્ગે સિધાવ્યા.

એક જીવનચરિત્રકાર તરીકે આવી કપરી ઘડીઓનો સામનો કરવાનો આવે ત્યારે મનમાં ઉથલપાથલ મચી જતી હોય છે, પણ એ ઉથલપાથલ દરિયામાં આવતા ભૂકંપ જેવી હોય છે. એક એવી વ્યક્તિ સાથે તેના જીવનના આલેખન નિમિત્તે સંકળાવાનું થાય, એ ચોક્કસ સમયગાળા પૂરતા તેમની એ હદે નજીક આવવાનું બને કે કદાચ એ ગાળા પૂરતું તેમના કોઈ સ્વજન કરતાંય વધુ વાત આપણી સાથે થતી રહેતી હોય, આ બધાના પરિણામરૂપે પુસ્તક તૈયાર થાય અને એ પછી અચાનક આ રીતની વિદાય....! આ સંવેદનને શબ્દોમાં આલેખવું અઘરું છે.
પોતાનાં સંસ્મરણોના પુસ્તકનું શિર્ષક શું રાખવું એ પ્રશ્ન તેઓ પહેલા દિવસથી પૂછતા હતા, અને હું એની પર ઠંડું પાણી રેડતાં કહેતો, 'એની ચિંતા છોડી દો. એક વાર આલેખન થાય એટલે એ આપમેળે સૂઝી આવશે.' ખરું કહું તો મને એનું શિર્ષક સૂઝ્યું એથીય પહેલાં એના ટાઈટલની ડિઝાઈન સ્પષ્ટ થઈ ગયેલી. આખરે અમે શિર્ષક ફાઈનલ કર્યું, 'જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા.' કાન્તિકાકાને અતિ પ્રિય એવા કબીરજીના એક ભજનની આ જાણીતી પંક્તિઓ છે. ઈશ્વર દ્વારા પોતાને મળેલા જીવનને કશા ડાઘ વિના જીવી લીધા પછી અંતે એ ઈશ્વરને યથાતથ સુપ્રત કરે છે એવો ભાવ એમાં છે.


શારદાકાકી અને કાન્તિકાકા બન્નેએ માંડ પંદર-સત્તર દિવસના અંતરાલે વિદાય લીધી એ વાસ્તવિકતા સ્વીકારવી કુટુંબીજનો માટે કપરી છે, છતાં એ આશ્વાસન રહે છે કે તેમનું સાયુજ્ય એવું હતું કે એકમેક વિના એમને સોરવે નહીં. આ લોકમાં તેઓ સાથે ને સાથે રહ્યા, અને જીવન પછી પણ જો કોઈ લોક જેવું હશે તો એમાં પણ તેઓ સાથે જ રહેશે.

કુટુંબીજનો એવાં ગિરીશભાઈ, મનીષાબહેન અને મહેશભાઈ, ઈન્દુબહેન, ભાઈ ધૈવત, શિવરંજની અને ચિ. ખુશી સૌ આ હકીકત જાણે જ છે, છતાં બન્નેની આટલા ટૂંકા ગાળામાં થયેલી વિદાયને સ્વીકારવી અઘરી છે. એ સૌને સાંત્વના.

Wednesday, December 15, 2021

કેરિકેચર

 કેરિકેચરમાં જે તે વ્યક્તિના ચહેરાના કેટલાક ભાગ સાથે રમત કરવાની હોય છે. આને કારણે એમ બનતું હોય છે કે દેખીતું કશું સામ્ય ન હોવા છતાં કેરિકેચરીસ્ટ દ્વારા દોરાતા, સાવ અલગ હોય એવી બે વ્યક્તિઓના ચહેરામાં સામ્ય જણાય. કર્ણાટકના એક સમયના મુખ્યપ્રધાન રામકૃષ્ણ હેગડે અને ભારતના એક સમયના વડાપ્રધાન ચંદ્રશેખર બન્ને દાઢી રાખતા હતા. કેરિકેચરીસ્ટ તેમનો ચહેરો દોરતી વખતે સામાન્ય રીતે દાઢીને પ્રાધાન્ય આપે. એમ કરવામાં સહેજ ચૂક થઈ જાય તો એ કેરિકેચર કોનું છે એ ખ્યાલ ન આવે. આવું જ ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને સરદાર પટેલના કેરિકેચર બાબતે બને છે. તેમના ચહેરામાં આમ કશું સામ્ય નથી. વિશિષ્ટ નાક અને હોઠને કારણે નરસિંહરાવનું કેરિકેચર બનાવવું અતિ સરળ લાગે, જ્યારે સરદાર પટેલના ચહેરામાં એવી ખાસ વિશેષતા ન હોવાથી તેમનું કેરિકેચર બનાવવું પ્રમાણમાં અઘરું છે. આમ છતાં માથાના અમુક જ ભાગમાં વાળ, પહોળા હોઠ અને ખભે નંખાયેલા ખેસને કારણે બન્નેના અમુક કેરિકેચરમાં ઘણું સામ્ય જણાય છે.

નરસિંહ રાવ વડાપ્રધાનપદે હતા ત્યારે એક એડ કેમ્પેઈનમાં તેમનો ચહેરો ડૉ. આમ્બેડકરની ઝલકવાળો, અને બીજા કેમ્પેઈનમાં સરદાર પટેલની ઝલકવાળો ચીતરાયો હતો- અને એ કેરિકેચર નહીં, પણ હોર્ડિંગમાં! એ ફોટોસ્ટોરી 'ધ ઈકોનોમિક ટાઈમ્સ'માં હતી.
કેરિકેચરની આ જ મઝા છે. એમાં ચહેરાને અત્યંત સરળ કે અતિશય જટિલ કરીને જે રમત કરવામાં આવે છે તેને કારણે કશું સામ્ય ન હોય એવી વ્યક્તિઓના ચહેરામાં સરખાપણું લાગે છે.

