Tuesday, April 26, 2016

સંપૂર્ણ જીવન જીવીને 'ડાંગનાં દીદી'ની ચિરવિદાય


(૧૦૩ વર્ષનું સંપૂર્ણ જીવન જીવીને પૂર્ણિમાબેન પકવાસાએ ૨૫ એપ્રિલ, ૨૦૧૬ના રોજ વિદાય લીધી. ૨૦૦૮ના જાન્યુઆરીમાં તેમની સાપુતારાસ્થિત સંસ્થા 'ઋતંભરા'ના કેમ્પસમાં તેમને મળવાનું બનેલું. મિત્ર પરેશ પ્રજાપતિનો પરિવાર પણ સાથે હતો અને યોગાનુયોગે રજનીકુમાર પંડ્યા પણ એ દિવસે ત્યાં આવેલા. બહુ યાદગાર સંયોગ હતો. એ પછી જૂન, ૨૦૧૦માં 'અહા!જિંદગી'ની મારી કોલમ 'ગુર્જરરત્ન'માં તેમના જીવનની ઝલક આપતો લેખ 'કટારીથી ડાંગ સુધી' પ્રકાશિત થયો હતો. એ લેખ અહીં જેમનો તેમ મૂકું છું. આટલું દીર્ઘ અને સંપૂર્ણ જીવન જીવીને ગયેલી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાના પ્રયત્નો પણ બાલીશ લાગે. તેમના જીવનમાંથી થોડો 'જોસ્સો' મેળવીએ તો પણ ઘણું.)  

