Friday, February 22, 2013

યે દાંડી ક્યા હૈ? (૧)



યે દાંડી ક્યા ચીજ હૈ, પંડ્યાસા?’
આવો સવાલ કોઈ માણસ અચાનક કશા સંદર્ભ વિના પૂછે તો શો જવાબ આપવો? પૂછનાર ચશ્માની દાંડી વિષે પૂછે છે, દીવાદાંડી વિષે પૂછે છે કે દાંડી નામના ગામ વિષે પૂછે છે? જેને આ સવાલ પૂછાયો હતો એ પંડ્યાસા મૂંઝાયા. એ મૂંઝવણના ભાગરૂપે તેમણે સાચવીને થોડા પેટાપ્રશ્નો સામેવાળાને પૂછ્યા. તેમાંથી જે ભાળ મળી એ કંઈક આવી હતી.
ગુજરાત સરકાર/ Govt. of Gujarat દ્વારા દાંડીયાત્રાની ઉજવણી થવાની હતી. એ ઉજવણીના ભાગરૂપે દાંડીમાં કાર્યક્રમ થવાનો હતો, જેમાં એક ગીત પણ ગવાવાનું હતું. અને એ ગીત ગાતાં અગાઉ તેના ગાયકે દાંડી વિષે કંઈક બોલવાનું હતું. આ ગાયકે હિન્‍દી ફિલ્મોમાં દેશભક્તિનો રંગ ધરાવતાં ગીત ગાઈને ઘણી નામના મેળવી હતી. પણ તેમણે દાંડી નામનો કોઈ શબ્દ સાંભળ્યો નહોતો. સરકાર તરફથી તેમને નિમંત્રણ મળ્યું એ તો જાણે તેમના માટે ગૌરવની અને આનંદની વાત હતી, પણ આ દાંડી શી ચીજ છે? આવા સંકટના સમયે મુંબઈ રહેતા આ ગાયકને અમદાવાદમાં રહેતા એક લેખકમિત્ર યાદ આવ્યા. 'કેમ યાદ આવ્યા?'નો એ ગાયકે અસલ પંજાબી વિવેકથી આપેલો જવાબ: 'આપ તો હમારે ભાઈ હૈ. તો આપ હી યાદ આયેંગે ન! " લેખક છે એટલે તેમને દાંડી વિષે ખબર હોવી જ જોઈએ એવી ખાતરી સાથે ગાયકે મુંબઈથી અમદાવાદ ફોન જોડ્યો. સામે છેડે ફોન ઉઠાવાયો અને “હેલો, પંડ્યા” સંભળાયું એ સાથે જ પેલા ગાયકે ભારે મૂંઝવણથી ઉપર લખેલો સવાલ પૂછ્યો. 
અમદાવાદ રહેતા આ લેખક એટલે રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya. અને મુંબઈથી ફોન કરનાર ગાયક એટલે મહેન્‍દ્ર કપૂર/ Mahendra Kapoor.
મહેન્‍દ્ર કપૂરે ધીમે ધીમે આખી વાત સમજાવી ત્યારે રજનીભાઈના મનમાં આખી વાતની ગડ બેઠી. તેમણે બનતી મદદ કરવાનું વચન આપ્યું, પણ એ બનતી મદદ અરજન્‍ટ કરવાની હતી. રજનીભાઈ કામે લાગી ગયા. વિશ્વકોશનો સંદર્ભ લઈને તેમણે પંદરેક લીટીમાં દાંડીયાત્રા વિષે લખ્યું. ત્યાર પછી મિત્ર ડૉ. નવનીત ઠક્કર પાસે તેનો હિન્‍દી અનુવાદ કરાવ્યો. નવનીતભાઈએ અનુવાદ કરી આપ્યો એટલે એ લખાણ ફેક્સથી મહેન્‍દ્ર કપૂરને મોકલી આપ્યું, જેનો મહેન્‍દ્ર કપૂરે ઉપયોગ કર્યો.
પણ એ પછી અમારી વાતચીતમાં એક નવો રૂઢિપ્રયોગ ઉમેરાઈ ગયો, “દાંડી ક્યા હૈ?” કશી બહુ જાણીતી ચીજ વિષે કોઈ વિશુદ્ધ જિજ્ઞાસાથી પૂછે એટલે અમે કહીએ, દાંડી ક્યા હૈ? જેવું થયું.