ચંદ્રશેખર 

રામકૃષ્ણ હેગડે 

નરસિંહરાવ 

સરદાર પટેલ 


Wednesday, November 24, 2021

એક ઐતિહાસિક સંસ્થાના ઈતિહાસનું આલેખન

 વટવૃક્ષ એટલે કે વડ અન્ય વૃક્ષોથી અલગ પડે છે. તેનું અતિ દીર્ઘ આયુષ્ય, તેનો પ્રસ્તાર અને તેને માટે કારણભૂત અતિ ઊંડાં અને દૃઢ મૂળ. વડની ડાળીઓ એટલે કે વડવાઈઓનો ફેલાવો પણ એટલો જ, અને આ દરેક વડવાઈ જમીન સુધી પહોંચતાં વડ બને એવી પૂરી શક્યતા. વડનાં ફળો એવા ટેટા સાવ નાનાં, પણ એમાંય આખેઆખા વટવૃક્ષની શક્યતા. કોઈ પણ સંસ્થાનો વ્યાપ અત્યંત પ્રસરેલો હોય, અને તેનાં મૂળિયાં પણ એટલાં જ ઊંડાં ઉતરેલાં હોય ત્યારે તેને યોગ્ય કારણોસર જ 'વટવૃક્ષ' સાથે સરખાવવામાં આવે છે. આ શબ્દપ્રયોગ કે સરખામણી હવે તો અતિશય ઉપયોગથી સાવ લપટી પડી ગઈ હોવા છતાં એ એટલી જ સચોટ જણાય છે.

1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને અહીં જ સ્થાયી થયા પછી મોહનદાસ ગાંધીએ સ્વાવલંબન અને સ્વદેશી કેળવણીના પોતાના આગવા વિચારોના અમલ માટે એક યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું. અંગ્રેજો સાથે લડતના વિવિધ કાર્યક્રમોની સાથોસાથ તેમણે 18 ઑક્ટોબર, 1920ના રોજ તેની સ્થાપના કરી. નામ રખાયું 'ગૂજરાત વિદ્યાપીઠ'. આ કોઈ ક્ષણિક આવેશમાં આવીને લેવાયેલો નિર્ણય નહોતો, બલકે નક્કર વિચારણાને આધારે લેવાયેલું પગલું હતું.

18 ઑક્ટોબર, 2020ના રોજ આ સંસ્થાએ શતાબ્દી પૂર્ણ કરી. ખરા અર્થમાં તે વટવૃક્ષ સમાન બની રહી છે. તેની પોતાની અનેકવિધ શાખાપ્રશાખાઓ તો ખરી જ, પણ અહીંના સ્નાતકોએ પોતાની કેળવણીસંસ્થાઓ સ્થાપી એ અલગ.

આ સંસ્થાની સો વર્ષની સફરને આલેખવાનું કામ ચારેક વર્ષ પહેલાં મને સોંપવામાં આવ્યું. એનો રોમાંચ હતો, સાથે એક મોટી જવાબદારીનો અહેસાસ પણ ખરો. મારે આખી સંસ્થાનું વિહંગાવલોકન કરવાનું હતું. દોઢેક વરસની સમયમર્યાદા વિચારવામાં આવેલી. સૌ પ્રથમ કામ હતું વિદ્યાપીઠ અને તેને આનુષંગિક તમામ સામગ્રીનું વાંચન અને તારણ. 'નવજીવન' અને 'હરિજનબંધુ'ના તમામ અંકો ઉપરાંત એ ગાળાના જે પણ લોકોએ સંસ્મરણો યા આત્મકથા લખી હોય એનો સંદર્ભ ચકાસવાનો અને તેમાં વિદ્યાપીઠનો ઉલ્લેખ હોય તો એ પણ જોવાનો. આ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો-પુસ્તિકાઓ પર પણ નજર ફેરવવાની. અને આ બધું અન્ય તમામ વ્યાવસાયિક લેખનની સમાંતરે કરવાનું.

એટલું આરંભથી નક્કી હતું કે વિદ્યાપીઠની સફરનું આલેખન દશકાવાર કરવું, જેથી તેનો ક્રમિક વિકાસ ખ્યાલ આવે. આરંભનાં વરસોનું દસ્તાવેજીકરણ એટલું વિગતવાર જોવા મળે કે મૂંઝવણ થઈ આવે કે કયા હિસ્સાને કેટલું મહત્ત્વ આપવું. સો વરસના દીર્ઘ ઈતિહાસમાં જે તે ઘટનાનું સ્થાન અને મહત્ત્વ નક્કી કરીને તેને સમાવવી એવું નક્કી કર્યું. સામગ્રીના વાંચનમાં ખાસ્સો સમય ગયો. અન્ય રસપ્રદ, પણ અન્ય વિષયની હોય એવી સામગ્રી વાંચવાની લાલચ ખાળતાં ઘણી મહેનત પડી. એ પછી ધીમે ધીમે આલેખનનો આરંભ કર્યો.

અમારા સૌનો એવો મત હતો કે એક વાર આલેખન થાય એ પછી વિદ્યાપીઠ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ એ ચકાસે, જેથી કોઈ હકીકતદોષ યા અન્ય ક્ષતિ નિવારી શકાય.