પૂર્ણિમાબેન પકવાસા 
પૂર્ણિમાબેન પકવાસા:  ૧-૧૦-૧૯૧૩ થી ૨૫-૪-૨૦૧૬ 

બાપુચીંધ્યા આ અહિંસક સત્યાગ્રહમાં જોડાયેલા આપણા સૌ વચ્ચે એક વ્યક્તિ પોતાની સાથે હિંસક શસ્ત્ર રાખીને ફરતી હોવાની મને જાણ થઇ છે, જેનાથી હું ખૂબ વ્યથિત છું. મારે એ જાણવું છે કે કોની પાસે આવું શસ્ત્ર છે?
છાવણીના આગેવાનની આવી ઘોષણાથી તમામ કાર્યકરોમાં સોપો પડી ગયો. અહિંસાની લડતમાં હિંસક શસ્ત્ર? મતલબ કે બાપુના અહિંસાના વિચારને એ વ્યક્તિ સમજી શકી નથી. કોણ હશે એ ? સૌ આસપાસ નજર ઘુમાવવા માંડ્યા. 
પણ બહુ રાહ ન જોવી પડી. સત્તરેક વરસની એક છોકરીએ પોતાનો હાથ ઉંચો કર્યો અને કહ્યું, હા, હું જ છું એ. હું મારી સાથે કટારી રાખીને ફરું છું. આવો બેધડક અને નિર્ભીક સ્વીકાર સાંભળીને તો છાવણીના આગેવાનનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. તમારાથી આવી હિંમત જ શી રીતે થઇ શકે? અહિંસાના પાઠ તમે સમજ્યા જ નથી. આની રજૂઆત ખુદ બાપુ પાસે કરવામાં આવશે.
જવાબમાં એ છોકરીએ જરાય ખચકાટ વિના કહ્યું, સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ હથિયાર રાખવામાં કંઇ જ ખોટું નથી. આપ બાપુને ફરિયાદ કરી શકો છો.”  પુષ્પા શેઠ નામની એ યુવતીની આવી ગુસ્તાખી જોઇને સૌને વધુ આઘાત લાગ્યો. એક તો ચોરી અને ઉપરથી શિરજોરી? પણ પુષ્પાના મનમાં જરાય અવઢવ ન હતી. ગાંધીજી રાજકોટ આવવાના છે એવા સમાચાર થોડા દિવસ પછી અખબારમાં તેણે વાંચ્યા. તેણે સામે ચાલીને પોતે જ બાપુને મળવાનું નક્કી કરી લીધું. નિર્ધારીત દિવસે વડીલોની રજા લઇને એ ઉપડી રાજકોટ. ત્યાં બાપુ તો અનેક મુલાકાતીઓથી ઘેરાયેલા હતા. પણ ભોજન સમયે તે એકલા પડ્યા એટલે પુષ્પાએ તક ઝડપી લીધી અને બાપુને મળી. પોતાની કમરમાં ખોસી રાખેલી કટાર પુષ્પાએ તેમના ખોળામાં મૂકી, એટલે બાપુ તો આશ્ચર્યચકિત! પુષ્પાને પૂછ્યું, બેટા, આ શું?” પુષ્પાએ પોતે કેવા કેવા અંતરીયાળ અને અજાણ્યા ગામોમાં ખાસ કરીને સ્ત્રીઓને ગાંધીજીનો સંદેશ સમજાવવા માટે જાય છે તેનું બયાન કર્યું અને છેલ્લે પૂછ્યું, બાપુ, કટોકટીના સમય માટે બહેનોએ સ્વરક્ષણ માટે હથિયાર રાખવું એ ગુનો ગણાય કંઇ? 
જરાય નહીં, દીકરી.બાપુએ અત્યંત રાજી થઇને કહ્યું અને હેતથી પુષ્પાના વાંસામાં ધબ્બો મારતાં કહ્યું, શાબાશ છોકરી! તારી વાત મને બહુ ગમી છે. પણ તને મારી સાચી દીકરી ત્યારે જ માનું કે અત્યંત મહત્વની આ કળા તું બીજી બહેનોને પણ શીખવે અને તેમને નિર્ભય બનાવે. જા, મારા તને આશીર્વાદ છે.
એ યુવતીએ બાપુની આજ્ઞાને શિરોમાન્ય ગણીને તેમના આશીર્વાદ લીધા અને આ કામને પોતાના જીવનનું મિશન બનાવી દીધું. પુષ્પા શેઠ નામની એ યુવતી આજે આયુષ્યના સત્તાણુમા વર્ષમાં છે, છતાં તેનો જુસ્સો, મિજાજ એવો જ છે. પુષ્પા શેઠ એ જ પૂર્ણિમાબેન પકવાસા, જેમણે બાપુની બેટીનું પોતાનું ઉપનામ સાર્થક ઠેરવ્યું છે. સાડા નવ દાયકા ઉપરાંતની તેમની જીવનસફર આરંભથી જ અનેક રોચક- રોમાંચક અનુભવોથી સભર છે.
લીંબડીના સમૃદ્ધ ગણાતા શેઠ કુટુંબમાં પુષ્પાનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૧૩ના દિવસે થયેલો. પિતા વ્રજલાલ અને માતા ચંચળબેનનાં ચાર સંતાનોમાં તે સૌથી મોટી. રાષ્ટ્રીય ભાવના તો લોહીમાં જ ભળેલી હતી. કેમ કે, આખું કુટુંબ ગાંધીરંગે રંગાયેલું. મોટા કાકા અમૃતલાલ શેઠ ત્યારે સૌરાષ્ટ્ર નામનું અખબાર ચલાવતા હતા, જેમણે આગળ જતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’(‘જન્મભૂમિપ્રવાસી જેવા અખબારનું પ્રકાશનગૃહ) ની સ્થાપના કરી. સ્વાતંત્ર્ય સંગ્રામના મોટા ભાગના નેતાઓની અવરજવર શેઠ પરિવારને ત્યાં રહેતી. એટલે રાષ્ટ્રીયતાનું વાતાવરણ ઘરમાં સદાય છવાયેલું રહેતું. આવા વાતાવરણમાં ઉછરેલી પુષ્પાએ આ ભાવના, આ સંસ્કાર બરાબર આત્મસાત કર્યા.
અંગ્રેજ સરકારના દબાણથી શેઠ કુટુંબને આઝાદીની પ્રવૃત્તિ ચલાવવા બદલ તડીપાર કરવામાં આવ્યું અને પરિવાર આવીને વસ્યો નજીકના રાણપુર ગામમાં. શેઠ પરિવારના આગમન પછી રાણપુર આઝાદીની ચળવળનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું. ગાંધીજી એક વખત રાણપુર આવ્યા. સ્વાભાવિકપણે જ તેમનો ઉતારો શેઠ પરિવારને ઘેર હતો. બાળવયની પુષ્પા કૂતુહલપૂર્વક ગાંધીજીની દિનચર્યા નિહાળ્યા કરતી. વિદાય લેતી વખતે ગાંધીજીએ તેને કહ્યું, છોકરી, મને કાગળ લખીશ ને?” બાપુના આ પ્રસ્તાવથી તો પુષ્પા રોમાંચિત થઇ ગઇ અને તેણે શરમાતાં, સંકોચાતાં હા પાડી. ત્યાર પછી તેમની સાથે જે પત્રવ્યવહાર શરૂ થયો, તેણે પુષ્પાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો.