**** **** ****

ગઈ કાલે એટલે કે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ના દિવસે એક કામ માટે નવસારી નજીક બોદાલી અને કરાડી/Karadi ગામે જવાનું બન્યું. અહીંથી દાંડી સાવ નજીક હોવાથી તેની પણ મુલાકાત ગોઠવી. એ ટૂંકી મુલાકાતનો તસવીરી અહેવાલ અને દાંડી ક્યા હૈ?’નો મને મળેલો જવાબ.

દાંડી કૂચ/ Dandi March નો આરંભ અમદાવાદના સાબરમતી આશ્રમ/Sabarmati Ashram થી ૧૨ માર્ચ, ૧૯૩૦ ના દિવસે થયો. અને છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ ના દિવસે સવારે દરિયામાં સ્નાન કરીને સવારે સાડા આઠે ગાંધીજીએ મીઠું ઉપાડીને સવિનય કાનૂનભંગ કર્યો. ગાંધીજીની ત્યારે ધરપકડ કરવામાં ન આવી અને છેક ૫ મે, ૧૯૩૦ ના દિવસે  તેમને પકડવામાં આવ્યા. આ સમયગાળામાં ગાંધીજીનું મુખ્ય કેન્‍દ્ર કરાડી બની રહ્યું. કરાડી ખાતે તાડના છપરાની બનેલી ઝૂંપડીમાં ગાંધીજી રોકાયા. 



આ ઝૂંપડી આજે પણ જોઈ શકાય છે. 



માત્ર એક ફેરફાર કરવામાં આવે છે. કેવળ છપરાની હોવાથી ચોમાસામાં આ ઝૂંપડીને નુકશાન થાય છે. એટલે દર વરસે ચોમાસા પછી તેને નવેસરથી બનાવવામાં આવે છે. તેની પાકી પ્લીન્‍થ પણ બનાવી દેવામાં આવી છે. 



'ગાંધી સ્મૃતિ મંદિર' તરીકે ઓળખાતી આ ઈમારતનો આકાર (ઉંધી) ગાંધી ટોપી જેવો રાખવામાં આવ્યો છે. 


આ ઈમારતની બિલકુલ સામે 'ગાંધી ઘાટ' વાંચીને શ્રીલાલ શુક્લનું 'રાગ દરબારી'માંનું લખાણ યાદ ન આવે તો જ નવાઈ! 


કરાડીથી નજીક આવેલા બોદાલી/Bodali ગામે ૨૩ એપ્રિલ, ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ સભા સંબોધી હતી. એ વખતે ૧૧ વરસના કિશોર લક્ષ્મણભાઈ બુધાભાઈ પટેલ આજે ૯૪ વરસના છે. શ્રવણની તકલીફ સિવાય શારિરીક રીતે તદ્દન સ્વસ્થ છે અને બહુ ઉત્સાહપૂર્વક ગાંધીજીની, તેમના સિદ્ધાંતોની અને ખાદીની વાતો કરે છે. લક્ષ્મણભાઈએ પોતે પણ આજીવન ખાદીકાર્ય જ કર્યું. દિલખુશભાઈ દીવાનજીના તે મહત્વના સાથીદાર બની રહ્યા. 