આરંભના ત્રણેક દાયકા વિદ્યાપીઠ અને રાષ્ટ્રિય પ્રવાહોને અલગ કરી શકાય એમ જ નહોતા. આથી એ વિગતોને સમાવવી જરૂરી હતી. ધીમે ધીમે રસ્તો નીકળતો ગયો અને આલેખન આગળ વધતું ચાલ્યું. આ દરમિયાન વચ્ચે કોરોના કાળ આવ્યો, લૉકડાઉન ઘોષિત થયું. પરિણામે થોડો વિલંબ પણ થયો. પાંચ દાયકાનું આલેખન પૂર્ણ થયું, તે સંપૂર્ણપણે વંચાઈ રહ્યું એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે પુસ્તકનું પ્રકાશન બે ભાગમાં કરવું. એટલે કે પચાસ પચાસ વર્ષના બે ભાગમાં વિભાજીત કરીને પુસ્તકને પ્રકાશિત કરવું. એ અનુસાર ગયા મહિને પહેલો ભાગ પ્રકાશિત થયો.

આ તબક્કે વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં કેટલાંક નામોનો ઉલ્લેખ જરૂરી છે. ડૉ. અશ્વિનકુમાર ચૌહાણનું આ કાર્ય સાથે મને સાંકળવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું. વિદ્યાપીઠમાં મારા માટે 'સીંગલ વિ‍ન્‍ડો કાઉન્ટર'ની ભૂમિકા ભજવનાર પ્રકાશન વિભાગનાં તૃપ્તિબેન આડેસરાને કારણે મારું કામ અત્યંત સરળ બની રહ્યું. બિંદુવાસિનીબેન જોશીએ તૈયાર કરેલી 'વિદ્યાપીઠની વિકાસયાત્રા'એ મારા માટે દીવાદાંડીનું કામ કર્યું. (હવે ભૂતપૂર્વ) કુલનાયક અનામિકભાઈ શાહ, (હવે ભૂતપૂર્વ) કુલસચિવ રાજેન્દ્રભાઈ ખીમાણી, (ભૂતપૂર્વ) કુલસચિવ ભરતભાઈ જોશી સાથેની વખતોવખત મુલાકાત દરમિયાન અનેક હકારાત્મક સૂચનોની આપ-લે થતી રહી. મંદાબેન પરીખે કાળજીપૂર્વક આખી હસ્તપ્રતને વાંચીને જરૂરી સુધારા-ઉમેરા સૂચવ્યા, જેને કારણે પુસ્તકની અધિકૃતતામાં ઉમેરો થયો.

પુસ્તકના આલેખનમાં મિત્ર પરેશ પ્રજાપતિ મદદરૂપ બની રહ્યા, તો ઉર્વીશ કોઠારીનો અંગત સંગ્રહ મને અનેક રીતે કામમાં આવ્યો.

પુસ્તકનું લેઆઉટ અને ડિઝાઈન વિદ્યાપીઠના જ યોગેશભાઈ પ્રજાપતિએ કર્યાં, તો જોડણીશુદ્ધિ હર્ષાબેન દવેએ ચીવટપૂર્વક કરી.

રાજમોહન ગાંધીએ પુસ્તકની સુયોગ્ય પ્રસ્તાવના લખી મોકલી, તો કુલપતિ ઈલાબેન ભટ્ટે પણ પુસ્તક માટે આવકારના પ્રોત્સાહક શબ્દો લખ્યાં.

આ સહુના સહિયારા પ્રયાસોના ફળરૂપે હવે આ પુસ્તક સૌ માટે સુલભ બન્યું છે. અલબત્ત, આ પુસ્તકનો પ્રથમ ખંડ છે, જેમાં 1920થી 1970નાં પ્રથમ પચાસ વરસોના ઈતિહાસને સમાવવામાં આવ્યો છે. દ્વિતીય ખંડનું આલેખન ચાલુ છે, અને ટૂંક સમયમાં એ પ્રકાશિત થશે. વિદ્યાપીઠમાં, ગાંધીવિચારમાં તેમજ કેળવણી સાથે સંકળાયેલા કે તેમાં રસ ધરાવતા સૌ કોઈને આ પુસ્તકમાં રસ પડશે.

પુસ્તકની વિગતો:

ક્રાંતિની કેળવણી, શતાબ્દીની સફર
(લેખન- સંપાદન: બીરેન કોઠારી)
પૃષ્ઠસંખ્યા: 200 + 16 (તસવીરોનાં પાનાં)
કિંમત: 250/-
પ્રાપ્તિસ્થાન:
પુસ્તક ભંડાર
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ- 380 014.
ફોન: 079- 400 162 69
ઈ-મેલ: gvpustakbhandar@gujaratvidyapith.org



Tuesday, November 23, 2021

જિસકા મુઝે થા ઈંતજાર....

મૃત્યુ એ જીવનનો અંત છે, સંબંધનો નહીં. એ સંબંધ બહુઆયામી અને અંતરંગ હોય ત્યારે તો ખાસ. વ્યક્તિ સદેહે હયાત ન હોય તો પણ તે અનેક રીતે સ્મૃતિમાં જીવિત રહે છે. એવું બને કે સદ્‍ગતની જન્મતારીખ કે અવસાનતિથિ જેવી ક્ષુલ્લક બાબતો યાદ ન પણ રહે. પણ અનેક નાનીનાની બાબતોમાં તેમની સ્મૃતિ એટલી અવિભાજ્ય બની રહી હોય કે તેને છૂટી પાડી ન શકાય. ચાહે એ કોઈ ફિલ્મી ગીત હોય, કોઈ વાનગી હોય કે પછી કોઈ ચોક્કસ બાબત પરની ટીપ્પણી. 'તુમ હોતે તો ઐસા હોતા'ની લાગણી સતત અનુભવાયા કરે.