ગાંધીજીની હાકલથી ત્યારના અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની જેમ પુષ્પાએ પણ શાળા છોડી. જો કે, શાળા છૂટી પણ અભ્યાસ ચાલુ જ રહ્યો. રાણપુરના ફળિયામાં બાળકોને ભેગા કરીને અમૃતલાલ શેઠ ભણાવતા, તો ઝવેરચંદ મેઘાણી પોતાનાં ગીતો બાળકોને કંઠસ્થ કરાવતા. લીમડાના ઝાડ નીચે ભરાતી આ શાળામાં અનોખા સંસ્કાર પ્રાપ્ત થયા.
તરુણાવસ્થાથી જ પીકેટીંગ, પ્રભાતફેરી, રેંટીયોકાંતણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું તો પુષ્પા માટે સામાન્ય હતું. કેમ કે માતા ચંચળબેન અને કાકી રૂક્ષ્મણિબેન પણ આ પ્રવૃત્તિમાં સક્રિય હતાં. ૧૯૩૦ના સત્યાગ્રહમાં જોડાતા અગાઉ પુષ્પાએ અમરેલી વ્યાયામશાળામાં ખાસ બહેનો માટે જ યોજાયેલો એક માસનો વ્યાયામનો કોર્સ કર્યો હતો. પુષ્પાની સક્રિયતા એવી અને એટલી હતી કે સાત- આઠ વખત તો તેની ધરપકડ થઇ ચૂકી હતી, પણ તેની ઉંમર અઢારની થઇ ન હતી. આથી કાચા કામના કેદી તરીકે વધુમાં વધુ પંદર દિવસની કેદ પછી છોડી મૂકવામાં આવતી. આજે અઢારની ઉંમર થતાં ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે યુવક- યુવતીઓ આતુર હોય છે એથીય વધુ આતુર પુષ્પા અઢાર પૂરાં થતાં જેલમાં જવા માટે હતી. અને એ મોકો મળી પણ ગયો. અમદાવાદમાં ભરાનારા એક સંમેલન પર પોલિસની ચાંપતી નજર હતી. કાર્યકરો પોલિસને ચકમો આપીને છેલ્લી ઘડીએ સંમેલનનું સ્થળ બદલતા રહેતા. આખરે સાબરમતી નદીની વચ્ચોવચ્ચ આવેલા એક નાનકડા બેટ પર કાર્યકરો એકઠા થયા અને સંમેલનની કાર્યવાહી શરુ કરી દીધી. પણ પોલિસ પહોંચી જ ગઇ અને સૌની ધરપકડ કરી, જેમાં પુષ્પાનો પણ સમાવેશ થતો હતો.
સૌ પર રાજદ્રોહનો ખટલો ચલાવવામાં આવ્યો. ચૂકાદો અને સજા નક્કી જ હતાં. સૌને છ માસની સજા થઇ અને સીધા જ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ જેલવાસ સૌ માટે જીવનનો યાદગાર અનુભવ બની રહેવાનો હતો. કસ્તૂરબા પણ અહીં મહેમાન હતાં. તેમણે સૌનું સ્વાગત કરીને ધરપત આપતાં કહ્યું, તમે જરાય ગભરાતાં નહીં. અહીં હું તમારી મા જેવી બેઠી છું. 
જોતજોતામાં તો અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ વડે જેલ ધમધમી ઉઠી. ગીતાના શ્લોકો, ભજન, ધૂન અને ધ્યાન જેવા અધ્યાત્મલક્ષી કાર્યક્રમો નિયમીતપણે થવા લાગ્યા, જેમાં પૂર્ણિમાની ભૂમિકા અગ્રણી બની રહી. થોડા સમયમાં પુષ્પાએ જોયું કે મોટા ભાગની રાજદ્વારી કેદી બહેનો સ્થૂળકાય હતી. તેણે પોતે લીધેલી વ્યાયામની તાલિમનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો અને સૌ બહેનોને નિયમીત કસરત કરાવવા માટે કસ્તૂરબાની મંજૂરી માંગી. કસ્તૂરબાને આ સાંભળીને ભારે રમૂજ થઇ, પણ તેમને વાત સાચી લાગી. તેમણે સૌની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે અન્ય બહેનોને નવાઇ લાગી કે પચાસ કિલોથીય ઓછું વજન ધરાવતી આ પાતળી છોકરી પુષ્પા શી રીતે સૌને સંભાળશે. પણ દોઢસો બહેનોને પચીસ-પચીસની ટુકડીમાં વિભાજીત કરીને પુષ્પાએ તાલિમની શરૂઆત કરી. વિવિધ કસરતોની સાથે યોગાસન, પ્રાણાયામ કરાવવા માંડ્યા ત્યારે તેનો આત્મવિશ્વાસ અને આવડત જોઇને સૌને વિશ્વાસ બેઠો. થોડા દિવસોમાં તેનાં પરિણામ પણ જોવા મળ્યાં.
આ ઉપરાંત બીજું એક મહત્વનું કામ પુષ્પાને માથે હતું. ગાંધીજી ત્યારે પત્ર દ્વારા કસ્તૂરબાને અક્ષરજ્ઞાન આપતા હતા. તેમણે સોંપેલું હોમવર્ક પૂરું કરીને કસ્તૂરબા વળતા પત્રમાં મોકલી આપતા. કસ્તૂરબાએ કરેલું હોમવર્ક તપાસવાનો મોકો પુષ્પાને મળ્યો. આને લઇને ગણિતમાં તેમજ અક્ષરજ્ઞાનમાં કસ્તૂરબાની ઝડપ વધેલી જોઇને ગાંધીજીએ આશ્ચર્ય પ્રગટ કર્યું અને કારણ પૂછ્યું. બાએ પોતાની દીકરી પુષ્પાનું નામ જણાવતાં બાપુએ સંતોષ વ્યક્ત કર્યો.
પૂર્ણિમાબેન પકવાસા 