લેખક તરીકેની કારકિર્દીમાં વિવિધ અને વિશિષ્ટ અનુભવો થતા રહે છે. અનેક લોકોને મળવાનું, તેમની સાથે  વાતચીત (અથવા તો ઈન્‍ટરવ્યૂ) કરવાનો અવસર મળતો રહે છે. પણ અમુક અનુભવો યાદગાર બની રહે છે. અતિ વિશિષ્ટ રીતે લેવાયેલા અત્યાર સુધીના બે ઈન્‍ટરવ્યૂ પૈકીનો એક રતિકાકા ચંદરયાનો હતો, જેમાં દૃષ્ટિ અને શ્રવણની તકલીફ ધરાવતા રતિકાકાને લેપટોપમાં હું ૪૦ની ફોન્‍ટ સાઈઝમાં પ્રશ્ન ટાઈપ કરતો અને એ વાંચીને તે જવાબ આપતા. લક્ષ્મણભાઈ સાથેનો ઈન્‍ટરવ્યૂ પણ આવો જ યાદગાર બની રહ્યો. કેટલા વખતે હાથમાં સ્લેટપેન પકડી! 



બોદાલી નજીક  કરાડીના પાંચા પટેલે ખાદી પ્રવૃત્તિ માટે પોતાની વાડી સોંપી દીધી હતી. 



'પાંચાકાકાની વાડી' તરીકે ઓળખાતું આ સ્થળ દિલખુશ દીવાનજીનું કાર્યકેન્‍દ્ર બની રહ્યું. અંતિમ શ્વાસ લગી તે અહીં રહ્યા. આ મકાનમાં હાલ ખાદી ભંડાર છે. મકાન 'ગાંધી દિલખુશ સ્મૃતિ' તરીકે ઓળખાય છે. કોઈ મકાનની ડિઝાઈનમાં રેંટિયો હોય એવું પહેલી વાર જોવા મળ્યું. 


આ ખાદી ભંડારના એક ભાગમાં દિલખુશ દિવાનજીની તસવીરોનું પ્રદર્શન પણ ગોઠવાયેલું છે. 



'ગાંધી દિલખુશ સ્મૃતિ' ઈમારતનો પાછલો ભાગ.


 અહીં એક તુલસીક્યારામાં દિલખુશ દિવાનજીની સ્મૃતિને જાળવવામાં આવી છે. 



દાંડી પહોંચતાં પહેલાં જ બોદાલી અને કરાડીમાં આટલો સમય ગયો. એટલે એ સવાલ તો ઉભો જ રહ્યો: 'યે દાંડી ક્યા ચીજ હૈ?' 

આ સવાલનો તસવીરી જવાબ હવે પછીની પોસ્ટમાં.  

(ક્રમશ:) 


(નોંધ: દાંડીયાત્રાની તારીખોનો સંદર્ભ 'ગાંધીજીની દિનવારી'માંથી) 
(કનુકાકા વિષેનો હપ્તો શરૂ તો થઈ ગયો છે, પણ હજી પૂરો થયો નથી. ઘણા મિત્રોએ એ બાબતે ઉઘરાણી કરી છે. એમને વિનંતી કે મહોલતમાં થોડો વધારો કરે.) 

5 comments:

  1. બહુ સરસ બીરેનભાઈ...

    ReplyDelete
  2. Sundar ati sundar....

    ReplyDelete
  3. અમદાવાદ બેઠાં દાંડીની "જાત્રા" શરૂ કરાવી દીધી....સુરત ઘણી વાર જવાનું થાય...આ વખતે દાંડી જવું એવું નક્કી જ કરી લીધું છે.....ખૂબ સરસ....દાંડી વિષે વધુ જાણવાની ઇચ્છા છે...તમારા લખાણો પૂર્ણ અભ્યાસ સાથે લખાયેલાં હોય વધુ માહિતીપ્રદ હોય છે...ભૂતકાળની ગર્તમાં છુપાયેલાં ઘણાં સત્યો જાણવા મળે...ખૂબ સરસ....

    ReplyDelete
  4. દાંડી એટલે ઇતિહાસ. તમે ઇતિહાસની પુણ્યયાત્રા કરાવો છો. બીજા ભાગની રાહ જોઈએ.

    ReplyDelete