હોમાય વ્યારાવાલાનું દેહાવસાન 15 જાન્યુઆરી, 2012ના રોજ, 98 વર્ષની પાકટ વયે થયું. તેમની સાથેનો મારો સંપર્ક બાર-તેર વર્ષનો. તેમની વિદાયને આઠ વરસ વીત્યાં, પણ એ તો સદેહે વિદાયને! સૂક્ષ્મરૂપે અમારી વાતોમાં અને બીજા અનેક પ્રસંગે તેમની હાજરી વરતાય છે.
દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર તરીકેનું સ્થાન મેળવનાર હોમાયબેનને તેમના જીવનના અંતિમ દસકામાં મારે સંપર્કમાં આવવાનું બન્યું. એક વિશિષ્ટ અનુબંધ રચાયો. અમારો સંબંધ પારિવારિક મૈત્રીમાં તબદીલ થયો અને તેમને નજીકથી જોવા, જાણવાની તક મળી.
તેમના મારા પર આવેલા પત્રો અહીં 'પેલેટ' પર પણ ઉપલબ્ધ છે. હકીકતમાં તેમની સાથેના મારા સંબંધને કે‍ન્દ્રમાં રાખીને એક પુસ્તક લખવાનું મારું આયોજન હતું.
એ જણાવતાં આનંદ થાય છે કે આખરે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે.
આ પુસ્તક પ્રથમ પુરુષ એકવચનમાં આલેખાયેલું છે, પણ એના કેન્દ્રમાં હું નહીં, હોમાય વ્યારાવાલા છે. અમારી મૈત્રી કેટલી ગાઢ હતી એ જણાવવાનો એનો ઉપક્રમ નથી, પણ એ ગાઢ મૈત્રીને કારણે તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં મને જોવા-જાણવા મળ્યાં તેના આલેખનનો હેતુ મુખ્ય છે. મારી ભૂમિકા કેવળ તેમની તસવીર લઈ રહેલા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેટલી જ છે.
વર્તમાન સમયમાં સિનીયર સિટીઝનોની એકલતાની સમસ્યા અતિશય ગંભીર બની રહી છે. એકલા હોવા છતાં, ખુમારી અને ખુદ્દારીપૂર્વક શી રીતે જીવી શકાય એ બાબત જાણવામાં આ પુસ્તક થકી કોઈને રસ પડે, દિશાસૂચન મળે તો આલેખનનો હેતુ સફળ. વધુ ને વધુ સિનીયર સિટીઝનો સુધી આ પુસ્તક પહોંચે તો ખુશી થશે. એ સિવાયના વયજૂથના લોકોને પણ હોમાયબેનના જીવનમાં રસ પડે અને રસપ્રદ વાંચનનો આનંદ મળે તો એ પણ મારા માટે આનંદની વાત હશે.
આ પુસ્તક વિશેની વિગતો નીચે પ્રશ્નોત્તરીરૂપે જણાવેલી છે.