૧૯૩૬માં હરિપુરામાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં અનેક સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ સાથે પુષ્પા પણ હતી. કોંગ્રેસના મહત્વના નેતાઓ જે દરવાજેથી પ્રવેશતા ત્યાં ઉભા રહીને સૌના ઓળખપત્ર ચકાસીને તેમને પ્રવેશ આપવાની અગત્યની જવાબદારી પુષ્પાને સોંપાઇ. દરેક નેતાનું સ્વમાન જળવાય અને છતાં પોતાનું કામ તો કરવાનું જ. જરા કપરી ફરજ હતી આ. એક વખત સવારના સત્રમાં જાણીતા આગેવાન મંગળદાસ પકવાસા ઓળખપત્ર લીધા વિના આવ્યા. પુષ્પાએ ઓળખપત્ર માંગતા તેમણે જણાવ્યું કે પોતે બપોરના સત્ર વખતે લેતા આવશે. પણ ફરજનિષ્ઠ પુષ્પાએ તેમને વિનયપૂર્વક બહાર બેસવા જણાવ્યું અને તેમના ઉતારાનો તંબૂ નંબર પૂછીને સ્વયંસેવિકાને મોકલીને ઓળખપત્ર મંગાવી લીધું. મંગળદાસ પકવાસા આ તેજસ્વી અને નિર્ભય યુવતીથી પ્રભાવિત થયા અને ત્યાં હાજર રહેલાં મૃદુલા સારાભાઇને તેના કુટુંબ બાબતે પૂછપરછ કરી.
મંગળદાસે સોલીસીટર તરીકેની ધીકતી પ્રેકટિસ છોડીને સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવેલું. ગાંધીજીએ તેમને લાડપૂર્વક બી.બી. (બેચલર ઑફ બેગીંગ) ની ડિગ્રી આપેલી, કેમ કે કોંગ્રેસ માટે દાન ઉઘરાવવામાં તેઓ બહુ કુશળ હતા. કાયદાની મર્યાદામાં રહીને શ્રીમંતોને કોંગ્રેસ માટે દાન આપવા માટે તે તૈયાર કરતા. સ્વતંત્રતા પછી દેશના જે પ્રથમ પાંચ રાજ્યપાલ નિમાયા, તેમાંના એક તેઓ પણ ખરા. પોતાના એકના એક દીકરા અરવિંદ માટે તેમને આ કન્યા યોગ્ય જણાઇ. પણ તેના કુટુંબનો એમ સીધો સંપર્ક શી રીતે કરવો? આથી તેમણે પોતાના મિત્ર અને કન્યાપક્ષના પણ પરિચીત એવા વિખ્યાત સાહિત્યકાર ચં.ચી. મહેતાને વાત કરી. ચં.ચી.ના પ્રયાસથી એક સ્નેહીને ઘેર યોજાયેલી અરવિંદ અને પુષ્પાની મુલાકાત ફળદાયી નીવડી. લગ્ન બાબતે બંનેએ આગળ વધવાનું નક્કી કર્યું. ૧૯૩૮માં તેમનાં લગ્ન થયાં. સાસુ તો ક્યારનાં મૃત્યુ પામ્યાં હતાં. ઘરમાં મોટા કાકાજીસસરાની પુત્રવધૂનું નામ પણ પુષ્પા હોવાથી આ પુષ્પાનું નામકરણ થયું પૂર્ણિમા’.
લગ્ન પછી ઘરની ચાર દિવાલો વચ્ચે બેસી રહેવાની પૂર્ણિમાની જરાય ઇચ્છા નહીં અને ઘરનું એવું વાતાવરણ પણ નહીં. ઘરમાં કેટલાય વરસોથી મુખ્ય સ્ત્રીપાત્રની ગેરહાજરી હતી. પૂર્ણિમાના આગમન પછી એ અવકાશ ભરાઇ ગયો. લગ્ન પછી પૂર્ણિમાએ બે પુત્રીઓ આરતી અને સોનલ તેમજ પુત્ર અનુજને જન્મ આપ્યો. એટલા પૂરતું આરામ કરવાનો થયો હોય એ બરાબર, બાકી તો સતત પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ જ.
પૂર્ણિમાને લાગ્યું કે મહિલાઓ માટેના બાપુચીંધ્યા કામમાં શિક્ષણ અનિવાર્ય છે. પોતાનો મેટ્રિક સુધીનો એ માટે અભ્યાસ ઓછો પડવાનો. આથી તેમણે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં કોલેજ શરુ કરી અને ૧૯૪૭માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ પછી તો તે અલ્હાબાદ સાહિત્ય સંમેલનનાં હિંદી વિશારદ પણ બન્યાં. આઝાદી પછી મંગળદાસ બિહાર અને મધ્ય પ્રાંતના ગવર્નર નિમાયા. ગવર્નર તરીકેના શિષ્ટાચાર કેવા હોઇ શકે એનો દાખલો તેમણે પોતાના રાજ્યપાલપદ દરમ્યાન બેસાડેલો.
નાગપુરના રાજભવનમાં તેમનો નિવાસ હતો ત્યારે મિત્રો અને રાજકારણીઓથી તેઓ ઘેરાયેલા જ રહેતા. ઉનાળામાં તેઓ સપરિવાર પંચમઢી જતા. જંગલોમાં,પહાડોમાં પૂર્ણિમાબેનનો પ્રકૃતિદર્શનનો શોખ બરાબર પોષાતો. જો કે, સસરાએ તાકીદ કરી રાખેલી કે જંગલમાં ખોટું સાહસ કરીને એકલા ફરવા ન જવું. પણ સાહસપ્રિય પૂર્ણિમાબેન એ તાકીદનું પાલન કરે એ બને? તેમણે રસ્તો કાઢી લીધો. રાત્રે સસરાજી પોઢી ગયાની ખાતરી કરી લીધા પછી તેઓ પાછલે બારણેથી સરકે. બે જીપ અને એક ટ્રક તૈયાર રાખવામાં આવી હોય, તેમાં આખી રાત જંગલમાં ભટકે, જંગલી પ્રાણીઓનું બરાબર નિરીક્ષણ કરે અને વહેલી સવારે સસરા જાગે એ અગાઉ પાછાં આવીને પથારીભેગાં થઇ જાય. બીક શેની ને વાત શેની?
પંચમઢીમાં જ આવેલી મિલીટરી ટ્રેનિંગ કોલેજના વાર્ષિકોત્સવમાં એક વખત તેમને નિમંત્રણ મળેલું. અહીં વિવિધ શસ્ત્રોનું નિદર્શન જોયા પછી પૂર્ણિમાબેનને લાગ્યું કે શસ્ત્રો ચલાવતાં શીખવા જેવું છે. માત્ર પુરુષો માટેની એ કોલેજમાં પ્રવેશ માટે તેમણે જિદ્દ કરી. આનાકાની પછી સંસ્થાના ડાયરેક્ટર તૈયાર થયા અને પૂર્ણિમાબેનની તાલિમની વ્યવસ્થા કરવામાં આવી. પોતાના કૌશલ્ય અને તીવ્ર ગ્રહણશક્તિથી તેમણે બ્રેનગન અને સ્ટેનગન તો ઠીક, ભારેખમ હોવાથી પુરુષોના હાથે ચલાવવા માટે જ વધુ યોગ્ય ગણાય એવી થ્રી નોટ થ્રીની રાયફલ ચલાવવામાં નિપુણતા પ્રાપ્ત કરી. એક અચ્છા શૂટર તે બન્યાં. નાગપુર એરપોર્ટના નિયામક પાસે તેઓ નાનું પ્લેન ઉડાડતાં પણ શીખ્યાં હતાં.