****
'સાર્થક સ્મરણ શ્રેણી'ના દ્વિતીય પુસ્તક 'હોમાય વ્યારાવાલા' (તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ) વિશે પૂછતાં ખચકાટ થાય, છતાં જાણવી જરૂરી કેટલીક વિગતો:
- હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક માત્ર વયસ્કો અને સિનીયર સિટીઝનો માટે છે?
પુસ્તકના વાચકવર્ગનું એવું વર્ગવિભાજન શી રીતે કરી શકાય? સારા અને નક્કર વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને આ પુસ્તકમાં રસ પડે એમ છે.
- નવી પેઢી આ પુસ્તક શા માટે વાંચે?
પેઢી કોઈ પણ હોય, જીવાયેલા જીવનમાં, વ્યક્તિની જીવંતતામાં રસ હોય એવી કોઈ પણ પેઢીની વ્યક્તિને આ પુસ્તકમાં રસ પડશે.
- આમાં તો બધી જૂની જૂની વાતો હોવાની. જૂનું ચગળ્યા કરીને શો ફાયદો?
દેશનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાની તસવીરકાર તરીકેની કારકિર્દી એકદમ ઝળહળતી હતી. હજી આજે પણ આ ક્ષેત્રે મર્યાદિત મહિલાઓ જોવા મળે છે, તો ચાળીસી, પચાસ અને સાઠના દાયકામાં તેમણે શી રીતે કામ કર્યું એ જાણવામાં કોને રસ ન પડે?
- એટલે આ પુસ્તક દેશનાં પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફરની જીવનકથા છે? એના પેટાશિર્ષકમાં તો 'તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ' લખેલું છે!
ના, આ પુસ્તક એમની સંપૂર્ણ જીવનકથા નથી. હા, એમની કારકિર્દીનાં વર્ષોનો એ હિસ્સો પૃષ્ઠભૂમિ તરીકે આલેખાયેલો છે ખરો, પણ પુસ્તકના કેન્‍દ્રમાં તેમનાં જીવનનાં અંતિમ દાયકાની વાત છે. તેમની સાથેનાં સંભારણાંનું આલેખન છે.
- એ તો લેખકનાં અંગત સંભારણાં હશે. એમાં કોઈને શો રસ પડે?
એ લેખકનાં અંગત સંભારણાં ચોક્કસ ખરાં, પણ એનો ઉપક્રમ મહિમાગાનનો કે એમની સાથેના પોતાના સંબંધની ઘટ્ટતા બતાવવાનો નથી. અહીં લેખકની ભૂમિકા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર જેવી છે કે જેણે પોતાના એન્‍ગલથી હોમાયબેનની છબિ દેખાડી છે.
- તો પણ, એમાં કોઈને શું કામ રસ પડે?
આવી ઝળહળતી કારકિર્દીના સમાપન પછી અતિશય દીર્ઘ જીવન જીવી ગયેલાં હોમાયબેને શી રીતે પોતાનો જીવનરસ ટકાવી રાખ્યો, એક નહીં, બન્ને પગ કબરમાં લટકી રહ્યા હોય એવી અવસ્થાએ શી રીતે તેઓ જીવનને સંપૂર્ણપણે માણતાં, એકલાં હોવાને કારણે તેમની વ્યાવહારિક મુશ્કેલીઓ શી હતી, અને એમાંથી તેઓ શી રીતે ઊકેલ કાઢતાં, આ અંતિમ અવસ્થાએ તે ફરી પાછાં પ્રસારમાધ્યમોમાં ઝળકવા લાગ્યાં એ સમયગાળાનું હેતુલક્ષી દૃષ્ટિએ મૂલ્યાંકન- વગેરે અનેક બાબતો અને પાસાં આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.
- તો તો આ પુસ્તક આપણા કોઈ વડીલને ભેટ આપી શકાય.
હા, વડીલને ભેટ ચોક્કસ આપી શકાય. કેમ કે, એમાં કોઈ ઉપદેશાત્મક કે હકારાત્મક વાતોને બદલે જીવનની વાસ્તવિકતા સાથે સંકળાયેલી, આપણા જેવી જ એક વ્યક્તિની નક્કર વાતો છે. પણ એનો અર્થ એવો નથી કે એ માત્ર વડીલોને ભેટ આપવા માટે જ છે. યુવાનોને રસ પડે એવું ઘણું બધું આમાં છે, અને વ્યાવસાયિક કારકિર્દીના સમાપન પછીના જીવન માટેની મૂલ્યવાન ટીપ્સ પણ એવા કશા દાવા વિના એમાં સમાવાયેલી છે.
- ઓકે. આ પુસ્તક અંગેની વિગતો?
- પૃષ્ઠસંખ્યા: 6+130 = 136, પુસ્તકની કિંમત: રૂ.125/-, વળતર સાથેની કિંમત: રૂ. 110/- (ભારતભરમાં શિપિંગ ફ્રી), દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમત: રૂ. 90/-
પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ ફોન/વૉટ્સેપ: 98252 90796

Monday, November 22, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (16)

 હોમાય વ્યારાવાલા સાથેનાં મારાં સંભારણાં થકી ઉપસતી તેમની શબ્દછબિ હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ ચૂકી છે. પુસ્તકમાં એવી ઘણી અંગત બાબતો છે કે જેનો ઉલ્લેખ જાણીજોઈને ટાળ્યો છે, કેમ કે, પુસ્તકનો ઉપક્રમ અમારા સંબંધોનું માહાત્મ્ય કરવાનો બિલકુલ નથી, બલકે હોમાયબેનના મિજાજને દર્શાવવાનો છે. આથી જ પુસ્તક આવતાં અગાઉ તેમના મારા પર આવેલા વિવિધ પત્રો તેના યોગ્ય સંદર્ભ સાથે અહીં મૂકતો રહ્યો છું.

આ અગાઉની પોસ્ટમાં મૃત્યુ સંબંધે તેમના વિચારો મૂક્યા હતા. એ જ કાગળની બીજી બાજુએ તેમણે પોતાના દેહના અંતિમ સંસ્કાર બાબતે પોતાની ઈચ્છા લખી રાખી હતી. ભાઈ પરેશ પ્રજાપતિ સાથે એ લખાણ હતું.
તેમના પત્રોની શ્રેણીમાં આ લખાણ છેલ્લું હશે એમ અત્યારે લાગે છે.
મૂળ અંગ્રેજી લખાણનો અહીં ગુજરાતી ભાવાનુવાદ મૂકું છું.
મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા
"હું, હોમાય વ્યારાવાલા, ઉ.વ.96, મારા સંપૂર્ણ સાબૂત તનમનથી મારા મૃતદેહના નિકાલ અંગેની મારી ઈચ્છા, તેનો આદર કરવામાં આવશે એ આશાએ અહીં લખી જણાવું છું.
મૃતદેહની સંભાળ લેવા માટે ગીધો હયાત હતાં ત્યાં સુધી મારા મૃતદેહને દોખ્મા(પારસી સ્મશાનભૂમિ)માં મૂકવા સામે મને કશો વાંધો ન હતો. હવે સૂર્યનાં પરાવર્તિત કિરણો થકી મૃતદેહના નિકાલની નવી પ્રણાલિ થોડા મહિનાઓથી પ્રચલિત બની છે. તેમાં મૃતદેહ સડેલી અવસ્થામાં પડ્યો રહે છે અને એ રીતે આસપાસના વિસ્તારને એ પ્રદૂષિત કરે છે. મૃતક કોઈક ચેપી રોગથી મર્યા હોય તો આ બહુ મોટું જોખમ રહે છે. આ વિચાર જ કમકમાટી ઉપજાવે એવો છે.
કોઈ પણ સંજોગોમાં મારા મૃતદેહને આ પરાવર્તકો (રિફ્લેક્ટર)તળે મૂકવામાં ન આવે, કે દિલ્હીમાં કરવામાં આવે છે એમ તેને દફનાવવામાં ન આવે. જે પણ શહેરમાં મારું મૃત્યુ થાય એ શહેરના માન્ય સ્મશાનગૃહને તેની સોંપણી કરવામાં આવે.
મારી ઈચ્છાનું પાલન કરવામાં કોઈ વ્યક્તિ કે ધર્મગુરુને વાંધો હોય તો મારી અંતિમ વિધિથી તે દૂર રહે અને આ બાબતે તેઓ કશો વાદવિવાદ ખડો ન કરે એવી વિનંતી.
આ પરાવર્તકો મૂક્યા છે એ પારસી પંચાયતના જ કેટલાક સભ્યો અને ખુદ સેક્રેટરી તેમજ અન્ય એક ટ્રસ્ટીએ મૃતકના નિકાલની આ નવી પ્રણાલિનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે અને પોતાના મૃતદેહને વડોદરાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે પોતાનાં સ્વજનોને હવાલે કરેલો છે."
હોમાય વ્યારાવાલા
17.6.06


Friday, October 15, 2021

'પ્રભુ'ની વિદાય

આજે સવારે જ શ્રી જગદીશ પટેલ દ્વારા સમાચાર મળ્યા કે રમેશ પટેલે વિદાય લીધી. જગદીશભાઈના તો એ મોટાભાઈ. હવે તો જગદીશભાઈ સાથે મિત્રતા કહી શકાય એવા સંબંધ છે, પણ રમેશ પટેલનો પરિચય મને તેમનાથી પહેલાં થયેલો.

પરોક્ષ પરિચય રજનીકુમાર પંડ્યાએ તેમના વિશે લખેલા લેખ થકી હતો જ. લંડનમાં શુદ્ધ ગુજરાતી ભોજન પીરસતી હોટેલ 'મંદિર'ના સંચાલકનો પરિચય કરાવતો એ લેખ રજનીકુમારની 'રંગતરંગ'ની કોલમ 'ખોલો બંધ પટારા'માં પ્રકાશિત થયેલો. એ રીતે રમેશ પટેલ સ્મૃતિમાં હતા. એ પછી તેઓ ભારત આવીને, વડોદરા ખાતે વસ્યા એની મને ખબર નહોતી. શ્રી નવનીતભાઈ મદ્રાસીની જીવનકથાના મેં લખેલા પુસ્તક 'પડકાર સામે પુરુષાર્થ' નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રમેશભાઈ પહેલી વાર મળ્યા ત્યારે રજનીકુમાર પણ એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. એ વખતે મને ખબર પડી કે આ 'મંદિર'વાળા જ રમેશભાઈ.

એક કૉમન મિત્ર થકી અકોટા વિસ્તારમાં રહેતા રમેશભાઈને ત્યાં પણ પછી જવાનું બન્યું. ત્યારે ધ્યાને આવ્યું કે રમેશભાઈનું પ્રિય સંબોધન 'પ્રભુ' છે. એ કહે, 'પ્રભુ, આપણે તો મળેલા છીએ. તમારા કાર્યક્રમમાં...' આમ અમારો પરિચય દ્વિપક્ષી થયો, પણ એ આગળ વધવામાં નિમિત્ત બન્યા બીજા એક મિત્ર રાજેશ દાણી. રાજેશ દાણીએ એક વાર રજનીકુમારને ફોન કર્યો અને જણાવ્યું કે તેમના એક મિત્રની જીવનકથાનું આલેખન કરાવવું છે. રજનીકુમારે રાજેશભાઈને જણાવ્યું કે તે મારો સંપર્ક કરે, કેમ કે, હું પણ વડોદારામાં જ છું. એ પછી રાજેશભાઈનો ફોન આવ્યો, તેમણે વિગતે વાત કરી, અને અમે એક નિર્ધારીત દિવસે મળવાનું ઠરાવ્યું. ત્યાં સુધી ન મેં પૂછેલું કે ન તેમણે જણાવેલું કે કોની જીવનકથાનું આલેખન કરાવવાનું છે. અમે બન્ને નિયત સ્થળે મળ્યા અને આગળ વધ્યા. એક પરિચીત સોસાયટીમાં પ્રવેશ્યા એટલે મેં રાજેશભાઈને પૂછ્યું, 'આપણે રમેશભાઈને ત્યાં જવાનું છે?' રાજેશભાઈ કહે, 'તમે એમને જાણો છો?'
આમ, એ મુલાકાત સરળ રહી. 'પ્રભુ'ની જીવનકથા એકદમ ચડાવઉતારવાળી હતી. તેમને એનું આલેખન પણ વ્યાવસાયિક ઢબે કરાવવું હતું. એ પહેલી મુલાકાત પછી મેં તેમને વિગતે રૂપરેખા મોકલી આપી. એ પછી અમારી વધુ એક મિટિંગ થઈ. 'પ્રભુ'એ મારી તમામ બાબતો મંજૂર રાખેલી, પણ તેમણે મને નિખાલસભાવે પૂછેલા પ્રશ્નના જવાબમાં મેં પણ એવો જ જવાબ આપતાં એમને જણાવ્યું કે આ પુસ્તક પ્રકાશિત કર્યા પછી એના વેચાણમાંથી એનો નિર્માણખર્ચ નીકળી રહે એ અહીં શક્ય નથી. એ પછી અમે થોડો વિચારવિમર્શ કર્યો, અને આખરે એ પ્રકલ્પ પડતો મૂકવાનું નક્કી કર્યું. પણ એ પછી અમારી વચ્ચેનો પરિચય વધુ ગાઢ બન્યો. મેં સામે ચાલીને તેમને આપેલા વાસ્તવિક સૂચનને કારણે કદાચ તેમને મારા માટે એક વિશેષ ભાવ થઈ આવ્યો એમ મને લાગતું.
હાડોહાડ સંગીતપ્રેમી એવા રમેશભાઈએ પોતાના બંગલામાં એક હૉલ બનાવેલો, જેનું નામ 'બૈજુ બાવરા- તાના રીરી હૉલ' હતું. એમાં દર સપ્તાહે નિયમિતપણે ગીતસંગીતના કાર્યક્રમ થતા. દોઢસો એક શ્રોતાઓની ક્ષમતાવાળો એ હૉલ પૂરેપૂરો ભરાઈ જતો. અમારા મહેમદાવાદી મિત્ર- કવિ અને સંગીતકાર મયંક ઓઝાનો કાર્યક્રમ પણ એક વાર એમાં યોજાયેલો.