વિજયાલક્ષ્મી પંડીત સાથે ગણવેશમાં પૂર્ણિમાબેન 

૧૯૫૩માં મુંબ‌ઇમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે ફરી એક વાર મહિલાઓને સ્વરક્ષણના પાઠ શીખવવાની આવશ્યકતા ઉભી થઇ. પૂર્ણિમાબેને 'શક્તિદળ'ની સ્થાપના કરી બહેનોને સ્વરક્ષણના દાવપેચ શીખવવા શરુ કર્યા, જેનું પરિણામ ખૂબ હકારાત્મક નીવડ્યું.
પણ કાયમી ધોરણે કંઇક આયોજન હજી થઇ શક્યું ન હતું. આધ્યાત્મિક અભિગમ ધરાવતાં પૂર્ણિમાબેન એક વખત ધ્યાનમાં બેઠાં ત્યારે તેમને એક સ્થળ દેખાયું, જેમાં શ્યામરંગી કન્યાઓ નજરે પડતી હતી. મા ભગવતી જાણે કે પૂર્ણિમાનો હાથ પકડીને દોરતી હતી અને આજ્ઞા કરી રહી હતી, " તારે આ કામ કરવાનું છે. આ તારું ભવિષ્ય છે." બે-ત્રણ દિવસ સુધી સતત આવી અનુભૂતિ થઇ એટલે પૂર્ણિમાબેને વાત કરી સસરાને. મંગળદાસે તેને પ્રતિસાદ આપતાં જણાવ્યું કે એ જગાની શોધનો આરંભ તત્કાળ કરી દેવો જોઇએ. આ વાત ૧૯૬૬ની. યોગ્ય જગા શોધવાનું કામ શરુ થયું તો ખરું, પણ ક્યાંય પૂર્ણિમાબેનને 'વાઇબ્રેશન' અનુભવાયાં નહીં. 
સાત- આઠ વરસ લગી આ તપાસ ચાલી, અનેક સ્થળો જોયાં પણ વાત બનતી ન હતી. છેવટે રતુભાઇ અદાણીએ તેમને એક સ્થળ બતાવવાની વાત કરી. સૌ ત્યાં ગયાં. એક ઝાડ નીચે પૂર્ણિમાબેન ઉભાં રહ્યાં અને ત્યાં જ તેમને જબરદસ્ત 'વાઇબ્રેશન્સ' અનુભવાવા માંડ્યા. તેમણે સૌને જણાવ્યું, " બસ, હવે ક્યાંય જવાની જરૂર નથી. મને અહીં જ આવવાનો આદેશ થયો છે." ૧૯૭૪માં આ શોધ પૂરી થઇ અને એ સ્થળે સંસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવાયો. એ સ્થળ એટલે ડાંગમાં આવેલું સાપુતારા, જે ગુજરાતના એકમાત્ર ગિરિમથક તરીકે આજે ઓળખાય છે. પણ ત્યારે એ કેવું હતું? 
આજના નગર જેવું તો ત્યારે હતું જ નહીં. જંગલ-ઝાડીમાંથી પસાર થયા પછી ત્યાં પહોંચાય. નાનાં-નાનાં ઝરણાં રસ્તામાં આવે, જે ચોમાસામાં બેય કાંઠે વહેતા હોય. આવી 'ગૉડ ફોરસેઇકન પ્લેસ'(ખુદ ઇશ્વર દ્વારાય ત્યજી દેવાયેલી)માં આવવાને બદલે કોઇ 'સારી' જગાએ જવાની પણ અમુકે સલાહ આપી. પણ પૂર્ણિમાબેન માટે તો આ 'ઉપરથી આવેલો આદેશ' હતો. આમ, આરંભ થયો 'ઋતંભરા વિદ્યાપીઠ'નો. વરસ હતું ૧૯૭૫નું.
ડાંગની ભૌગોલિક સ્થિતિ વિશિષ્ટ કહી શકાય એવી, તો સામાજિક પરિસ્થિતિ અતિ વિષમ. ગીચ જંગલને કારણે ચોમાસામાં અતિશય વરસાદ પડે, પણ બાકીની ઋતુઓમાં પીવાના પાણીની તંગી, કેમ કે ડુંગરાળ પ્રદેશ હોવાથી પાણીનો સંચય કરવો મુશ્કેલ. જમીનમાં કોઇ કસ નહીં. મુખ્યત્વે વસ્તી આદિવાસીઓની, જેમનામાં શિક્ષણનું પ્રમાણ નહીંવત. ગરીબી પુષ્કળ. જીવન ટકાવવાનો સંઘર્ષ જ એવો કારમો કે ભણતરનો ખ્યાલ જ ન આવે. આવામાં પૂર્ણિમાબેને હિંમત હાર્યા વિના પ્રયાસો જારી રાખ્યા. બસ જાય ત્યાં સુધી તેઓ જતાં અને પછી પગપાળા જતાં, સૌને મળતાં, બાળકોને શાળાએ મોકલવા માટે સમજાવતાં. તેમની ધીરજ સફળ થઇ અને ચૌદ છોકરીઓના 'જંગી' જુમલાથી વિદ્યાલયનો આરંભ થયો.
અનેક મુશ્કેલીઓ, વિપરીત કુદરતી તેમજ માનવસર્જિત સંજોગો, સરકારી તુમારશાહીના માઠા અનુભવોમાંથી પોતાની સૂઝ વડે તેમજ ધ્યેયનિષ્ઠા વડે તેઓ માર્ગ કાઢતાં રહ્યાં, જેને પરિણામે સાપુતારાની 'ઋતંભરા વિદ્યાપીઠ' એક આગવું વ્યક્તિત્વ ધરાવતી સંસ્થા બની રહી છે. શિક્ષણ એટલે કેવળ અક્ષરજ્ઞાન નહીં, પણ જીવનલક્ષી સર્વાંગી શિક્ષણ. એ પાયાના સિદ્ધાંતને વરેલી આ સંસ્થામાં આજે તો અનેક વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઇ રહી છે અને જીવનના મહત્વના પાઠ શીખી રહી છે. ઋતંભરાની વિકાસગાથા વળી અલાયદા આલેખનનો વિષય છે.
પૂર્ણિમાબેનનાં સંતાનોમાં સૌથી મોટી પુત્રી આરતી મહેતા તેમજ પુત્ર અનુજભાઇ સંસ્થામાં મદદરૂપ થતા રહે છે. નાની પુત્રી સોનલ માનસિંગ નૃત્યક્ષેત્રે વિશ્વવિખ્યાત નામ છે.
છેલ્લા પાંત્રીસ વર્ષથી ડાંગમાં જ સ્થાયી થયેલાં પૂર્ણિમાબેનને સૌ 'દીદી'ના આત્મીયતાસૂચક સંબોધનથી બોલાવે છે. પોતાના દીર્ઘ જીવનના અનેકરંગી અનુભવોને તેમણે અનેક પુસ્તકોમાં આલેખ્યાં છે. આટઆટલું કામ કર્યા પછી પણ તે કહે છે, " હજુ તો ઘણું કરવાનું બાકી છે. જ્યાં સુધી એક પણ માણસ પછાત હોય ત્યાં સુધી તેના સર્વાંગી વિકાસની જવાબદારી સમાજની, આપણા સૌની છે." આદિવાસી સેવાના ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ નાનામોટા અનેકવિધ સન્માનો ઉપરાંત 'પદ્મભૂષણ' જેવા રાષ્ટ્રીય કક્ષાના ખિતાબથી સન્માનિત પૂર્ણિમાબેનના આ શબ્દોમાં નિરાશાના નહીં, પણ પ્રચંડ આશાના અને જુસ્સાના ભાવ પડઘાય છે. 

**** **** **** 

(તેમની સાથેની એક અંગત સ્મૃતિ અહીં વહેંચી રહ્યો છું. સામાન્ય સંજોગોમાં તેમનો મારા પર આવેલો પત્ર મૂકવો જોઈએ, પણ તેમની સાથે એકતરફી પત્રવ્યવહાર થયેલો. તેમની સંસ્થા 'ઋતંભરા વિદ્યાપીઠ'ની પુસ્તિકા તૈયાર કરવાનું કામ રજનીકુમાર પંડ્યા દ્વારા મને સોંપવામાં આવેલું. દીદીને મેં લખી રાખેલા આ મૂળ પત્રની નકલ સાપુતારા મોકલી હશે અને આ અસલ પત્ર મુંબઈ મોકલવાનો હશે, જે પછી મોકલવાની જરૂર નહીં રહી હોય, તેથી એ સચવાઈ રહ્યો છે.)  


Friday, April 15, 2016

…તોય વાંકી ને વાંકી : કૂતરાની પૂંછડી કે માણસની પ્રકૃતિ?


બીજા અનેક સજીવો સહિત માનવોની પણ ઉત્ક્રાંતિ થઈ, પણ સંસ્કૃતિની દૃષ્ટિએ વિકાસ માનવનો જ થયો. વક્રતા એ છે કે માનવનો આવો વિકાસ કોઈના ને કોઈના ભોગે થયો હોય છે. આ માટે માનવને અન્ય નબળાં, વગ વિનાનાં, સામાન્ય માણસોનો ભોગ લેવામાં સંકોચ થતો ન હોય તો માનવેતર સજીવોની તે ફિકર કરે જ ક્યાંથી? અનેક પ્રાકૃતિક સંપદા અને સ્રોત પર માણસે કબજો જમાવ્યો છે. પણ એટલું કર્યા પછી એને જંપ નથી. વિકાસ રાજકારણનો મુદ્દો બનવાથી તેની દોટ હવે એટલી ગાંડી, આંધળી અને દિશાહીન બનતી રહી છે કે સમગ્ર સૃષ્ટિને તે પોતાની માલિકીની સમજી રહ્યો છે. એ હકીકત જેટલી વહેલી સમજાય એટલું માનવના જ હિતમાં છે કે સૃષ્ટિના સ્રોતો પર આપણો અધિકાર જેટલો વધુ, એટલી જ તેને સાચવવાની આપણી જવાબદારી વધુ. આ વાંચનારમાંથી મોટા ભાગના લોકોને લાગશે કે વાત સાચી છે, પણ તે પોતાને નહીં, સત્તાવાળાઓને કે મોટા ઉદ્યોગગૃહોને આ લાગુ પડે છે. આપણે એમાં શું કરી શકવાના?