રમેશભાઈ પોતે કવિ હતા. તેમનો મુખ્ય રસ પ્રકૃતિ અને અધ્યાત્મનો. તેમણે પોતે લંડન હતા ત્યારે 'હૃદયગંગા' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલો. પોતાના હૉલમાં યોજાતા કાર્યક્રમ વિશે એક વાર મેં વાતવાતમાં કહેલું, 'તમારે ત્યાં યોજાતા કાર્યક્રમ સેન્ડવીચ જેવા હોય છે.' એ કહે, 'પ્રભુ, સમજાવો. આમાં સમજણ ન પડી.' મેં કહ્યું, 'વચ્ચેનો સ્ટફ બદલાતો જાય, પણ કાર્યક્રમના આરંભે અને અંતે તમારું જ ગીત હોય.' આ સાંભળીને એ હસી પડ્યા. કાર્યક્રમનો આરંભ અને અંત 'હું તો નદી બનીને દોડું, જે તરસ્યા હો તે આવો' ગીતના સમૂહગાનથી થતો, અને ઉપસ્થિત શ્રોતાઓમાં તેનો પાઠ અપાતો.
'કુશલ ફાર્મસી'વાળા ડૉ. કિશોરભાઈ ઠક્કુર પણ તેમના મિત્ર. ઠક્કુરસાહેબના દવાખાને અમસ્તા વાતો કરવા મારે પણ જવાનું બનતું. એ રીતે વધુ એક પરિમાણ અમારા પરિચયમાં ઉમેરાયું. એક વખત ડૉ. કિશોરભાઈ, રમેશભાઈ અને મેં- સુરત ઉપાડી. ડૉ. કિશોરભાઈની તીવ્ર ઈચ્છા કે.કે.સાહેબને મળવાની હતી. એ અરસામાં જ પ્રકાશિત મારા દ્વારા સંપાદિત પુસ્તક 'ગુઝરા હુઆ જમાના' તેમણે સાદ્યંત વાંચેલું. અમે નક્કી કરીને સુરત ઉપડ્યા અને રોહિતભાઈ મારફતિયાની 'વીન્ટેજ વેટરન્સ'માં હાજરી આપી. કે.કે.સાહેબ પણ ત્યાં જ મળી ગયા. સુરત જતાં અને આવતાં રમેશભાઈનું સાન્નિધ્ય મળ્યું. તેમનાં ગીતો સાંભળવા મળ્યાં. તે 'પ્રેમોર્મિ'ના ઉપનામથી ગીતો લખતા હતા.
થોડા સમય પછી વળી તેમણે મને યાદ કર્યો. તેમનાં ગીતોનાં પુસ્તક 'હૃદયગંગા'ની સર્જનયાત્રા તેમણે છૂટકછૂટક લખી હતી. એ તમામ સામગ્રી તેમણે મને આપી અને એનું શું થઈ શકે એ વિશે અમે ચર્ચા કરી. એ સામગ્રી વાંચતાં જ એનો નકશો મારા મનમાં સ્પષ્ટ થયો. એનું સંપાદન કરીને, એને પ્રકરણવાર મૂકવાનું મેં સૂચન કર્યું એટલે રમેશભાઈ કહે, 'પ્રભુ, હવે એ તમે જાણો કે શું કરવાનું છે. બસ, તમને આપ્યું.' સામાન્ય રીતે વ્યાવસાયિક બાબતોની અગાઉથી ચર્ચા કરીને હું એમાં આગળ વધવાનું નક્કી કરતો હોઉં છું. પણ 'પ્રભુ' પાસે એ થાય?
એ પુસ્તકમાં તેમને એ પુસ્તક નિમિત્તે મળેલા પ્રતિભાવો, તેમણે પોતે ચીતરેલાં ચિત્રો પણ અમે મૂક્યાં. એ પુસ્તકનાં પ્રકરણોનું વિભાજન ગંગોત્રીથી ગંગાસાગરની ગંગાની સફરમાં આવતાં તીર્થ મુજબ કર્યું એ જાણીને તે બહુ રાજી થયા હતા.


સંગીત બાબતે તેઓ અનેક પ્રયોગો કરતા રહેતા હતા. ભારતીય સંસ્કૃતિ વિશેના તેમના પોતાના ખ્યાલ હતા.