આ કટારમાં મુખ્યત્વે એક યા બીજા સાંપ્રત મુદ્દાઓને લઈને આપણે શું કરી શકીએ?’ તેની નક્કર, વાસ્તવિક અને વ્યવહારુ ચર્ચા થતી આવી છે. આવો એક મહત્ત્વનો મુદ્દો છે આપણી આસપાસના જીવોનો. આ જીવોમાં આપણા રોજબરોજના સંપર્કમાં આવતા શેરીનાં કૂતરાંઓ મુખ્ય છે. શેરીનાં કૂતરાંઓનો ઉલ્લેખ થતાં જ આપણા મનમાં નકારાત્મક તરંગો પેદા થવા લાગે છે. મોડી રાત્રે ભસીને ઉંઘમાં ખલેલ પહોંચાડતાં કૂતરાં, વાહનો પાછળ દોટ મૂકીને અકસ્માતની શક્યતા સર્જતાં કૂતરાં, ક્યારેક કરડીને જાનનું જોખમ ઉભું કરતાં કૂતરાં. ટૂંકમાં અનેક રીતે કૂતરાં દૂષણરૂપ છે અને તેમનું કંઈક કરવું જોઈએ એમ સૌને લાગે છે. મૂંગા જીવો પ્રત્યે જીવદયા દાખવવાનો અને એ રીતે ધર્મનું આચરણ કરવાનો દાવો આપણે કરીએ છીએ, પણ એમ કરવા પાછળ પુણ્ય કમાવાનો આપણો સ્વાર્થ હોય છે. તેથી પોતે હિંસા આચરવામાંથી છટકબારી શોધી લઈને અન્ય પાસે એ કામ કરાવી લેવામાં આપણું પુણ્ય જળવાઈ રહે છે અને પેલું પ્રાણી પણ ઠેકાણે પડી જાય છે. ખરેખર આ બાબતો વિષે ધર્મિષ્ઠ વ્યક્તિ તરીકે નહીં, એક નાગરિક તરીકે વિચારવા જેવું છે.
અંદાજ અપના અપના
આપણને જે પણ ચીજ નડતરરૂપ લાગતી હોય તેને નષ્ટ કરી દેવાના સ્વકેન્દ્રી સંસ્કાર આપણે કેળવ્યા છે. આપણી આસપાસની સૃષ્ટિના અસ્તિત્ત્વનો સ્વીકાર કરીને તેની સાથે સહજીવન કેળવવાનો પ્રયત્ન કરતાં આપણે શીખવાનું છે. જમીન કે મકાનની માલિકી આપણને સંપૂર્ણ સ્વકેન્દ્રી બનવાનો અધિકાર જરા પણ આપતી નથી. આપણને કૂતરાં બાબતે જે સમસ્યા લાગે છે તે આપણી દૃષ્ટિએ છે. કૂતરાં માનવ થકી થતી સમસ્યાની યાદી બનાવે તો કદાચ એ વધુ લાંબી બને.

કૂતરાં બાબતે સૌથી મોટી અને ગંભીર ફરિયાદ તેના કરડવા વિષેની હોય છે. આ ફરિયાદ સંપૂર્ણ સાચી હોવા છતાં આવી દુર્ઘટનાઓનું પ્રમાણ કેટલું? વક્રતા એ છે કે આનાથી અનેકગણી ગંભીર એવા માર્ગ અકસ્માતોની ભયાનક વાસ્તવિકતાને આપણે સહજપણે અને આસાનીથી પચાવી જઈએ છીએ. ખરેખર જોઈએ તો માનવ-પ્રાણીની અથડામણ અપવાદરૂપે હોય છે.

અન્ય પાલતૂ પશુઓની સરખામણીએ કૂતરું સહેજ અલગ પડે છે. કૂતરું કદાચ એકલું એવું પ્રાણી છે જેની પ્રકૃતિ માણસવલું થવાની છે અને એમ કરવા જતાં તે માણસે સર્જેલા વાતાવરણનો મહત્તમ ભોગ બને છે. તે લાતો ખાય છે, હડધૂત થાય છે, બાળકોના પથ્થર ખમે છે, દોડવા જતાં આપણા ટ્રાફિકનું ભાન ભૂલે છે અને પરિણામે ભારે ઈજા પામે છે કાં મરે છે. તે ગંદકી કરે છે, સાથે સાથે આપણી ઘણી ગંદકી સાફ પણ કરે છે, આપણી ગંદકીના કારણે તે ભારે માંદગીમાં પણ પટકાય છે. શહેરમાં જુવાનિયાઓ બાઈક ચલાવતાં પોતાનો પગ રોડ પર ઘસડીને થતા અવાજ વડે કૂતરાને દોડાવવાનો ક્રૂર આનંદ માણે છે. બિલાડી પણ રખડતું પ્રાણી છે, પણ તે માણસવલું ન હોવાથી પોતાની સલામતી જાળવી રાખવામાં સફળ થાય છે.

ખરું જોતાં કૂતરાં આપણી આસપાસના પર્યાવરણનો જ હિસ્સો છે. રખડતાં-ગલીનાં કૂતરાંની સમસ્યા બાબતે નગરપાલિકા કે મહાનગરપાલિકાની ભૂમિકા શી હોવી જોઈએ એ પણ જાણવા જેવું છે. સામાન્ય રીતે સત્તાવાળાઓ રખડતા કૂતરાંઓને પકડીને લઈ જાય છે અને તેમનું ખસીકરણ કરીને તેમને પાછા છોડી દે છે. કૂતરું પોતે એક ક્ષેત્રીય (ટેરિટરીયલ) પ્રાણી હોવાથી તે પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે અને તેમાં બીજાં કૂતરાંઓને પ્રવેશતાં અટકાવે છે. આથી ખરેખર તો કૂતરાંઓને જે વિસ્તારમાંથી પકડી જવામાં આવ્યાં હોય એ જ વિસ્તારમાં પાછાં મૂકી જવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતે પૂરતા અભ્યાસ પછી આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપેલી છે કે કૂતરાંને જ્યાં જન્મ્યાં હોય ત્યાં જીવવાનો અધિકાર છે. માનવીય રાહે તેમની વસતિને કાબૂમાં રાખવા માટે તંત્ર તેમનું ખસીકરણ ભલે કરે, પણ ખસીકરણ બાદ તેમને પાછા તેમના મૂળ વિસ્તારમાં જ છોડવા રહે છે. આનો અર્થ એ થયો કે કુદરતના કાનૂન અનુસાર આપણે કૂતરાંને મારી હટાવી શકીએ તેમ નથી જ, સાથે સાથે આપણે પોતે ઘડેલા કાનૂન અનુસાર પણ તેમ કરી શકાય નહીં અને એમ થાય તો ગુનો બને છે. માણસ સિવાયના અન્ય જીવમાત્રથી નિઃસ્પૃહ હોય તેવી કોઈ વ્યક્તિને લાગે કે કૂતરાં માટે આટઆટલી માથાકૂટ કેમ? એ એટલા માટે કે તેનામાં જીવ છે અને આપણી જેમ તે પણ આ ધરતીના નિવાસી છે.

આપણી આસપાસના પર્યાવરણને સ્વીકારીને જીવવું જરૂરી છે. કબૂતર, કાગડા, કીડી કે કૂતરા જેવા જીવો પણ તેનો જ હિસ્સો છે. કૂતરા માટે બહુ પ્રેમ ન ઉભરાઈ જાય તો કંઈ નહીં, તેનામાં જીવ છે અને તેને વગર કારણે હેરાન કરવાનો આપણને કશો અધિકાર નથી એ સમજવું રહ્યું. પશુપ્રેમી નહીં, પણ એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણે કેટલીક બાબતોનો અમલ કરવો જોઈએ, જે નાગરિકધર્મનો જ ભાગ છે.

આપણા વિસ્તારમાં કોઈ કૂતરું વધુ પડતું આક્રમક જણાતું હોય તો તંત્રને જાણ કરવી. તંત્ર દ્વારા કરવામાં આવતા ખસીકરણથી તેની આક્રમકતા આપોઆપ ઘટી જાય છે. એ પણ જરૂરી છે કે માબાપ તેમજ શિક્ષકો પોતાના બાળકને એટલી શિસ્ત શીખવે કે કૂતરાને કનડવાને બદલે તેમના પ્રત્યે સંવેદનશીલતા કેળવાય. કૂતરાનો ડર રાખતાં કે તેના પર દાદાગીરી કરતાં શીખવવાને બદલે વડીલો બાળકોને કૂતરાનું અસ્તિત્વ સ્વીકારતાં શીખવે. તેની સાથે દોસ્તી નહીં, તો કમ સે કમ સહજતા શીખવે. કૂતરાને વહાલભર્યો પુચકારો, એકાદ બિસ્કીટ કે સૂકી રોટલીથી આ કામ આસાનીથી થઈ શકે. વધેલું ખાવાનું ફ્રીજમાં ધરબી રાખવાને બદલે, તે બગડી જાય તે પહેલાં નિયત ખૂણે ઠાલવી આવવાથી કૂતરાં સાથે સહજતા કેળવાશે. એ રીતે પોતાના વિસ્તારના કૂતરાઓનો ડર ઓછો થશે. ડર કે દાદાગીરી કરતાં દોસ્તી હંમેશાં બહેતર વિકલ્પ છે. કૂતરું તમારા વાહન પાછળ દોડતું હોય તો ધીમે રહીને થોભી જાવ. કૂતરું કરડશે નહીં, પણ આપોઆપ જતું રહેશે. આસપાસમાં ઈજા પામેલું કે રોગગ્રસ્ત કૂતરું દેખાય, તો પોતાના મૂલ્યવાન સમયમાંથી થોડી મિનીટ કાઢીને કૂતરા માટે કામ કરતાં સંગઠનને ફોન કરો, જેથી તેઓ તેનો ઈલાજ કરી શકે. આવું કરવાથી તમને ઊંડે ઊંડે સંતોષ થશે. પરપીડન વૃત્તિ ધરાવતા, પણ બહારથી સામાન્ય જણાતા માણસોની પાશવી વૃત્તિનો ભોગ મોટે ભાગે શેરીના કૂતરાંઓ બને છે. કોઈ વ્યક્તિ કૂતરા કે અન્ય પ્રાણી પ્રત્યે આવું પાશવીપણું દાખવતી દેખાય, તો તેને સમજાવીને અટકાવી શકાય. ન માને તો તેનો વિડીયો ઉતારીને પ્રાણી-સંગઠનને કે કોર્પોરેશનને જાણ કરવી. આમ કરવું પેલા પ્રાણીના તો ઠીક, આપણા ભલામાં છે.

વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબોને બદલે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં પોતાની એકલતા ટાળવા માટે હવે કૂતરાંઓને પાળવાની પ્રથા ચલણી બની છે. પણ માણસ જેનું નામ! સ્વાર્થવશ તે પોતાનાં સ્વજનોને છેહ દઈ શકતો હોય તો પાલતૂ કૂતરું શી ચીજ છે! પાલતૂ કૂતરાં, તેમના પ્રત્યે આપણું સ્વાર્થી વલણ અને તે માટે જરૂરી નાગરિકધર્મની વાત હવે પછી!


(વિશેષ આભાર: ક્ષમા કટારીયા) 

(તસવીર: નેટ પરથી, ચિત્રાંકન: બીરેન કોઠારી) 

('ગુજરાતમિત્ર'ની મારી કોલમ 'ફિર દેખો યારોં' માં ૩૧//૨૦૧૬ ના રોજ પ્રકાશિત)