જો કે, થોડા સમયમાં તેમણે વડોદરા ખાતેનો બંગલો વેચીને પોતાના વતન કરમસદમાં સ્થાયી થવાનું નક્કી કરેલું. એ સાંભળીને અનેક લોકોને પોતાનું એક ઠેકાણું વિલાઈ રહ્યું હોવાનું લાગેલું.
કરમસદમાં તેમણે નવેસરથી મકાન તૈયાર કરાવ્યું અને એમાં પણ સંગીતના કાર્યક્રમ યોજવાના શરૂ કરેલા. ત્યાં ગયા પછી અમારો સંપર્ક પ્રમાણમાં ઓછો રહ્યો, પણ અમુક અંતરાલે 'શું ચાલે છે, પ્રભુ!' પૂછતા તેમના ફોન આવતા રહેતા.
થોડા દિવસો અગાઉ જગદીશભાઈ સાથે વાત થતાં જાણ થઈ કે રમેશભાઈને દવાખાનામાં દાખલ કરેલા છે. એ પછી તેમના એક મિત્રે મને સમાચાર આપ્યા કે રમેશભાઈને બ્રેઈન હેમરેજ થયું છે. એ જ ક્રમમાં આજે જગદીશભાઈએ તેમના દેહાવસાનના સમાચાર આપ્યા.
રમેશભાઇનાં સંતાનો વિદેશમાં છે. અહીં તેમનો પરિવાર વિસ્તૃત હતો. કેટલાય સંગીતપ્રેમીઓને, મારા જેવા મિત્રોને તેમની વિદાયથી એક સ્વજન ગુમાવ્યાની અનુભૂતિ થશે. 
સ્વર્ગના પ્રવેશટાણે જ રમેશભાઈ કહેશે, "આવી ગયો છું, પ્રભુ!" અને પ્રભુ કહેશે, "ભલે પધાર્યા, પ્રભુ!"

Friday, October 1, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (15)

વાસ્તવદર્શિતાની દૃષ્ટિએ એકદમ કઠોર કહી શકાય એવાં હોમાય વ્યારાવાલાએ પોતાના મૃત્યુ બાબતે ન વિચાર્યું હોય એમ બને? પારસીઓની પરંપરાગત અંતિમ વિધિની તેમની ઈચ્છા નહોતી. એનું કારણ એમના મતે સ્પષ્ટ હતું. ગીધની સંખ્યા ઘટી રહી હોવાને કારણે પોતાનો દેહ એમને કામમાં આવે નહીં, અને એ પડ્યો પડ્યો સડતો રહે. તેને બદલે અગ્નિસંસ્કાર બહેતર ગણાય. અલબત્ત, એક તબક્કે મારાં ઘરનાં સભ્યોએ (કનુકાકા, પપ્પા, મમ્મી, ઉર્વીશ અને સોનલ) દેહદાન માટેનું ફોર્મ ભર્યું એ અંગે તેમને મેં જણાવ્યું. તેમને પણ એ યોગ્ય લાગ્યું. આથી તેમણે મારી પાસે એ ફોર્મ મંગાવ્યું અને ભર્યું પણ ખરું. જો કે, એ પછી કયા કારણસર એ ફોર્મ સંબંધિત સ્થળે ન મોકલાવ્યું એ અત્યારે હું ભૂલી ગયો છું.

પરેશ પ્રજાપતિની તેમની સાથેની નિકટતા વધી એ પછી એક સમયગાળો એવો હતો કે તે પોતાના અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ અંગે તેની સાથે વાત કરતાં રહેતાં. આ વાત પરેશ માટે જીરવવી બહુ કપરી હતી. જો કે, હોમાયબેન બહુ હેતુલક્ષિતાપૂર્વક, જરાય લાગણીશીલ થયા વિના એ વાત કરતાં. એ અરસામાં તેમણે બે લખાણનો મુસદ્દો લખી રાખેલો, જેને તેમણે એ પછી સહેજ ફેરફાર સાથે વીલમાં સમાવેલો. એક મુસદ્દો હતો પોતાના અંતિમ સમય વિશેનો, જ્યારે બીજો મુસદ્દો હતો પોતાના અંતિમ સંસ્કાર અંગેનો.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા એમાંના એક મુસદ્દાનો ગુજરાતી અનુવાદ અહીં મૂકું છું.

"હું, હોમાય વ્યારાવાલા, આ મારા સ્વસ્થ અને સાબૂત તનમન સાથે લખી રહી છું.

મને મૃત્યુનો ડર નથી, મને ડર છે પીડાનો. મારા જીવનની અંતિમ ક્ષણો દરમિયાન મારે પીડાનો ભોગ બનવાનું આવે અને મારી મેળે નિર્ણય લેવાની સ્થિતિમાં હું ન હોઉં તો દવા તરીકે કેવળ પેઈનકીલર્સ આપીને, જીવન લંબાવતાં આધુનિક ઉપકરણોના ઉપયોગ વિના, ગરિમાપૂર્ણ મૃત્યુની હું વિનંતી કરું છું.

મને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં ન આવે, પણ કૅરટેકરની મદદથી ઘેર જ સારવાર કરવામાં આવે. તેનો તમામ ખર્ચ તેમજ મારા દેહની અંતિમ વિધિનો ખર્ચ મારી સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે.

મારા મૃત્યુ બાદ મારા દેહના નિકાલ માટે તેને કોઈ માન્ય સ્મશાનગૃહે લઈ જવામાં આવે. પણ એમ કરતાં અગાઉ કોઈ ડૉક્ટરનો સંપર્ક કરીને એ તપાસવામાં આવે કે મારું કોઈ અંગ પ્રત્યારોપણ માટે ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ. યોગ્ય લાગે તો એ લેવું.

મારા મૃત્યુ બાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય તો એને એક વર્ષના ગાળામાં જ સંપન્ન કરવી- એ પછી કશું જ નહીં.

મારી ઈચ્છાઓને માન આપશે એમને મારો અંતરાત્મા આશીર્વાદ આપશે.

હોમાય વ્યારાવાલા

-------------------

17-6-06


No photo description available.